જલવિસ્તાર વ્યવસ્થાપન

જલવિસ્તાર વ્યવસ્થાપન : કોઈ પણ જલવિસ્તારમાં ઉપલબ્ધ જલસ્રાવમાંથી વર્ષાનુવર્ષ મહત્તમ ઉત્પાદન મેળવી શકાય તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવતું ભૂમિવિકાસ અને જલસ્રાવનું વ્યવસ્થાપન. જો કોઈ વિસ્તારમાં જલ અને ભૂમિવિકાસની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં ન આવે તો તેનાં પરિણામોનો મહત્તમ લાભ મળતો નથી કારણ કે કોઈ પણ જલસ્રાવક્ષેત્રમાં પડતા વરસાદનું પાણી કોઈ ચોક્કસ નાળાં, વોકળા કે નદીમાં એકત્રિત થઈ છેવટે સમુદ્રમાં વહી જતું હોય છે. તે પાણીને વૈજ્ઞાનિક રીતે નાથવા અને તેનો મહત્તમ ઉપયોગ કરી તેમાંથી મહત્તમ પેદાશ મેળવવા માટે આડેધડ આયોજન કરવાથી અમુક વિસ્તારમાં ભૂમિધોવાણની પ્રક્રિયા વેગવાન બને છે જ્યારે અમુક વિસ્તાર ભૂગર્ભ જલસંચયથી વંચિત રહી જાય છે. આ ઉપરાંત સ્રાવક્ષેત્રની વચ્ચે ક્યાંક આરંભાયેલ વિકાસકાર્ય તેના ઉપરવાસમાંનાં અપૂરતાં પગલાંને પરિણામે, ઘણી વાર ભારે વરસાદને પરિણામે, ધોવાઈ જાય છે અને તે માટે કરાયેલ ભારે ખર્ચ તદ્દન વ્યર્થ જાય છે. વળી આવાં ધોવાણને લીધે જે તે વિસ્તારની જમીનની ઉત્પાદકતાને પણ માઠી અસર થાય છે.

જલવિસ્તાર વ્યવસ્થાપન કુનેહપૂર્વકનું આયોજન માગી લે છે. જ્યાં વિવિધ પ્રકારની ભૂમિનો તેની લાક્ષણિકતા, ખાસિયતો તથા ઉત્પાદકતા વગેરે ધોરણે વપરાશ થાય અને તેની ઉત્પાદકતા ટકી રહે તે માટે તે ભૂમિની નૈસર્ગિક લાક્ષણિકતાઓ જેવી કે ઢોળાવ, ભૂમિની પ્રત, ભૌતિક પરિસ્થિતિ વગેરે પરિબળો ઉપરાંત સ્થાનિક આબોહવા, જૈવિક પરિબળો (biotic factors) વગેરે લક્ષમાં લઈને જ તે વિસ્તારના ઉપયોગ, વિકાસ, માવજત વગેરેનું આયોજન કરવામાં આવે તો જ ત્યાંની ઉત્પાદકતાની શાશ્વતતા જળવાઈ શકે છે. આ પ્રકારના આયોજનબદ્ધ કાર્યક્રમને જલવિસ્તાર વ્યવસ્થાપન કહેવામાં આવે છે.

જલવિસ્તાર વ્યવસ્થાપનમાં પ્રથમ તો કોઈ પણ પ્રદેશનું તેના ઢોળાવની ખાસિયત પરથી વિવિધ જલસ્રાવ ક્ષેત્રમાં યોજનાબદ્ધ રીતે વિભાજન કરવાનું જરૂરી બને છે. આવી રીતે વિભાજન કર્યા પછી તેમાંના અલગ અલગ સ્રાવક્ષેત્ર (watersheds) અને ઉપસ્રાવક્ષેત્ર (sub-watersheds) નક્કી કરીને તે પ્રત્યેકની મોજણી કરવામાં આવે છે. આમ કર્યા પછીથી જે તે સ્રાવક્ષેત્ર/ઉપસ્રાવક્ષેત્રમાંના વરસાદનું પ્રમાણ, જમીનની જાત, પાકવ્યવસ્થા, જમીનની ઉત્પાદનક્ષમતા વગેરે બાબતોને ધ્યાનમાં લઈને ભૂમિ અને જલવ્યવસ્થાના પ્રકાર નક્કી કરી તેનાં કાર્યોની યોજના તૈયાર કરવામાં આવે છે અને તેના અપેક્ષિત ખર્ચ અંગે પણ અંદાજ તૈયાર કરવામાં આવે છે.

જલસ્રાવક્ષેત્ર આધારિત જલવિસ્તાર વ્યવસ્થાપનના મુખ્ય ઉદ્દેશો : ઉક્ત જલવિસ્તાર વ્યવસ્થાપનના લાંબા ગાળાના ઉદ્દેશો તેમજ તાત્કાલિક ઉદ્દેશો ધ્યાનમાં રાખવા જરૂરી છે તે નીચે મુજબ ગણાવી શકાય :

(અ) તાત્કાલિક ઉદ્દેશો : (1) કાષ્ઠ તેમજ બિનકાષ્ઠ ઊપજ – ખાસ કરીને ઇંધન અને ચારાના ઉત્પાદનમાં વૃદ્ધિ.

(2) સમાજના સૌથી વધુ જરૂરિયાતવાળા સ્તરના લોકો માટે રોજગારની વધુ તકો ઊભી કરવી.

(3) ગ્રામકક્ષાએ પડતર ભૂમિવિકાસ કાર્યક્રમો તૈયાર કરવા તેમજ તેના અમલીકરણ માટે પ્રાથમિક સ્તરે જરૂરી પગલાંની ગોઠવણી.

(4) વિવિધ પ્રકારની સમસ્યાઓ ધરાવતી ભૂમિ જેવી કે ખારાપાટ, કોતરો, રેતાળ તેમજ કુંઠિત નિતારવાળી જમીનો માટે ઉચિત નીવડેલ કાર્યપદ્ધતિઓનો વિકાસ અને પ્રસાર.

(5) પડતર ભૂમિવિકાસ કાર્યક્રમ માટેનાં વિવિધ પગલાં દ્વારા પ્રાપ્ત બનતી વચગાળાની વન્યપેદાશો તેમજ પુખ્ત સમયે મળતી વન્ય- પેદાશોનું લોકોમાં વાજબી રીતે વિતરણ થઈ શકે તે માટે વિકાસ કાર્યક્રમના પ્રત્યેક તબક્કામાં લોકોની સક્રિય સામેલગીરીની વ્યવસ્થા.

(આ) લાંબા ગાળાના ઉદ્દેશો : (1) ભૂમિની પ્રત તથા તેની ઉત્પાદકતા બગડતી અટકાવવાનું – બલકે તેમાં ધીરે ધીરે સુધારો કરવાનું અને (2) લોકોના હિત માટે ઉત્પાદકતાના સાતત્યની જાળવણી, લાભોની વહેંચણીમાં વાજબીપણું અને પર્યાવરણ-સંરક્ષણની જાળવણી કરવાનું ગણી શકાય.

જલવિસ્તાર વ્યવસ્થાપનમાં સમાવિષ્ટ કરવા જેવા કાર્યક્રમો : ઉપર્યુક્ત હેતુઓ સિદ્ધ થઈ શકે તે માટે જલવિસ્તાર વ્યવસ્થાપન કાર્યક્રમ હેઠળ નીચેનાં પાસાંને જે તે વિસ્તારની ભૂભૌગોલિક તેમજ સામાજિક તથા આર્થિક પરિસ્થિતિને અનુરૂપ રહે તે રીતે સમાવિષ્ટ કરવાનું હિતાવહ ગણાય :

(i) ખેતી હેઠળની તેમજ બિનખેડાઉ પડતર જમીનમાં ભૂમિ તેમજ ભેજસંરક્ષણ કાર્યો જેવાં કે બંધ, પાળા, સમતલ ખાઈઓ, પગથિયાં જેવાં સમતળ ખેડાણ તેમજ જૈવિક આડશ વગેરે ઊભી કરવાનાં કામો.

(ii) ‘ગલી પ્લગિંગ’, ‘ચૅકડૅમ’, આડશ દીવાલ (retaining wall) વગેરે જેવાં ઇજનેરી કામો અને/અથવા વનસ્પતિ આચ્છાદન દ્વારા ભૂમિધોવાણ-અટકાવ.

(iii) બહુલક્ષી વૃક્ષો, રોપા, ઘાસ વાવેતર દ્વારા ઉત્પાદનવૃદ્ધિ તેમજ ભૂમિભેજ–સંરક્ષણ.

(iv) સ્થાનિક નૈસર્ગિક પુનરુત્થાન (regeneration) વધારવા વિદ્યમાન ઝાડીમાં છટણીકાર્ય, વેલાકાપણી, નીંદામણ વગેરે.

(v) સ્થાનિક રીતે અનુકૂળ પડે તેવી વનખેતી, તેવાં ફળઝાડ વિકાસકામો, રેશમ-વિકાસ, લાખ ઉત્પાદન વિકાસ, વૈજ્ઞાનિક મત્સ્યોદ્યોગ, વૈજ્ઞાનિક પશુપાલન, મરઘાંઉછેર, મધમાખીઉછેર, વનૌષધિ, પુષ્પખેતી – વિકાસ વગેરે કાર્યો.

(vi) બળતણ સંરક્ષણ તેમજ કાષ્ઠેતર પદાર્થ(wood substitutes)ની વપરાશ વધારવાના પ્રયાસો, ઊર્જા-સંરક્ષણ પ્રયાસો, વૈકલ્પિક ઊર્જાસ્રોત-વિકાસના પ્રયાસો વગેરે.

(vii) ઉપર્યુક્ત તમામ ((1)થી (vi) માંના) પ્રયોગોના જ્ઞાનપ્રસાર માટેનાં પગલાં.

(viii) ઉપર્યુક્ત કાર્યક્રમો દ્વારા પ્રાપ્ત થતા ઉત્પાદનની સંચયપ્રક્રિયા સુધારવા, સંગ્રહવ્યવસ્થા સુધારવા, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા, વર્ગીકરણ (grading) તથા સ્થાનિક કક્ષાએ ગૃહઉદ્યોગો દ્વારા વિશેષ ઊપજ મળે તેવી વસ્તુઓ (value-added products) બનાવવા માટેના માળખાનો વિકાસ પણ યોજી શકાય.

(ix) આવા કાર્યક્રમો હાથ ધરતી વખતે પર્યાવરણ સુરક્ષાની જાળવણીને પૂરતું સ્થાન અપાય તે ઘણું જ જરૂરી છે. જલવિસ્તાર વ્યવસ્થાપનમાં એક ઘણી જ અગત્યની બાબત ભૂગર્ભજળ પુન:પૂરણ (ground water recharging) છે.

ભૂગર્ભજલ પુન:પૂરણ : છેલ્લાં ઘણાં વર્ષોથી હરિયાળી ક્રાંતિને લીધે ઘણી જગ્યાએ લોકો રોકડિયા પાકો તરફ વળ્યા છે અને સંકર જાતિના બિયારણનો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે. આને લીધે ઉત્પાદન તો વધ્યું જ છે પરંતુ સાથે સાથે સિંચાઈની ખપત પણ ઘણી વધી છે. જ્યાં નહેરનાં જળ પ્રાપ્ય છે ત્યાં સિંચાઈ જળની માગને કંઈક અંશે નહેરમાંથી જ પૂરી કરી શકાય છે પરંતુ જ્યાં નહેરોની સગવડ પ્રાપ્ય થઈ શકી નથી તેવા પ્રદેશોમાં કૂવા તેમજ પાતાળકૂવા ઉપર શક્તિશાળી પંપો મૂકીને ઘણે ઊંડેથી વિપુલ માત્રામાં પાણી ખેંચી ખેંચીને લોકો પિયત ખેતી કરીને સારું ઉત્પન્ન મેળવે છે. આ જ પ્રમાણે, ઘણા ઔદ્યોગિક એકમો પણ ઘણી ઊંડાઈએથી ખૂબ શક્તિશાળી પંપ દ્વારા વિપુલ માત્રામાં પાણી ખેંચતા રહીને ભૂગર્ભજળની ઊંડાઈ વધારતા જ રહ્યા છે. ઝડપથી ઊંડાં ઊતરી રહેલ ભૂગર્ભજળની સમસ્યા અમુક વિસ્તારોમાં પેયજળમાંની ફ્લોરાઇડની માત્રા વધારે હોઈ ગંભીર કોયડો સર્જે છે અને ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય જોખમાવા લાગે છે. આ જ રીતે, સમુદ્રતટ પાસેના વિસ્તારોમાં સમુદ્રનાં ખારાં પાણી ઊંડા જઈ રહેલ મીઠા ભૂગર્ભ જળતળવાળા વિસ્તારોમાં ધરતીનાં પોલાણમાં ઘૂસી જઈ ક્ષારપ્રસારની ગંભીર સમસ્યા ઊભી કરી રહેલ છે.

આ બંને સમસ્યા નિવારવા માટે સિંચાઈ જળનો કરકસર તથા ડહાપણયુક્ત ઉપયોગ અત્યંત જરૂરી બનેલ છે અને ઔદ્યોગિક જળવપરાશની માત્રામાં પણ ધરખમ ઘટાડો કરવા નવી નવી તકનીકો તેમજ વપરાયેલ જલની પુનરુપયુક્તિ (recycling of waste water) જરૂરી બનેલ છે. ખેતીમાં ભેજસંરક્ષણનાં પગલાં લેવા ઉપરાંત શક્ય હોય ત્યાં ટપક સિંચાઈપદ્ધતિ (drip irrigation) અપનાવવાનું પણ હિતાવહ છે. વળી જ્યાં જ્યાં શક્ય બને ત્યાં ત્યાં આયોજનબદ્ધ રીતે ‘ખેત તલાવડી’ તેમજ ‘વન તલાવડી’ જેવાં નાનાં નાનાં જળાશયો તૈયાર કરીને તેમાંથી છલકાઈ જતા પાણીને લઈ જતી નીકો યા નળીઓને આસપાસના કૂવા અથવા બોરમાં સંલગ્ન કરી દેવાથી ભૂગર્ભ જલતળ ઊંચાં આવવાની પ્રક્રિયા ઝડપી બને છે. શક્ય હોય ત્યાં આવી રીતે અપવર્તન (diversion) કરાતાં પાણીનાં વહેણ વચ્ચે એકાદ-બે જગ્યાએ પ્રવાહ-અવરોધક ખાડાઓ ખોદીને તેમાં અર્ધા ભાગમાં તળિયે નાના નાના પથ્થરના ટુકડા (કપચી) ભરી દેવાથી તેવા ખાડા કાંપરોધક નીવડીને કૂવામાં/બોરમાં પડતા પાણીનો કાંપ-કચરો રોકી ચોખ્ખાં પાણી કૂવા/બોરમાં પડવા દે છે અને પરિણામે કૂવા/બોરને કાંપ વડે થતું નુકસાન અટકી જાય છે. આજે પ્રાચીન ભૂગર્ભજલ ઝડપથી વપરાઈ/વેડફાઈ રહ્યાં છે. તેની યથાશક્તિ પૂર્તિ કરવા માટે આ પ્રક્રિયા અત્યંત ઉપયોગી નીવડી આસપાસના પ્રદેશની આબાદીમાં અવશ્ય વૃદ્ધિ કરશે તે નિ:શંક છે.

જલવિસ્તાર વ્યવસ્થાપનનાં પરિણામો : અગાઉ સૂચવેલ કાર્યો જો આયોજનપૂર્વક હાથ ધરવામાં આવે તો જલસ્રાવ વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે પાણી પડે છે તે ખેતરો તેમજ અન્ય પડતર વિસ્તારોમાં વધુ સમય માટે રોકાતાં ભૂગર્ભજલસંચય વધે છે અને ભૂમિધોવાણ પણ ઘટે છે. જમીનમાં વધારે ભેજસંગ્રહ થતાં પાક નિષ્ફળ જતો અટકે છે અને દુષ્કાળ-પરિસ્થિતિ પણ નિવારી શકાય છે. વળી ભૂમિ અને ભેજસંરક્ષણ કામોને લીધે તે પ્રદેશમાંનાં નૈસર્ગિક ઝરણાં તેમજ નદીનાળાં વધારે લાંબા સમય સુધી જીવંત રહી શકે છે અને જળાશયોમાં ઘસડાઈ આવતા કાંપનું પ્રમાણ ઓછું થતાં તેવાં જળાશયોનું આયુષ્ય પણ લંબાય છે અને પૂરથી થતા નુકસાનનું પ્રમાણ પણ ઘટે છે. વળી ભૂગર્ભજલસંચય વધતાં તે પ્રદેશના કૂવાઓમાં પાણીના સ્તર ઊંચા આવતાં સિંચાઈ માટે વપરાતી વીજળીક શક્તિના બચાવ ઉપરાંત ત્યાંની પિયતની ખેતીનું પ્રમાણ પણ વધે છે અને પરિણામે તે પ્રદેશમાં કૃષિઉત્પાદન તેમજ આનુષંગિક ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે. આ ઉપરાંત નાળાંઓમાંની આડશ તેમજ વિકસિત વનસ્પતિને લીધે અને જમીન સમતળ કરવાનાં કાર્યોને લીધે જલપ્રવાહ સાથે ઘસડાઈ જતા મહામૂલી માટીના કણો તેમજ જમીનનાં પોષકતત્વોનું ધોવાણ પણ અટકી જવા પામે છે. તેને પરિણામે તે ભૂમિની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહે છે અને તેની વધારે સારી ઉત્પાદકતાને લીધે તેમજ ત્યાં ઉત્પન્ન થતી વધારાની રોજગારીની તકોને પરિણામે આવા વિસ્તારોમાંની એકંદર આબાદીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

જલસ્રાવ ક્ષેત્ર-આધારિત જળવિસ્તાર-વ્યવસ્થાપન જેને સામાન્ય રીતે ફક્ત જલવિસ્તાર–વ્યવસ્થાપન (watershed-management) પણ કહે છે, તે જે તે પ્રદેશના બહુમુખી વિકાસને ધ્યાનમાં રાખીને કરવાનું તથા મુખ્યત્વે ભૂમિસંલગ્ન વ્યવસાયોને સ્પર્શતું લાંબા ગાળાનું આયોજન છે. તેમાં ફક્ત કૃષિવિકાસને જ અગ્રતા ન અપાતાં ફળફળાદિ વિકાસ, પુષ્પવિકાસ, ઘાસચારાવિકાસ, વૃક્ષઉછેર, વનીકરણ, ડેરીવિકાસ, મરઘાંઉછેર, મત્સ્યોદ્યોગ-વિકાસ, રેશમ કીટક-ઉછેર, મધમાખીઉછેર, લાખ-વિકાસ વગેરે ભૂમિ-આધારિત ઉત્પાદનવૃદ્ધિલક્ષી વ્યવસાયો તરફ ધ્યાન કેંદ્રિત કરાય છે. ઉપરાંત તે વિસ્તારની પર્યાવરણ-સમતુલા અને સંરક્ષણને પૂરતી અગત્ય આપવામાં આવે છે. વળી આમ કરતી વખતે ઉક્ત વ્યવસાયોમાંથી મળતી વિવિધ ઊપજોની જાળવણી, તેના શુદ્ધીકરણ, છટણી, વેચાણવ્યવસ્થા તેમજ તેમાંથી વિશેષ કિંમત આપતી બનાવટોના (value added products) ગૃહઉદ્યોગનો વિકાસ, તે તમામ અંગેની તાંત્રિક તાલીમ વગેરે પરત્વે પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું જરૂરી બને છે, કારણ કે જો ભૂમિવ્યવસ્થા તેમજ તેની ઊપજ મેળવવામાં વૈજ્ઞાનિક રીતરસમો અપનાવવામાં આવે તો જ જે તે પ્રદેશની ઉત્પાદનક્ષમતા જાળવણી તેમજ તેમાં ક્રમશ: વૃદ્ધિ શક્ય બને અને તો જ ગ્રામીણ જનતા માટે જીવનસુધારણામાં મદદરૂપ બની વસ્તીવિસ્ફોટ, ગંદા વસવાટ અને બિનઆયોજિત શહેરીકરણ વગેરેની માઠી અસરોથી ગ્રસ્ત એવા વિકાસોન્મુખી પ્રદેશોની વિકાસપ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે.

આમ, જલવિસ્તાર-વ્યવસ્થાપન એક અત્યંત અગત્યનું બહુમુખી કાર્યક્રમોવાળું, જળસ્રાવક્ષેત્ર-આધારિત કાર્યપ્રણાલીની અનિવાર્યતા પ્રસ્થાપિત કરતું આયોજન છે. આવા વ્યવસ્થાપન સાથે સંકળાયેલ આયોજકો સંકલિત વિકાસ આયોજન અંગેની ઊંડી સૂઝ અને ધગશ તેમજ બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા જરૂરી છે અને ક્ષેત્રીય કક્ષાએ અત્યંત સેવાભાવી તેમજ વિવિધ વિભાગોની ઝીણવટભરી તાંત્રિક વિગતોનું જ્ઞાન ધરાવતા કર્મઠ કાર્યકરો દ્વારા જો વિવિધ કાર્યો થાય અને વિવિધ વિભાગો વચ્ચેનું અસરકારક સંકલન જાળવીને તેમજ ગામલોકોની સંપૂર્ણ સામેલગીરી સાધીને આગળ વધાય તો જ સુંદર પરિણામો મળી શકે. આ રીતના આયોજનમાં જે તે વિસ્તારની પ્રાથમિક શૈક્ષણિક વ્યવસ્થા, તાંત્રિક-તાલીમ અંગેની વ્યવસ્થા તથા લોકો, પશુપંખી વગેરેને માટે પ્રાથમિક સ્વાસ્થ્ય-જાળવણી-વ્યવસ્થા વગેરેને પણ સુયોગ્ય રીતે સાંકળી લેવાથી વધારે સુંદર પરિણામો સુલભ બને તે નિર્વિવાદ છે.

જે વિસ્તારમાં જલવ્યવસ્થાપન કાર્ય કરવાનું હોય છે ત્યાં નહેર હોય તો સિંચાઈ-જલ-વિતરણ અત્યંત અગત્યની બાબત બને છે. આ જ પ્રમાણે સહિયારા વિસ્તારોની ઊપજ (common property returns) જેવી કે બળતણ, ચારો, ગૌણ વનઊપજ, ઇમારતી વાંસ વગેરેનું વિતરણ પણ સુયોગ્ય આયોજન તેમજ કુનેહપૂર્ણ વ્યવસ્થા માગી લે છે. આ માટે ગ્રામકક્ષાએ તેમજ ઉપરની કક્ષાએ સહકારી મંડળીઓ અથવા યુવકમંડળોનું આયોજન ઘણું ઉપયોગી નીવડી શકે છે. આવા કાર્યક્રમોમાં તાલીમવ્યવસ્થા, પ્રોત્સાહક માધ્યમ વગેરેની અગત્ય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણી સારી રીતે, લોકોની સામેલગીરી પ્રસ્થાપિત કરી શકે છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ