જલશોફ (oedema) : પેશી અને અંગોમાં કોષોની બહાર પાણીના મુક્ત રીતે ભરાવાથી સોજો આવવો તે. 65 કિગ્રા. વજનવાળા તંદુરસ્ત માણસમાં આશરે 40 લિટર પાણી હોય છે. તેમાંનું 28 લિટર કોષોની અંદર, 9 લિટર કોષોની આસપાસ અને 3 લિટર લોહીમાં હોય છે (આકૃતિ 1). પાણી કોષોના જુદા જુદા પટલોમાં થઈને લગભગ મુક્ત રીતે પસાર થઈ શકે છે માટે શરીરના બધા વિભાગોમાં તે સહેલાઈથી જમા થઈ શકે છે. શરીરના વિવિધ વિભાગોમાંની તેની વહેંચણી તે સ્થળના આસૃતિદાબ (osmotic pressure) અને જલદાબ અથવા જલસ્થિતિદાબ (hydrostatic pressure) પર આધારિત છે. સામાન્ય વ્યક્તિમાં વિવિધ પરિબળો કાર્યરત હોવા છતાં શરીરમાં પાણીનો કુલ જથ્થો લગભગ સરખો રહે છે.

આકૃતિ-1 : 65 કિલોગ્રામ વજનવાળી વ્યક્તિના 40 લિટર પાણીની આંતરિક વહેંચણી

શરીરમાં પાણી 3 જુદા જુદા વિભાગોમાં હોય છે : કોષોની અંદરના પાણીને અંત:કોષીય (intracellular) જલ કહે છે. કોષોની બહારના પાણીને બહિ:કોષીય (extracellular) જલ કહે છે. કોષ બહારનું પાણી કાં તો કોષોની આસપાસની અંતરાલીય અથવા આંતરકોષીય (interstitial) જગ્યામાં હોય છે અથવા લોહીની નસોમાં લોહીના એક ભાગ રૂપે હોય છે; લોહીમાંના પાણીને અંત:વાહિની (intra-vascular) જલ કહે છે. અંતરાલીય જલ અને અંત:વાહિની જલ એમ બંને મળીને બહિ:કોષીય જલ બને છે. જ્યારે કોઈ જગ્યામાં પાણીનું દબાણ અથવા જલદાબ વધે ત્યારે વધારાનું પાણી બહાર જવા પ્રયત્ન કરે છે. તેની સામે સોડિયમ જેવા ઇલેક્ટ્રૉલાઇટ્સ અને પ્રોટીન જેવા અણુઓનો આસૃતિદાબ પાણીને ખેંચી રાખે છે. કોઈ પણ અલ્પપારગમ્ય પટલની બંને બાજુએ ઉદભવતા જલદાબ અને આસૃતિદાબને આધારે પટલમાં થઈને કાં તો પાણી એક બાજુથી બીજી બાજુ વહન કરે છે અથવા બંને બાજુ જેમનું તેમ સચવાઈ રહે છે. જે રોગો કે વિકારો જલદાબ અને આસૃતિદાબમાં ફેરફાર આણે છે તે આ સંતુલનને અસર કરે છે અને તેથી શરીરની પેશીઓમાં પાણી ભરાવાથી સોજો આવે છે. આવા સોજાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે : (1) મોં, હાથ-પગ તથા શરીરના નીચેના ભાગોની ચામડી નીચેની પેશીમાં પાણી ભરાઈને સોજા આવે તો તેને બહિ:વિસ્તારી (peripheral) જલશોફ અથવા સોજા કહે છે. (2) ફેફસાં, મગજ વગેરે અવયવોમાં કોષોની બહાર પાણી ભરાય ત્યારે તેને જે તે અવયવના સોજા તરીકે વર્ણવવામાં આવે છે. દા.ત., ફેફસી જલશોફ (pulmonary oedema), મસ્તિષ્કી જલશોફ (brain oedema). (3) પેટના પોલાણને પરિતનગુહા (peritoneal cavity) કહે છે. આવી રીતે ફેફસાંની આસપાસનાં આવરણ(પરિફેફસી કલા, pleura)નાં બે પડ વચ્ચેની જગ્યાને પરિફેફસી ગુહા (pleural cavity) અને હૃદયની આસપાસ આવેલા પરિહૃદ્કલા (pericardium) નામના આવરણનાં બે પડ વચ્ચેની જગ્યાને પરિહૃદગુહા (pericardial cavity) કહે છે. જ્યારે શરીરમાં પુષ્કળ પ્રમાણમાં અને બધે જ પાણી ભરાય તેવા સોજા આવે ત્યારે તેને વ્યાપક જલશોફ (generalized anasarca) કહે છે. તે સમયે આ ગુહાઓમાં પણ ક્યારેક પાણી ભરાય છે. પેટની પરિતનગુહામાં ભરાતા મુક્ત પાણીને જળોદર(ascites)નો વિકાર કહે છે. શરીરમાં પાણી ભરાવાથી થતા સોજાનાં કારણો સારણી 1માં દર્શાવ્યાં છે. ગલગ્રંથિની ઊણપથી થતા શ્લેષ્મલશોફ(myxoedema)માં મુક્ત પાણી ભરાતું નથી પરંતુ તેનું સામાન્ય જલશોફથી અલગ કરીને નિદાન કરવું જરૂરી ગણાય છે. તેવી જ રીતે લસિકાવાહિનીઓ (lymphatics) કે લસિકાગ્રંથિઓ (lymph nodes)ના રોગો કે વિકારોમાં લસિકાજલ(lymph)નો ભરાવો થાય છે. તેનાથી આવતા સોજાને લસિકાશોફ (lymphyoedema) કહે છે. દા. ત., હાથીપગાનો રોગ, સ્તનના કૅન્સરમાં શસ્ત્રક્રિયા પછી હાથ પર આવતો સોજો વગેરે.

સારણી 1

સોજા આવવા(જલશોફ)નાં મુખ્ય કારણો

1 હૃદયના કાર્યની લાંબા ગાળાની નિષ્ફળતા (chronic heart failure)
2 લાંબા ગાળાની શિરાઓની અપર્યાપ્તતા (insufficiency)
3 લોહીમાં આલ્બ્યુમિન નામના પ્રોટીનના પ્રમાણમાં ઘટાડો. દા.ત.,

મૂત્રપિંડશોફ-સંલક્ષણ (nephrotic syndrome), યકૃતકાઠિન્ય

(cirrhosis of liver) યકૃતની ઉગ્રનિષ્ફળતા, યકૃત શિરારોધ

(hepatic vein obstruction) જેવા યકૃત(liver)ના રોગો,

આંત્રમાર્ગી પ્રોટીન વ્યય (protein losing enteropathy) વગેરે

4 મૂત્રપિંડના રોગો – ઉગ્ર કે દીર્ઘકાલી મૂત્રપિંડ નિષ્ફળતા, ઉગ્ર

મૂત્રપિંડશોથ સંલક્ષણ (acute nephritic syndrome)

5 દવાઓ : (અ) સોડિયમનો વધુ પ્રમાણમાં સંગ્રહ, દા.ત.,

કૉર્ટિકૉસ્ટિરૉઇડ્ઝ, જેઠીમધ, લિકરિસ,

કાર્બેનોક્ઝેલોન, ઇસ્ટ્રોજન, સ્ટિરૉઇડ વગરનાં

પ્રતિશોથ ઔષધો (non-steroidal anti-

inflammatory drugs)

(આ) કેશવાહિનીઓની પારગમ્યતા વધારતાં ઔષધો

દા.ત., નેફિડિપીન

6 પ્રકીર્ણ કારણો સગર્ભાવસ્થા, ઋતુસ્રાવ પહેલાં, ઍલર્જિક
7 અજ્ઞાતમૂલ દા.ત., સ્ત્રીઓમાં પુરુષો કરતાં સોજાનું પ્રમાણ વધુ

દીર્ઘકાલી હૃદયનિષ્ફળતા(chronic heart failure)ના વિકારમાં ક્ષાર (ખાસ કરીને સોડિયમ) અને પાણીનો ભરાવો થાય છે. આ જ પરિસ્થિતિ ફેફસીરોગજન્ય હૃદયરુગ્ણતા (cor pulmonale) નામના વિકારમાં થાય છે. તેમાં લાંબા સમયનો ફેફસાંનો રોગ હૃદયના કાર્યમાં વિક્ષેપ લાવે છે. શરીરમાં ક્ષાર અને પાણીનો ભરાવો થવાથી તે શરીરની નીચેના ભાગોમાં સોજા રૂપે એકઠું થાય છે. તેથી બેસી રહેતી વ્યક્તિમાં અનુક્રમે ઘૂંટી, પગ, જાંઘ અને પેટના નીચલા ભાગની ચામડી નીચે સોજા આવે છે. સૂતેલી વ્યક્તિના ત્રિકાસ્થિ(sacrum)ના ભાગમાં સોજા આવે છે. હૃદયરોગનાં અન્ય લક્ષણો ઉદભવે છે અને સોજાવાળા ભાગ પર આંગળીથી દબાણ કરવાથી ખાડો પડે છે. મોટી ઉંમરની વ્યક્તિમાં હલનચલન ઓછું હોય છે અને તેમની પગની શિરાઓ નબળી પડેલી હોય છે. તેથી ઘૂંટી અને પગ આગળ દબાણ કરવાથી ખાડો પડે તેવા સોજા આવે છે. રાત્રે સૂતી વખતે આ પાણી શરીરમાં અન્યત્ર વહેંચાઈ જાય છે માટે સવારે સોજા હોતા નથી; પરંતુ દિવસ દરમિયાન બેસવાને કારણે ફરીથી ઘૂંટી અને પગ પર જોવા મળે છે. પગની અંદરની નસો(શિરાઓ)માં ચેપ લાગે કે લોહી ગંઠાય ત્યારે પણ પગ પર સોજા આવે છે. તેમાં પગમાં ખૂબ દુખાવો થાય છે. કોઈ પણ ઉંમરે; પરંતુ લાંબા સમય સુધી પથારીવશ રહેતી વ્યક્તિને થાય છે. તે રોકવા કે તેની સારવાર રૂપે પગનું હલનચલન, પગ સહેજ ઊંચા રાખીને સૂવાની ક્રિયા તથા જરૂર પડ્યે થોડી માત્રામાં હિપેરિન અપાય છે. જો કટી-જાંઘ શિરા(ilio-femoral vein)માં લોહી ગંઠાઈ જાય તો ઝડપથી અને તીવ્રતા સાથે સોજા થાય છે. મૂત્રપિંડશોથ સંલક્ષણ(nephritic syndrome)ના દર્દીમાં પુષ્કળ પ્રમાણમાં અને શરીરમાં વ્યાપક રૂપે જોવા મળતા સોજા થાય છે. તેમાં મોં અને હાથ પણ અસરગ્રસ્ત થાય છે. તેમના પેશાબમાં પ્રોટીન વહી જાય છે. યકૃતના રોગમાં આલ્બ્યુમિનનું ઉત્પાદન ઘટવાથી અને આંતરડાંના કેટલાક રોગોમાં મળવાટે પ્રોટીન ગુમાવવાથી પણ પ્રોટીનની ઊણપ ઊભી થાય છે જે સોજા લાવે છે.

સોજા થવાની પ્રવિધિઓ : સોજા થવાની મુખ્ય બે પ્રવિધિઓ (mechanism) છે : (1) લોહીની નસોની અંદર અને કોષોની બહારની જગ્યા વચ્ચે પાણી અને ક્ષારનું જે વિતરણ થયેલું હોય છે તેને બદલી કાઢે તેવા જલદાબ અને આસૃતિદાબને બદલતાં પરિબળોની હાજરી અને (2) શરીરમાં ક્ષાર (સોડિયમ આયન) અને પાણીનો ભરાવો છતાં મૂત્રપિંડ દ્વારા તેમનું ઉત્સર્જન (નિકાલ) ઓછું હોય. કયો અવયવ વિકારગ્રસ્ત થયો છે તે પ્રમાણે ઉપર જણાવેલી બેમાંથી એક પ્રવિધિ પ્રથમ કાર્યરત થાય છે અને તે પછી બીજી તેમાં જોડાય છે. મર્યાદિત રોગવિસ્તારવાળા ગુચ્છીય મૂત્રપિંડશોથ(minimal lesion glomerulonephritis)માં પેશાબમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જાય છે. લોહીમાં પ્રોટીન ઘટવાથી તેમાંનું પ્રવાહી કોષોની આસપાસની જગ્યામાં વહી જાય છે. તેને કારણે ઉદભવતી સંવેદનાઓ મૂત્રપિંડને સોડિયમ આયનોનો સંગ્રહ કરવા પ્રેરે છે. તેને કારણે શરીરમાં પાણી અને સોડિયમ આયનોનો ભરાવો થાય છે. ઉગ્ર મૂત્રપિંડશોથ સંલક્ષણ(acute nephritic syndrome)માં સોડિયમના સંગ્રહ માટે રોગગ્રસ્ત મૂત્રપિંડ પોતે જ જવાબદાર ગણાય છે. હૃદયરોગમાં હૃદય લોહીને ઓછા પ્રમાણમાં ધકેલી શકે છે તેથી ધમનીમાંના દાબસ્વીકારકો (pressure receptors) ઉત્તેજિત થાય છે. તેને કારણે ફેફસાંમાં અને શરીરમાં બધે જ શિરાઓમાં દબાણ વધે છે અને ફેફસાં અને શરીરમાં અન્યત્ર અંતરાલીય જગ્યામાં સોડિયમ અને પાણી ધકેલાય છે. આમ ફેફસીજલ થાય છે તથા શરીરમાં બધે સોજા આવે છે. યકૃતકાઠિન્ય (liver cirrhosis) નામના રોગમાં આલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. યકૃતની અંદરની રચના બદલાય છે અને તેથી તેમાંથી શિરામાર્ગે નીકળતા લોહી માટે અવરોધ ઉદભવે છે. વળી તેમાં નિવાહિકાતંત્ર (portal system) દ્વારા પ્રવેશતા લોહી સામે દબાણ ઊભું થાય છે. તેને કારણે નિવાહિકાતંત્ર અને અવયવી તંત્રની શિરાઓ વચ્ચે જોડાણો વિકસે છે. આ બધાં જ પરિબળોને લીધે પેટમાં પાણી ભરાવાથી જળોદર થાય છે અને શરીરમાં સોજા થઈ આવે છે. તે સમયે સોડિયમનો સંગ્રહ પણ વધે છે. જોકે આ સ્થિતિમાં સોજા થવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સમજાયેલી નથી.

સારવાર : મુખ્ય સારવાર મૂળ રોગના ઉપચાર ઉપરાંત સોડિયમનો નિકાલ કરતાં મૂત્રવર્ધક ઔષધો (diuretics) પર આધારિત છે. ફ્રુસેમાઇડ, બ્યુમેટેનાઇડ અને ઇથાક્રિનિક ઍસિડ અસરકારક મૂત્રવર્ધકો છે. તેમની મુખ્ય આડઅસર ક્યારેક બહેરાશ લાવવાની છે. થાયેઝાઇડ અથવા બેન્ઝોથાયેઝાઇડ જૂથનાં મૂત્રવર્ધકો અને મિટોલેઝોન મધ્યમ કક્ષાનાં મૂત્રવર્ધકો છે. તેઓ લોહીનું દબાણ ઘટાડવામાં પણ વપરાય છે. અલ્પ અસરકારક મૂત્રવર્ધક તરીકે એસેટાઝેલેમાઇડનો ક્યારેક જ ઉપયોગ થાય છે. આ બધાં જ મૂત્રવર્ધકો પોટૅશિયમનો નિકાલ કરીને આનુષંગિક તકલીફો સર્જે છે. તેને નિવારવા જો મૂત્રપિંડની નિષ્ફળતાનો વિકાર ન હોય તો સ્પાયરોનોલેક્ટોન, ટ્રાયામ્ટેરિન અને એમિલોરાઇડ નામના પોટૅશિયમ સંગ્રાહક પરંતુ ઓછી અસરકારકતા ધરાવતાં મૂત્રવર્ધકો વપરાય છે. તે ક્યારેક સ્તનનું કદ વધારે છે. મોટી ઉંમરની હૃદયરોગવાળી વ્યક્તિમાં જો થોડાક સોજા હોય તો ખોરાકમાં મીઠું ઓછું કરીને જરૂર પડ્યે થાયેઝાઇડ મૂત્રવર્ધક અપાય છે. જો સોજા વધુ હોય તો ફ્રુસેમાઇડના જૂથનાં મૂત્રવર્ધકો વપરાય છે. જો ઉગ્ર ફેફસીશોફ હોય તો ફ્રુસેમાઇડને નસ વાટે અપાય છે : લાંબાગાળાની મૂત્રપિંડની નિષ્ફળતાવાળા દર્દીમાં ભારે માત્રામાં મુખ વાટે ફ્રુસેમાઇડ અપાય છે. જરૂર પડ્યે અન્ય રીતે કામ કરતાં મૂત્રવર્ધકો પણ સાથે અપાય છે. જો મૂત્રપિંડમાં વહેતા લોહીનું પ્રમાણ ઓછું હોય, ખૂબ પ્રમાણમાં પ્રોટીનનો વ્યય થયેલો હોય કે આલ્ડોસ્ટીરોનનું પ્રમાણ વધી ગયેલું હોય તો મૂત્રવર્ધકોની અસર ઘટે છે. તેવા સમયે દર્દીને આરામ કરવાનું જણાવીને, નસ વાટે આલ્બ્યુમિન આપીને કે પોટૅશિયમ-સંગ્રાહક મૂત્રવર્ધક ઉમેરીને સોજા ઘટાડાય છે. મૂત્રવર્ધકો વડે સારવારની મુખ્ય આડઅસરો પોટૅશિયમનો વ્યય તથા અન્ય ચયાપચયી વિકારો છે.

શિલીન નં. શુકલ