જળજાંબવો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alternanthera sessilis (Linn.) DC. syn. A. triandra Lann.; A. denticulata R. Br.; A. repens Gmel. (મ. કાંચરી, પરળ; ગુ. જળજાંબવો, પાણીની ભાજી, વાજુળ) છે. તેની જાતિઓ A. ficoidea વઘઈમાં, A. paronychoides ભરૂચ, રાજપીપળા અને છોટા ઉદેપુર પાસે, A. pungens કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાય સર્વત્ર થાય છે. જળજાંબવો એકવર્ષાયુ કે બહુવર્ષાયુ ભૂપ્રસારી અપતૃણ છે. તે ભારતના ઉષ્ણ પ્રદેશોમાં બધે જ થાય છે અને હિમાલયમાં 1200 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનું શાકભાજી માટે પણ વાવેતર કરવામાં આવે છે. તેની શાખાઓ 7.5 સેમી.થી 45.0 સેમી. લાંબી અને અરોમિલ (glabrous) હોય છે. તેની ગાંઠો દીર્ઘરોમી (villosus) હોય છે. નીચેની ગાંઠોમાંથી મૂળ નીકળે છે. કુમળી શાખાઓ બે સીધી હરોળમાં રોમ ધરાવે છે. પ્રકાંડ અને પર્ણો જાંબલી રંગનાં હોય છે. પર્ણો સાદાં, 2.5 સેમી.થી 7.5 સે.મી. લાંબાં, માંસલ અને કેટલીક વાર અસ્પષ્ટપણે દંતુર (denticulate) હોય છે. પુષ્પો અત્યંત નાનાં અને સફેદ રંગનાં હોય છે અને મુંડક(head)સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. નિપત્ર (bract) અને નિપત્રિકાઓ (bracteoles) કાગળ જેવી પાતળી હોય છે. પરિદલપત્રો પાંચ અને લીલા રંગનાં હોય છે. 2થી 5 પુંકેસરના તંતુઓ જોડાઈને પ્યાલાકાર રચના બનાવે છે. એક-સ્ત્રીકેસરી બીજાશયમાં એક જ અંડક હોય છે. 1.25 મિમી.થી 1.5 મિમી.નો વ્યાસ ધરાવતાં બીજ ઉપ-વર્તુલાકાર (suborbicular) હોય છે.

તે મૂત્રલ (diuretic), સ્તન્યવર્ધક (galactogogue), પિત્તસ્રાવપ્રેરક (cholagogue), ગર્ભપાતોત્તેજક (abortificient) અને જ્વરરોધી (febrifuge) હોય છે. તેનો અપચામાં પણ ઉપયોગ થાય છે. પર્ણોનો સૂપ બનાવવામાં આવે છે. તે ઢોરો માટે સારો ચારો ગણાય છે, કેમ કે તેનાથી દૂધનું ઉત્પાદન વધે છે. બિહારમાં તેનો ઝાંખી ર્દષ્ટિ, રતાંધળાપણું, અતિસાર (diarrhoea), મરડો અને જન્મ પછીની તકલીફોમાં ઉપયોગ કરવામાં આવે છે. વ્રણની બળતરાના શમન માટે તેના ઉપર મૂળ લગાડવામાં આવે છે. તેની પોટીસ દાઝ્યા ઉપર બાંધવામાં આવે છે. તેનો ક્વાથ પરમિયા(gonorrhoea)માં આપવામાં આવે છે.

તેના ખાદ્ય ભાગનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 77.4 %; પ્રોટીન 5 %; લિપિડ 0.7 %; રેસો 2.8 %; કાર્બોદિતો 11.6 % અને ખનિજ-દ્રવ્ય 2.5 %; કૅલ્શિયમ 510 મિગ્રા.; ફૉસ્ફરસ 60 મિગ્રા.; લોહ 16.7 મિગ્રા.; રિબોફ્લેવિન 0.14 મિગ્રા.; નાયેસિન 1.2 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ 17.0 મિગ્રા.; પ્રતિ 100 ગ્રા. તેના ઈથર-નિષ્કર્ષમાં રહેલું ઘટક વ્રણરોધી (anti-ulcerative) ગુણધર્મ ધરાવે છે.

A. philoxeroides (Mart.) Griseb. (મગર-તૃણ), દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી જાતિ છે અને ભારતમાં તાજેતરમાં તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. આ જલીય અપતૃણ પાણીમાં 2.5 મી.ની ઊંડાઈ સુધી થઈ શકે છે. દક્ષિણ કૅરોલિનામાં તેનો ઢોરોના ચારા માટે ઉપયોગ થાય છે. તેમાં લોહતત્વનું પ્રમાણ ઊંચું હોય છે અને તેનો કચુંબર તરીકે ઉપયોગ થાય છે.

જળજાંબવાના અજારક આથવણથી મિથેન ઉત્પન્ન કરી શકાય છે. આ વનસ્પતિનો ગૃહવાહિત મલ (domestic sewage) માટે તૃતીયક (tertiary) ગાળણતંત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે બે અઠવાડિયામાં નિલંબિત (suspended) કણો, કુલ જેલ્ડાલ નાઇટ્રોજન, કુલ ફૉસ્ફરસ, બી. ઓ. ડી. (biological oxygen demand) અને કુલ કાર્બનિક કાર્બનનો વાહિત મલમાં 68 %થી 98 % જેટલો ઘટાડો કરે છે. વાહિત મલમાં ઉગાડવામાં આવેલી આ વનસ્પતિ સૂક્ષ્મ-માત્રિક ભારે તત્વો(trace heavy elements)ની વિષાક્ત સીમા(toxic limit)થી મુક્ત હોય છે.

આયુર્વેદ અનુસાર તે તીખો, ઉષ્ણ અને કડવો છે; અને સોજો, મેદ, પ્રમેહ, કફ, વાયુ, ઉદરરોગ, કૃમિ અને વિષનો નાશ કરે છે. તેનો ઉપયોગ ઢોરનું વિષ ઉતારવા માટે, વાતગલગંડ અને આફરા ઉપર થાય છે.

તેને ઉદ્યાનની કિનારીએ રોપવામાં આવે છે. તેને અવાર-નવાર કાપીને ઘાટ આપી શકાય છે. જાંબુડીઓ રંગ હોવાથી ઉદ્યાનમાં મેંદીની લીલી વાડ સાથે તેને ઉગાડતાં સુંદર દેખાય છે.

મ. ઝ. શાહ

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

બળદેવભાઈ પટેલ