જલસ્પર્ધા (aquatics) : પાણીની અંદર યા પાણીની સપાટી પર થતી રમતની સ્પર્ધા. આના મુખ્ય વિભાગ તરણ-ડૂબકી સ્પર્ધા તથા નૌકા(જલયાન) સ્પર્ધા છે.

1. તરણસ્પર્ધા : ‘તરણ’ યા ‘તરવું’ શબ્દ શરીરની પાણીની સપાટી પરની સામાન્ય સ્થિતિ-ગતિ દર્શાવે છે. માનવશરીરની વિશિષ્ટ ઘનતા (સ્પેસિફિક ગ્રેવિટી) એકંદરે 0.95થી 1 સુધીની ગણાય છે, તેથી માણસ માટે પાણીમાં તરવું કે સપાટી પર રહેવું સાહજિક ગણી શકાય. પુખ્ત વયના પુરુષ કરતાં નાનાં બાળક તથા સ્ત્રીઓના શરીરની ઘનતા ઓછી હોઈ તેમને માટે તરવાની ક્રિયા વધુ સરળતાથી શીખવાનું શક્ય બને છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તરવાની આ પ્રવૃત્તિ મનોરંજનલક્ષી, જીવનબચાવલક્ષી, સ્પર્ધાત્મક, નૃત્યાત્મક, ડૂબકી, સ્વબચાવ, દરિયામાં ડૂબકી, વૉટર પોલો એમ અનેક સ્વરૂપે વિકસી છે. 1896માં ઍથેન્સ ખાતે યોજાયેલા પ્રથમ ઑલિમ્પિક રમતોત્સવમાં સૌપ્રથમ વખત તરણસ્પર્ધાઓને સ્થાન મળ્યું. સ્ત્રીઓ માટે તરવાની સ્પર્ધાની રમતો 1912માં સ્ટૉકહોમ ખાતે યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવથી શરૂ થઈ.

હાલમાં ઑલિમ્પિક રમતોત્સવમાં 100 મી., 200 મી. તથા 400 મી. ફ્રીસ્ટાઇલ, 100 તથા 200 મી. બ્રેસ્ટ-સ્ટ્રોક, 100 તથા 200 મી. બટરફ્લાય, 100 મી. તથા 200 મી. બૅક-સ્ટ્રોક, 400 મી. વ્યક્તિગત મેડલી તથા 4 x 100 મી. રીલે એટલી તરણસ્પર્ધાઓ પુરુષો તથા સ્ત્રીઓ બંને માટે યોજાય છે, જ્યારે 1500 મી.ની ફ્રીસ્ટાઇલ તથા 4 x 200 મી.ની ફ્રીસ્ટાઇલ રીલે ફક્ત પુરુષો માટે અને 800 મી. ફ્રીસ્ટાઇલ તથા 4 x 100 મી. ફ્રીસ્ટાઇલ રીલે ફક્ત સ્ત્રીઓ માટે યોજવામાં આવે છે. ઑલિમ્પિકમાં તરણ તથા ડૂબકી સ્પર્ધાઓનો ઇતિહાસ જોતાં તેમાં અમેરિકાનું વર્ચસ્ રહેલું જણાય છે.

તરણસ્પર્ધાઓ તે માટેના ખાસ તરણકુંડોમાં યોજવામાં આવે છે. તરણકુંડની લંબાઈ 50 મી. તથા પહોળાઈ 21 મી. હોય છે જેમાં એકસાથે 8 હરીફો તરી શકે તે ર્દષ્ટિએ દરેક 2.5 મી. પહોળાઈની એવી 8 લેન હોય છે. પાણીની સપાટી પર તરતી રહી શકે તેવી ભૂંગળીઓમાં નાયલૉનની દોરી પરોવી, દોરીને કુંડના એક છેડાથી બીજા છેડા સુધી બાંધી તરણમાર્ગની સીમારેખા તૈયાર કરવામાં આવે છે. બંને બાજુના છેડે દીવાલથી 5 મી.ના અંતરે, બૅક-સ્ટ્રોકની સ્પર્ધામાં હરીફ સ્પર્શરેખા નજીક આવેલ છે તે સમજી શકે તે માટે ધજાઓવાળી દોરી પાણીની સપાટીથી ઊંચે જોઈ શકાય તે રીતે બાંધવામાં આવે છે. ઉપરાંત, સ્પર્ધાના પ્રસ્થાન વખતે કોઈ હરીફે પહેલાં પ્રસ્થાન કરવાની ભૂલ કરેલી હોય તથા બાકી હરીફોએ પણ પાણીમાં પડી સ્પર્ધા શરૂ કરી દીધી હોય તેવા પ્રસંગે તમામ હરીફોને રોકવા પ્રસ્થાનરેખાથી 15 મી.ના અંતરે સપાટી ઉપર દોરી મૂકી તે બધાને રોકી દેવામાં આવે છે અને તેવા ખોટા પ્રસ્થાનના પ્રસંગે સ્પર્ધા અટકાવી દેવાય છે.

સ્પર્ધકો તરણકુંડના એક છેડે રાખવામાં આવેલ પ્રસ્થાન બ્લૉક પરથી બૅક-સ્ટ્રોક સિવાયની રમતોમાં, પાણીમાં ડૂબકી મારીને સ્પર્ધા શરૂ કરે છે. પ્રસ્થાન બ્લૉકની ઊંચાઈ પાણીની સપાટીથી આશરે 0.76 મી. હોય છે. બૅક-સ્ટ્રોક સ્પર્ધા વખતે સ્પર્ધકે પ્રસ્થાનરેખા તરફ મોં રાખી, પ્રસ્થાન બ્લૉકમાં બેસાડેલો નળી જેવો હાથો હાથ વડે પકડી, પગના પંજા પાણીની સપાટી નીચે દીવાલ પર ટેકવી, દીવાલને પગ વડે ધક્કો મારી, પાણીની સપાટી પર પીઠ આવે તે રીતે પ્રસ્થાન કરવાનું હોય છે. 2.5 મી. પહોળી દરેક લેન વચ્ચે તળિયા પર મધ્યમાં ઊભી લીટીમાં લાલ રંગનો પટ્ટો દોરેલો હોય છે, જે સ્પર્ધકોને સીધી લીટીમાં તરવા માટે માર્ગદર્શક બને છે. સ્પર્ધાના યોગ્ય સંચાલન માટે (1) સરપંચ, (2) પ્રસ્થાન આદેશક, (3) મુખ્ય સમયપંચ, (4) લેન-દીઠ ત્રણ સમયપંચ, (5) મુખ્ય વિજયપંચ, (6) દરેક લેન દીઠ બંને છેડે એકેક વળાંક નિરીક્ષક, (7) તરણકુંડની બંને બાજુએ એકેક પદ્ધતિ નિરીક્ષક એ પ્રમાણે પંચો રહે છે.

આકૃતિ 1 : તરણકુંડ, સ્પર્ધકો અને પંચો
(અ) રેફરી, (બ) સ્ટાર્ટર, (ક) પ્લેસિંગ જજીઝ, (ડ) સ્ટ્રોક જજીઝ, (ઇ) ટર્નિંગ જજીઝ, (ફ) ચીફ ટાઇમકીપર, (ગ) લેઇન ટાઇમકીપર્સ, (હ) રેકર્ડર

દરેક સ્પર્ધકે પોતાની નિયત લેનમાં જ સ્પર્ધા પૂરી કરવાની રહે છે. સ્પર્ધા દરમિયાન સ્પર્ધક કુંડના તળિયે જમીન પર ઊભો રહી શકે છે. પણ ચાલીને આગળ વધવાની મનાઈ છે. દરેક સ્પર્ધામાં વળાંક લેતી વખતે હરીફે દીવાલને શરીરના કોઈ પણ ભાગ વડે સ્પર્શવું જોઈએ. વળાંક દીવાલેથી જ લેવો જોઈએ.

તરણકુંડમાં યોજાતી સ્પર્ધાઓની મુખ્ય તરણપદ્ધતિઓ : (1) ફ્રીસ્ટાઇલ યા ફ્રન્ટ ક્રાઉલ પદ્ધતિ; તેમાં તરતી વખતે શરીરનો આગળનો ભાગ એટલે કે છાતી, પેટ વગેરે પાણીની સપાટી તરફ રહે છે; (2) બૅક-સ્ટ્રોક પદ્ધતિ; તેમાં તરતી વખતે પીઠનો ભાગ પાણીની સપાટી તરફ રહે છે તથા પગના પંજા અને માથું ઊંચે આકાશ તરફ તેમજ કમર નીચે તરફ રહે છે; આ પદ્ધતિમાં હાથને વારાફરતી જાંઘ પાસેથી પાણીની સપાટી બહાર સીધો ઊંચકી કાન પાસેથી ખુલ્લા પંજા સાથે હલેસાંની જેમ પાણીને કાપી નિતંબના ભાગ સુધી ખેંચી જાંઘ પાસે લઈ જવાનો હોય છે. આ જ રીતે એક પછી બીજો એમ બે હાથે પાણી કાપતા રહી આગળ ઝડપથી તરવાનું હોય છે. આ સ્ટ્રોકમાં આખું શરીર પાણીની સપાટી બહાર દેખાતું હોવાથી પ્રેક્ષકોને આ સ્પર્ધા ખૂબ જ આકર્ષક લાગે છે. (3) બ્રેસ્ટ-સ્ટ્રોક પદ્ધતિમાં પાણીની સપાટી પર શરીરનો આગળનો ભાગ રહે છે. આ પદ્ધતિ ફ્રૉગ સ્ટાઇલના નામે પણ ઓળખાય છે. (4) બટરફ્લાય સ્ટ્રોક પદ્ધતિ; તેમાં શરીરનો આગળનો ભાગ પાણીની સપાટી તરફ તથા પીઠનો ભાગ આકાશ તરફ રહે છે અને બંને હાથ તથા પગનું એકીસાથે હલનચલન કરી એક સ્ટ્રોક પૂરો કરતાં ઊડતા પતંગિયા જેવું સ્પર્ધકનું શરીર લાગે છે.

 ડૂબકી (diving) : ડૂબકીની રમતમાં સ્પર્ધક ઊંડા પાણીની સપાટી ઉપર હાઇબોર્ડ, પ્લૅટફૉર્મ કે સ્પ્રિંગ બોર્ડ ઉપરથી કૂદકો લઈને પાણીની સપાટી તરફ લંબરેખાએ નીચે આવી પાણીમાં પ્રવેશ કરે છે. પાણીમાં પ્રવેશ કરતી વખતે હાથ માથા પર ખેંચાયેલા રહે છે તથા શરીર સીધી લીટીમાં રહે છે, જેથી પ્રવેશ વખતે ઓછામાં ઓછું પાણી ઊડે છે. બોર્ડ પરથી કૂદકો લઈ પાણીમાં પ્રવેશ થાય તે દરમિયાન હવામાં, જિમ્નેસ્ટિક્સની વિવિધ અંગમરોડની કસરતોનો સમાવેશ થાય છે. આ રમતમાં શરીરનાં તમામ અંગો પરનો સંપૂર્ણ કાબૂ, સ્નાયુઓની લવચીકતા, અંગમરોડની વિવિધ ગતિવિધિઓ આવશ્યક છે. અત્યાર સુધીમાં 634 પ્રકારની ડૂબકી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે માન્ય થયેલી છે. તેમાંથી વિભાગવાર પસંદગી કરી સ્પર્ધકે નક્કી કરેલ ડૂબકી મારવાની હોય છે. દરેક ડૂબકીનું નામ માઇક પર જાહેર થયા પછી સ્પર્ધક બોર્ડ પર જઈ પોતે તે ડૂબકી માટે બોર્ડ પર દોડીને કે ઊભા રહીને ડૂબકી લેવાની સ્થિતિ (સ્ટેન્સ) બતાવે છે. ત્યાર બાદ બોર્ડ છોડી વર્ણવ્યા મુજબની ડૂબકી અધ્ધર હવામાં સર્વાંગસુંદર અંગમરોડ અને લય સાથેની સ્થિતિ દર્શાવે છે અને પછી પાણીમાં પ્રવેશ કરતી વખતે બંને પંજા ભેગા અને આંગળીઓ ખેંચીને રાખેલી સ્થિતિમાં 180°ના ખૂણે સીધા શરીરે ઊંધા માથે પાણીમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં પ્રવેશ કર્યાથી પાણી ઓછું ઊડે છે. બોર્ડ સ્થિર કે કમાનવાળું હોય છે. સ્થિર બોર્ડ અગર હાઇ બોર્ડની ઊંચાઈ પાણીની સપાટીથી 1, 3, 5, 71/2 તથા 10 મીટરની હોય છે. જ્યારે કમાન બોર્ડની ઊંચાઈ 1 તથા 3 મી.ની હોય છે. પુરુષો તથા સ્ત્રીઓ બંને માટે ડૂબકીની સ્પર્ધા યોજાય છે. પુરુષોની હાઇબોર્ડ ડૂબકીની સ્પર્ધામાં સ્પર્ધકે જુદાં જુદાં 6 જૂથની એક એક ફરજિયાત તથા અન્ય 4 મરજિયાત મળી કુલ 10 ડૂબકી લગાવવાની હોય છે. ડૂબકી 10 મી. કે તેની વચ્ચેની ઊંચાઈએથી પ્લૅટફૉર્મ પરથી લઈ શકાય છે. સ્ત્રીઓ માટેની હાઇબોર્ડ ડૂબકી સ્પર્ધામાં સ્પર્ધકે 4 જુદાં જુદાં જૂથની એક એક ફરજિયાત તથા 4 મરજિયાત મળી કુલ 8 ડૂબકી લેવાની હોય છે.

રમતનાં કૌશલો : બોર્ડની કિનારી પર ઊભા રહી અગર પાછળથી દોડતા આવીને ડૂબકી લઈ શકાય છે. કોઈ પણ ડૂબકીમાં શરીરની સ્થિતિ સીધી અથવા કમરેથી શરીર વાળી હાથ તથા પગના પંજા, ઢીંચણ કે કોણીને વાળ્યા વિના ભેગી લાવી ચીપિયા જેવી (pike) અથવા બંને પગના ઢીંચણ ભેગા વાળી છાતી પાસે લાવી પગના નળા પર હાથ રાખી શરીરનું ટૂંટિયું (tuck) વાળેલી સ્થિતિમાં રાખવામાં આવે છે. સ્પર્ધા વખતે રેફરી સાથે 5 અગર 7 પંચો રહેતા હોય છે. પંચો દરેક ડૂબકી માટે ગુણ આપે છે અને તમામ પંચોના ગુણોને અનુલક્ષીને પરિણામ નક્કી થાય છે.

મુખ્ય તરણપ્રક્રિયાઓ

લાંબા અંતરની તરણસ્પર્ધા : લાંબા અંતરની તરણસ્પર્ધાઓ ખુલ્લા પાણીમાં એટલે કે નદી, સરોવર યા સમુદ્રમાં 2500 મી.થી વધારે અંતરની યોજાય છે. આ પ્રકારની સ્પર્ધામાં ઠંડી, ઊછળતાં પાણી, પ્રવાહો, ભરતીનાં વહેણ, મોજાં, પવનના સપાટા વગેરેનો સામનો કરવાનો હોવાથી તરવૈયા માટે તેના ખમીરની કસોટીરૂપ બની જાય છે. લાંબા અંતરના તથા ભારે મુશ્કેલીઓ અને જોખમભર્યા તરણક્ષેત્રે ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઇંગ્લિશ ચૅનલ(ખાડી) તરવાનું આકર્ષણ અજોડ છે અને 36.20 કિમી. અંતરની આ ખાડી તરી જવાનો પડકાર અનેક દેશોના અનેક તરવૈયાઓએ હિંમતપૂર્વક ઝીલ્યો છે. ઇંગ્લિશ ખાડી તરી જવાનો વિક્રમ પુરુષોમાં બ્રિટનના વૉટસને 1969માં 9 ક. 35 મિ. નોંધાવ્યો છે. ભારતના ભાગલા પડ્યા તે પૂર્વે બંગાળના ઢાકા શહેરના લાંબા અંતરના તરવૈયા બ્રિજેન દાસે ઑગસ્ટ 1958માં ફ્રાંસથી ઇંગ્લૅન્ડની 21 માઈલની ખાડીતરણ-સ્પર્ધામાં ભાગ લઈ ખાડીનું અંતર 13 કલાક 42 મિનિટમાં પૂરું કરી પ્રથમ ભારતીય વિજેતા તરીકે નામના મેળવેલી. ઉપરાંત વિશ્વમાં હજુ સુધી તેઓ પ્રથમ ઍશિયન તારક છે જેમણે 6 વાર ખાડી તરીને પાર કરી છે. ત્યારબાદ કોલકાતાની આરતી સહા નામની મહિલાએ પણ ખાડીતરણ-સ્પર્ધામાં ભાગ લઈ 14 કલાક 21 મિનિટના સમયમાં પૂરી કરેલી. તે સમુદ્રતરણક્ષેત્રે ભારતની પ્રથમ મહિલા સ્પર્ધક તરીકે ખ્યાતિ પામેલી છે. સ્ત્રીઓમાં ઑસ્ટ્રેલિયાની મૅકગિલે 1967માં 9 ક. 59 મિ. સમય નોંધાવ્યો છે. અંગ્રેજી ખાડીને ફ્રાન્સથી ઇંગ્લૅન્ડ અને તરત જ પાંચ મિનિટના વિરામ બાદ ઇંગ્લૅન્ડથી ફ્રાન્સ એમ બે વખત તરી જવાનો પુરુષાર્થ કેટલાક સાહસિક તરવૈયાઓએ સફળતાપૂર્વક પાર પાડ્યો છે. પશ્ચિમ બંગાળના મિહિર સેને 1967માં સાહસિક વિશ્વ તરવૈયા તરીકે ઇંગ્લિશ ચૅનલ ઉપરાંત પાલ્ક, જિબ્રાલ્ટર, બૉસ્ફરસ, ડાર્ડેનલ્સ, પનામા વગેરે સામુદ્રધુનીઓ સફળતાપૂર્વક તરી જઈ વિશ્વવિખ્યાતિ પ્રાપ્ત કરી છે. મૂળ ગુજરાતના પરંતુ વર્ષોથી મુંબઈમાં રહેતા રિહેન મહેતાએ 1994માં 12 વર્ષની નાની ઉંમરે 11 ક. 33 મિ.માં ખાડી તરી જઈ સૌથી નાની વયના ખાડી-તારક તરીકે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે.

આકૃતિ 3 : ડાઇવનાં કૌશલો (1) ફોરવર્ડ, (2) બૅકવર્ડ, (3) રિવર્સ, (4) ઇનવર્ડ, (5) ટ્વિસ્ટ, (6) આમ-સ્ટૅન્ડ

ગુજરાતમાં હરિ: ૐ આશ્રમની પ્રેરણાથી 1968થી રાજ્ય સરકાર તરફથી દર વર્ષે (હાલમાં 2 વર્ષે) સૌરાષ્ટ્રના દરિયામાં ચોરવાડથી વેરાવળ સુધી 33.3 કિમી. જેટલા અંતરની સમુદ્રતરણ-સ્પર્ધા ક્રાંતિવીર વી. ડી. સાવરકરના નામ સાથે સાંકળીને ગુજરાત સ્ટેટ ઍક્વેટિક ઍસોસિયેશનના સહયોગથી ભારતભરના સ્પર્ધકો માટે યોજવામાં આવે છે. આના પરિણામે ગુજરાતમાં આ રમતનો વ્યાપ અને વિકાસ વધ્યા છે. સાહસિક તરવૈયાઓ ટિંગુ ખટાઉ, નાથુભાઈ પહાડે, નરભેરામ મિસ્ત્રી, ઝીણાભાઈ નાવિક, ઠાકોરભાઈ નાવિક, શાલિની તામ્હણકર વગેરેએ લાંબા અંતરની સમુદ્રતરણ-સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે.

નૃત્યાત્મક જલક્રીડાની મનોરંજક તરણસ્પર્ધા : વૈયક્તિક, 4ની જોડ અને 4 કે તેથી વધુમાં વધુ 8 સ્પર્ધકોના વિભાગોની કુલ 437 રમતોની આ સ્પર્ધા છેલ્લા ચાર દાયકાથી યોજાય છે. આ સ્પર્ધામાં અંગની ત્વરિત વિવિધ સ્થિતિઓ દર્શક માટે મનોહારી બની રહે છે. પાણીમાં તરતાં તરતાં એકરાગ, તાલ, લય અને અંગમેળથી વિવિધ અંગમરોડોના સહારે જુદા જુદા આકારો પાણીની સપાટી પર દર્શાવાય છે. સ્પર્ધામાં ત્રણ જૂથો પ્રમાણે ગુણો આપી અલગ અલગ ત્રણ વિજેતાઓને સુવર્ણ, રજત તેમજ કાંસ્ય એમ પદકો અપાય છે.

‘સિન્ક્રોનાઇઝ્ડ સ્વિમિંગ’ના નામે ઓળખાતી આ સ્પર્ધા માટે તરવૈયાઓમાં તરવાની નિપુણતા ઉપરાંત બેલે નૃત્યકારની કલાત્મકતા, છટા તથા તાલબદ્ધતા તેમજ વ્યાયામવીરની જેમ પાણીની સપાટી પર તથા નીચે ગુલાંટો લેવાની, ગોળ ફરવાની કે અંગમરોડની ચપળતા હોવી આવશ્યક છે. આ પ્રકારની સ્પર્ધાના બે વિભાગ હોય છે : પહેલા વિભાગમાં વિવિધ સ્ટંટ બતાવવાના હોય છે જ્યારે બીજા વિભાગમાં સંગીતની સંગતમાં મુક્ત, કલાત્મક તથા ભાવલક્ષી ગતિઓની સળંગ મિલાવટ તથા એકસૂત્રતા બતાવવાની હોય છે. આ દરેક વિભાગના ગુણના સરવાળા ઉપરથી પરિણામ નક્કી થાય છે.

વૉટર પોલો : બાસ્કેટ બૉલ, હૉકી, ફૂટબૉલ વગેરે રમતોની જેમ વૉટર પોલો રમતમાં પણ ખેલાડીઓએ પ્રતિસ્પર્ધી પક્ષના ગોલમાં દડો નાખી ગોલ કરવાનો હોય છે તથા પોતાના ગોલનું રક્ષણ કરવાનું હોય છે. તફાવત એ છે કે આ રમત જમીન પર નહિ પણ પાણીમાં તરતાં તરતાં રમવાની હોય છે. દડો એક હાથે રમવાનો હોય છે. દરેક ટુકડીમાં કૅપ્ટન તથા ગોલકીપર સમેત 7 ખેલાડીઓ હોય છે. રમત સ્નાનાગારમાં પાણીના નિયત વિસ્તારમાં રમાય છે. બંને ગોલપોસ્ટ વચ્ચેનું અંતર વધુમાં વધુ 30 મી. લંબાઈનું તથા ઓછામાં ઓછું 20 મી. લંબાઈનું રહેવું જોઈએ. પહોળાઈ 20 મી.ની વધુમાં વધુ તથા 10 મી.થી ઓછી ન હોવી જોઈએ. મેદાનના બંને છેડે બરાબર મધ્યમાં પાણીની સપાટીથી 0.90 મી.ની ઊંચાઈવાળા ગોલપોસ્ટ હોય છે. ગોલમુખની આંતરિક પહોળાઈ ઓછામાં ઓછી 3મી. તથા ઊંડાણ 30 સેમી. રાખવામાં આવે છે. ગોલપોસ્ટની અંદરની બાજુએ 3 મી.ની પહોળાઈના અંતરની હોવી જોઈએ. જો પાણીની ઊંડાઈ 1.50 મી. કે તેથી વધુ હોય તો ગોલપોસ્ટના ક્રૉસબારના તળિયાની બાજુ પાણીની સપાટીથી 0.90 મી. હોવી જોઈએ. જ્યારે પાણીની ઊંડાઈ 1.50 મી.થી ઓછી હોય તો ગોલપોસ્ટના ક્રૉસબારના તળિયાની બાજુ સ્વિમિંગ પુલના તળિયાથી 2.40 મી.ની ઊંચાઈએ હોવી જોઈએ.

આ રમતનો દડો ગોળ, હવા ભરવા માટેના આપમેળે બંધ-ઉઘાડ થતા વાલ્વની રચનાવાળો હોય છે. દડો વૉટરપ્રૂફ જ જોઈએ અને સપાટી પર કોઈ પણ જાતની દોરી, વાધરી કે પટ્ટીના અંતરાય વિનાનો અને ગ્રીઝ કે બીજી કોઈ પણ તેલી ચીકાશ વિનાનો હોવો જોઈએ.

એક ટુકડી માથે સફેદ ટોપી ખેલાડીના નંબર સાથેની તથા બીજી ટુકડી વાદળી ટોપી પહેરેલી હોવી જોઈએ. ગોલકીપરો લાલ ટોપી પહેરે છે.

રમત રમવાનો કુલ સમય 28 મિનિટનો છે. જેના 7-7 મિનિટના ચાર વિભાગ પાડવામાં આવે છે. દરેક 7 મિનિટના અંતે બે મિનિટનો આરામનો સમય મળે છે જેમાં ટુકડીઓ જગ્યાની અદલાબદલી કરી લે છે. રમતના તમામ નિર્ણાયક અધિકારીઓ પણ પોતાના સ્થાનની અદલાબદલી કરે છે. બંને ટુકડીઓના ગોલ સરખા થાય તો પાંચ મિનિટના વિરામ બાદ બંને ટીમો પાણીમાં ઊતરી 3 + 3 મિનિટની બે રમતો રમે છે. કોઈ પણ એક ટુકડી રમત જીતે નહિ ત્યાં સુધી આ રીતે  3 + 3 મિનિટની રમત રમીને અંતિમ પરિણામ સુધી રમત રમવી પડે છે.

નૌકાચાલન સ્પર્ધા : નૌકાચાલન (rowing) એટલે હલેસાં મારીને નૌકા હંકારવાની રમત. અંગ્રેજ પ્રજાની આ ખૂબ જ લોકપ્રિય રમત છે. 1829ની સાલથી દર વર્ષે ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે ટેમ્સ નદીમાં યોજાતી નૌકાચાલન સ્પર્ધા ખૂબ જાણીતી છે. આ સ્પર્ધા માટે દરેક નૌકામાં હલેસાંધારીઓની સંખ્યા 8ની હોય છે. અંતર 7.24 કિમી. રાખવામાં આવે છે. વિશ્વકક્ષાએ નૌકાચાલન-સ્પર્ધા મહોત્સવનો પ્રારંભ 1839ની સાલમાં કરવામાં આવેલો.

પાણીમાં નૌકા ચલાવવાના અનેક પ્રકારો છે. સઢવાળી નૌકામાં પવનનો ઉપયોગ કરીને નૌકા ચલાવવામાં આવે છે. તેને ‘સેઇલિંગ’ અગર ‘યૉટિંગ’ કહે છે. હલેસાં વડે નૌકા ચલાવવાના ઘણા પ્રકારો છે; જેમ કે એક નાવિકવાળી નાની નૌકા હોય અને તેમાં બેઠેલો નાવિક 2 હલેસાં વડે નૌકા હંકારે તેને ‘સ્કલિંગ’ કહે છે. 2  કે વધારે નાવિકો  દરેક સાથે 2 હલેસાં વડે નૌકા હંકારે તેને ‘બોટિંગ’ કહે છે. દરેક નાવિકના હાથમાં એકેક લાંબું હલેસું હોય એવા 4, 6 કે 8 નાવિકો નૌકા હંકારે તેને ‘રોઇંગ’ કહે છે. તેમજ તદ્દન નાની સરખી નૌકામાં 0.603 મી. થી 0.76 મી. લાંબાં હલેસાં વડે નૌકાના કાંઠા પર બેસીને નૌકા ચલાવાય તેને ‘કનૂઇંગ’ કહે છે. ચોખૂણિયા અને છીછરા તળિયાવાળી નાવડીમાં ઊભા રહી લાંબો વાંસ હાથમાં રાખી તે વાંસને નદીના તળિયા સાથે ટેકવી ધકેલીને નાવ ચલાવાય તેને ‘પન્ટિંગ’ કહે છે. નૌકાચાલન–સ્પર્ધામાં હલેસાંની લંબાઈ 3.82 મી. હોય છે. ‘રોઇંગ’ કરનાર 4 કે 8 જેટલા નૌકાચાલકો હોય તો તમામનાં હલેસાંની પહોળી ધાર એકીસાથે પાણીમાં જવી જોઈએ, તેમજ નૌકાચાલકોએ એકીસાથે હલેસાંના દાંડાને ખેંચવા જોઈએ. જે દિશામાં નૌકા હંકારવાની હોય તે દિશા તરફ પીઠ રહે તે પ્રમાણે નૌકાચાલકો બેસે છે, જ્યારે સુકાની નૌકા હંકારવાની દિશા તરફ મોં રાખી બેસે છે. સુકાનીની સામે સૌથી નજીક બેઠેલા નૌકાચાલકને ‘સ્ટ્રોક’ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રોકનાં હલેસાંની સાથે જ બાકીના તમામ નૌકાચાલકોનાં હલેસાંની ગતિ થવી જોઈએ.

નૌકાચાલનની સ્પર્ધાઓનું આયોજન મુખ્યત્વે 2 પ્રકારે કરવામાં આવે છે : (1) રિગેટા પ્રકાર : તેમાં નૌકાચાલકો સાથે સુકાની પણ હોય છે તથા બાનલ પદ્ધતિ પ્રમાણે અથવા લીધેલા સમયના આધારે પરિણામ નક્કી કરવામાં આવે છે. (2) હેડરેસ : તેમાં ફક્ત નૌકાચાલકો જ હોય છે, તેમની સાથે સુકાની હોતો નથી; પરંતુ સ્ત્રીઓની સ્પર્ધામાં સુકાની રાખવાની છૂટ છે. રિગેટા સ્પર્ધામાં નૌકાનો માર્ગ સીધો પ્રવાહની ઝડપ વિનાનો અને નિયત લેનમાં વહેંચાયેલો હોય છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પુરુષો માટે 2000 મી., સ્ત્રીઓ માટે 1000 મી. તથા 18 વર્ષથી નીચેના માટે 1500 મી. અંતર રાખવામાં આવે છે. હેડ સ્પર્ધાઓનું આયોજન નિયત લેનમાં કરવામાં આવતું નથી; પરંતુ દરેક નૌકાચાલક આગળની નૌકાની જમણી બાજુથી પોતાની નૌકાને તેની આગળ લઈ જઈ શકે છે. આવી સ્પર્ધાઓ માટે નદી પૂરતી પહોળાઈવાળી હોય તે જરૂરી છે.

આકૃતિ 4 :  ચાર હલેસાંધારીઓવાળી હોડી

સ્કલિંગ સ્પર્ધામાં દરેક નૌકાચાલક બે હલેસાંનો એકીસાથે ઉપયોગ કરે છે. આમાં પણ સુકાની હોતો નથી. જ્યારે રોઇંગ સ્પર્ધામાં દરેક નૌકાચાલક પાસે એક જ હલેસું હોય છે. એક કરતાં વધારે નૌકાચાલકોવાળી નૌકા વચ્ચે સ્પર્ધા હોય તો નૌકાચાલકો તેમનાં હલેસાં ડાબી-જમણી બાજુ રાખે છે; પરંતુ આમ કરવું ફરજિયાત નથી.

સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતને લગભગ 1800 કિમી. દરિયાકાંઠો લાગેલો છે. આ પરિસ્થિતિને લક્ષમાં લઈને હરિ: ૐ આશ્રમના શ્રી મોટાની પ્રેરણાથી રાજ્ય સરકાર 1971થી દર વર્ષ દરિયામાં મહાજન નૌકાસ્પર્ધા યોજી વિજેતાઓને પ્રશસ્ય પારિતોષિકો આપી સન્માને છે.

ચિનુભાઈ શાહ