જહાંગીર બાદશાહ (જ. 30 ઑગસ્ટ 1569 ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627, લાહોર) : મુઘલ બાદશાહ અકબરનો પુત્ર અને બાબરના વંશમાં ચોથો બાદશાહ. મૂળ નામ સલીમ પણ ઈ. સ. 1605ના ઑક્ટોબરની 24મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્ત ઉપર એ બેઠો. તે અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યો હતો. તેણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી. અકબરના સમયમાં તે દસ હજારી સેનાનો મનસબદાર હતો. તેણે પોતાની આત્મકથા લખી છે તેમાં જણાવ્યા મુજબ તખ્ત પર બેઠા પછી એણે પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. પોતાની સ્થિતિ મજબૂત કરવા સૈનિકોના પગારમાં 20 ટકાથી અધિક વધારો કર્યો. જહાંગીરને વ્યગ્ર કરે એવી પહેલી ઘટના તેના શાહજાદા ખુસરોનો બળવો હતો. ખુસરો પોતાને અકબરનો ખરો વારસદાર ગણી ગાદીનો હકદાર માનતો હતો. અકબરની કબરની મુલાકાતે જવાના બહાને તે આગ્રા છોડી મથુરા થઈ પંજાબ તરફ કૂચ કરી ગયો. પણ જલંધર મુકામે તેનો શાહી સેના દ્વારા પરાજય થયો અને તેને કેદ કરી અંધ કરી દેવામાં આવ્યો. શીખ ગુરુ અર્જુનદેવે ખુસરોને આશીર્વાદ આપ્યા હતા અને આર્થિક મદદ કરી હતી તે જાણી રોષે ભરાયેલા બાદશાહે ગુરુને કેદ કરી તેમને મૃત્યુદંડની સજા કરી. ગુરુની માલમિલકત પણ જપ્ત કરવામાં આવી. અર્જુનદેવ પછી તેમના 11 વર્ષના પુત્ર હરગોવિંદ ઈ. સ. 1606માં ગુરુગાદીએ આવ્યા. પિતાનાં મૃત્યુ વખતનાં વચનો મનમાં દૃઢ કરી પોતે લશ્કરી તાલીમ લેવા માંડી અને અનુયાયીઓમાં લડાયક માનસ ઊભું કરવા માટે તેઓને પ્રોત્સાહિત કર્યા. રાજદરબારમાં એમના પિતાને કરેલ દંડ ભરપાઈ કરી આપવાનો તેમને આદેશ આપવામાં આવ્યો. ગુરુએ દંડ ભરવાનો ઇનકાર કરતાં તેમને ગ્વાલિયરના કિલ્લામાં 1611 સુધી કેદી તરીકે ગોંધી રાખવામાં આવ્યા.

જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતો છતાં તેણે એના પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી. 1612માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શૈર અફઘાનને નમાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યો અને બર્દવાનની લડાઈમાં બંનેએ જીવ ખોયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યો અને ચાર વર્ષ પછી શાદી કરી. મહેરુન્નિસાનું નામ નૂરમહલ (રાજમહેલની રોશની) કે નૂરજહાં (જગતની રોશની) રખાયું. એ બાહોશ સ્ત્રીએ જહાંગીર વતી વહીવટ ચલાવ્યો અને એના નામના સિક્કા પણ પડ્યા. 1614માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરસિંહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. દખ્ખણમાં મલિક અંબર નામના સરદારનો ઉદય થયો હતો તેને તાબે કરવા ખૂબ જહેમત પછી 1617માં નમાવ્યો. આ સફળતાનો યશ શાહજાદા ખુર્રમને મળવાને લઈને તેને શાહજહાંનું બિરુદ આપવામાં આવ્યું. અંબરે ફરી માથુ ઊંચકતાં બાદશાહની સામે દક્ષિણનાં રાજ્યોનો સંઘ ઊભો કર્યો પણ શાહજહાંએ તીવ્ર આક્રમણ કરીને અંબરને સુલેહ કરવાની ફરજ પડાઈ. આમ અહમદનગર, દૌલતાબાદ અને ગોવળકોંડા વિસ્તારને 1616થી 1621 દરમિયાન જીતી લેવામાં આવ્યો. દરમિયાનમાં 1620માં કાંગડા રાજ્યને પણ જીતી લેવામાં આવ્યું.

જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જોન હૉકિન્સ આગ્રમાં બે વર્ષ (1609–11) રહ્યો. બાદશાહ તરફથી તેને ઘણી મદદ મળી. સર ટૉમસ રૉ ઈ. સ. 1615ના સપ્ટેમ્બરમાં હિંદ આવ્યો અને તેને અજમેરના દરબારમાં મુલાકાત અપાઈ. બાદશાહની માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે તે તેની સાથે રહ્યો. જોકે વેપાર અંગે કોઈ સમજૂતી કરવામાં આવી નહોતી, તેમ છતાં તેને વેપાર કરવા માટે શાહજાદા ખુર્રમ પાસેથી ફરમાન આપ્યું હતું, જેનાથી અંગ્રેજોને વેપાર માટે યોગ્ય સગવડો મળી હતી.

જહાંગીર ખૂબ દારૂ પીવા ટેવાયેલો હતો. પણ એણે ક્યારેય પોતાનું સત્વ ગુમાવ્યું નહોતું. કપડાંલત્તાં અને મિજબાનીઓનો ભારે શોખ ધરાવતો હતો. કલાનો કદરદાતા હતો અને ખાસ કરીને ચિત્રકલામાં ભારે રસ દાખવતો હતો. એને બગીચા કરાવવાનો ખૂબ શોખ હતો અને કાશ્મીરના બગીચા એના દૃષ્ટાંતરૂપ છે. ફારસી શાયરોને પણ રાજ્યાશ્રમ આપ્યો હતો. મનુષ્ય તરીકે સાદો અને સરળ હતો.

ઈ. સ. 1627માં વસંતઋતાં તે લાહોર છોડીને ઉનાળો ગાળવા કાશ્મીર ગયો. ત્યાં તેની તબિયત બગડી. એ વખતે લાહોરની  હૂંફાળી આબોહવા જ હિતાવહ જણાતાં માંદા બાદશાહે પ્રસ્થાન આદર્યું, પણ લાહોર પહોંચતા દરમિયાન 1627ના ઑક્ટોબરની 28મી તારીખે તેનું મૃત્યુ થયું. નૂરજહાંએ પાછળથી લાહોરમાં જહાંગીરનો ભવ્ય અને સુંદર મકબરો બાંધ્યો.

પ્રવીણચંદ્ર પરીખ