જહુજહારખાન : ગુજરાતના બે નામાંકિત હબસી સિપાહસાલારોનો ખિતાબ. એક બિલાલ હબસી, જેને એ ખિતાબ ઈ. સ. 1538માં ગુજરાતના સુલતાન તરફથી મળ્યો હતો. બીજો જહુજહારખાન મર્જાન સુલતાન હબસી નામથી ઓળખાતો હતો. એ બિલાલ હબસીનો પુત્ર હતો.

જહુજહારખાન બિલાલ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ગુજરાતની ફોજે દીવના કિલ્લાને ઘેરો ઘાલ્યો ત્યારે આગેવાનીભર્યો ભાગ ભજવતો હતો. દીવનો કિલ્લો સર થવાની અણીને વખતે તે સીડી દ્વારા કિલ્લા પર ચડીને બારીમાં પ્રવેશવા જતો હતો ત્યાં ફિરંગીઓની ગોળીથી ઢળી પડ્યો હતો. તેના શબને સરખેજ લાવીને દફનાવવામાં આવ્યું હતું. તેના પછી તેના સ્થાને તેનો પુત્ર મર્જાન એ જ ખિતાબ ધારણ કરી પોતાની 8000ની સેના સાથે દીવ પરના ઘેરામાં સરદાર રૂઝખાન સાથે જોડાયો હતો. પણ ફિરંગી સેનાપતિ જાઓ દ કાસ્ટ્રોની આગેવાની નીચે હાથોહાથ થયેલી લડાઈમાં તે ફાવ્યો નહિ અને ફિરંગીઓને હાથે કેદ પકડાયો. પાછળથી તે છૂટ્યો અને સુલતાન અહમદશાહ ત્રીજાના સમયમાં બળવાન અમીર બન્યો. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના સમયમાં ઈ. સ. 1566માં થોડા સમય માટે ભદ્રમાં ભરૂચના અમીર ચંગીઝખાનની સત્તા પ્રવર્તી. આ ચંગીઝખાનનો દગાથી જહુજહારખાને વધ કર્યો (1567) અને તેણે તથા ઉલૂઘખાને ભદ્રનો કિલ્લો કબજે લઈ ત્યાં સુલતાન મુઝફ્ફરને ફરીથી સત્તા પર બેસાડ્યો. આ વખતે જહુજ્હારખાનની વગ અમદાવાદ ઉપરાંત મધ્ય ગુજરાતના પ્રદેશો પર પણ સારી રીતે જામી.

ઈ. સ. 1573માં મુઘલ શહેનશાહ અકબરે ગુજરાત જીતી લીધું. ત્યારબાદ પકડાયેલા જહુજહારખાનને અકબર પ્રત્યે તેણે અપશબ્દો વાપર્યા હોઈને તેમજ તેણે કરેલા ચંગીઝખાનના વધની સજા રૂપે સમ્રાટના દેખતાં ભરૂચ મુકામે હાથીના પગ નીચે કચડીને મારી નાખવામાં આવ્યો. તેના શબને સરખેજ આણી તેના પિતા જહુજહારખાન બિલાલની કબર પાસે દફનાવવામાં આવ્યું હતું.

પ્રવીણચંદ્ર પરીખ