જળશુદ્ધિ : વપરાશના પાણીનું શુદ્ધીકરણ. પાણીના શુદ્ધીકરણથી વિવિધ પ્રકારના ચેપી રોગો ઘટે છે. એક અભ્યાસ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાણીના શુદ્ધીકરણના કાર્યને કારણે કૉલેરાથી થતા મૃત્યુમાં 74.1 %, ટાઇફૉઇડથી થતા મૃત્યુમાં 63.6%, મરડાથી થતા મૃત્યુમાં 23.1 % ઘટાડો થયો છે અને ઝાડાના કિસ્સામાં 42.7 % જેટલો ઘટાડો નોંધાયેલો છે. તેથી શુદ્ધ પાણીના જાહેર વિતરણથી જાહેર આરોગ્ય પર વિધાયક અસર પડે છે. 1975ના વિશ્વ આરોગ્ય સંસ્થાના એક સર્વેક્ષણ મુજબ ભારતની ફક્ત 18% ગ્રામીણ વસ્તીને શુદ્ધ પાણી મળતું હતું. તેથી તેણે વિશ્વમાં બધાંને 1990 સુધીમાં શુદ્ધ પાણી મળી રહે તેવો સંદેશો આપ્યો હતો જે હજુ પણ સ્વપ્નવત્ રહેલો છે. માનવવપરાશ માટે ફક્ત સુરક્ષિત (safe) પાણી નહિ પરંતુ સ્વીકાર્ય અને આરોગ્યપ્રદ (wholesome) પાણી હોવું જોઈએ એમ મનાય છે. સંપૂર્ણ સ્વીકાર્ય અને આરોગ્યપ્રદ પાણીમાં રોગકારી સૂક્ષ્મ જીવો ન હોવા જોઈએ, નુકસાન કરે તેવાં રસાયણો ન હોવાં જોઈએ, તેનો સ્વાદ સારો હોવો જોઈએ અને તે ઘરવપરાશમાં ઉપયોગી હોવું જોઈએ એમ મનાય છે. સૂક્ષ્મ જીવો, પરોપજીવીઓ (parasites) કે ઝેરી રસાયણોવાળા પાણીને પ્રદૂષિત (pollulated, contaminated) પાણી કહેવામાં આવે છે. પ્રદૂષણ (pollution) અને અશુદ્ધીકરણ (contamination) સમાનાર્થી શબ્દો છે.
પાણીના ઉપયોગો અને જરૂરિયાત : (1) પાણી ઘરવપરાશમાં પીવા માટે, રાંધવા માટે, ધોવા અને સ્નાન કરવા માટે વપરાય છે. (2) પાણીનાં જાહેર કાર્યો માટેના ઉપયોગમાં જાહેર સફાઈ, આગ સામે રક્ષણ, જાહેર બગીચાની યોજના, તરવા માટેનાં જાહેર સ્થળો વગેરેનો સમાવેશ થાય છે. (3) વિવિધ ઉદ્યોગોમાં પાણી આવશ્યક છે. તેવી રીતે ખેતીના ક્ષેત્રે પણ પાણી અતિ આવશ્યક છે. આમ, પાણી વ્યક્તિગત જીવન માટે, જાહેર સફાઈ માટે, સામાજિક વ્યવસ્થા માટે, આર્થિક વિકાસ માટે તથા ખેતી માટે અતિ આવશ્યક છે. કોઈ પણ વસ્તી માટે દિવસનું માથાદીઠ 150થી 200 લિટર પાણી જરૂરી ગણાય છે.
પાણીનાં સ્રોતમૂળ (sources) : પાણી 3 રીતે મળે છે : (1) વરસાદ, (2) જમીનની સપાટી પરથી દા.ત., નદીઓ અને વહેળા કે ઝરણાં (streams), તળાવ, સરોવર અને કૃત્રિમ જળાશયો, ટાંકીઓ અને વિશિષ્ટ સંગ્રહસ્થાનો (reservoirs) તથા (3) જમીનની નીચેથી. દા.ત., છીછરા કૂવા, ઊંડા કૂવા, ટ્યૂબવેલ અને ઉદ્ઝરણાં (springs). સ્થાનિક જરૂરિયાત માટે પાણીનો પ્રકાર અને પ્રમાણ નક્કી કરવા માટે વ્યાવસાયિક નિષ્ણાતોની સલાહ ઉપયોગી રહે છે. વરસાદ પાણીનો મુખ્ય સ્રોત – મૂળ છે. કુદરતમાં મળતું સૌથી વધુ શુદ્ધ પાણી વરસાદ દ્વારા મળે છે; પરંતુ ભારતમાં તે રોજિંદા વ્યવહારમાં ઓછું મહત્વનું છે.
પાણીનું પ્રદૂષણ : રાસાયણિક રીતે પાણી ભાગ્યે જ શુદ્ધ હોય છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બંને પ્રકારની અશુદ્ધિઓ હોય છે. હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન-ડાયૉક્સાઇડ, એમોનિયા વગેરે વાયુઓ તથા કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને સોડિયમના વિવિધ પ્રકારના ક્ષાર પાણીમાં ઓગળીને તથા માટી, રેતી, કાદવ, કાંપ વગેરે અદ્રાવ્ય પદાર્થો પાણીમાં ભળીને તેને પ્રદૂષિત કરે છે. આ કુદરતી અશુદ્ધિઓ વાતાવરણ, આસપાસની જમીન તથા સ્રોત – મૂળની જગ્યામાંથી મળે છે. જોકે પાણીના પ્રદૂષણમાં સૌથી વધુ મહત્ત્વનું અને ખરાબ પાસું માનવસર્જિત પ્રદૂષણ છે. માનવસર્જિત ઘન અને પ્રવાહી કચરો, ઔદ્યોગિક કચરો, કૃષિજન્ય કચરો તથા ગરમી અને વિકિરણકારી પદાર્થો (radio-active substances) દ્વારા થતું પ્રદૂષણ અટકાવી શકાય તેવું પણ છે અને ખૂબ જોખમી પણ છે.
પાણીના પ્રદૂષણથી ઉદભવતાં જોખમો (hazards) મુખ્યત્વે બે પ્રકારનાં છે : (1) જૈવિક અને (2) રાસાયણિક. પાણી દ્વારા વિવિધ રોગો ફેલાય છે. (જુઓ સારણી 1)
સારણી 1 : પાણી દ્વારા ફેલાતા રોગો | ||||
1. ચેપકારી સૂક્ષ્મ જીવો : | ||||
(અ) | વિષાણુજન્ય રોગો | ચેપી કમળો, બાળલકવો (polio) | ||
(આ) | જીવાણુજન્ય રોગો | કૉલેરા, ટાઇફૉઇડ, પેરાટાઇફૉઇડ, મરડો, ઝાડા વગેરે | ||
(ઇ) | પ્રજીવ(protozoa)જન્ય રોગો | અમીબાજન્ય રોગો, જીઆર્ડિઆના રોગ | ||
(ઈ) | કૃમિજન્ય રોગો | રજ્જુકૃમિ, સૂત્રકૃમિ બહુકોષ્ઠી રોગ (hydatid disease) | ||
(ઉ) | લેપ્ટોસ્પાયરાજન્ય રોગ | બેઇલનો રોગ | ||
2. ચેપવાહક જંતુઓ દ્વારા ફેલાતા રોગ : | ||||
(અ) | પોરા (cyclops) | વાળો, મચ્છી પટ્ટીકૃમિ (fish tape worm) | ||
(આ) | સ્નેઇલ | શિસ્ટો સોમિયાસિસ | ||
રાસાયણિક પ્રદૂષણકારી પદાર્થોમાં સાયનાઇડ, ભારે ધાતુઓ, ઑર્ગેનિક ઍસિડ, નાઇટ્રોજનયુક્ત પદાર્થો, બ્લીચિંગ દ્રવ્યો, રંગો, રંજકદ્રવ્યો, સલ્ફાઇડ્સ, ઍમોનિયા વગેરેનો સમાવેશ થાય છે. ક્યારેક આવા રાસાયણિક પ્રદૂષકો (polluants) પાણી દ્વારા માનવ-આહારમાં ભળીને પણ રોગ કરે છે. દા.ત., માછલીમાં એકઠું થતું ઝેર. 1974માં ભારતની લોકસભાએ પાણીનું પ્રદૂષણ અટકાવવાનો અને પ્રદૂષણને નિયંત્રિત કરવાનો કાયદો કર્યો છે. તેની અંતર્ગત જળબોર્ડ (water board) રચાયાં છે.
કઠણ પાણી : પાણીમાં કેટલાંક રસાયણો હોય તો તે સાબુના કાર્યને ઘટાડે છે. તેવા પાણીને કઠણ પાણી (hard water) કહે છે. કૅલ્શિયમ અથવા મૅગ્નેશિયમ બાયકાર્બોનેટ તથા કૅલ્શિયમ અથવા મૅગ્નેશિયમ સલ્ફેટની હાજરીમાં પાણી કઠણ બને છે. કેટલેક અંશે કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્લોરાઇડ અને નાઇટ્રેટ્સ પણ આ કાર્ય કરે છે. કઠણ પાણી સાબુ અને ડિટર્જન્ટના કાર્ય ઉપરાંત અન્ય પ્રક્રિયાઓમાં પણ મુશ્કેલીઓ સર્જે છે. તે બૉઇલરમાં જમા થાય છે અને ઊર્જાનો વ્યય કરે છે, ખોરાક રાંધવામાં સ્વાદફેર કરે છે. કાપડનું ટકાઉપણું ઘટાડે છે, ઔદ્યોગિક ક્ષેત્રે પણ તે મુશ્કેલી ઊભી કરીને આર્થિક નુકસાન કરે છે અને નળીઓ તથા જોડાણોને નુકસાન કરે છે. ઉકાળીને, ચૂનો (lime) ભેળવીને, સોડિયમ કાર્બોનેટ મેળવીને, પરમ્યુટિટ પ્રક્રિયા વડે કે બેઝ-એક્સચેન્જ પ્રક્રિયા વડે પાણીની કઠણતા દૂર કરાય છે. કઠણ પાણીનો ઉપયોગ કરનારામાં હૃદયના રોગોથી મૃત્યુનો દર વધે છે એવું નોંધવામાં આવેલું છે.
પાણીનું શુદ્ધીકરણ : પાણીના શુદ્ધીકરણના બે મુખ્ય વિભાગો છે : (અ) મોટા પાયે શુદ્ધીકરણ, (આ) નાના પાયે શુદ્ધીકરણ. મોટા પાયે શુદ્ધીકરણના 3 તબક્કા છે : (1) સંગ્રહ (2) ગાળણ અને (3) ક્લોરિનીકરણ (chlorination).
(1) સંગૃહીત પાણીમાં આસપાસનું કુદરતી પ્રદૂષણ ઘટે છે. લગભગ 90 % જેટલી અદ્રાવ્ય નિલંબિત (suspended) અશુદ્ધિ 24 કલાકમાં નીચે ઠરે છે અને તેથી પાણી ચોખ્ખું થાય છે. તેને કારણે તેમાં પ્રકાશ પ્રવેશી શકે છે તેમજ ગાળણની ક્રિયા પરનું ભારણ ઘટે છે. પાણીમાંના જારક જીવાણુઓ (aerobic bacteria) પાણીમાંના ઓગળેલા ઑક્સિજનની મદદથી ઓર્ગેનિક પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને પાણીમાંનો ઍમોનિયા ઘટાડે છે. સંગૃહીત પાણીમાં ઘણા જીવાણુઓ નાશ પામે છે. (90 % 5થી 7 દિવસમાં). તેથી નદીના પાણીને 10થી 14 દિવસ સંગ્રહી રાખવું યોગ્ય ગણાય છે. જોકે લાંબા ગાળાના સંગ્રહમાં શેવાળ (algae) જેવી વનસ્પતિની વૃદ્ધિ થવાથી પાણીમાં દુર્ગંધ અને રંગ ઉત્પન્ન થાય છે.
(2) ગાળણ (filtration) દ્વારા 98%થી 99% જીવાણુ(bacteria)ને દૂર કરી શકાય છે. અન્ય અદ્રાવ્ય પદાર્થો પણ દૂર થાય છે. મુખ્યત્વે બે પ્રકારના ગાળકો (filtres) ઉપલબ્ધ છે. (ક) જૈવિક અથવા ધીમા રેતીવાળા (slow sand) અને (ખ) યાંત્રિક અથવા ઝડપી રેતીવાળા (rapid sand) ગાળકો.
(2.ક) જૈવિક અથવા ધીમી રેતીવાળા ગાળકો (filters) : તે 1804માં સૌપ્રથમ સ્કૉટલૅન્ડમાં વિકસ્યા અને ત્યારબાદ ઓગણીસમી સદીમાં વિશ્વમાં બધે વપરાતા થયા. ગાળક તરીકે ઝીણી (fine) રેતી, કકરી (coarse) રેતી, ઝીણા કાંકરા (gravel) અને મોટા કાંકરાના એક ઉપર એક એવા ચાર થર કરવામાં આવે છે. સૌથી ઉપર ઝીણી રેતી હોય છે. તેની ઉપર ગાળણ માટેનું પાણી ભરાય છે. મોટા કાંકરાના સૌથી નીચેના થરમાં કાણાવાળી મોટી નળીઓ હોય છે જેમાં થઈને ગળાયેલું પાણી બહાર નીકળે છે. ગાળવા માટેના પાણીનો જથ્થો 1થી 1.5 મી. જેટલો ઊંડો હોય છે જેથી ધીમે ધીમે પરંતુ સતત ગાળણ થતું રહે. આ પ્રકારનું ધીમું ગાળણ અદ્રાવ્ય કચરાના ઠારણ માટે તથા ઑર્ગેનિક પદાર્થોના ઑક્સિડેશન માટે આદર્શરૂપ છે. આ પાણીનું શુદ્ધીકરણ શરૂ થાય છે. રેતીનો થર 1.2 મી.નો પટ્ટો બનાવે છે. તેની નીચે 0.30 મી.ના થરમાં કાંકરા હોય છે. રેતીના કણ ગોળ અને 0.15થી 0.35 મિમી.ના હોય છે. તેમાં માટી કે શેવાળ જામેલી ન હોય તે જોવાય છે. તેની નીચેનું કાંકરાવાળું સ્તર તેને આધાર આપે છે. એક ઘન મીટર રેતીનું સ્તર 15,000 ચોમી. જેટલી ગાળણ માટેની સપાટી આપે છે. તેમાંથી ધીમે ધીમે લગભગ 2 કલાકમાં પાણી નીચે તરફ સરકે છે. આ સમયે ગાળણ, ઠારણ (sedimentation), અધિશોષણ (adsorption), ઑક્સિડેશન, જીવાણુપ્રક્રિયા વગેરે વિવિધ પ્રક્રિયાઓ એકસાથે થાય છે જે પાણીને શુદ્ધ કરે છે. સામાન્ય રીતે 1 કલાકમાં 1 ચોમી. ગાળક સપાટીમાંથી 0.1થી 0.4 ઘનમીટર પાણીનો જથ્થો ગળાય છે. જ્યારે ઉપર વર્ણવેલો નવો ગાળક એકમ બનાવેલો હોય ત્યારે તે ફક્ત યાંત્રિક ગાળક તરીકે કાર્ય કરે છે; પરંતુ થોડા સમયમાં તે પાકટ (ripened) બને છે. અને તે સમયે તેમાં રેતીના થર પર શેવાળ, પ્લેંક્ટન ડાયાટોમ અને જીવાણુવાળું ચીકણું અને ચમકતું જૈવિક સ્તર (vital layer) બને છે. તે પાણી જૈવિક શુદ્ધીકરણમાં ઉપયોગી છે.
સામાન્ય રીતે ગાળક એકમને થોડાક દિવસ વાપર્યા પછી જૈવિક સ્તર બને છે અને તે 2થી 3 સેમી જેવડું રેતીના સ્તરની ઉપર પથરાયેલું હોય છે. તે ધીમા ગાળકોમાં મહત્વનું કાર્ય કરે છે અને ઑર્ગેનિક કચરો દૂર કરે છે. બૅક્ટેરિયાને રોકે છે. ઍમોનિયાવાળા પદાર્થોનું ઑક્સિડેશન કરે છે અને શુદ્ધ જીવાણુરહિત પાણી આપે છે. તેથી જ્યાં સુધી આ જૈવિક સ્તર તૈયાર ન થયું હોય ત્યાં સુધી ગળાઈને આવેલું પાણી ફેંકી દેવામાં આવે છે. ધીમા ગાળકમાં રેતી કાંકરાના ગાળક-સ્તરની નીચેની કાણાંવાળી નળીઓમાં થઈને શુદ્ધ પાણી બહાર કઢાય છે. આ આખું ગાળક એકમ ખુલ્લા ટાંકામાં હોય છે જે પથ્થર, ઈંટ કે સિમેન્ટનું બનેલું હોય છે અને થોડું અથવા પૂરેપૂરું જમીન નીચે હોય છે. તે ઉપરથી ખુલ્લું હોય છે. સામાન્ય રીતે ગાળક એકમને થોડાંક અઠવાડિયાં કે મહિના સુધી વાપરવામાં આવે છે અને ત્યારબાદ તેને સાફ કરવામાં આવે છે. તે સમયે ઉપરનું પાણી કાઢી નખાય છે અને ઉપરની 1થી 2 સેમી. રેતીને પણ કાઢી નખાય છે. આવું 20થી 30 વખત કર્યા પછી જ્યારે રેતીનું સ્તર 0.5થી 0.8 જેટલું જ રહી જાય ત્યારે ફરીથી ગાળકનું પુનર્ગઠન કરાય છે. આ પ્રકારના ગાળકો બનાવવા અને વાપરવા સહેલા અને સસ્તા છે. તેમાંથી મળતું શુદ્ધ પાણી ભૌતિક, રાસાયણિક અને જૈવિક ર્દષ્ટિએ ઉત્તમ કક્ષાનું હોય છે. તેમાંનો જીવાણુ અંક (bacterial count) 99.9 %થી 99.99 % જેટલો ઘટેલો હોય છે.
(2.ખ) યાંત્રિક અથવા ઝડપી રેતીયુક્ત ગાળકો : 1885માં અમેરિકામાં ઝડપી ગાળકો વિકસ્યા. તેમના બે પ્રકારો છે – ગુરુત્વાકર્ષણ બળવાળા (પેટરસનનો ગાળક) અને દબાણવાળાં (કેન્ડીનો ગાળક). ઝડપી ગાળકોમાં 5 પ્રક્રિયાઓ થાય છે : સહગઠન (coagulation), ઝડપી મિશ્રણ, ગુચ્છીકરણ (flocculation), ઠારણ (sedimentation) અને ગાળણ. પાણીમાંની અશુદ્ધિજન્ય અપારદર્શકતા (turbidity) જેટલી હોય તે પ્રમાણે ફટકડી નામના સહગઠક(coagulent)ને ઉમેરીને અપારદર્શક અશુદ્ધિઓ એકબીજી જોડે જોડાઈને ગઠ્ઠાના રૂપમાં ફેરવાય તેવું કરાય છે. ત્યારબાદ આવા સહગઠકવાળા પાણીને મિશ્રણ-ખંડમાં જોરથી હલાવવામાં આવે છે. તેથી પાણીના પૂરેપૂરા જથ્થામાં બધે જ ફટકડી ભળી જાય. ત્યાર પછીના તબક્કામાં પાણીને 30 મિનિટ સુધી ધીમે ધીમે ગુચ્છીકરણ ખંડમાં વલોવવામાં આવે છે (stirring). એક યાંત્રિક વેલણ (flocculator) ધીમે ધીમે ગોળ ગોળ ફરે છે. (2થી 4 આંટા/મિનિટ). તેથી ધીમે ધીમે જાડો, પુષ્કળ, સફેદ ગુચ્છીકૃત પદાર્થ (flocculent) છૂટો પડે છે. ત્યારબાદ ઠારણ-ખંડમાં પાણીને 2થી 6 કલાક સંગ્રહવામાં આવે છે જ્યાં ગુચ્છીકૃત પદાર્થ, જીવાણુ અને અન્ય અશુદ્ધિઓ નીચે ઠરે છે જેને ધીમેથી દૂર કરાય છે. આવી ટાંકીને વારંવાર સાફ કરાય છે. આટલું શુદ્ધ કરેલું પાણી ત્યારબાદ ઝડપી રેતીયુક્ત ગાળકમાં મોકલાય છે.
ઝડપી ગાળક એકમમાં 80થી 90 ચોમી. ગાળક સપાટી હોય છે. ગાળણની ક્રિયા રેતીના સ્તરમાં થાય છે જેને કાંકરાના સ્તરનો આધાર આપવામાં આવે છે. રેતીના કણનું માપ 0.6થી 2 મિમી. રાખવામાં આવે છે. અને તે 1 મીટર ઊંડું હોય છે. કાંકરાનો થર 30થી 40 સેમી.નો હોય છે. રેતીની ઉપર 1થી 1.5 મીટર જેટલું પાણી ભરાય છે અને ગાળક એકમની નીચે નળીઓ દ્વારા ગળાયેલું પાણી બહાર કઢાય છે. સામાન્ય રીતે દર કલાકે એક ચોમી. ગાળક સપાટી દ્વારા 5થી 15 ઘનમીટર જેટલા જથ્થાનું શુદ્ધ પાણી મળે છે.
ગાળણની ક્રિયા શરૂ થાય એટલે જે ગુચ્છીકૃત પદાર્થ હજુ થોડોક રહી ગયેલો હોય તે રેતીના થર પર જામે છે. તે ધીમા ગાળકમાં થતા જૈવિક સ્તર જેવું કામ કરે છે અને જીવાણુનું અધિશોષણ કરે છે. પાણીમાંના ઍમોનિયાયુક્ત પદાર્થોનું ઑક્સિડેશન પણ થાય છે. ગાળક એકમમાં ઝડપથી કચરો બાઝે છે. જ્યારે ગાળક સ્તરનો 2.1મી.થી 2.4 મી. જેટલો ભાગ આ અશુદ્ધિથી ભરાઈ જાય છે ત્યારે પશ્ચપ્રક્ષાલન (back washing) કરાય છે. તેમાં જે બાજુથી શુદ્ધ ગાળેલું પાણી લેવાતું હોય તે બાજુથી પાણીને અંદર ધકેલવામાં આવે છે જેથી રેતીના ઉપલા સ્તરો ચોખ્ખા થઈ જાય.
ધીમા ગાળણએકમોની સરખામણીમાં ઝડપી ગાળણએકમોમાં કેટલાક ફાયદા છે. તે નદી કે તળાવનું પાણી સીધેસીધું શુદ્ધ કરે છે અને તેને માટે સંગ્રહ કરવાની જરૂર રહેતી નથી. તેમનું કદ નાનું હોય છે અને ગાળણની પ્રક્રિયા ઝડપી છે. તેમને સાફ કરવાની ક્રિયા સહેલી છે. ઝડપી ગાળકોમાં જીવાણુ અંક 98 %થી 99 % જેટલો ઘટે છે.
(3) ક્લોરિનીકરણ : તે ગાળણ કર્યા પછીની મહત્વની પ્રક્રિયા છે, જેના દ્વારા ઘણા જીવાણુ નાશ પામે છે; પરંતુ તે કોષ્ઠ (cyst) અને વિષાણુઓનો નાશ કરતું નથી. તે કેટલાંક રસાયણોનું ઑક્સિડેશન કરે છે, ખરાબ સ્વાદ અને ગંધનો નાશ કરે છે અને શેવાળ અને અન્ય ચીકાશ કરતા જીવોનું નિયંત્રણ કરે છે. પાણીમાંથી જ્યારે ક્લોરિન પસાર કરવામાં આવે છે ત્યારે હાઇપોક્લોરસ ઍસિડ (HOCl) બને છે અને થોડા પ્રમાણમાં હાઇપોક્લોરાઇડ આયન (OCl) પણ બને છે. તે બંને જીવાણુનો નાશ કરે છે. પાણીના ક્લોરિનીકરણ માટે ક્લોરિન વાયુ, ક્લોરામિન કે પરક્લોરોન વપરાય છે. પાણીમાંનાં બધાં જ ઑર્ગેનિક દ્રવ્યનું ઑક્સિડેશન થાય તેટલા ક્લોરિનીકરણને પર્યાપ્ત ક્લોરિનીકરણ (brack-point chlorination) કહે છે. જો પાણી વધુ પડતું દૂષિત હોય તો વધારાનો ક્લોરિન વાપરીને અતિક્લોરિનીકરણ (super chlorination) કરાય છે. ક્લોરિનીકૃત પાણીમાં ઑર્થોટોલિડીન કસોટી કે ઑર્થોટોલિડીન આર્સિનાઇટ કસોટી કરીને મુક્ત ક્લોરિનની જાણકારી મેળવાય છે. ક્લોરિનીકરણ સિવાય પણ અન્ય પદ્ધતિઓથી પાણીને જીવાણુરહિત કરી શકાય છે. દા.ત., ઓઝોન વાયુ, પારજાંબલી કિરણો વગેરે.
ઘરમાં કે વ્યક્તિગત ઉપયોગ માટે નાના પાયાનું જળશુદ્ધીકરણ કરવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. દા.ત., (1) પાણીને ઉકાળવું, (2) બ્લીચિંગ પાઉડર અથવા ક્લોરિનનું દ્રાવણ કે ગોળીઓ અથવા આયોડિન કે પોટૅશિયમ પરમૅન્ગેનેટ વડે રાસાયણિક શુદ્ધીકરણ તથા (3) સિરામિક ગાળણ એકમો વડે ગાળણ. કૂવાઓના પાણીના શુદ્ધીકરણ માટે બ્લીચિંગ પાઉડર વપરાય છે. આ કાર્ય માટે પોટૅશિયમ પરમૅન્ગેનેટ પૂરતું અસરકારક ગણાતું નથી. કૂવાઓનું ઝડપથી અને વિશ્વસનીય રીતે બ્લીચિંગ પાઉડર વડે શુદ્ધીકરણ કરવા માટે ભારતની નૅશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બેવડા-ઘડા-(double-pot)ની પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે.
પાણીની શુદ્ધતા નક્કી કરવા માટેના ગુણવત્તા નિશ્ચાયકો (criteria of qualities) નક્કી કરવામાં આવેલા છે. તેના વડે પાણીનું ભૌતિક, રાસાયણિક અને જૈવિક શુદ્ધીકરણ કેટલું છે તે નક્કી કરી શકાય છે. તેવી જ રીતે પાણીની ગુણવત્તાનાં પ્રમાણ (standards) પણ નક્કી કરવામાં આવેલાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તે માટે પાંચ પરિવર્તનશીલકો (variables) બતાવેલા છે : સૂક્ષ્મ જીવો, ઝેરી પદાર્થો, વિશિષ્ટ રોગકારી પદાર્થો, પાણીને પીવાલાયક કરતા ગુણધર્મો અને વિકિરણશીલ પદાર્થો. દરેક જાહેર આરોગ્યની જાળવણી કરતી સંસ્થાએ પીવાના અને ઘરવપરાશના પાણીની શુદ્ધતાની સતત તપાસ (surveillance) રાખવી જરૂરી ગણાય છે. તેને માટેની વિવિધ કસોટીઓ પણ ઉપલબ્ધ છે.
શિલીન નં. શુક્લ