જહાંગીરી મસ્જિદ, જૌનપુર : જૌનપુરી કે શર્કી સ્થાપત્યશૈલીનો નમૂનો. જૌનપુર (1360થી 1480) તે વખતમાં દિલ્હીનું એક અગત્યનું તાબેદાર રાજ્ય હતું અને ત્યાંનો રાજ્યપાલ પૂર્વના રાજા તરીકે ઓળખાતો જે ખિતાબ દિલ્હીના તુઘલક રાજવીઓએ તેને આપેલ – મલ્લિકુરા-શર્ક (પૂર્વનો રાજા), જેના ઉપરથી આ સમય દરમિયાનના જૌનપુરની રાજાશાહી શર્કી તરીકે ઓળખાયેલ. આ સમય પછીના લોદી રાજવીઓની વૃત્તિને લઈને લગભગ જૌનપુરનો નાશ થયેલ; પરંતુ પાંચેક જેટલા નમૂનાઓ હયાત રહ્યા જેના લીધે જૌનપુરની શૈલીનો ખ્યાલ આવી શકે છે. આ નમૂનાઓ જોતાં તે સ્થાપત્યની શૈલીની ભવ્યતા વિશે અનુમાન કરી શકાય છે. આ નમૂનાઓમાં જહાંગીરી મસ્જિદ એક અગત્યનું ઉદાહરણ પૂરું પાડે છે. આ મસ્જિદ આશરે 1430 દરમિયાન બંધાયેલ; જેનો એક અંશ જ હયાત છે છતાં તેના દ્વારા પણ તેની પૂર્ણતાની ભવ્યતાનો ખ્યાલ આવે છે. ખંડિત હયાત આગલા ભાગમાંની સુંદર જાળીઓની અપ્રતિમ ભવ્યતાને લઈને આ મસ્જિદને જહાંગીરી અથવા જાળીવાળી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્જિદના સમગ્ર આકારની સમજણ કદાચ આટલા જૂજ ખંડેર પરથી ન મળે.
રવીન્દ્ર વસાવડા