જવાબી કાર્ડ : કાશ્મીરી વાર્તાસંગ્રહ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કાશ્મીરના વાર્તાસાહિત્યનું આધુનિકતા તરફ જે પ્રસ્થાન થયું તેમાં દીનાનાથ નદીમના ‘જવાબી કાર્ડ’ સંગ્રહનો મહત્વનો ફાળો છે. સ્વાતંત્ર્ય પૂર્વે કાશ્મીરી વાર્તાસાહિત્યનો ગણનાપાત્ર વિકાસ થયો નહોતો. સ્વાતંત્ર્યોત્તર કાળમાં ત્યાં શિક્ષણનો પ્રચાર થયો. વિશ્વવિદ્યાલયમાંથી ડિગ્રીઓ મેળવીને બહાર પડતા યુવાન લેખકોએ અન્ય સાહિત્યપ્રકારોની જેમ કાશ્મીરી વાર્તાસાહિત્યમાં પણ અનેક નવા પ્રયોગો કર્યા. એ યુવકોમાં દીનાનાથ નદીમ મુખ્ય હતા. એમનો વાર્તાસંગ્રહ ‘જવાબી કાર્ડ’ અનેક રીતે વિશિષ્ટ છે. એમાં પ્રગતિવાદની પ્રબળ અસર છે અને કાશ્મીરી કથાસાહિત્યમાં પ્રથમવાર આપણને વર્ગવિગ્રહનો સૂર સંભળાય છે. વાર્તાસાહિત્યમાં પ્રગતિવાદી (સામ્યવાદી) વિચારધારાનું નિરૂપણ પ્રથમવાર દીનાનાથના આ વાર્તાસંગ્રહ દ્વારા થયું. એમાંની મુખ્ય વાર્તા ‘જવાબી કાર્ડ’માં એક સંપન્ન જમીનદાર, ખેતમજૂરોનું ભયાનક શોષણ કરે છે અને ત્રાસ આપે છે. તેને પરિણામે મજૂરો સંગઠિત થઈ એને પીટે છે અને એના મકાનને આગ લગાડે છે. મજૂરો પર મુકદ્દમો ચાલે છે પણ પુરાવાને અભાવે છૂટી જાય છે અને પરિણામે શોષકવર્ગ ભયના માર્યા, પોતાનું વલણ બદલે છે. એમાં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ પણ છે. પુસ્તક દ્વારા ચેતનાપ્રવાહ શૈલી, આત્મકથન શૈલી, ડાયરી વગેરેના પ્રયોગો દ્વારા કાશ્મીરી વાર્તાકારોને પરોક્ષ રીતે દિશાસૂચન કરવામાં આવ્યું છે.

આ રીતે નદીમની વાર્તાઓનો આ સંગ્રહ કાશ્મીરી વાર્તાઓની પ્રગતિનું સીમાચિહન છે.

ચન્દ્રકાન્ત મહેતા