જલોત્સર્ગી (hydathode) : પાણીનું પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન કરતી પર્ણની કિનારી કે ટોચ પર આવેલી રચના. કેટલીક પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ, ટમેટાં, સેક્સિફ્રેગા જેવી આવૃત બીજધારી વનસ્પતિ તેમજ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં જલોત્સર્ગી કે જલરન્ધ્ર જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે; તેની દ્વારા બિંદૂત્સ્વેદન (પ્રવાહી સ્થિતિમાં પાણીનું ઉત્સર્જન) થાય છે. ખાસ કરીને અત્યંત ભેજયુક્ત વાતાવરણમાં જ્યાં મૂળ દ્વારા પાણીનું અભિશોષણ ઝડપથી થાય છે અને તુલનામાં ઉત્સ્વેદનની ક્રિયા ધીમી થાય છે ત્યાં આ પ્રકારનું ઉત્સર્જન થતું હોય છે.
હંસરાજની પર્ણિકાની પૃષ્ઠ સપાટી પર શિરિકાને અંતે જલોત્સર્ગી આવેલી હોય છે. તે ગોળાકાર હોય છે. તે સૌથી બહારની બાજુએ અધિચ્છદીય કોષોનું પડ ધરાવે છે. આ પડ સ્રાવી કે ગ્રંથીય કોષોને આવરે છે. પાણીના બિંદૂત્સ્વેદન ઉપરાંત, વધારાના ચૂનાના ક્ષારોનું તે ઉત્સર્જન કરે છે. આમ હંસરાજની જલોત્સર્ગી ઉત્સર્જન અને જલનિયમનનું કાર્ય કરે છે.
પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ અને ટમેટાં જેવી વનસ્પતિઓમાં જલોત્સર્ગી માત્ર સામાન્ય છિદ્ર નથી. તેમાં જલવાહિનીઓને છેડે શિથિલ રીતે ગોઠવાયેલા (આંતરકોષીય અવકાશયુક્ત) મૃદુતક કોષો આવેલા હોય છે. તેમાં હરિતકણો અલ્પ સંખ્યામાં હોય છે. તેમને એપિથેમ કહે છે. આ એપિથેમની બહારની તરફ રન્ધ્રીય કોટર અને અંતે છિદ્ર આવેલું હોય છે. આ સમગ્ર રચનાને જલોત્સર્ગી કહે છે (જુઓ આકૃતિ). કેટલીક વનસ્પતિઓમાં એપિથેમનો અભાવ પણ હોય છે. એપિથેમરહિત જલોત્સર્ગીમાં મધ્યપર્ણપેશી છિદ્રના સંપર્કમાં રહે છે.
સામાન્ય રન્ધ્ર અને જલોત્સર્ગી ઘણી રીતે જુદાં પડે છે. જલોત્સર્ગીનું કદ વધારે મોટું હોય છે અને તેનું સ્થાન શિરાને અંતે હોય છે અને તે હંમેશાં ખુલ્લી રહે છે.
બળદેવભાઈ પટેલ