જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે આશરે 31 18´ ઉ. અ. અને 75 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની વાયવ્યે અને પશ્ચિમે કપૂરથલા જિલ્લો તેમજ ફિરોઝપુર જિલ્લો, ઈશાને હોશિયારપુર જિલ્લો, પૂર્વે કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગર જિલ્લા, દક્ષિણે લુધિયાણા જિલ્લો અને નૈર્ઋત્યે મોગા જિલ્લો સીમા રચે છે. હિમાલયમાંથી ઉદગમ પામતી બિયાસ અને સતલજ નદી આ જિલ્લામાંથી પસાર થાય છે અને પરિણામે આ નદીના કાંપ-માટી નિક્ષેપને કારણે અહીં ફળદ્રૂપ મેદાનો રચાયાં છે. જેથી આ જિલ્લો ‘દોઆબ’ તરીકે ઓળખાય છે. સમુદ્રની સપાટીથી સરેરાશ 230 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર સમતળ હોવાથી નદીમાં આવતા પૂરને કારણે કેટલીક વાર જાનમાલને નુકસાન પણ પહોંચે છે.
અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. આ આબોહવાની લાક્ષણિકતા જોઈએ તો શિયાળો ઠંડો અને ઉનાળો ગરમ હોય છે. ઉનાળાની ઋતુ માર્ચથી જૂન સુધીની ગણાય છે. મહત્તમ તાપમાન 48 સે. અને લઘુતમ તાપમાન 25 સે. હોય છે. આ ઉનાળાની ઋતુમાં ધૂળની ડમરીઓ અવારનવાર નિર્માણ પામે છે. આ સમયગાળામાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો મનાય છે. જૂન માસના દિવસો દરમિયાન હળવો વરસાદ ગરમીમાં રાહત આપે છે. આ ઋતુ દરમિયાન તાપમાન 35 સે. રહે છે. અહીંનો વાર્ષિક સરેરાસ વરસાદ 703 મિમી. ગણાય છે. જુલાઈ માસમાં મહત્તમ વરસાદ પડે છે. તે સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અધિક રહે છે. ઑક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન વાતાવરણ ખુશનુમા રહે છે. શિયાળા દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 19 સે. જ્યારે લઘુતમ તાપમાન 13 સે. રહે છે. જાન્યુઆરી માસ દરમિયાન તાપમાન 5 સે. જેટલું નીચું પણ અનુભવાય છે.
અર્થતંત્ર : આ જિલ્લામાં લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. ફળદ્રૂપ જમીનને કારણે અહીં ઘઉં, ડાંગર, જવ, કપાસ, શેરડી તેમજ કઠોળ અને તેલીબિયાંની ખેતી થાય છે. શાકભાજીમાં બટાટા, ફ્લાવર, કોબીજ, મૂળાની ખેતી મુખ્ય છે. ફળોમાં કેરી મુખ્ય છે. ખેડૂતો આર્થિક દૃષ્ટિએ સુખી-સંપન્ન હોવાથી ખેતીમાં બીજાં રાજ્યો કરતાં યાંત્રિકીકરણ વધુ જોવા મળે છે. અહીં ખેતીને લગતાં યંત્રો બનાવવાનાં અનેક કારખાનાં આવેલાં છે. ટ્રૅક્ટર, પાકની લણણી માટેનાં યંત્રો, થ્રેસર મશીન બનાવવાનાં કારખાનાં વધુ આવેલાં છે. ડેરીઉદ્યોગ, દવા બનાવવાના એકમો તેમજ ચર્મઉદ્યોગ પણ વધુ વિકસેલો છે.
પરિવહનના ક્ષેત્રે આ જિલ્લો વધુ પ્રગતિ સાધી શક્યો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44, 2, 3, 703, 703A પસાર થાય છે. રાજ્યના અને જિલ્લાના માર્ગો, વધુ વિકસ્યા છે. જલંધર રેલવેનું મોટું જંકશન છે. પડોશી જિલ્લાઓને સંકળાતી બ્રૉડગેજ રેલવે આવેલી છે. મુખ્ય રેલવેસ્ટેશનોમાં ફીલ્લુર, ગોરિયા, નાકોડાર, લોહીન ખાસ, કરતારપુર, ભોગપુર, શિરવાલ, જમશેર ખાસ વગેરે છે. અહીં રાજ્ય પરિવહન, ખાનગી બસોની સગવડ છે. ટૅક્સીઓ પણ ઉપલબ્ધ છે. આ જિલ્લાનું હવાઈ મથક અદમપુર હવાઈ મથક છે જે જલંધર શહેરની વાયવ્યે આવેલું છે.
વસ્તી : અહીંની વસ્તી (2011 મુજબ) 21,81,753 છે. જ્યારે વિસ્તાર 2,658 ચો.કિમી. છે. વસ્તીગીચતા 831 છે. સાક્ષરતાનું પ્રમાણ 91% છે, જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ 913 છે. પછાત જાતિનું પ્રમાણ 39% છે. મુખ્ય ભાષા પંજાબી (88%), હિન્દી (10%), અંગ્રેજી ભાષા પણ બોલાય છે. હિન્દુઓનું પ્રમાણ વધુ છે.
જલંધર (શહેર) : પંજાબ રાજ્યનું વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતું શહેર.
ભૌગોલિક સ્થાન – આબોહવા : તે આશરે 31 18´ ઉ. અ. અને 75 34´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આશરે 228 મીટરની ઊંચાઈ ધરાવે છે.
આ શહેર ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની આબોહવા ધરાવે છે. શિયાળાની ઋતુ પ્રમાણમાં લાંબી જ્યારે ઉનાળો ગરમ પણ ટૂંકો હોય છે. ઉનાળાનું સરેરાશ મહત્તમ તાપમાન 48 સે. જ્યારે લઘુતમ તાપમાન 25 સે. હોય છે. શિયાળામાં સરેરાશ મહત્તમ તાપમાન 19 સે. જ્યારે લઘુતમ તાપમાન 7 સે. જેટલું નીચું રહે છે. સરેરાશ વરસાદ 700 મિમી. પડે છે. 2018ના વર્ષમાં સરેરાશ કરતાં 20% જેટલો વરસાદ વધુ પડ્યો હતો.
અર્થતંત્ર : આ શહેર કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર છે અને ઔદ્યોગિક મથક છે. અહીં રમતગમતનાં સાધનો બનાવવાનો સૌથી મોટો ઉદ્યોગ છે. આ ઉદ્યોગ માટે જરૂરી કાચા માલ સ્વરૂપે લાકડું હિમાચલ પ્રદેશ અને કાશ્મીરનાં જંગલોમાંથી તેમજ અન્ય કાચો માલ સ્થાનિક રીતે ઉપલબ્ધ થાય છે. આ સાધનોની યુરોપના દેશો, કૅનેડા, યુ.એસ., દૂર પૂર્વના દેશો, ઑસ્ટ્રેલિયા વગેરેમાં નિકાસ થાય છે. આ સિવાય અહીં ખાંડ, કાચ, કાગળ, ચિનાઈ માટી, ધાતુના પુરજા, ચામડાં કેળવવા અને તેની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાના, વણાટકામ, સુથારીકામને લગતા તેમજ ઇજનેરી ઉદ્યોગનો પણ વિકાસ થયેલો છે. ઇજનેરી ઉદ્યોગોમાં મુખ્યત્વે સીવણ- સંચા, ખેત-ઓજારો, ડીઝલ ઑઇલ-એન્જિન, વીજળીનાં સાધનો, સાઇકલ તથા ઑટો-વાહનોના ભાગો, હાથ-ઓજારો, મશીનટૂલ્સ, વાઢકાપ માટેનાં દાક્તરી અને વૈજ્ઞાનિક ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક સાધનો, વૉટર મીટર, બૉલબેરિંગ, સંગીતનાં સાધનો વગેરેનો સમાવેશ થાય છે. આ શહેર ગરમ કાપડ અને હોઝિયરી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
પરિવહન : આ શહેર મોટરમાર્ગ, રેલમાર્ગનું મહત્ત્વનું કેન્દ્ર છે. જલંધર રેલવેસ્ટેશન કે જ્યાં હાવરા મેઇલ, ગોલ્ડન ટેમ્પલ મેઇલ (ફ્રન્ટિયર મેઇલ), અમૃતસર શતાબ્દી એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને ઇન્ટરસિટી વગેરે રેલવેનું સ્ટેશન છે. ભારતનાં મોટા ભાગનાં મેટ્રો શહેરો સાથે સંકળાયેલ છે. પંજાબ રાજ્યના બસમાર્ગોનું મુખ્ય કેન્દ્ર છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુવિધા તે ધરાવે છે. અહીંનું અદમપુર હવાઈ મથક અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સાથે સંકળાયેલું છે. અદમપુર હવાઈ મથક ભારતનાં મોટાં શહેરનાં હવાઈ મથક સાથે જોડાણ ધરાવે છે.
ધાર્મિક સ્થળો – પ્રવાસન : આ શહેરમાં ગુરુદ્વાર દુઃખ નિવારણ સાહિબ, ગુરુ રવિદાસ ધામ, દેવી તળાવ મંદિર, નાકોડાર દરબાર બાબા મુરદ શાહજી, કૅન્ટોનમેન્ટ ચર્ચ, ડેરા સચકન્ડ બાલ્લન, ગુરુદ્વાર સાહિબજી, ગુરુદ્વાર ગુરુ તેગ બહાદુરનગર, ગીતામંદિર વગેરે ધાર્મિક સ્થળો આવેલા છે. તદ્ઉપરાંત નીકુ પાર્ક, પૃથ્વી પ્લૅનેટ, વન્ડરલૅન્ડ વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે.
વસ્તી : આ શહેરની વસ્તી (2011 મુજબ) 8,62,196 છે. સાક્ષરતાનું પ્રમાણ 85.50% છે. અહીં હિન્દુ, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી લોકો વસે છે. પંજાબી અને હિન્દી ભાષાનો મહત્તમ ઉપયોગ થાય છે. આ જિલ્લાને વહીવટી દૃષ્ટિએ પાંચ તાલુકાઓમાં વહેંચેલ છે. જે અદમપુર, ભોગપુર, ગૌરેયા, કરતારપુર અને નુરમહલ છે. મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટ્સ, કૉમર્સ, સાયન્સના વિષયો ઉપરાંત એન્જિનિયરિંગ વિષયોનું શિક્ષણ અપાય છે. પંજાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન 10 કૉલેજો આવેલી છે.
જલંધર તેની આસપાસના ઘણા પરા-વિસ્તારોને આવરે છે અને તેના દક્ષિણ ભાગમાં વિશાળ કૅન્ટોનમેન્ટ છે.
ભારત સરકારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં આ શહેરનો સમાવેશ કર્યો છે.
ઇતિહાસ : પ્રાચીન કાળમાં આ શહેર કટોચ રાજપુત રાજ્યનું પાટનગર હતું. ત્યારબાદ ત્રિગર્ત રાજ્યનું પાટનગર બન્યું હતું. સાતમી સદીમાં જાણીતા પ્રવાસી હ્યુ-એન-શ્વાંગે આ નગરની મુલાકાત લીધી હતી એવી નોંધ મળી છે. 1058 અને 1098 તથા 1240ના સમયગાળામાં ગઝનવીનું પ્રભુત્વ હતું. ત્યારબાદ દિલ્હી સલ્તનતના તાબામાં આવ્યું. 1441માં બહોલોલ (Baholol) લોદીના સામ્રાજ્યનો ભાગ બન્યું. 1524માં દૌલતખાન લોદીનું પ્રભુત્વ હતું. 1540માં સૂર સામ્રાજ્યનો ભાગ બન્યું. 1594માં કરતારપુરનું શહેર બન્યું હતું. 1756ના સમયમાં અદિના બેગ હસ્તક આવ્યું. 1811માં શીખ સામ્રાજ્યનો ભાગ બન્યો. 1846માં બ્રિટિશરોએ પ્રભુત્વ મેળવ્યું હતું. 1947ના 17મી ઑગસ્ટે રેડ ક્લીફે પંજાબના બે ભાગલા કર્યા. અહીં વસવાટ કરતી મુસ્લિમ પ્રજા પાકિસ્તાનમાં સ્થળાંતર પામી હતી. પરિણામે અહીં હિન્દુ અને શીખ પ્રજાનું પ્રભુત્વ વધુ છે.
બીજલ પરમાર
નીતિન કોઠારી