જલમૂત્રમેહ (diabetes insipidus) : સતત અને વારંવાર પુષ્કળ પેશાબ થવાનો વિકાર. તે ભાગ્યે થતો વિકાર છે અને તેમાં થતા પેશાબની સાંદ્રતા (concentration) ઓછી હોય છે, તેથી તેને મંદ (dilute) મૂત્ર કહે છે. ખૂબ પ્રમાણમાં પેશાબ થવાને કારણે ખૂબ તરસ લાગે છે. જલમૂત્રમેહના બે પ્રકાર છે : (1) ખોપરીમાંનો વિકાર અથવા કર્પરી (cranial) વિકાર અને (2) મૂત્રપિંડી વિકાર. જ્યારે અલ્પમૂત્રકારી અંત:સ્રાવ (antidiuretic hormone –ADH) કે આર્જીનીન-વાઝોપ્રેસીનની ઊણપ હોય ત્યારે કર્પરી પ્રકારનો જલમૂત્રમેહ થાય છે, જ્યારે મૂત્રપિંડની મૂત્રનલિકાઓ (renal tubules) પર વેઝોપ્રેસીનની અસર ન થાય ત્યારે તેને મૂત્રપિંડી જલમૂત્રમેહ કહે છે. તેનાં કારણો સારણી-1માં દર્શાવ્યાં છે.
સારણી–1 જલમૂત્રમેહનાં મુખ્ય કારણો |
||
પ્રકાર | કારણજૂથ | કારણ |
1. કર્પરી |
– જનીનીય (genetic) |
દેહસૂત્રી પ્રભાવી વિકાર
(autosomal dominan disorder) દેહસૂત્રી પ્રચ્છન્ન (recessive) વિકાર – જલમૂત્રમેહ, મધુપ્રમેહ, ર્દષ્ટિચેતાની અપક્ષીણતા (atrophy) અને બહેરાશવાળું સંલક્ષણ |
– અધશ્ચેતકીય (hypothalamic) |
વિવિધ પ્રકારની ગાંઠો, માથામાં
ઈજા, શસ્ત્રક્રિયા મસ્તિષ્કશોથ (encephalitis), તલીય તાનિકાશોથ (basal meningitis) |
|
– અજ્ઞાતમૂલ | – | |
2. મૂત્રપિંડી | – જનીનીય, | લિંગસૂત્રી (sex chromosomal)
પ્રચ્છન્ન વિકાર, સિસ્ટિનોસિસ |
– ચયાપચયી | લોહીમાં પોટૅશિયમનું ઓછું
પ્રમાણ, લોહીમાં કૅલ્શિયમનું વધુ પ્રમાણ |
|
– દવાઓ અને ઝેર |
લિથિયમ, ડાયમિથાયલ ક્લોર-
ટેટ્રાસાઇક્લિન, ભારે ધાતુઓ |
નિદાન : ખૂબ તરસ અને ખૂબ પેશાબ મુખ્ય લક્ષણો છે. જો જલમૂત્રમેહના દર્દીમાં કૉર્ટિસોલની ઊણપ હોય તો જલમૂત્રમેહનાં લક્ષણો છુપાયેલાં રહે છે જે ગ્લુકોકૉર્ટિકૉસ્ટિરૉઇડને ઔષધ રૂપે આપ્યા પછી બહાર આવે છે. દર્દીને 24 કલાકમાં 5થી 20 લિટર કે તેથી વધુ પેશાબ થાય છે. તેની વિશિષ્ટ ઘનતા અને આસૃતિ (osmotality) લોહીના પ્લાઝમા કરતાં ઓછી હોય છે : બેભાન દર્દી અથવા અધશ્ચેતકના વિકારવાળા દર્દીમાં તૃષાકેન્દ્ર (thirst centre) પૂરતું કામ કરતું ન હોય તો તે જીવનને જોખમી સ્થિતિ ઊભી કરે છે ત્યારે જલમૂત્રમેહનું નિદાન અને સારવાર અતિ-આવશ્યક બને છે. દર્દીને પીવાનું પાણી ઘટાડવાની કસોટી વડે જલમૂત્રમેહ અને મનોવિકારી અતિતૃષા(psychogenic polydipsia)ને તેમજ વાઝોપ્રેસીન આપીને કર્પરી કે મૂત્રપિંડી પ્રકારના વિકારને અલગ પાડી શકાય છે. માનસિક કારણોસર ખૂબ તરસ લાગવાના વિકારને મનોવિકારી અતિતૃષા કહે છે. સામાન્ય માણસમાં જો 8 કલાક પાણી ન આપવામાં આવે તો તેમના પેશાબની આસૃતિ 800 મિલિ. ઓસ્મોલ/કિગ્રા. હોય છે, જે વાઝોપ્રેસીન આપવાથી વધતી નથી. કર્પરી જલમૂત્રમેહના દર્દીમાં વાઝોપ્રેસીન આપતાં પહેલાં પ્લાઝમાની આસૃતિ 300 મિલિ. ઑસ્મૉલ/ કિગ્રા. હોય છે અને પેશાબની આસૃતિ તેનાથી પણ ઓછી હોય છે જે વાઝોપ્રેસીન આપવાથી વધે છે. મૂત્રપિંડી જલમૂત્રમેહના દર્દીમાં વાઝોપ્રેસીનની અસર થતી નથી. અન્ય નિદાનલક્ષી કસોટીઓમાં લોહીમાં ઇલેક્ટ્રૉલાઇટ અને કૅલ્શિયમનું પ્રમાણ તથા મૂત્રમાર્ગ અંગેની અન્ય તપાસણીઓનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે સી.એ.ટી. સ્કૅન કે એમ.આર.આઇ. વડે પીયૂષિકાગ્રંથિ અને તેની ઉપરના ભાગની તપાસ પણ કરાય છે.
સારવાર : નાક દ્વારા ડેસ્મોપ્રેસીન નામનો વાઝોપ્રેસીનનો એક સમધર્મી દિવસમાં એક કે બે વખત અપાય છે. દર્દીનું જલ-સંતુલન (water balance) કેટલું સુધર્યું છે તે જાણી લેવાય છે. વાઝોપ્રેસીનની અસરકારકતા વધારવા મધુપ્રમેહમાં અસરકારક એવી ક્લોરપ્રોપેમાઇડ નામની દવા અથવા આંચકી (convulsions) રોકતી કાર્બામેઝેપિન નામની દવા પણ ઉપયોગી છે. મૂત્રપિંડી જલમૂત્રમેહમાં થાયેઝાઇડ જૂથનાં મૂત્રવર્ધકો (diuretics) વપરાય છે. તે સમયે લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ જળવાઈ રહે છે તે ખાસ જોવામાં આવે છે.
શિલીન નં. શુક્લ