જળ-મુરઘી (Water Hen/Moor Hen) : સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે 32 સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે.

તેની પીઠ અને પાંખો કાળાશ પડતી કથ્થાઈ અને સ્લેટિયા રંગની હોય છે. તેનું પેટાળ ઘેરા રાખોડી રંગે શોભે છે. માથાની નીચેનો ભાગ, ડોક અને છાતી પણ ઘેરા કાળાશ પડતા રાખોડી રંગનાં હોય છે. પડખામાં સફેદ આડો પટ્ટો હોય છે. ચાંચ લાલ, પણ અણી તરફ પીળી હોય છે. ચાંચથી કપાળ સુધીની માંસપેશી લાલ હોય છે. પગ લીલા રંગના હોય છે. પૂંછડી નીચેથી સફેદ અને વચમાં કાળા પટ્ટાવાળી હોય છે.

તે સંતાકૂકડીઓ કે જળમુરઘા જેવી શરમાળ હોતી નથી. તે તેની ડોક તાલબદ્ધ રીતે આગળપાછળ ડોલાવતી તરતી જોવા મળે છે. તે પાણીની અનુકૂળતા પ્રમાણે સ્થાનિક મુસાફરી કરે છે. શિયાળામાં મધ્ય એશિયા અને પશ્ચિમના દેશોમાંથી જળમુરઘી ભારત આવે ત્યારે તેમની સંખ્યામાં સારો એવો વધારો થાય છે.

પાણીમાંથી ઊડતી વખતે પાંખો ફફડાવતી થોડે સુધી પાણી ઉપર દોડીને હવામાં ઊંચકાય છે, ત્યારે પગ લબડતા રાખે છે. ભય લાગે ત્યારે ભાગવાને બદલે વનસ્પતિમાં છુપાઈ જાય છે. ડૂબકી મારવામાં તે હોશિયાર છે. તેને તેની ટૂંકી પૂંછડી અવારનવાર ઊંચીનીચી કર્યા કરવાની ટેવ હોય છે.

ભારત-એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને બીજા ટાપુઓમાં તે જોવા મળે છે. તે પાણીમાં જ મોટા ભાગે ફરે-ચરે છે. નદી કે તળાવના બંધિયાર પાણીના ઉપરવાસમાં ઊગેલા ઘાસના વનમાં તે વધુ સંતાઈ રહે છે. પાણીની વનસ્પતિ અને તેનાં બીજ, કૂંપળો તેમજ પાણીનાં જીવડાં અને તેમની ઇયળો તેનો મુખ્ય ખોરાક હોય છે. નર અને માદા સરખાં હોય છે.

તે ‘કુટ્રક-કુટ્રક-કુક-કુક’ જેવો અવાજ કરતું સંભળાય છે. તેનો પ્રજનનકાળ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાનો ગણાય છે. પાણીના ઘાસ-ચીયા કે બરુનાં રાડાંનો તરતો માળો ગીચ ઘાસમાં કરે છે. તેમાં તે બદામી કે પીળાશ પડતાં 5થી 14 ઈંડાં મૂકે છે. તેના કપાળનો લાલ રંગ માળાની ઋતુમાં જ ઘેરો બને છે.

બળદેવભાઈ કનીજિયા