જહાંગીરી મહલ (આગ્રા) (આશરે ઈ. સ. 1566) : મુઘલકાલનું સ્થાપત્ય. અકબરે બંધાવેલા પ્રથમ રાજમહેલોમાંનો એક. મુઘલ શાસનકાળ દરમિયાનનાં સ્થાપત્ય-પ્રણાલીઓનાં વિવિધ પાસાંમાં વચગાળાની શૈલી તરીકે હિંદુ રાજમહેલોનાં સ્થાપત્ય અને મુસ્લિમ સ્થાપત્ય વચ્ચેની ગણાતી શૈલી જેમાં દિશાનો અભાવ રહેતો તેના ઉદાહરણરૂપ આ ઇમારત ગણી શકાય. સમગ્ર ઇમારતનું બાંધકામ પથ્થરમાં થયેલ હોવા છતાં પણ સ્થાનિક કાષ્ઠ સ્થાપત્યશૈલીઓની ઝાંખી આમાં થાય છે. ખાસ કરીને સ્તંભોમાં અને છાપરાંની નીચે રખાયેલ ભરણાં(બ્રેકેટ)ની રચનામાં અને પરસાળની સ્તંભાવલિઓમાં આ કાષ્ઠ સ્થાપત્યની શૈલીની ઝાંખી થાય છે. આગ્રાના કિલ્લાની અંદર રચવામાં આવેલ આ ઇમારત (દક્ષિણ ભાગમાં) અકબરના સમયની છે જેનો ઉત્તર બાજુનો ઘણો ભાગ શાહજહાંના વખતમાં તોડીને નવી ઇમારતો રચાઈ હતી.
રવીન્દ્ર વસાવડા