જળભૂસ્તરશાસ્ત્ર

January, 2012

જળભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીની સપાટી નીચેના જળની પ્રાપ્તિ, વિતરણ અને અભિસરણને લગતું વિજ્ઞાન. ભૂગર્ભજળ પૃથ્વીના પોપડાના ખડકો સાથે સંકળાયેલું હોવાથી તેના બે વિભાગ પાડવામાં આવેલા છે : 1. ભૂગર્ભજળશાસ્ત્રમાં પાણીની ગુણવત્તા, પ્રાપ્તિની ઊંડાઈ, તેના વિતરણ અને ઉપયોગિતાની પદ્ધતિઓનો અભ્યાસ વણી લેવાય છે. 2. જળભૂસ્તરશાસ્ત્રમાં ભૂસ્તરશાસ્ત્રને વધુ મહત્વ અપાય છે. ભૂપૃષ્ઠ નીચેના જળધારક સ્તરોના સામાન્યપણે બે વિભાગ પાડેલા છે : (1) સંતૃપ્ત જળવિભાગ – જેમાં ખડકસ્તરમાંની બધી જ આંતરકણ- જગાઓ જળથી ભરાયેલી હોય છે. ઇજનેરી કાર્યો, ભૂસ્તરીય અભ્યાસ અને પાણીપુરવઠાવિકાસ માટે આ વિભાગ મહત્વનો બની રહે છે. (2) અસંતૃપ્ત જળવિભાગ – જેમાં ખડકસ્તરોમાંની આંતરકણ જગાઓ, જળ અને હવાથી ભરાયેલી હોય છે. આ વિભાગ સામાન્ય રીતે સંતૃપ્ત વિભાગની ઉપર તરફ ભૂપૃષ્ઠ સુધી વિસ્તરેલો હોય છે. આ વિભાગમાં મૂળધારક વનસ્પતિની આજુબાજુની જમીનમાં ભેજ સંગ્રહાયેલો હોઈ શકે છે, તેને કૃષિવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને જમીનશાસ્ત્ર સાથે વધુ સંબંધ રહેલો છે. તેમ છતાં આ બંને વિભાગો વચ્ચે ચોક્કસ સરહદરેખાની આકારણી કરવાનું મુશ્કેલ છે, કારણ કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જળશોષણ અને જલાભિસરણ શક્ય છે તેથી સરહદરેખા આંતર-વિભાગ પર આધારિત ગણાય છે.

ભૂસ્તરશાસ્ત્ર, જળશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર, મહાસાગરશાસ્ત્ર જેવી ભૂવિજ્ઞાનની આંતરઅવલંબિત વિજ્ઞાનશાખાઓ પણ ભૂગર્ભજળ સાથે – સપાટીજળ સાથે – સંકળાયેલી છે અને તેમના આંતરસંબંધોમાંથી જ ભૂગર્ભજળશાસ્ત્રની વિશિષ્ટ – અલગ વિજ્ઞાનશાખાનો ઉદય થયેલો છે, જેમાં ભૂસ્તરશાસ્ત્ર, જળશાસ્ત્ર અને તરલયાંત્રિકી (fluid mechanics) વગેરેને મહત્વ અપાય છે. ભૂસ્તરશાસ્ત્ર ભૂગર્ભજળનાં વિતરણ અને પ્રાપ્તિની ચર્ચા કરે છે. જળશાસ્ત્ર અધોભૂમિભાગને પાણી-પુરવઠો પૂરો પાડવાનું નિયંત્રણ કરે છે, જ્યારે તરલ યાંત્રિકી જળજથ્થાના અભિસરણનો ખ્યાલ આપે છે.

જળશાસ્ત્રનો વિકાસ પ્રાચીન કાળથી થયેલો છે એમ કહી શકાય. વર્ષાજળ, નદીજળ, સરોવરજળ, સાગરજળ અને વાતાવરણજનિત ભેજ તરીકે ઓળખાતું પાર્થિવ જળ, ભૂગર્ભજળ, મૅગ્માજન્ય કે જ્વાળામુખીજન્ય જળ એકત્ર થઈને સ્તરોમાં જળવાઈ રહે છે અથવા અન્યત્ર ફરતું રહે છે.

ગિરીશભાઈ પંડ્યા