જળમાર્ગી પરિવહન : વ્યક્તિ તથા વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનાં ત્રણ પ્રમુખ સ્વરૂપોનું એક. ભૂમાર્ગી, જળમાર્ગી તથા વાયુમાર્ગી પરિવહન સ્વરૂપોમાં જળમાર્ગી પરિવહન સૌથી પ્રાચીન છે તથા માનવજાતિના સાંસ્કૃતિક વિકાસમાં તેનું પ્રદાન સૌથી મહત્વનું છે. અતિ પ્રાચીન કાળમાં માણસ પોતાના પગના સહારે જ સ્થળાંતર કરતો ત્યારે વસ્તુઓની મોટા પાયે હેરફેર થતી નહિ. જે થોડી જરૂર પડે તે માણસ પોતાની સાથે રાખીને કરતો. વર્તમાન સમય પૂર્વે 10,000 વર્ષ આસપાસ માણસ ભાર ઉપાડવા પશુને ઉપયોગમાં લેતો થયો. આમ છતાં, ભૂમિમાર્ગી પરિવહન જેવું કંઈ લાંબા સમય સુધી વિકસ્યું નહિ. બીજી બાજુ, જળમાર્ગી પરિવહનને ઝડપથી મહત્વ પ્રાપ્ત થયું. તેનાં કારણો : પ્રાચીન માણસને પાણીપુરવઠાની સરળતા રહે તે માટે નદીસરોવરના કાંઠા જેવા પ્રદેશો વસવા માટે અનુકૂળ હતા. વિચરણ દરમિયાન તેને અવારનવાર નદીઓ પાર કરવી પડતી. તેણે જોયું કે લાકડા જેવા પદાર્થો ડૂબતા નથી તથા નદીના પ્રવાહ સાથે પ્રવાહની દિશામાં વિના ધકેલ્યે સડસડાટ આગળ વધે છે. એવું અનુમાન છે કે આદિમાનવો નદીમાં તરતાં વૃક્ષનાં થડના આધારે નદી પાર કરતા. સમય જતાં વચ્ચેથી ખવાઈને પોલાણવાળાં બનેલાં થડ ઉપયોગમાં લેવાતાં. કુટુંબ તથા વસ્તુઓ સાથે પ્રવાસ કરવા તરાપા વધારે અનુકૂળ જણાયા. માણસ ઓજારોનો ઉપયોગ કરતો થયો ત્યારથી તેણે થડ કોરીને આદિનૌકા જેવા સાધનનું નિર્માણ કરવાનું પણ શરૂ કર્યું. પ્રબળ પ્રવાહમાં હોડી ઊથલી પડવાના ભય સામે રક્ષણ મેળવવા તેણે બે નૌકાઓ જોડાજોડ બાંધીને રાખવાની યુક્તિ શોધી. આવી નૌકાજોડ અથવા તરાપાના આધારે માણસે વર્તમાન પૂર્વે 57,000 વર્ષના અરસામાં ટોરસની સામુદ્રધુની ઓળંગી. અગ્નિ એશિયામાં ન્યૂ ગિની અને ઑસ્ટ્રેલિયાના ભૂમિખંડોને જુદા પાડતી આ સામુદ્રધુની ત્યારે 70 કિમી. પહોળી હતી. વળી, આ સાગરયાત્રા માણસોએ હજારોની સંખ્યામાં કરી. અત્યારે ઑસ્ટ્રેલિયામાં જે આદિવાસીઓ છે તે આ આદિયાત્રીઓનાં સંતાનો છે. પ્રાચીન યાત્રાના અવશેષો દુર્લભ છે કારણ કે લાકડા જેવા પદાર્થના તરાપા તથા નૌકા જેવાં વાહનો કોહવાટને કારણે લાંબો સમય ટકે નહિ અને અવશેષોના અભાવે સાચી વાત જાણવાનું અઘરું બને. માણસ કૃષિકાર બન્યો તેથી પરિવહનને મોટો વિકાસઅવસર મળ્યો. કૃષિના કારણે કેટલાક પ્રદેશોમાં અનાજના ઢગલા થવા લાગ્યા. અનાજની હેરફેર રૂપે વેપારપ્રવૃત્તિનો આરંભ થયો. ભારવાહક પશુઓ ભૂમિ ઉપર અને બહુ લાંબા નહિ એવા અંતર માટે ઉપયોગી બન્યા, પણ નૌકાનું મહત્વ તરત સ્વીકાર પામ્યું. પ્રારંભે પોચા લાકડામાંથી નૌકાઓ બનાવાતી. પ્રચલન માટે હલેસાં પણ તરત શોધાયાં. જોકે, સમુદ્ર વિશે પૂરતી માહિતીનો અભાવ, વાવાઝોડાનો ભય, લાકડાનો ઝડપથી થતો ક્ષય, લૂંટફાટ આદિ કારણે નૌકાવ્યવહાર વિશાળ સમુદ્ર પર પ્રસરી શક્યો નહિ. પ્રાચીન સંસ્કૃતિઓવાળા કોઈ દેશ – ભારત, અક્કાદ, સુમેરુ, ઇજિપ્તમાં વર્તમાન પૂર્વે 5,000થી 6,000 વર્ષના ગાળામાં પૈડાની શોધ થઈ. તેનાથી ગાડા જેવા વાહનની શોધને વેગ મળ્યો, તેમ નૌકામાં હલેસાંની ઝડપ વધારવા માટે પણ તે કામમાં લેવાયું. વર્તમાન પૂર્વે 5,000 આસપાસ સઢનૌકા આવી. વિશાળ મજબૂત નૌકાઓ બંધાવા લાગી. સાગરમાં લાંબા અંતરની યાત્રાઓ શક્ય બની. હવે પછીના સૈકાઓમાંનો નૌપરિવહન દ્વારા ઝડપી સાંસ્કૃતિક વિકાસ શક્ય બન્યો. ઇજિપ્ત તથા મેસોપોટેમિયાથી અવનવાં વિચારો તથા શોધો ભૂમધ્યના કાંઠે કાંઠે પ્રસર્યાં. ક્રીટ, ગ્રીસ, રોમ તથા કાર્થેમાં ભવ્ય સાંસ્કૃતિક વિકાસ શક્ય બન્યો. ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠે ફીનિશિયા નામના દેશની પ્રજાનો પ્રમુખ વ્યવસાય નૌપરિવહન દ્વારા વિશ્વવેપારનો રહ્યો. પૂર્વના દેશોની અવનવી વસ્તુઓ તેમણે ઉત્તર આફ્રિકા તથા યુરોપના દેશોમાં વિકસેલાં નગરોમાં વિશાળ નૌકાઓમાં ભરીને ઠાલવવા માંડી.
પ્રાચીન નૌપરિવહનનો વિકાસ ધીમો અને કઠિન રહ્યો. હોકાયંત્ર સિવાય નૌચાલનમાં ઉપયોગી ઉપકરણો ઉપલબ્ધ નહોતાં. નાવિકો ભૂમિરેખાથી દૂર જવાની હિંમત કરતા નહિ. સુકાનના અભાવે નૌકાની દિશા જાળવવાનું ઘણી વાર અશક્ય બની જતું. પવન પડી જાય અથવા સામો હોય ત્યારે નૌકા લગભગ સ્થિર થઈ જતી. આવા સમયે નાવિકોને હલેસાં દ્વારા નૌકા આગળ લઈ જવામાં ભારે શ્રમ કરવો પડતો. ચાંચિયાઓ લૂંટી લે તે ભય હવે વ્યાપક બનતો જતો હતો.
મધ્યયુગમાં જળમાર્ગી પરિવહનનો વિકાસ ઘણો ઝડપી બન્યો. પ્રથમ સુધારો સઢનક આકારમાં આવ્યો. પશ્ચિમના દેશોએ તેમના ઓછા કાર્યક્ષમ ચોરસ સઢના સ્થાને ભારતના ત્રિકોણ સઢને અપનાવ્યો. આની વિશેષતા સામા પવનમાં ગતિ જાળવવાની ક્ષમતા હતી. ઈ. સ. 1300માં સુકાનની શોધ દ્વારા નિયંત્રણ સરળ બન્યું. પંદરમી સદીમાં 4 ગણાં મોટાં વહાણો બનવા લાગ્યાં ત્યારે 3 કૂવાથંભનો આકાર વ્યાપક બન્યો. વધારે વિશ્વસનીય હોકાયંત્ર પ્રચારમાં આવ્યાં. પંદરમી સદીના અંત પૂર્વે અફાટ મહાસાગર પર ખેડાણ કરવા સક્ષમ વિરાટ નૌકાઓ તરતી થઈ. યુરોપના દેશો વચ્ચેની સ્પર્ધા માટે આ નૌકાઓ આવશ્યક હતી. ક્રિસ્ટોફર કોલંબસ, ફર્ડિનાન્ડ મેગેલન, ફ્રાંસિસ ડ્રેક તથા ચેંગ હો જેવાં નામો ઇતિહાસમાં અંકિત થયાં. ચીનથી ભારત, પશ્ચિમ એશિયા તથા ઇજિપ્ત થઈ ભૂમધ્ય સમુદ્રના કાંઠા સુધી સીમિત વિશ્વનો વિસ્તાર એકાએક વધી ગયો. આટલાંટિક મહાસાગરને પાર વિશાળ નવી દુનિયા જડી. એશિયાના છેડા પાસે ઑસ્ટ્રેલિયા ખંડ મળ્યો. અંધારા આફ્રિકા ખંડનો દક્ષિણ પ્રદેશ ક્યાંય સુધી વિસ્તરેલો જણાયો.
દેશો વચ્ચે અફાટ અંતરો હતાં. વેપારજોગ વસ્તુઓનો પાર નહોતો. ઝડપી પરિવહન માટે જળમાર્ગ અનુકૂળ હતો. તેમાં મોટા પ્રમાણમાં માલની હેરફેર પણ શક્ય હતી. આવાં કારણોસર સત્તરમી સદીમાં નૌપરિવહનને ફરી એક વિકાસ-ધક્કો સાંપડ્યો. આંતરિક વ્યવહારમાં પણ બળદ તથા ઘોડા દ્વારા ખેંચાતા ગાડાને ઘણી મર્યાદાઓ નડતી. કદ, માર્ગની સ્થિતિ, ગાડાનું ટકાઉપણું, અવરોધો, લૂંટફાટ આદિના કારણે આંતરિક વ્યવહાર માટે પણ જ્યાં નદી-સરોવરો હતાં, ત્યાં જળમાર્ગોનો વિકાસ ઝડપથી થયો. સત્તરમી સદીમાં યુરોપના દેશોમાં નહેરોના બાંધકામને વેગ મળ્યો. અઢારમી સદીમાં આ પ્રક્રિયા ચાલુ રહી. ભારતમાં જોકે પ્રાચીન કાળથી પરિવહન તથા સિંચાઈ બેઉ હેતુવાળી નહેરો બંધાતી હતી. બ્રિટનમાં પહેલી પરિવહન નહેર ઈ. સ. 1761માં બંધાઈ. વરાળયંત્રની શોધ સાથે પરિવહનક્ષેત્રે અર્વાચીન યુગનો આરંભ થયો. ઈ. સ. 1807માં વરાળયંત્ર વડે ચાલતી યાત્રીનૌકા અમેરિકામાં કાર્યરત બની. ઓગણીસમી સદીના અંતમાં જર્મનીના રુડોલ્ફ ડીઝલે વરાળયંત્ર કરતાં વધારે કુશળ ડીઝલયંત્રની શોધ કરી. થોડાં જ વર્ષોમાં આ યંત્ર વિરાટ નૌકાનું ચાલકબળ બન્યું. આજે પણ વિશ્વની મોટામાં મોટી નૌકાઓ ડીઝલયંત્ર વડે મહાસાગરમાં રોફભેર ધસમસે છે. નાની નૌકાઓ માટે પેટ્રોલનો ઇંધન તરીકે ઉપયોગ કરતાં અંતરદહન એન્જિનો ઉપયોગી બન્યાં.
જળમાર્ગનાં સ્વરૂપો : જળમાર્ગનાં 3 મુખ્ય સ્વરૂપો છે : સમુદ્ર, નદીસરોવર તથા નહેર. આમાં નહેર માનવસર્જિત માર્ગ છે. બાકીનાં પ્રકૃતિનાં સર્જનો છે. પૃથ્વીની સપાટીના 71 % ઉપર પાણી વ્યાપેલું હોવાથી બધા દેશો વચ્ચે ભૂમિમાર્ગે સંપર્ક શક્ય નથી. બીજાં કારણો પણ છે. વાયુમાર્ગ અતિશય ખર્ચાળ તથા ભયભરેલો છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે જળમાર્ગી પરિવહન સૌથી વધારે અનુકૂળ છે. એટલે, સ્વાભાવિક રીતે જ તેનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થાય છે.
જળમાર્ગી પરિવહનની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) જળસપાટી એ કુદરતી બક્ષિસ હોવાથી રસ્તા કે રેલવેની જેમ એમાં ખર્ચ કરવો પડતો નથી. બંદરો બાંધવાં, માલ ચડાવવા-ઉતારવા માટે ધક્કા બાંધવા વગેરે પાછળ ખર્ચ કરવો પડતો હોવા છતાં એકંદરે આ પ્રકારનો વાહનવ્યવહાર સરખામણીમાં ખૂબ સસ્તો છે; (2) ભારે વજનની કે મોટા કદની વસ્તુઓની હેરફેર વધુ સરળતાથી થઈ શકે છે; (3) આ પ્રકારના વ્યવહારમાં વાહનો પાછળ સ્થિર મૂડીરોકાણ ઘણું વધારે કરવાનું હોય છે, જ્યારે કાર્યશીલ મૂડી સરખામણીમાં ઓછી જોઈએ છે; (4) આ પ્રકારના વાહનવ્યવહારમાં પ્રમાણમાં નિયંત્રણ ઓછું અને સ્વતંત્રતા વધુ હોય છે. ખાસ કરીને સમુદ્ર પર કોઈ પણ દેશની હકૂમત ન હોવાથી તે વધુ મુક્ત છે. જોકે કાંઠા-વિસ્તાર સિવાય, આંતરરાષ્ટ્રીય સમજૂતીથી સ્વેચ્છાએ પરસ્પર સહકાર, સગવડ અને સલામતી માટે કેટલાક નિયમો સ્વીકારાયા છે; (5) સ્વતંત્રતા વધુ હોવાથી આ પ્રકારના વ્યવહારમાં હરીફાઈ પણ વધારે છે. દરેક દેશ આર્થિક અને સંરક્ષણના ઉદ્દેશથી જહાજ ઉદ્યોગોને ઉત્તેજન આપે છે અને પ્રતિષ્ઠાનો વિષય પણ ગણે છે. પરિણામે વાહનોનો પુરવઠો ઘણી વાર માંગ કરતાં વધી જતો હોય છે. આથી આ પ્રકારના વાહનવ્યવહારમાં તેજીમંદી અવારનવાર જોવા મળે છે; (6) કુદરતનિર્ભર હોવાને કારણે ભૌગોલિક અને હવામાનનાં પરિબળોને ધ્યાનમાં લેવાનાં થાય છે. આથી હંમેશાં ટૂંકા માર્ગે જ જવાય એવું હોતું નથી. વહન કરવાની ઝડપ પણ ખૂબ ઓછી હોય છે; અને (7) આ પ્રકારના વાહનવ્યવહારમાં જોખમ અને નુકસાનની શક્યતા વધારે રહે છે.
નોંધપાત્ર જળમાર્ગો : ભારતમાં વિશ્વની સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિ સિંધુ નદીના કાંઠા પર પ્રારંભે ગામડાં રૂપે અને ઉત્તર કાળમાં સુયોજિત નગરો રૂપે વિકસેલી હતી. આમાંનાં ઘણાંખરાં નગરો બંદરો પણ હતાં. ગુજરાતમાં લોથલમાં વિશાળ બારું મળ્યું છે, જે પ્રાચીન નૌકાઓના કદનો ખ્યાલ આપે છે. આવી વિશાળ નૌકાઓ કેવળ નદી માર્ગે આગળ-પાછળ આવજા કરતી એવું નહોતું; તે વિરાટ સમુદ્રમાં પણ વિહાર કરતી. આ નૌ-વ્યવહારનો આશય વેપાર હતો. પ્રાચીન કાળમાં ભારતની નૌકાઓ મરીમસાલા, સુતરાઉ કાપડ, વાસણો, અલંકારો તથા રત્નો જેવી સામગ્રી ભરીને સામે આફ્રિકાના કાંઠે, રાતા સમુદ્રમાં થઈને ઇજિપ્તનાં મહાનગરોમાં તથા પશ્ચિમ એશિયાની સંસ્કૃતિની જનેતાઓ દજલા (ટાઇગ્રિસ) તથા ફરાત (યુફ્રેટિસ) નદીઓના માર્ગે છેક રોમનાં બજારોમાં પહોંચાડતી. ભારતના પશ્ચિમ કાંઠેથી સામેની દિશામાં નિયમિત જળમાર્ગ અંકિત થયો હતો. અહીંથી પૂર્વમાં શ્રીલંકા તથા જાવા સુધી પણ નિયમિત નૌમાર્ગો હતા. મહર્ષિ અગસ્ત્યે જાવામાં હિંદુ સંસ્કૃતિની પ્રતિષ્ઠા કરી તે સાથે જાવા, સુમાત્રા, મલેશિયા આદિ પ્રદેશો સાથેનો સંપર્ક વધવાથી જળમાર્ગો પણ આકાર ધારણ કરતા થયા. ભારતની જેમ ચીન પણ પ્રાચીન કાળમાં સંસ્કૃતિનું ધામ હતું. ચીની રેશમ સદીઓ સુધી કેમ જળવાયેલું રહેતું તે રહસ્યમય હતું. ભારતમાં રેશમનો મહિમા પહેલેથી જ રહ્યો છે. વળી, ભારતના શ્રેષ્ઠીઓ ચીનનું રેશમ રોમ સુધી પહોંચાડતા. ચીનથી ભારતની દક્ષિણે થઈ પશ્ચિમ એશિયા જતો નૌકામાર્ગ આ જ કારણથી પ્રાચીન કાળથી ‘રેશમ માર્ગ’ના વિશિષ્ટ નામે જાણીતો બન્યો. પંદરમી સદીના અંતભાગે યુરોપથી વણરોક ભારત પહોંચવાનો કેપ માર્ગ જાણીતો બન્યો. ફિરંગી નાવિક વાસ્કો દ ગામાએ તેની શોધ કરી. માર્ગ લાંબો હતો પણ તેમાં વચ્ચે ભૂમિનું નડતર નહોતું. વળી, અરબ ચાંચિયા હજુ આ માર્ગ સુધી પ્રસર્યા નહોતા.
વરાળયંત્રની શોધ પછી નૌકાનિર્માણક્ષેત્રે જે ક્રાંતિ આવી તેથી આટલાંટિક પારનો વ્યવહાર વધી ગયો. અત્યારે વિશ્વનો સૌથી ભીડવાળો જળમાર્ગ પશ્ચિમ યુરોપના કાંઠાનાં લંડન આદિ બંદરોથી અમેરિકાના પૂર્વકાંઠાનાં ન્યૂયૉર્ક આદિ બંદરો સુધીનો છે. પૂર્વમાં જાપાનના ટોકિયો-ઓસાકાના કાંઠાથી દક્ષિણમાં હૉંગકૉંગ, મનિલા, સિંગાપુર તથા સીડની સુધીનો જળમાર્ગ મહત્વનો છે. સિંગાપુરથી ભારત થઈ પશ્ચિમ એશિયાનાં તેલસમૃદ્ધ રાષ્ટ્રો સાથેનો જળમાર્ગ પ્રમાણમાં નવો વિકસેલો માર્ગ છે. જાપાનથી પૂર્વ તરફ અમેરિકાના પશ્ચિમ કાંઠે સાન ફ્રાંસિસ્કો, લોસ એંજિલિસ તથા મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે વ્યવહાર ઘણો વધવા પામ્યો છે.
આંતરિક જળમાર્ગો : દેશો વચ્ચે જેમ સમુદ્રતલના જળમાર્ગો ઉપયોગના છે, તેમ દેશના પ્રદેશો વચ્ચે તથા ખંડમાં નાના દેશો વચ્ચે, જ્યાં વિશાળ લાંબી નદીઓ વહે છે ત્યાં આંતરિક જળમાર્ગો મહત્વના છે. આ ક્ષેત્રે જર્મની સૌથી સમૃદ્ધ દેશ છે. તેની ઉત્તરના બે નાના દેશો નેધરલૅન્ડ્ઝ તથા બેલ્જિયમ પણ આંતરિક જળમાર્ગોમાં આગળ પડતા છે. યુરોપના બીજા મુખ્ય દેશો ફ્રાંસ, પોલૅન્ડ, ચૅકોસ્લોવૅકિયા, ઑસ્ટ્રિયા, હંગરી, રુમાનિયા આદિ છે. આ દેશો રહાઇન તથા ડાન્યૂબ નદીઓમાં વિવિધ શ્રેણીની નૌકાઓ ચલાવે છે. બ્રિટનમાં પણ આંતરિક જળમાર્ગો છે. રશિયામાં મૉસ્કો કેન્દ્રમાં હોવા છતાં બધી દિશાઓમાં બધા સમુદ્રો સાથે જળમાર્ગે જોડાયેલું છે. રશિયાના એશિયામાં આવેલા વિશાળ પ્રદેશમાં જળમાર્ગનું મહત્ત્વ વિશેષ છે. એમાં દક્ષિણના વિસ્તારમાં જળમાર્ગ બારમાસી છે. અન્યત્ર શીતવિસ્તારમાં વર્ષમાં શિયાળાના મહિનાઓમાં માર્ગ ઠરી જવાથી નૌગમ્ય રહેતો નથી. ચીનમાં પૂર્વ તથા દક્ષિણમાં હવાંગહો, ચાંગ તથા જિનજિયાંગ નદીઓ લાંબા જળમાર્ગો તરીકે ઉપયોગી છે. અગ્નિ એશિયામાં મેકોંગ જેવી લાંબી નદીઓ જળમાર્ગો છે. ભારતમાં પૂર્વ તથા બાંગલાદેશમાં સઘળો પ્રદેશ નૌગમ્ય છે. આફ્રિકામાં નાઇલ, પૂર્વ આફ્રિકાની નદીઓ, નાઇજર તથા મધ્યમાં ઝાઇરની નદીઓ ઉપયોગી જળમાર્ગો છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોન તથા પારાના જેવી વિશાળ નદીઓ તેમની સંખ્યાબંધ ઉપનદીઓ સાથે જળમાર્ગનું જાળું રચે છે. આ પ્રદેશોમાં પરિવહન માટે આ સિવાય કશો આધાર નથી એ જોતાં તેમનું મહત્વ સમજી શકાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પૂર્વાર્ધમાં લાંબી નદીઓ દ્વારા જળમાર્ગોનું જાળું રચાયું છે. કૅનેડા તથા ઉત્તરમાં આવી સગવડ નથી. ઑસ્ટ્રેલિયામાં પણ નોંધપાત્ર જળમાર્ગો નથી.
ભારતમાં જળમાર્ગી પરિવહન : ભારતમાં આશરે 14,500 કિમી.નો જળમાર્ગ વહાણવટાને લાયક છે. આંતરિક જળમાર્ગ દ્વારા આશરે 160 લાખ ટન જેટલો માલસામાન એક સ્થળેથી બીજે સ્થળે પહોંચે છે. આંતરિક જળમાર્ગમાં બળતણની બચત વધુ થાય છે અને પર્યાવરણના પ્રશ્નો ઓછા ઊભા થાય છે. હાલ આંતરિક જળમાર્ગ ગંગા-ભાગીરથી, હુગલી, બ્રહ્મપુત્ર, બોરક, ગોવાની નદીઓ, કેરળ, ગોદાવરી, કૃષ્ણા વગેરે નદીઓ પૂરતો સીમિત છે.
આંતરિક જળમાર્ગ એ રાજ્યનો વિષય છે. મધ્યસ્થ સરકાર દ્વારા આયોજિત યોજના પ્રમાણે આંતરિક જળમાર્ગના વિકાસની યોજનાઓ હાથ ધરાય છે. સાતમી પંચવર્ષીય યોજનામાં તેને વધુ મહત્વ આપીને રૂ. 131.81 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઇન્લૅન્ડ વૉટર ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન : કોલકાતામાં વડું મથક છે. આ નિગમની સ્થાપના મે 1987માં થઈ હતી. ગંગા, ભાગીરથી-હુગલી, સુંદરવન અને બ્રહ્મપુત્ર, કોલકાતા અને ગૌહત્તી વચ્ચે, કૉલકાતા-બાંગલાદેશ તથા હલદિયા અને પટણા વચ્ચે આ નિગમની માલપરિવહન સેવા ચાલે છે. નિગમ કૉલકાતામાં રાજાબગન ડૉક્યાર્ડ પણ ધરાવે છે, જે આંતરિક જળમાર્ગ માટેની વહાણો બાંધવાની અને તેની મરામતની કામગીરી કરે છે.
27 ઑક્ટોબર 1986ના રોજ સ્થપાયેલ, ‘ઇન્લૅન્ડ વૉટરવેઝ ઑથોરિટી ઑવ્ ઇન્ડિયા’ રાષ્ટ્રીય જળમાર્ગોના વિકાસ અને જાળવણી માટેનું કાર્ય કરે છે તથા મધ્યસ્થ અને રાજ્ય સરકારોને આંતરિક જળમાર્ગ વિશે જરૂરી સલાહસૂચન આપે છે.
બંદર : ભારતમાં મુખ્ય 13 બંદર છે. એ સિવાય 200 નાનાં બંદર છે. તેમનો દરિયાકિનારો આશરે 7,516 કિમી. જેટલો છે. કંડલા, મુંબઈ, માર્મગોવા, ન્યૂ મેંગલોર, કોચીન અને જવાહરલાલ નેહરુ પૉર્ટ ઑવ્ બૉમ્બે પશ્ચિમ વિભાગનાં મુખ્ય બંદરો છે. પૂર્વ કિનારે તુતીકોરિન, ચેન્નાઈ, વિશાખપટ્ટનમ્, પરાદીપ અને કૉલકાતા, હલદિયા મુખ્ય બંદરો છે. કંડલા બંદરે મુક્ત વ્યાપાર ઝોનની સ્થાપના કરવામાં આવી છે.
આશરે 14,500 કિલોમીટર લંબાઈની પરિવહનયોગ્ય નદીઓ, નહેરો, સરોવરો અને ખાડીઓમાં ઈ. સ. 2005–06 દરમિયાન આશરે 2.82 અબજ ટન કિમી. માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. ભારતીય અંતર્ભાગ અધિકારે દેશમાં વધુ જળમાર્ગોના વિકાસ માટે પ્રોત્સાહનો અને વિવિધ સહાયની યોજનાઓ તૈયાર કરી છે.
પિનાકિન ર. શેઠ