જવાસો (ધમાસો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alhagi pseudahhavgi (Bieb.) Desv. Syn. A. camelorum Fisch. ex DC. (સં. યાસ, યવાસ, દુ:સ્પર્શ; હિં. મ. જવાસા; બં. જવસા; અ. હાજ; ફા. ખારેશુતુર; અં. કૅમલ થોર્ન; પર્સિયન મન્ના પ્લાન્ટ) છે. તે 30-60 સેમી. ઊંચા કાંટાળા, પ્રસરશીલ છોડ છે અને ગંગાની ખીણમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને રાજસ્થાનના શુષ્ક પ્રદેશોમાં; બિહારમાં 900 મી.ની ઊંચાઈ સુધી અને કાશ્મીરમાં ખડકાળ અને કંકરિત (gravelly) જમીનમાં પણ તે થાય છે. વિદેશોમાં તે પાકિસ્તાન, ઇજિપ્ત, સીરિયા, ઈરાન તથા આરબદેશોમાં વધારે પ્રમાણમાં થાય છે. પર્ણો લંબચોરસ, કુંઠાગ્ર (obtuse), 1.25-3.25 સેમી. લાંબાં હોય છે. પુષ્પ લાલ રંગનાં, થોડાંક પુષ્પોવાળી કક્ષીય કલગીઓ (racemes)માં ગોઠવાઈ શાખાને છેડે લઘુપુષ્પગુચ્છ (panicle) બનાવે છે. ફળ શિંબ (legume) પ્રકારનાં, 2.5–4.0 સેમી. લાંબાં, દાત્રાકાર (falcate) કે સીધાં હોય છે. દરેક ફળમાં 6-8 ઉપ-વૃક્કાકાર (sub-reniform) બીજ હોય છે.

તે શીતળ અને કડવી વનસ્પતિ છે અને પિત્તદોષ-રોધી (anti-bihious), જંતુઘ્ન (antiseptic), રેચક, મૂત્રલ (diuretic) અને કફઘ્ન (expectorant) છે. તેનો આસવ (infusion) સ્વેદકારી (diaploretic) હોય છે. દમના દર્દીને આરામ માટે કાળો ધતૂરો, તમાકુ અને અજમાનાં બીજ સાથેનો છોડનો ધુમાડો આપવામાં આવે છે. તેની શાખાઓ પોટીસ બનાવવામાં વપરાય છે અને મસામાં દર્દીને તેમનો ધૂપ અપાય છે. શાખાઓનો કાઢો બાળકોને કફમાં આપવામાં આવે છે.

પ્રરોહનો આલ્કેલાઇન નિષ્કર્ષ Micrococcus pyogenes var.aureus સામે પ્રતિજૈવિક (antibiotic) સક્રિયતા દર્શાવે છે. મૂળનો કાઢો સોજા અને ગૂમડાં ઉપર અને પર્ણોમાંથી મેળવેલું તેલ આમવાત (rheumatism) પર લગાડવામાં આવે છે.

શાખાઓ β–ફિનેથિલેમાઇન, N-મિથાઇલ –β– ફિનેથિલેમાઇન, N–મિથાઇલ ટાયરે માઇન, હોર્ડેનિન, 3, 4–ડાઇહાઇડ્રૉક્સિ –β– ફિનેથિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ, 3–મિથૉક્સિ –4– હાઇડ્રૉક્સિ –β–ફિનેથિલ ટ્રાઇમિથાઇલઍમોનિયમ હાઇડ્રૉક્સાઇડ, N–મિથાઇલ મૅસ્કેલિન અને સેલ્સોલિડિન નામનાં આલ્કેલૉઇડ તથા અલ્પ જથ્થામાં કોલાઇન અને બિટેઇન ધરાવે છે. મૂળમાં પણ ઉપર્યુક્ત આલ્કેલૉઇડ હોય છે; પરંતુ તેઓ અલ્પ પ્રમાણમાં હોય છે. ઔષધગુણવિજ્ઞાનીય (phrmacological) પરીક્ષણ દરમિયાન જવાસાનાં આલ્કેલૉઇડ અનુકંપાનુકારીસમ (sympathomimetic) સક્રિયતા દાખવે છે.

છોડનો ઉપયોગ ઊંટ માટે ચારા તરીકે થાય છે. તેનાં પુષ્પ અને ફળનિર્માણના તબક્કાઓનું શુષ્કતાને આધારે આનુક્રમિક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 11.6 %, 100 %; લિપિડ 2.9 %, 3.1 %; સૅલ્યુલોઝ 30.3 %, 31.6 %; N-મુક્ત નિષ્કર્ષ 46.8 %, 46.3 %; અને ભસ્મ 8.4 %, 8.9 %. છોડ ટેનિન, ફ્લૅવોનૉઇડો, કાઉમેરિન વ્યુત્પન્નો, ઍસ્કૉર્બિક ઍસિડ, શ્લેષ્મ અને બાષ્પશીલ તેલ ધરાવે છે. ફળ અને મૂળમાં ટેનિનનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પર્ણોમાં ફ્લેવોનૉઇડ(મુખ્યત્વે રુટિન)નું પ્રમાણ સૌથી વધારે હોય છે. મૂળમાં ક્વિર્સેટિન, ગુંદર, રાળ, મીણ અને રંજકદ્રવ્ય હોય છે. શુષ્ક ચૂર્ણિત છોડમાંથી તટસ્થ પ્રોટીનેઝ અને અલ્હાગેઇન અલગ કરવામાં આવ્યાં છે.

કપડા પર જ્વાસાની શાખાઓ હલાવતાં તે મીઠો શર્કરાયુક્ત સ્રાવ કરે છે. તેને ‘યાસ શર્કરા’, ‘અલ્હાગી મન્ના’ કે ‘તુરંજબિન’ કહે છે. આ સ્રાવ ભારતીય છોડ પર થતો નથી; પરંતુ મુખ્યત્વે તુર્કી, ઈરાન અને ઇરાકના પ્રદેશોમાંથી એકત્રિત કરવામાં આવે છે. તે ધાણાના દાણાના કદના, નાના, ગોળ, અસમાન કણોને સ્વરૂપે થાય છે. અને એકબીજા સાથે ચોંટી જઈ ગોળ પિંડાકાર બને છે. તે 26.4 % જેટલો સુક્રોઝ ધરાવે છે. તેનો ઉપયોગ કફઘ્ન, વમનરોધક (anti-emetic) અને રેચક તરીકે થાય છે. શિંગમાંથી પ્રાપ્ત કરેલ મન્નામાં મુખ્યત્વે સુક્રોઝ હોય છે અને તેનો ઉપયોગ રેચક અને કફઘ્ન તરીકે કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર જવાસો રસમાં મધુર, કડવો, તૂરો; ગુણમાં – ભારે તથા સ્નિગ્ધ, વિપાકે મધુર અને શીતવીર્ય છે. દોષોની ર્દષ્ટિએ તે વાત અને પિત્તશામક તથા કફનિ:સારક છે. તે સોજા મટાડનાર, રક્તરોધક, રક્તશોધક, મૂત્ર પેદા કરનાર, ત્વચા-રોગહર, બલ્ય, બૃંહણ, પીડાશામક, મગજ શાંત કરતા, ઊલટી તથા તરસ અટકાવનાર, અનુલોમનકર્તા અને તાવ, દાહ, શિર:શૂલ, મૂર્ચ્છા, ભ્રમ, ઊલટી, તૃષા, કબજિયાત, હરસ, રક્તપિત્ત, વાતરક્ત (ગાઉટ); ખાંસી, શરદી, શ્વાસ; મૂત્રકૃચ્છ્ર(કષ્ટમૂત્ર); વીર્યની નબળાઈ, ત્વચારોગો તથા સામાન્ય નબળાઈને મટાડે છે. જવાસો ઝાડો સાફ લાવનાર, મૂત્રવર્ધક અને કફનાશક છે. તેનું સત્વ ખાંસીનાશક છે અને તેની સાકર-તુરંજબીન-જવના પાણી સાથે આપવાથી બાળકોને તરત ખુલાસાથી દસ્ત આવે છે, પિત્તને કાઢે છે, લોહી શુદ્ધ કરે છે, કફ-ખાંસી મટાડે છે, કામવૃત્તિ વધારે છે તથા શરીર પુષ્ટ કરે છે.

જવાસો રવિપાકનાં ખેતરોમાં ત્રાસદાયી નીંદણ છે અને તેનો નાશ કરવો ખૂબ મુશ્કેલ હોય છે. સ્પૉન્ટોક્સ અને બેન્વેલ-D જેવા નીંદણ- નાશકો (weedicides)નાં પરિણામો સારાં મળ્યાં છે.

શુષ્ક પર્ણોનો ઉપયોગ ચર્મશોધન માટે થાય છે. જવાસાની શાખાઓનો ઉત્તર ભારતમાં ઉનાળાની ઋતુમાં ખસની ટટ્ટીની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

 બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ