જહાંગીરની કબર : મુઘલકાલીનનું એક ભવ્ય સ્થાપત્ય. જહાંગીરના શાસન(1605થી 1627)ના સમયના સ્થાપત્યનો અગત્યનો ભાગ અકબરની સિકંદરા ખાતેની કબરના બાંધકામ પછીનો ગણી શકાય. જહાંગીરની પોતાની કબરનો મોટો ભાગ તેના અવસાન પછી તેની બેગમ નૂરજહાંની દેખરેખ નીચે બંધાયેલ. મુઘલ શહેનશાહોની પ્રણાલી મુજબ આ કબર પણ એક ભવ્ય બાગની મધ્યમાં ચાર બાગના સિદ્ધાંત પર બંધાયેલ. આ બાગ લગભગ 457.20 મી.નો ચતુષ્કોણ રખાયેલ જેની મધ્યમાં લગભગ 99.03 મી.ના ચોરસ માપની કબર બાંધવામાં આવેલ. આ બાગ રાવી નદીને કિનારે રચાયેલ જેની ચારે બાજુ ઊંચી દીવાલથી રક્ષિત કરાયેલ અને ચારે
બાજુ દરવાજાનું આયોજન કરાયેલ. આ રીતે આ બાગ મુઘલ રાજાઓએ બંધાવેલા બાગોમાં સૌથી વિશાળ અને પ્રણાલીગત ગણાય છે. સમગ્ર બાગનું 16 ચતુષ્કોણમાં વિભાજન કરાયેલ છે. જેને પથ્થરજડિત પગદંડીથી જોડેલ છે અને દરેકની મધ્યમાં ફુવારાનું આયોજન કરાયેલ છે. આ દરેક વિભાગમાં અલગ અલગ પ્રકારનાં ફૂલનું વાવેતર કરાયેલ જેથી દરેક ઋતુમાં તે રંગવિભોર બની જતો. બાગની મધ્યમાં કબરનું આયોજન કરાયેલ જે અષ્ટકોણાકારમાં બનાવાયેલા દરેક પૂર્ણ રચાયેલ મિનારાથી ભવ્ય લાગે છે. દરેક મિનારા પાંચ સ્તરમાં રચાયેલ અને લગભગ 30.48 મી. ઊંચાઈના બનાવાયેલ. તેની અગાશીમાં વચ્ચે એક છત્રી રચવામાં આવેલ જે હયાત નથી. આ ઇમારત અંદરથી ફક્ત એક મધ્ય ખંડ અને ચારે બાજુ નાના નાના ખંડોથી રચાયેલ. મધ્યસ્થ ખંડમાં જહાંગીરની કબર રખાયેલ. તે અંદરથી ખાસ સુયોજિત ઢંગથી રચાયેલ નહિ. ખાસ તો જહાંગીરની પોતાની એક કુદરતના પ્રેમી તરીકેની લાક્ષણિકતા પ્રદર્શિત કરવા માટે આવી ઇમારતનું આયોજન થયું હોય તેમ માની શકાય.
રવીન્દ્ર વસાવડા