જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics) : જલમાં છોડ ઉછેરવાની પ્રવૃત્તિ. સામાન્ય રીતે છોડને જમીનમાં ઉછેરવામાં આવે છે. જમીન છોડને ઊગવા–ઊભા રહેવા માટેનું સાધન થઈ પડે છે; અને જમીનમાં તેમજ તેમાં ઉમેરવામાં આવતાં ખાતરોમાં રહેલાં દ્રવ્યો–ક્ષારો છોડને જીવવા–વધવા માટેનું કારણ બની રહે છે. જો આ દ્રવ્યો –ક્ષારો રસાયણો દ્વારા પૂરાં પાડવામાં આવે તો છોડને જમીન સિવાય ઉછેરી શકાય ? બુદ્ધિમાન મનુષ્યે એ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો. પાણીમાં જરૂરી ક્ષારો ઉમેરીએ, એ પાણીને એક ટબમાં રાખીએ અને ઉપરના ભાગમાં ઝીણી જાળીનો, લાકડાના વહેરનો, સેવાળનો કે એવા જ કોઈ પદાર્થનો થર કરી તેમાં બી-છોડ રોપવામાં આવે તો છોડ ઉછેરી શકાય છે. જરૂરી દ્રવ્યોને નિયમિત સમયે યોગ્ય પ્રમાણમાં ઉમેરવાં પડે. આ કલાને હાઇડ્રોપૉનિક્સ કહે છે. આ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. હાઇડ્રો એટલે પાણી અને પૉનોસ એટલે મહેનત, કામગીરી.

આમાં કઈ જાતના છોડને કયા દ્રવ્યની કેટલા પ્રમાણમાં, કયા સ્વરૂપમાં અને ક્યારે જરૂર પડે છે તેની સ્પષ્ટ માહિતી હોવી જરૂરી છે.

હવે તો પાણીને બદલે એકલી રેતી, નાના નાના પથ્થર, ઈંટનો ભૂકો કે લાકડાનો વહેર વાપરીને છોડ ઉછેરવામાં આવે છે, તેને પણ જલસંવર્ધન કહેવાય છે. આને માટી વગરની ખેતી (soil-less culture) કહે છે. આમાં પણ જરૂરી દ્રાવણો ઉપર પ્રમાણે જ ઉમેરવાનાં હોય છે. આમાં વધારાનું પાણી નીતરી જાય એવી વ્યવસ્થા હોવી જરૂરી છે. વળી દરેકમાં છોડના મૂળને ઑક્સિજન મળે તેવી વ્યવસ્થાની પણ આવશ્યકતા રહે છે. આ માટે જરૂર પડ્યે પંપ મૂકીને હવાના પરપોટા મૂળ આગળ છોડવા પડે.

જલસંવર્ધન ત્રણ હેતુઓ માટે મુખ્યત્વે વપરાય છે :

(1) રસાયણશાસ્ત્રીઓ છોડની જુદી જુદી જરૂરિયાતો તેમજ દરેક તત્વની ઊણપથી થતી અસરો વગેરે નક્કી કરવા માટે આ રીતનો ઉપયોગ કરે છે. આ બાબતમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાના અખતરા બાદ જુદાં જુદાં ધોરણો નક્કી કર્યાં છે. બનવાજોગ છે કે એમણે વાપરેલી છોડની જાત, આબોહવા વગેરે ભિન્ન હોય. એ ધોરણો સારણી-1માં દર્શાવ્યાં છે :

(2) શોખ ખાતર ઉછેરવામાં આવતા આ રીતના છોડ. આમાં અગાસી, બાલ્કની કે વરંડામાં બૉક્સ કે ટબમાં શાકભાજીના કે નાના નાના ફૂલછોડના કે ફળઝાડના છોડ ઉછેરવામાં આવે છે અને તેમાં નિયમિત દ્રાવણો ઉમેરવામાં આવે છે. કેટલાક વેપારીઓ આ માટેનાં દ્રવ્યો – રસાયણો જુદાં જુદાં તેમજ યોગ્ય પ્રમાણમાં ભેળવીને રાખતા હોય છે. આવાં દ્રવ્યોના 2 મુખ્ય ભાગ છે : (अ) મોટા પ્રમાણમાં જરૂર પડે તેવા બૃહત્ પોષકો (macronutrients) જેમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ મુખ્ય છે. કેટલાક કૅલ્શિયમ, સલ્ફર અને મૅગ્નૅશિયમનો પણ આમાં સમાવેશ કરે છે. (ब) ઓછા પ્રમાણમાં જરૂર પડે તેવાં દ્રવ્યો લઘુ પોષકો (micronutrients). આમાં કૅલ્શિયમ, સલ્ફર, મૅગ્નૅશિયમ (કેટલાકે આને બૃહત્ પોષકોમાં ગણેલ છે.), ક્લોરિન, જસત, બૉરૉન, મૅન્ગેનીઝ, તાંબું, લોહ વગેરેનો સમાવેશ થાય છે. બૃહત્ પોષકોનું પ્રમાણ પાણીના 10 લાખ ભાગે (ppm) 150થી 250 જેટલું, કૅલ્શિયમ, સલ્ફર, મૅગ્નૅશિયમનું પ્રમાણ 25થી 65 જેટલું અને બૃહત્ પોષકોનું પ્રમાણ 0.05થી 1.75 જેટલું હોય છે. આ બધાં દ્રવ્યો એવા રસાયણના રૂપમાં હોવાં જરૂરી છે કે પાણીમાં ઝટ ઓગળી જાય અને દ્રાવણની pH સમધાત રાખે.

[સારણી 1 : કેટલાક પ્રમાણભૂત પોષક સંવર્ધનપ્રકારો]

પ્રમાણભૂત પોષક સંવર્ધનપ્રકારો (કૂંડા દીઠ ગ્રામમાં વજન)
સેચનું દ્રાવણ

(1860)

નોપનું દ્રાવણ

(1865)

ફેકરનું દ્રાવણ

(1900)

ક્રૉનનું દ્રાવણ

(1902)

KNO3 1.0 Ca

(NO3)2

0.8 Ca

(NO3)2

0.8 KNO3 1.00
Ca3(Po4) 0.50 KNO3 0.2 KNO3 0.2 Ca3

(PO4)2

0.25
MgSO4 0.50 KH2PO4 0.2 MgSO4 0.2 MgSO4 0.25
CaSO4 0.50 MgSO4 a trace KH2PO4 0.2 CaSO4 0.25
NaCl 0.25 FePO4 a trace KCl 0.2 FePO4 0.25
FeSO4 atrace FeCl3 small

amount

H2O 1000

ml

H2O 1000

ml

H2O 1000

ml

H2O 1000

ml

લઘુ પોષકોને દરરોજ અથવા એકાંતરે દિવસે કે 3થી 4 દિવસે ઉમેરવાનાં હોય છે, જ્યારે બૃહત્ પોષકોને અઠવાડિયે, પખવાડિયે કે મહિને ઉમેરવાનાં હોય છે.

આનો શોખ કેળવનારે આ માટેની જરૂરી માહિતી મેળવીને તેમજ પ્રત્યક્ષ જ્ઞાન મેળવીને આ કામ હાથ પર લેવું જોઈએ.

ક્યારેક આ રીતે ઉછેરેલા છોડ ઉપર – ખાસ કરીને ટમેટાં વગેરેના છોડ ઉપર – સામાન્ય રીતે ઉછેરેલા છોડ કરતાં વધારે પાક પણ ઊતરે છે.

(3) વેપારી ધોરણે જલસંવર્ધન : ગ્રીનહાઉસ કે ગ્લાસહાઉસમાં છોડ ઉછેરવા પડે તેવા સંયોગોમાં છોડને સીધા જમીનમાં ઉછેરવાને બદલે જલસંવર્ધનથી ઉછેરેલા છોડ પર ઉતાર વધારે આવે છે અને એવા હાઉસમાં કરાતા ખર્ચાનું વળતર સારું મળે છે. ખાસ કરીને ઠંડા પ્રદેશમાં જ્યાં ગરમી-ઠંડી નિયંત્રિત કરવી પડતી હોય છે ત્યાં આ રીત વેપારી ધોરણે પોષાઈ શકે છે. વિશેષે જ્યાં જમીન બિનઉપજાઉ અને ખેતી માટે લાયક ન હોય, ખાર કે આલ્કલીવાળી હોય ત્યાં પણ આ પદ્ધતિ અપનાવી શકાય અને પાક મેળવી શકાય.

આ સિવાય હવે તો અવકાશયાનો વગેરેમાં રાખેલા છોડની ઉપર થતી અસરો જાણવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

મ. ઝ. શાહ