જળજન્ય કોટર (potholes) : જળઘર્ષણથી થતાં કોટર કે બાકોરાં. નદીપટમાં રહેલા તળખડકોના સાંધા કે ફાટોમાં નાનામોટા ગોળાશ્મ ફસાઈ જતાં જળપ્રવાહના વેગને કારણે ફસાયેલા ગોળાશ્મ ફાટોમાં જ પકડાયેલા રહીને ગોળ ગોળ ફર્યા કરે, સંપર્કમાં આવતા બાજુના ખડકભાગોને ઘસ્યા કરે, તો છેવટે ઘડાના આકારમાં ફેરવાઈ જાય છે. આવાં પોલાણ કે બાકોરાંને જળજન્ય કોટર કહે છે. આ પ્રકારનાં કોટર મોટે ભાગે નદીના પટમાં જોવા મળતાં હોય છે. તે ગોળાકાર જ હોવાં જોઈએ તે જરૂરી નથી.

જળજન્ય કોટર માટેનો અંગ્રેજી પર્યાય potholes હોઈને તેનાં અન્ય અર્થઘટન પણ કરવામાં આવેલાં છે.

જળધોધ કે જળપ્રપાતમાં ઉપરથી નીચેના સખત તળખડક પર વેગથી પડતા પાણીના જથ્થાના મારાથી તેમજ પાણી સાથે આવતા ગોળાશ્મ, રેતી, ગ્રૅવલ કે પાષાણટુકડા ત્યાં ને ત્યાં વારંવાર અથડાયા કરવાથી, ગોળાકાર કે કોઈ પણ આકારમાં ખાડા પડી જાય છે. આ ખાડાઓ પણ જળજન્ય કોટર તરીકે ઓળખાય છે. મોટે ભાગે તે વધુ ઊંડા અને ઓછા પહોળા હોય છે.

ખડકગુફાઓ કે ખડકપોલાણોવાળા ભાગોમાં, ઉપરની છતમાં રહેલા સાંધાઓ મારફતે નીચે ઊતરતું પાણી ક્યારેક વેગથી તળ ઉપર પડ્યા કરે તો સીધા ઢોળાવવાળાં કોટર રચે છે. એ જ રીતે ખાણોની છતમાં શોષાઈને આવતા પાણીની અસરને કારણે જો કેટલોક ભાગ તૂટી પડે તો છતમાં કોટરો બને છે.

કોઈ પ્રદેશમાંથી ઉપયોગ અર્થે માટી કે ખડકજથ્થો ખોતરી કે ખોદી કાઢવામાં આવે અને ત્યાં સમય જતાં પાણી ભરાઈ રહે તો એવાં પોલાણોની બાજુઓ ઘસાતી જઈને ગોળાકાર સ્વરૂપ પ્રાપ્ત કરી શકે. આવાં પોલાણોને પણ જળજન્ય કોટર કહેવાય.

ગિરીશભાઈ પંડ્યા