જવાહરલાલ નેહરુ ચેલેન્જ ટ્રૉફી
January, 2012
જવાહરલાલ નેહરુ ચેલેન્જ ટ્રૉફી : ભારતના મહાન સપૂત પંડિત જવાહરલાલ નેહરુની પુણ્યસ્મૃતિમાં 1954માં દિલ્હી મુકામે અખિલ ભારત જવાહરલાલ નેહરુ હૉકી સ્પર્ધાની શરૂઆત થઈ. હૉકીમાં રસ લેતી સંસ્થાઓ અને હૉકીના ખેલાડીઓના અનેરા ઉત્સાહને લઈને 1964માં 24 ટુકડીઓએ ભાગ લીધો, જેમાં તે વખતની દેશની સારામાં સારી ગણાતી ટુકડીઓનો સમાવેશ હતો. 1965માં આ સ્પર્ધામાં 28 ટુકડીઓએ ભાગ લીધો, જેમાં જાપાનની ટુકડીનો પણ સમાવેશ થવાના કારણે તે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વિકાસ પામી, જે તેની લોકપ્રિયતાની પ્રતીતિ આપે છે. જાપાનની ટુકડી ભારતની મુલાકાતની યાદમાં બંને સેમિફાઇનલમાં હારેલી ટુકડીઓ પૈકી જે ટુકડી જીતે તેને સુંદર ટ્રૉફી ભેટ ધરવામાં આવે છે. 1966માં આ સ્પર્ધામાં 30 ટુકડીઓએ ભાગ લીધો, જેમાં શ્રીલંકા તરફથી બે ટુકડીનો પણ સમાવેશ હતો. તે પછી ઇંગ્લૅન્ડની ટુકડીએ પણ તેમાં ભાગ લેતાં રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા તેની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાની બની રહી છે. દર વર્ષે 20થી વધારે ટુકડીઓ તેમાં ભાગ લઈ હૉકીની રમતનાં પોતાનાં ધોરણોનું મૂલ્યાંકન કરે છે અને ઉત્તરોત્તર વિકાસ સાધે છે.
ચિનુભાઈ શાહ