જળજન્ય નિક્ષેપો : જળઆધારિત તૈયાર થતા નિક્ષેપો. નદીજન્ય, સરોવરજન્ય, ખાડીસરોવરજન્ય, નદીનાળજન્ય, હિમનદીજન્ય તેમજ સમુદ્ર-મહાસાગરજન્ય નિક્ષેપોનો જળજન્ય નિક્ષેપોમાં સમાવેશ કરી શકાય.
નદીપટમાં, નદીની આસપાસના ભાગોમાં, પૂરનાં મેદાનોમાં, પર્વતોના તળેટી વિસ્તારમાં, નદીના સીડીદાર પ્રદેશોમાં, ત્રિકોણપ્રદેશીય ભાગમાં રચાતા સ્વચ્છ જળજન્ય નિક્ષેપો નદીજળજન્ય નિક્ષેપો કહેવાય છે.
સ્વચ્છ જળનાં કે ખારા પાણીનાં સરોવરો (આવું દરેક ખારા પાણીનું સરોવર એક કે વધુ ક્ષારવાળું હોઈ શકે) સ્થળ અને સંજોગ પ્રમાણે નિક્ષેપો તૈયાર કરી શકે. તેમને સરોવર-જળજન્ય નિક્ષેપો કહી શકાય. એ જ પ્રમાણે ખાડીસરોવરો અને કયાલ પણ નિક્ષેપોની રચના કરતાં હોય છે.
દરિયાકિનારા પરની કાંપનિર્મિત પટ્ટીઓ કે કાંઠાનાં સાંકડાં કે પહોળાં મેદાનો, કિનારા નજીકના પંકભૂમિનિક્ષેપો, દરિયાઈ આડશો, ઊપસેલા કંઠારપ્રદેશો, તીરસ્થ નિક્ષેપો, ખંડીય છાજલી પરના – ખંડીય ઢોળાવ પરના, જુદી જુદી ઊંડાઈ પરના નિક્ષેપો, પ્રવાળખડકો, લીલ અને શેવાળના નિક્ષેપો, જીવજન્ય નિક્ષેપો, ગ્લોબિજેરિના– ટેરોપોડ – ડાયઍટમ – અને રેડિયોલેરિયા સ્યંદનો, સમુદ્ર કે મહાસાગરતળ પર જામતા જતા જળકૃત ખડકસ્તરો વગેરેનો દરિયાઈ જળને કારણે અસ્તિત્વમાં આવતા જળજન્ય નિક્ષેપોમાં સમાવેશ કરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા