જરથોસ્તી ધર્મ

ધર્મને જરથોસ્તીઓ ‘દીન’ કે ‘દએના’ કહે છે. [દએના = અંત:કરણમાં શ્રદ્ધાનો ભાવ.]

જરથુષ્ટ્રની પહેલાં હોમા પયગંબરે, માઝદયશ્ની દીન દ્વારા એકેશ્વરવાદ સ્થાપ્યો હતો. તે પહેલાં દેવયશ્ન (અલગ દેવોની પૂજા) હતી. તેથી ધર્મગુરુઓમાં ફાંટા પડ્યા. પ્રજાની એકતા જોખમાઈ. આ કારણે ‘દેવ’ શબ્દને ધર્મવિરોધી ગણ્યો છે.

ઈરાનમાં કયાની વંશ હતો ત્યારે જરથુષ્ટ્ર એક સુધારક તરીકે, ધરતી ઉપરનો પાપબોજ નિવારવા તથા વહેમવશીકરણ, કુરિવાજો અને મેલા જાદુની તાંત્રિક વિદ્યા સામે લોકોને જાગ્રત કરવા માટે, અવતર્યા. જૂના માઝદયશ્ની દીનના સર્વ સારા સિદ્ધાંતો ચાલુ જ રહ્યા. વિશેષત: તેમણે અશોઈ (પવિત્રતા) ઉપર ભાર મૂક્યો. આમ ‘માઝદયશ્ની જરથોસ્તી’ પંથનો ઉદય થયો અને નીતિનિયમ, સિદ્ધાંત, વ્યાખ્યા, તવારીખ, ધર્મસ્થાનની પૂજાવિધિ, ધર્મગુરુઓની કક્ષા, ક્રિયાકાંડ તથા પ્રાર્થના, એ બધાંએ આ નવા ધર્મના મૂલ્યાંકનમાં અગત્યનો ફાળો આપ્યો.

નામસ્મરણ : અહુરમઝ્દને સર્વસ્વ ગણવામાં આવ્યા; અને તેમનાં અનેક નામનું સ્મરણ કરવામાં આવે છે. પ્રચલિત 101 નામમાં અહુરમઝ્દ યશ્ન(સ્તુતિ)માંથી કેટલાંક વધુ નામ ઉમેરવામાં આવ્યાં. વાસ્તવમાં તો તે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન ઈશ્વરના ગુણનું જ વર્ણન છે. જરથોસ્તીની ફરજ આ આદર્શોનું યથાશક્તિ પાલન કરવાની છે. અવસ્તામાં પ્રાર્થના રૂપે કહેવામાં આવ્યું છે – ‘મન આનો આવાય દ શુદન’ અર્થાત્ હે ઈશ્વર, હું તારા જેવો બનું.

ભલાઈ : સર્વ ગુણોમાં સૌથી વ્યવહારુ અને મહત્વનો ગુણ ભલાઈ છે. તેને સ્વીકારનાર ‘બેહદીન’ (ભલો ધર્મ ધારણ કરનાર) કહેવાયો. આ ધર્મનો મર્મ ‘ભલાઈથી દૂર એ ખુદાથી દૂર’ છે. ઈશ્વરી ન્યાયમાં અડગ શ્રદ્ધા અને નીતિનિયમમાં સોદાને કોઈ સ્થાન નહિ એ નિશ્ચય જરૂરી બને છે. કોઈ ભૂંડો થાય તેની સાથે પણ ભલાઈ એક કર્તવ્ય બને છે.

‘અષેમ વોહુ’(ભલી અશોઈ)ની પ્રાર્થનામાં ‘અશોઈ માટે જ અશો’ એટલે કે બદલાની અપેક્ષા વિના ભલાઈના વ્યવહારનું સૂચન કરવામાં આવેલું છે. પ્રેય કરતાં શ્રેય ઉપર વધુ ભાર મૂકવામાં આવેલો છે. ધર્મનો મુદ્રાલેખ છે — ‘સુખ તેને છે, જેનાથી બીજાને સુખ મળે.’ પરાઈ પીડા જાણવાની ફરજ હોવાથી તે માટે ઉપકારની ભાવના રાખવામાં આવતી નથી. આમ નરસિંહ મહેતાની વૈષ્ણવજનની વ્યાખ્યા જરથોસ્તી ધર્મમાં પણ જોવા મળે છે.

અશોઈનો કાયદો : ‘અશવહીશ્ત’ (પવિત્ર જીવનની સંહિતા) કોઈને પણ કર્મના કાયદામાંથી મુક્તિ આપતી નથી. (1) ‘અકેમ અકાઈ’ એટલે બૂરું કરો અને ભોગવો, (2) ‘વહીશ્તેમ અંધુહીમ અસત્’ એટલે કે નેકીનાં રૂડાં ફળની ખાતરી આપવામાં આવે છે. (3) ખરાબ દાનત, ભૂંડી વાણી અને દુષ્ટ કર્મ, ‘નોઇત બઓધો વર્શ્ત’ એટલે બુદ્ધિ વિના થાય છે, જેને પરિણામે ‘અચીશ્તેમ વંધુહીમ’ એટલે કે નરક જેવી પરિસ્થિતિ ભોગવવી રહે. આ નિયમથી બૂરાંઓને ‘સજા’ ફરમાવવામાં આવે છે. ફારસી ભાષામાં ‘સજા’નો અર્થ ‘યોગ્ય’ થાય છે. તેમાં કોઈ અન્યાય નથી. (4) ભૂંડાઈ સામે શસ્ત્ર ઉગામવાનું અને ખેતરનો પાક ઉગારવા માટે નુકસાન કરતાં જીવજંતુઓનો નાશ કરવાનું ફરમાન છે.

અષ (અશોઈ) જરથોસ્તી દીનનો પાયો છે. સરળ ભાષામાં પ્રામાણિક વ્યવહાર, તન, મન અને આત્માની પવિત્રતા એ જ સત્યનો માર્ગ છે. સર્વ સદગુણ તેમાં સમાયેલા છે. પ્રાર્થનામાં એવી ઇચ્છા વારંવાર ઉચ્ચારવામાં આવે છે – ‘સૌથી ઉત્તમ, અષથી અમે અહુરાનાં દર્શન કરીએ’ (યશ્ન 60/12).

જરથુષ્ટ્રે સેતાનને પડકારતાં જણાવ્યું : ‘મારામાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી અષથી ચલિત થઈશ નહિ અને મારા અનુયાયીઓને પણ તેમ કરવાનો આદેશ આપીશ’ (યશ્ન 28/4). આને માટે ‘વોહુમન’ (સાફ મન) જાળવી રાખવાનું સૂચન છે. ‘અષ’ અને વેદમાંના ‘ઋત’ શબ્દનો અર્થ, સમાન અને સત્ય છે. સત્યની તારીફમાં મહાન શાહ દરાયસે બહીસ્તૂન પર્વત ઉપર કોતરાવ્યું હતું : ‘સત્ય પરમેશ્વર છે.’

એક જરથોસ્તીએ રોજ પ્રત્યેક કાર્ય સીધું અને સાચું થાય છે તેની ખાતરી કરવી આવશ્યક બને છે. ‘વોહુમન(= સાફ મન)માં ભલી વાણી અને સત્કર્મનો સમાવેશ થાય છે. જરથોસ્તી દીનના ત્રણ સ્તંભ છે : (1) મનશ્ની (સદવિચાર), (2) ગવશ્ની (સત્ય વચન) અને (3) કુનશ્ની (પરોપકાર). વિચારોની અસર શરીર ઉપર ચોક્કસ થતી હોય છે. વાસનાથી છલકાતું ભૂંડું મન ‘અકોમન’(હારેમન)નું છે. હારેમન એટલે જ હારેલું મન જે સેતાનનું કારખાનું છે.

અહુરાનું તંત્ર : વોહુમનને ધર્મમાં ‘બેહમન’ કહેલું છે, જે દાદાર(ઈશ્વર)ના એક મહાન દેવદૂત – અમસાસ્પંદ – છે. ખુદ દાદારનું બીજું સ્વરૂપ છે. તેઓ જીવજંતુ તથા પશુપક્ષીઓની રખેવાળી કરે છે. જરથોસ્તી ધર્મમાં એક ત્રિપુટીનો ઉલ્લેખ છે. (1) દાદાર (બ્રહ્મા), જે સર્જન કરે છે; (2) બેહમન (વિષ્ણુ), જે રક્ષણ કરે છે અને (3) અર્દીબહેશ્ત (શિવશક્તિ), જે વિસર્જન અને નવસર્જન કરે છે. ધર્મમાં પશુધનનું રક્ષણ સૂચવેલું છે. ધર્મદંડ ઉપર આવેલી ગાયની ડોક અહિંસાની સૂચક છે. ‘નિધાઈ સ્નીશી શીમ’ એટલે કે જીવદયા માટે શસ્ત્રત્યાગ અગત્યની પ્રતિજ્ઞા છે. બેહમન એ પારસી કૅલેન્ડરમાં અગિયારમા મહિનાનું નામ છે તથા માસના 30 દિવસમાંના બીજા દિવસનું પણ નામ છે. સમગ્ર બેહમન માસ દરમિયાન પારસીઓને શાકાહારી ભોજન લેવાનું ધાર્મિક ફરમાન છે. મૃત્યુ પછી ચોથા દિવસને મળસકે, દેવદૂતો મહેર, સરોશ, ફ્રવર્દીન અને રશ્નેરાસ્ત મૃતાત્માનાં કર્મોનો તોલ કરે ત્યારે બેહમન વકીલાત કરે છે. વોહુમનમાં ભક્તિને સ્થાન છે.

આકૃતિ 1 : અહુરાનું તંત્ર

ભક્તિબંદગી : દેવદૂત સ્પેન્દામર્દ ભક્તિનો સ્વીકાર કરે છે. (સ્પેન્દા = ભલી; આરમઈતી = સીધી મતિ) અધિષ્ઠાતા મા, જેમને ‘દાદારની દીકરી’ કહી છે તે દેવદૂતોમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે અને બૂરા ખ્યાલોની સામે અંત:કરણના અવાજને પ્રગટાવે છે. આ જગદંબાની હકૂમત નીચે ધરતી આવેલી છે. પ્રાર્થના એટલે સેવાપૂજા. ફારસી શબ્દ બંદગીમાં બંદો એટલે સેવાર્થી. પ્રાર્થના એ અહુરા સાથે મૈત્રી અને ક્ષેત્ર છે.

દાનધર્મ : દાનધર્મમાં પ્રેમની ભાવના રહેલી છે. પ્રેમ પવિત્ર છે. આશીર્વચન સદા સમગ્ર વિશ્વ માટે હોય. દુશ્મન સાથે પણ મૈત્રીનો હાથ લંબાવાય એ જરૂરી છે. દીનદુખિયાં માટે સાર્વજનિક ધોરણે દાનધર્મ કરવાનું જ જરથોસ્તી ધર્મનું ફરમાન છે. ‘પારસી, તારું બીજું નામ સખાવત છે’ એ સૂત્ર દાનધર્મની સતત ઝંખનાને કારણે છે. Charos = પ્રેમ ઉપરથી Charity શબ્દ આવેલો છે. હેતુપૂર્વક કરાતા દાનની કોઈ કિંમત નથી.

આશાવાદ : આનંદી સ્વભાવ અને આશાવાદ પારસીઓની એક વિશિષ્ટતા છે. તેના પાયામાં ઈશ્વરશ્રદ્ધા રહેલી છે. ઉમંગ (ઉશ્તાના) અને હિંમત (અમેહ) રાખવાં એ જરથોસ્તીની ફરજ છે. આનંદી સ્વભાવથી પોતાનાં તેમજ પારકાંનાં દુ:ખ ભુલાવવાં એ ભલાઈનો જ એક પ્રકાર છે. ખેલદિલી મહત્વની છે. હાસ્યવૃત્તિ નિર્દોષ હોવી જોઈએ.

અહુરમઝ્દનાં બે નામો છે – (1) ‘સફના’ એટલે વૃદ્ધિ કરનાર અને (2) ‘અફઝા’ એટલે પ્રગતિ કરનાર. આ બંનેની સાચવણી જરથોસ્તીની એક ફરજ છે. દુન્યવી પ્રગતિ કરતાં, ધર્મમાં આધ્યાત્મિક પ્રગતિ ઉપર વધુ ભાર મૂકવામાં આવેલો છે. દુ:ખ તેમજ આફતના સમયે આશા છોડવી નહિ પણ આનંદી રહેવું એ જરથોસ્તી ધર્મનું ફરમાન છે.

સહિષ્ણુતા : સમભાવ એ જરથોસ્તી ધર્મની ર્દષ્ટિ છે. એ નૈતિક પ્રવૃત્તિ બને અને સર્વે તેને ઉદારતાથી વિચારે તે જરૂરી છે. બિનસાંપ્રદાયિક ધોરણે સર્વ ધર્મ માટે સન્માન, સર્વ સંતજીવોનો આદર, સર્વ સંસ્કૃતિ માટે સદભાવ અને પરધર્મના રિવાજો માટે સહિષ્ણુતા હોવાં જરૂરી છે.

ઈરાનથી આવીને પૂર્વજોએ બધી કોમના માણસો સાથે મીઠાશથી નિખાલસ સ્વભાવે અને પ્રેમથી વસવા માટે આપેલું વચન નિભાવ્યું. અગવડો પ્રતિ દુર્લક્ષ સેવ્યું. અનેક જરથોસ્તી નરબંકાએ દેશભક્તિ નિભાવી. જરથોસ્તી ઉદારતાની નોંધ ઇતિહાસમાં પણ છે. શત્રુઓ તરફ સહિષ્ણુતા દાખવી. યહૂદીઓને નુકસાન ભરપાઈ કર્યું.

ધર્મના નીતિનિયમોનું છેલ્લું પાસું તે સ્ત્રીઓના હક સાચવવાની ભાવના. દેવદૂતવૃન્દમાં પણ નારી ફિરસ્તાને સ્થાન આપવામાં આવેલું છે. આવાં, તીર, અશીસંઘ, દીન અને સ્પેન્તા આરમઇતી – એ બધાં જ નારીસ્વરૂપના ફિરસ્તા છે. મરણોત્તર સ્તુતિમાં પણ સર્વે ભલી નારીઓની યાદ લેવામાં આવે છે.

સકળ બ્રહ્માંડમાં એક શ્રી હરિ : જરથોસ્તી ધર્મમાં 4 દિશાઓને નમસ્કાર, 5 પ્રહરને નમન અને 6 ઋતુઓના પૂજનની ઉદાર ભાવનાવાળી સંહિતા છે. ચારે દિશામાં વિસ્તરેલી સૃષ્ટિની સ્તુતિ, અહુરાની જ બંદગી છે. 5 પ્રહરને અનુરૂપ – (1) હાવન, (2) રપીથ્વન, (3) ઉજીરન, (4) અવિશથ્રૂમ અને (5) ઉશહેન એમ દિવસરાત્રિના પાંચે પ્રહરે, નિયત સમયે આતશ કદેહ(અગ્નિમંદિર)માં અગ્નિની આરાધના થતી હોય છે.

વર્ષની 6 ઋતુઓનાં પૂજન એ ‘ગાહમ્બાર’(સમૂહ ભોજન)નો ઉત્સવ છે. ઈશ્વરનો આભાર માનવાનો તેનો આશય છે. (1) મેદીઓજરેમ (મધ્યવસંત); (2) મેદીઓશરેમ (મધ્ય ઉનાળો); (3) પઈતીશેમ (વાવણીની મોસમ); (4) અયાથ્રેમ (લણણીની ઋતુ); (5) મેઇદિયરિમ (શિયાળો) અને (6) હમસપતમઈ દીએમ (સરખાં રાતદિન) એ પ્રમાણેની 6 ઋતુઓનું સન્માન કરવામાં આવે છે. ઉપરાંત કુદરતના સર્જનના 6 વિકાસક્રમનો ઉલ્લેખ છે. (1) ગગનમંડળ, (2) જળપ્રવાહ, (3) જમીન, (4) વનશ્રી, (5) પશુજગત અને (6) માનવજગત સાતમો ક્રમ – જીવમાંથી શિવની પ્રગતિ – એનું પણ તેમાં સૂચન છે.

ધ્રુવત્વની શક્તિ : ‘ખુદા’ શબ્દનો અર્થ, ફારસી ભાષામાં ખુદ = જાતે + આય = આવેલા એવો થાય છે. ‘અહુર’ શબ્દ ‘મૂળ વગરના’ સૂચવે છે. એમણે પેદા કરેલી સૃષ્ટિને ચેતનવંતી રાખવા તથા શક્તિસ્રોત ઉત્પન્ન કરવા માટે સંઘર્ષની આવશ્યકતા જણાઈ, કારણ કે સંઘર્ષ વડે શક્તિ વધે છે. તેથી એમણે બે શક્તિ પેદા કરી – એક ‘સ્પેન્તા’ (ભલી) અને બીજી ‘અંગ્રહ’ (ભૂંડી). તે જ પ્રમાણે બે વિરુદ્ધ ધ્રુવ – એક ‘ગેતી’ (આ દુનિયા) અને બીજી ‘મીનો’- (આધ્યાત્મિક દુનિયા)ની તાકાત તથા ‘તન’ (કાયાને લગતી) અને ‘રવાની’ (આત્માને લગતી) તાકાત વર્ણવેલી છે. પસંદગી કરવા ભક્તને છૂટ છે.

ધર્મસાહિત્ય : પ્રાચીન ધર્મસાહિત્ય — ‘ઝંદ અવસ્તા’ 21 ‘નશ્ક’- (ગ્રંથ)માં હતું; પરંતુ મહાન સિકંદરની ચડાઈ વખતે આગથી તેમજ લૂંટાઈ જવાથી તે સાહિત્ય વેરવિખેર થઈ ગયું હતું. ત્યારબાદ અરદેશર બાબેકાનના સમયમાં દસ્તૂર મગવન આદરબાદ મારેસ્પંદ તેમજ બાહોશ પંડિત – દસ્તૂર તનસરે ફરીથી સાહિત્યગ્રંથોનું સંકલન કર્યું. એ પુન: સર્જનમાં વંદીદાદ, યજશ્નેનાં 72 પ્રકરણ, દીનકર્દ, બુન્દહેશ, દબેસ્તાન, રિવાયતો, ખુરદેહ અવસ્તા (પ્રાર્થનાપોથી), સાયસ્ત-લા-સાયસા અને ક્રિયાકાંડની સંહિતા સચવાયેલાં છે. વંદીદાદ ગ્રંથ અક્ષરશ: બચી જવા પામ્યો છે. તેમાં નીતિ, આરોગ્ય અને ધર્મક્રિયાઓ અંગેના નિયમો જણાવેલા છે. વંદીદાદ એ એક યોગિક ધાર્મિક ક્રિયાનું પણ નામ છે. ઝંદ અવસ્તા એટલે કે ધર્મગ્રંથો, જે અવસ્તા, પાઝંદ, પહેલવી અને ફારસી ભાષામાં છે. હાલ તેમનાં ભાષાંતર તથા સમજૂતીનાં અનેક પુસ્તકો ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ગાથા એ મહત્વનો ગ્રંથ છે. તેમાં જરથુષ્ટ્રનો મૂળ સંદેશ આવેલો છે. તે ગાથિક અવસ્તા ધર્મસાહિત્યનાં ભજન સ્વરૂપે સચવાઈ છે.

પારસી કૅલેન્ડર : પારસી કૅલેન્ડરમાં 30 દિવસ તથા 12 મહિનાનાં નામ અહુરમઝ્દના સાથી-દેવદૂતોનાં નામ પરથી રાખવામાં આવેલાં છે. યઝ્દ(દેવદૂત)ને ઈશ્વરી યોજના સફળ બનાવવાની ફરજ સોંપવામાં આવેલી છે. એમાં 7 મુખ્ય દૂત (સપ્તર્ષિ) ‘અમસાસ્પંદ’નાં નામ શરૂઆતમાં આવે છે; જે 7 કુદરતી વિકસિત ક્ષેત્રો પર હકૂમત ધરાવે છે. 12 માસના પ્રત્યેકના 30 દિવસ હોવાથી કુલ 360 દિવસ થાય. 365 દિવસનું વર્ષ પૂરું કરવા માટે વર્ષાન્તે ગાથાના 5 દિવસ ઉમેરવામાં આવે છે, જ્યારે ગાથાના શ્લોકનું પઠન થતું હોય છે. શાસ્ત્રમાં શ્રાદ્ધના દસ જ દિવસો સૂચવ્યા છે, જેમાં પહેલા 5 ‘રોજેકેહ’ અને છેલ્લા ગાથાના દિવસો ‘રોજેમેહ’ જણાવ્યા છે. આ 10 દિવસ બાદ આવતા ખોરદાદસાલ (જરથુષ્ટ્રના જન્મદિન) અને અમરદાદસાલના જશનને સાંકળી દઈ ઘણી જગ્યાએ 18 દિવસનાં શ્રાદ્ધ પણ વિચારવામાં આવે છે.

હાલમાં 3 પ્રકારનાં પારસી કૅલેન્ડર અસ્તિત્વમાં છે : (1) ફસલી પંચાંગ : પુરાણા જમાનામાં મોસમને મહત્વ આપીને શાહ જમશીદે ફસલી પંચાંગની રચના કરી હતી. તેમના રાજ્યાભિષેકના દિવસે – એકવીસમી માર્ચે ફસલી પંચાંગના નવા વર્ષનો પ્રથમ દિવસ જાહેર કર્યો, જે ‘જમશેદી નવરુઝ’ તરીકે ઓળખાય છે. તે દિવસે, દિવસ તથા રાત્રિ એકસરખી લંબાઈનાં હોય છે. (2) કદીમી પંચાંગ : કયાની વંશના ધર્મરાજા શાહ ગુસ્તાસ્પે પોતાના રાજ્યાભિષેકના દિવસે, અસ્પંદાર્દ મહિનો અને પહેલા રોજ હોરમઝદના દિવસથી નવું વર્ષ જાહેર કર્યું, જે કદીમી પંચાંગના વર્ષનો પહેલો દિવસ હતો. (3) શહેનશાહી પંચાંગ : સાસાન્યન વંશના ઈરાનના છેલ્લા શાહ યઝદે ઝર્દ શહેરિયારે ફ્રવર્દીન માસના હોરમઝદ રોજે શહેનશાહી પંચાંગના નૂતન વર્ષનો પ્રારંભ કર્યો. એ ગણતરીએ 1363નું યઝદે ઝર્દી સાલ (ય. ઝ. 1363) ચાલુ છે. કદીમી પંચાંગ, શહેનશાહી પંચાંગ કરતાં એક મહિનો વહેલું હોય છે. આ કારણે કદીમપંથીઓ શ્રાદ્ધ તથા નવા વરસની ઉજવણી શહેનશાહી પંથીઓ કરતાં એક માસ વહેલી કરતા હોય છે.

તવારીખ : ધર્મ સાથે સંકળાયેલી તવારીખ, ઈરાની-પારસીઓના હિંદમાં આગમન (કિસ્સે સંજાણ) સાથે સંકળાયેલી છે. ધર્મની રક્ષા કાજે તેમજ બુન(લોહી)ની શુદ્ધતા જાળવવા માટે, પોતાનું ભાવિ અધ્ધર રાખીને, આશરે 1363 વર્ષ પહેલાં માદરે વતન ઈરાન છોડી, સર્વસ્વ ત્યાગી, પારસી પૂર્વજોએ કુટુંબ સાથે કેટલાંક જહાજો દ્વારા સાગર-સફર ખેડી હતી. વર્ષોથી કેટલાક પારસીઓએ ધંધાર્થે પરદેશમાં વ્યાપારી સંબંધો કેળવ્યા હતા.

મંગોલ આરબની વટાળપ્રવૃત્તિએ જોર પકડ્યું હતું. આતશની તેમજ લોહીની પવિત્રતા છોડી, વટલાવા તૈયારી ન હતી. પારસી કુટુંબો ઈરાનના હોરમઝદ બંદરેથી કેટલાંક વહાણોમાં સાગરસફર ખેડીને ગુજરાતમાં દીવ તરફ આવ્યાં. ત્યાંથી નજીકના સંજાણ બંદરે ઊતર્યાં. આ સાગરખેડુઓની આગેવાની મગવન દસ્તૂર નૈરોસંઘ ધવલે કરી હતી. તેમને થયેલ આગાહી અનુસાર પ્રવાસની દિશા સૂચવવામાં આવી હતી.

તે વખતે સંજાણમાં જાદિત્યરાણાનું રાજ્ય હતું. પહેલવાન જેવી કાયા, લોહિયાળ લાલઘૂમ ચહેરા અને સશસ્ત્ર પરદેશીઓને ચોપદારોએ સાગરકાંઠે જ રોક્યા. વિદ્વાન દસ્તૂર ધવલ સંસ્કૃત ભાષાના નિષ્ણાત હતા. તેમણે રાણાને સંસ્કૃતમાં સંદેશો પાઠવીને સંજાણમાં આશ્રય માગ્યો. રાણાના ચતુર પ્રધાનને તેમાં જોખમ જણાયું. તેથી તેમણે પોતાના એક દૂત સાથે દૂધથી છલોછલ ઘડો કિનારે મોકલાવીને સંકેત પાઠવ્યો કે ‘જગ્યા નથી.’ વિદ્વાન દસ્તૂરે તેમાં પોતાની સોનાની અંગૂઠી નાખી અને પ્રત્યુત્તર પાઠવ્યો કે ‘અમે મુઠ્ઠીભર થોડા જ છીએ. તમારા રાજ્યમાં વિના ઉપદ્રવે સમાઈ જઈશું, સાથે અમારું આગવું વ્યક્તિત્વ સાચવી રાખીશું.’ રાણા પ્રભાવિત થયા. દસ્તૂર ધવલને દરબારમાં આવકાર મળ્યો. તેમણે સંસ્કૃત ભાષામાં 14 શ્લોક ઉચ્ચારીને ઈરાની પારસીઓની લાક્ષણિકતા અને ધર્મભક્તિનું વર્ણન કર્યું તેમજ ‘દૂધમાં સાકરની જેમ મીઠાશથી, સંપ અને સહકારથી રહેવા’ની ખાતરી ઉચ્ચારી.

ધર્મનિષ્ઠાની ખાતરી કરવા માટે જાદિત્યરાણાના પ્રધાને ખાલી પાત્રમાં બળતણ વિના અગ્નિ પ્રગટાવવા જણાવ્યું. દસ્તૂરે પડકાર ઝીલ્યો. કેરબાની માળા વડે મંત્રોચ્ચારથી આતશ પ્રગટાવ્યો. ચોક્કસ શરતો દર્શાવતા દસ્તાવેજ ઉપર સહીસિક્કા કરાવી, રાણાએ આશ્રય માટેની મંજૂરી આપી. દસ્તૂરે એક આતશકદેહ (અગ્નિ મંદિર) બાંધવાની રજા માગી. ઈશ્વરનો આભાર માનવા માટેની તેમણે બાધા રાખી હતી. જમીન ફાળવી ત્યાં ભારતનું સૌપ્રથમ આતશકદેહ બંધાયું. એ આજે ઉદવાડામાં સ્થાયી થયા, જેને ઈરાનશાહ ગણ્યા. ‘ઈરાનશાહ’ યાત્રાનું આજે ધામ બન્યું છે.

રાણાની શરત અનુસાર પારસીઓએ શસ્ત્રો મંદિરમાં અર્પણ કર્યાં અને કેટલાક રાજપૂત રિવાજો સ્વીકાર્યા, જે આજે આશરે 1363 વર્ષ પછી પણ પ્રત્યક્ષ થાય છે. પૂર્વજોએ વખત આવ્યે દેશભક્તિ પુરવાર કરી દેશના ગૌરવને વધાર્યું છે અને અનેક ક્ષેત્રોમાં કીર્તિ મેળવી છે.

આતશકદેહ : ‘પારસીઓ આતશ(અગ્નિ)ના પૂજારી નથી પરંતુ તેની પાછળ રહેલા યઝદોને સન્માને છે’ (શાહનામું). અહુરમઝ્દનું સૌથી શ્રેષ્ઠ સર્જન આતશ છે. જરથુષ્ટ્રે અહુરાને પૂછ્યું : ‘મારા અનુયાયીઓ તારાં દર્શન ચાહે છે તો તેમને શું કહું ?’ પ્રેરણા મળી કે ‘મારી સરજતનાં દર્શન અને રક્ષણમાં જ મારું દર્શન રહેલું છે.’ જરથુષ્ટ્રે ફરી પૂછ્યું : ‘સર્વ સર્જનમાં શ્રેષ્ઠ કૃતિ કઈ છે જેના દ્વારા આપની સ્તુતિ થઈ શકે ?’ તેના જવાબમાં પહાડ ઉપર અચાનક આતશની જ્વાળા ભભૂકી ઊઠી. આ કારણે જરથોસ્તી ધર્મમાં અગ્નિનું મહત્વ અંકાયેલું છે (શાહનામું).

ધર્મપ્રાર્થનામાં ‘આતશ પૂથ્રે અહુરે મઝદાઓ’નો અર્થ એવો છે કે ‘અગ્નિ દાદારનો પુત્ર છે.’ ‘આતશના ચૈતન્યમાં વોહુમનો તથા અષની સંયુક્ત તાકાત છે, જે બદીને બાળી નાખશે’ (યશ્ન 46/7). આતશ મલિનતાને બાળી નાખે છે, પ્રકાશથી આશા જન્માવે છે અને ગરમીથી પ્રેમની હૂંફ આપે છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિરુદ્ધ અગ્નિની જ્વાળાઓ ઉપરની તરફ ઝળહળે છે ત્યારે તે અહુરાની શક્તિનું દર્શન કરાવે છે. અગ્નિદર્શન આધ્યાત્મિકતાનાં દ્વાર ખોલે છે અને ઉચ્ચ ભાવનાથી મસ્તક ઝૂકી જાય છે.

સામાન્ય રીતે અગ્નિમંદિરને ‘અગિયારી’ કહે છે (અગ્નિ + આરી = જગ્યા). ફારસી ભાષામાં તેને ‘આતશકદેહ’ કહે છે (કદેહ = મકાન). અને તે 3 જુદી જુદી કક્ષાનાં હોય છે.

(1) શાહી કક્ષાનાં આતશે બહેરામ : તે વિજયના દેવદૂત બહેરામની આરાધના માટે હોય છે. તેની સ્થાપના પહેલાં જુદા જુદા 16 પ્રકારના અગ્નિ એકત્રિત કરી દિવસો સુધી ક્રિયાકાંડ દ્વારા ગાળણવિધિ કરવામાં આવે છે. આ 16 પ્રકારમાં એક અગ્નિ સ્મશાનનો તથા બીજો વિદ્યુત દ્વારા થયેલા દાવાનળનો પણ હોય, જ્યારે અન્ય અગ્નિ વિવિધ ધંધાર્થીઓ દ્વારા મેળવેલા હોય છે, જે સમાજવાદી ધોરણનું સૂચક છે. અમુક દિવસો સુધી ઇજશ્ની (મહાપૂજા) કર્યા બાદ અગ્નિઓની સ્થાપના કરવામાં આવે છે. ભારતમાં 8 આતશ બહેરામ આવેલા છે; તેમાં મુંબઈમાં 4,  સૂરતમાં 2, નવસારીમાં 1 અને ઈરાનશાહ – ઉદવાડામાં 1 છે.

(2) દરે મહેર : બીજી કક્ષાનાં અગ્નિમંદિર ‘મેહેર દાવર’(ઇન્સાફના દૂત)ની આરાધના માટે સ્થપાયાં છે; તેમાં ‘આદર યઝદ’ની સ્તુતિ થતી હોવાથી તે ‘આદરાન’ પણ કહેવાય છે. એમાં 4 પ્રકારના અગ્નિને એકત્રિત કરીને ઉપર પ્રમાણે જ વિધિ કરવામાં આવે છે. 4 પ્રકારના આ અગ્નિ સમાજરચનાના 4 વર્ણના સૂચક છે – (1) અથોરનાન (બ્રાહ્મણ), (2) રથેસ્તાર (ક્ષત્રિય), (3) વાસ્ત્રોઈશ (વ્યાપારી વર્ગ) અને (4) હુતોક્ષ (કામદાર). આવાં અનેક આદરાન ગામેગામ અને શહેરેશહેર આવેલાં છે.

(3) આતશે દાદગાહ : પુરાણા સમયમાં ભારતમાં, દરેક ઘરમાં જરથોસ્તીઓ આતશની સાચવણી કરતા. અગાઉ પારસીઓના અલગ મહોલ્લા આવેલા હતા. પછી તેવી સ્થિતિ ન રહેતાં સૌએ સંગઠિત થઈને શેરીમાં આતશે દાદગાહની સ્થાપના કરી. તેમાં કોઈ મોટી સ્થાપનવિધિ કરવામાં આવતી નથી. તેની ખિદમત માટે મોબેદ- (ધર્મગુરુ)ની પણ આવશ્યકતા નથી. કોઈ પણ બેહદીન (એટલે કે મોબેદ સિવાય અન્ય ભલી દીન સ્વીકારનાર જરથોસ્તી) જાતે જ આતશ ઉપર ચંદન અર્પણ કરી શકે છે. બંને ઉચ્ચ કક્ષાના આતશકદેહ – આતશે બહેરામ તથા દરે મહેરમાં – બરસનૂમ (યોગની વિધિ) દ્વારા તૈયાર થયેલા ધર્મગુરુ (મોબેદ) જરૂરી છે. શાસ્ત્રમાં શરીરને જ દાદગાહ ગણી એમાં ખુદાની ચિનગારી (ફ્રવશી) હોવાનો ભેદી ઇશારો છે. એથી એનું મહત્વ સચવાય છે.

ધર્મગુરુઓ : પ્રાપ્ત કરેલ ધાર્મિક લાયકાત પ્રમાણે ધર્મગુરુ તેમના દરજ્જા અનુસાર, ધાર્મિક વિધિ કરી શકે છે. પ્રથમ દીક્ષાવિધિ ‘નાવર’ છે, જે પૂરી કર્યા બાદ ધારક ‘એર્વદ’ બને છે. બીજી દીક્ષાવિધિ ‘મરાતબ’ની છે. એ પછી તે યોઝદાથ્રેગર કહેવાય છે. તેને ‘પાવમહેલ’ની ક્રિયાઓ (મહાપૂજાઓ) કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પાવમહેલની ક્રિયાઓના જાણકાર પંડિત અને ધર્મ-અભ્યાસીને ‘રાઈનીદાર’ કહે છે. એકાંતમાં પવિત્ર જીવન ગાળનાર ‘આબેદ’ (મોબેદ) કહેવાય છે. કોમ અથવા પારસી પંચાયત, આતશકદેહના વહીવટ માટે જે બાહોશ યોઝદાથ્રેગરની નિમણૂક કરે તે ‘દસ્તૂર’ કહેવાય. દસ્તૂરજી સાહેબને શાલનું સન્માન અને અંજુમન(કોમ)ની સલામનું બહુમાન હોય છે.

પારસી કોમ સફેદ પાઘડીવાળા મોબેદને સામાન્ય રીતે ‘દસ્તૂરજી’ કહે છે (દસ્ત = હાથ + બર = દોરવનાર). એટલે ધર્મરાહબરી કરી શકે એ અર્થમાં તે ખોટું નથી. ફક્ત અથોરનાન (બ્રાહ્મણ) કુળના વારસો જ ધર્મગુરુની દીક્ષા લઈ શકે છે. મોબેદ વર્ગની વર્તમાન તંગી એ કોમની એક ગંભીર સમસ્યા છે.

ભારતનાં આતશકદેહમાં 1300 વર્ષ કરતાં વધુ સમયથી અખંડ જ્યોત સચવાયેલી છે. દિવસરાત્રિ 5 વખત આતશ ઉપર 6 ચંદનના ટુકડાનું તખ્ત (માંચી) રચવામાં આવે છે. તે ઉપરાંત આતશ નિભાવવા માટે બાવળનાં સૂકાં લાકડાં(કાઠી)નો પણ ઉપયોગ થાય છે. આતશે બહેરામમાં અગ્નિ ધરાવતા ચાંદીના પાત્ર – આફ્રીનગાન્યા –ના પાયાને મંત્રોચ્ચાર સાથે પાણીથી સાફ કરી પવિત્ર કરવામાં આવે છે. ઘંટનાદ થાય છે. 4 દિશા અને 4 ખૂણાને નમનવિધિ થાય છે. તેને ‘બૉય’ દેવી કહે છે. ઈરાનશાહને 9 ચંદનના ટુકડાની માંચી ચડાવવામાં આવે છે. બીજી કક્ષાના આતશકદેહમાં માંચી ચડાવ્યા બાદ ઘંટનાદની વિધિ રહે છે. કોઈ પણ ભક્ત (શ્રીમંત કે ગરીબ) આતશ ઉપર ચંદન (સુખડ), લોબાન કે અન્ય કોઈ ખુશબોઈ (સુગંધિત વસ્તુ) સિવાય બીજું કશું જ અર્પણ કરી શકતો નથી. તે જ પ્રમાણે પૂજારી (મોબેદ), ગરીબ-તવંગરના ભેદભાવ સિવાય પ્રત્યેક ભક્તને ચંદન-ભસ્મ (રખ્યા), પ્રસાદી તરીકે આપે છે. નાણાંની ભેટ અર્પણ કરવા માટે એક ખાસ પેટી રાખેલી હોય છે તેમાં ભક્ત રોકડ દાન કરે છે. તે ઉપરાંત આતશકદેહના વપરાશ માટે રાચરચીલું, આતશ-કક્ષ માટે ચાંદીનું તોરણ, શેતરંજી, ગાલીચા અને વાસણ તથા કાઠીની ભેટ સ્વીકારવામાં આવે છે.

આતશકદેહમાં પ્રવેશ : પરકોમને આતશકદેહમાં પ્રવેશ કેમ નહિ ? આવો પ્રશ્ન સહેજે ઉદભવે. તેમાં માત્ર મર્યાદાનાં ધોરણો સાચવવાની ર્દષ્ટિ છે. જરથોસ્તીઓ ખુદને માટે પણ કેટલીક મર્યાદા રહેલી છે; જેવી કે આતશ-કક્ષ કે આતશના કેબલા(ગર્ભખંડ)માં કોઈ પણ જરથોસ્તીને પ્રવેશ મળતો નથી. મુખ્ય મહંત દસ્તૂર પણ બરસનૂમ (યોગક્રિયા) વિના આ ખંડમાં પ્રવેશી શકતા નથી. જેને બરસનૂમની તૈયારી હોય તે ‘વારોદાર’ કહેવાય કારણ કે દિવસરાતના એવા બે યોઝદાથ્રેગર વારાફરતી ખિદમત કરે અને ‘વારો’ સાચવે છે. એઓ જ પ્રવેશ કરી શકે છે.

આતશકદેહની અંદર, તેના મકાનમાં દાખલ થતાં પહેલાં, હાથ-પગ-મોં ધોઈ, કુશ્તી છોડી, ચોક્કસ પ્રાર્થના સાથે, ફરી પાછી બાંધીને, અંદર દાખલ થવાનું ફરમાન છે (આ પ્રમાણેના કુશ્તી પાદયાબ વિધિના ફરમાનને કારણે પરકોમ માટેની પ્રવેશબંધી સમજી શકાય તેમ છે). મકાનની અંદર સંપૂર્ણ સાદગી રાખવાનું ફરમાન છે, જેથી પ્રાર્થના દરમિયાન એકાગ્રતા જળવાઈ રહે. અંદરના કોઈ પણ ખંડમાં પરકોમની વ્યક્તિઓને જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેવી કોઈ કલાકારીગીરી કે આકર્ષક દર્શન હોતાં નથી. કોઈ મૂર્તિના ભવ્ય ઠાઠ કે હિંડોળાના શણગાર નથી. આતશકદેહમાં અંદરના ભાગમાં આવેલ ગર્ભખંડ(આતશ-કક્ષ)માં ચાંદીના આતશપાત્ર–આફ્રીનગાન્યા–માં માત્ર આતશ હોય છે. આતશ બહેરામના ગર્ભખંડની બહાર એક પણ દીવો રખાતો નથી, જેથી દીવાનું કિરણ આતશ ઉપર પડે નહિ. બહારની બાજુએ, સ્થાપત્યની આસીરિયન ઢબની કારીગીરી હોય છે, જેને કોઈ પણ પરધર્મી જોઈ શકે છે. કેટલાક આતશદેહના મુખ્ય દ્વારે પાંખવાળા માનવમુખી ગોધાઓ (ગયોમર્દ) દ્વારપાળ તરીકે હોય છે. આસીરિયન સ્થાપત્યના સ્તંભ ઉપર વાળેલા પગ સાથે બેઠેલી બે ગાયોનું પ્રતીક હોય છે. આતશ સાથેના પાત્રની પથ્થરની કૃતિઓ અને પાંખ સાથેની આકૃતિ જે ‘ફરોહર’ કહેવાય છે તે પણ જણાય છે. ચૈતન્ય સ્વરૂપે આતશની સાચવણી કરવાની હોવાથી વધુ પડતી સાવધાની રાખવાની જરૂર રહે છે. સૌ સાથે સંપભર્યું વર્તન જળવાય અને ધર્મના નામે ઝઘડા ન થાય એ હેતુથી, આતશકદેહમાં પરકોમના પ્રવેશ ઉપર પ્રથમથી જ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તેમાં સૌ કોમ સાથે દૂધમાં સાકરનો વ્યવહાર સાચવવાનો મૂળ હેતુ રહેલો છે. જરથોસ્તીઓને ભૂતકાળનો અનુભવ કાયમ ડંખતો રહે છે.

ધાર્મિક ક્રિયાઓ : જરથોસ્તી ધર્મમાં ધાર્મિક ક્રિયાવિધિઓનું બહુ મહત્વ છે. લગન, નવજોત, જશન, ફરેસ્તા અને મરણ બાદની ક્રિયાઓ આફ્રીન, ફરોક્ષી અને સતૂમ એ સામાન્ય વિધિઓ છે. એર્વદ બન્યો હોય તે મોબેદ આવી સામાન્ય વિધિઓ કરી શકે છે. જ્યારે પાવમહેલની મહાપૂજાઓ જેવી કે ઈજશ્ની, બાજ, વંદીદાદ, નાવર, હમાયશ્ત અને નીરંગદીન જેવી ધાર્મિક ક્રિયાઓ જેમાં પવિત્રતાના નિયમો (તરીકત) વધુ ચોકસાઈથી સાચવવા પડે તે તો ફક્ત ક્રિયાવિધિના નિષ્ણાત યોઝદાથ્રેગર જ કરી શકે છે. જેમને 9 દિવસ બરસનૂમ(યોગક્રિયા)નું નાહન (સ્નાન) લેવાનું હોય છે

જશન (યજ્ઞપૂજા) : અહુરમઝ્દનો આભાર વ્યક્ત કરવો હોય ત્યારે સામાન્ય પ્રકારની આ પૂજનયજ્ઞ વિધિ ઘરઆંગણે પણ કરાવી શકાય છે.

ઈરાનના શાહ જ્યારે યુદ્ધમાં વિજયી નીવડતા ત્યારે જશન કરાવતા. ધારેલી ઇચ્છા ફળે, શુભકાર્ય પાર ઊતરે અથવા કોઈ સફળતા પ્રાપ્ત થાય ત્યારે પ્રભુનો પાડ માનવા માટે જશન (ઉત્સવ)

આકૃતિ 2 : ગયોમર્દ, સ્તંભ તથા ફરોહર

કરવામાં આવે છે. પારસીઓમાં રહેલ કૃતજ્ઞતાનો એ ગુણ છે. સારા પ્રસંગો ઉપરાંત કુદરતી આફત નિવારવા માટે પણ આ વિધિ કરવામાં આવે છે.

નગુણા ન થવાની શુભ ભાવના જશનમાં રહેલી છે. ફરજ સમજીને કીર્તિ, ફતેહ, બરકત, સદગુણ અને સેવાકાર્યો પ્રભુચરણે ધરી શકાય. પશુતા, વ્યસન કે સર્વ માનવબૂરાઈને તેમને શરણે આપી શકાય. ત્રીસે યઝદોની આરાધનાના જશનને ‘ફિરેસ્તા કરાવવા’ કહે છે.

જરથોસ્તી ધર્મમાં રોજબરોજના જીવનક્રમમાં કેટલીક ટેવ કેળવવાનું સૂચવેલું છે : (1) રોજ રાતે સૂવા જતાં પહેલાં તેમજ પરોઢિયે ઊઠતાં જ કુશ્તી છોડી, ફરી બાંધી. સરોશબાજની પ્રાર્થના કરવી. (2) ભોજન પહેલાં બંદગી અને જમતી વેળા મૌન રાખવું. (3) પ્રત્યેક લખાણ ઉપર ‘અહુરે મઝદા’ લખીને અહુરાનું સ્મરણ કરવું. (4) સૃષ્ટિસર્જનની કદર, સંભાળ અને પ્રામાણિક વ્યવહાર સાચવવો. (5) જે કાંઈ મિલકત હોય તેના માત્ર ટ્રસ્ટી હોવાનો જ ખ્યાલ રાખવો. (6) યથાશક્તિ દાન કરવું. (7) ‘યા ખુદા, મને તારા સૈનિક તરીકે તારી પાસે રાખ’નું રટણ ચાલુ રાખવું. (8) વિશ્વની પ્રત્યેક ભલાઈનો સ્વીકાર કરવો.

જશન માટેની સામગ્રી : જાજમ ઉપર રાખવામાં આવતી વસ્તુ અહુરમઝ્દે કરેલા સર્જનને પ્રત્યક્ષ કરે છે; જેમાં દીવો કે આતશ પ્રકાશિત જગતને, જાજમ જમીનને, લોટામાંનું પાણી જળપ્રવાહને, દૂધનો પ્યાલો પશુજગતને, ફળફૂલ વનશ્રીને અને મોબેદ (જરથુષ્ટ્રના અનુયાયી) માનવજગતને, પ્રત્યક્ષ કરતા હોય છે. આખી ક્રિયા દરમિયાન ભલો ઇરાદો (મનશ્ની), સત્ વાણી (ગવશ્ની) અને અર્પણ(કુનશ્ની)નો ભાવ રહેલો છે.

જશનની ક્રિયા : જશનની વિધિમાં ઓછામાં ઓછા 2 ધર્મગુરુની જરૂર રહે છે. મુખ્ય વિધિ કરનાર ધર્મગુરુ એટલે ‘જ્યોતિ’, અને તેમની સામે આતશ જાળવનાર – આથ્રવક્ષી – ‘ચેલો’ હોય છે. બીજાઓ હમબંદગીમાં સામેલ થાય છે. વિધિ દરમિયાન આભારની લાગણી પ્રદર્શિત કરવા મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેમજ ભૂતકાળમાં થયેલ પ્રતાપી રાજાઓ, વજીરો, પહેલવાનો, દસ્તૂરો તથા અશો નરનારી ઉપરાંત કુટુંબના અવસાન પામેલાનાં નામસ્મરણ થાય છે.

જશનમાં ફૂલ વડે પ્રદર્શિત થતું સંજ્ઞાશિક્ષણ : ફૂલોની આપ-લે દ્વારા ગુરુચેલાના સંબંધનું નિદર્શન થાય છે; અને અમુક સંજ્ઞાઓ વડે સંહિતાનું સૂચન થાય છે.

જશનનો સરળ અર્થ ઉત્સવ છે અને તેને માટેનો ફારસી શબ્દ ‘જશ્ન’ છે. સર્વપ્રથમ જશ્ન, શાહ ગુસ્તાસ્પના શાહજાદા અસ્ફંદિયારે ખુલ્લા મેદાનમાં કરાવેલું, એ તવારીખ છે. તેનું નામ ‘જશ્ને સદેહ’ હતું જેની સ્મૃતિ આજે પણ જળવાયેલી છે. અસ્ફંદિયાર શિકારે ગયા હતા ત્યાં પહાડની ટોચ પરથી નીચે ખીણમાં એક ગંજાવર અજગર જોયો. ચોતરફ અંધકારમાં ફક્ત અજગરની બે આંખો જ ઝળહળતી હતી. અસ્ફંદિયારે અજગર તરફ ભાલો ફેંક્યો. તે ખડકની સાથે અથડાયો અને તેમાંથી આગના તણખા ઝર્યા અને આસપાસનું પીળા રંગનું સૂકું ઘાસ ‘સદેહ’ સળગ્યું. પ્રથમ વખત જ આગ જણાઈ. અજવાળું થયું. બરફ પીગળતાં ગરમીની હૂંફ મળી. આમ આતશની ખૂબી જણાતાં અનહદ ખુશાલી થઈ અને દાદારનો આભાર માનવા એ જ ખડક ઉપર જશનનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું(શાહનામું). મૃત્યુ પામેલ પૂર્વજોની યાદમાં ગંભીર પ્રસંગે જશનમાં તેમનાં વખાણ (ક્ષનૂમ) ઉચ્ચારાય છે, જ્યારે ખુશાલીના પ્રસંગે થતા જશનમાં પરિવારની તંદુરસ્તી માટે દુવા પણ કરવામાં આવે છે.

નવજોત : જરથોસ્તી બાળક(પુત્ર કે પુત્રી)ને ધર્મમાં દાખલ કરવાની દીક્ષાવિધિને નવજોત કહે છે એ જરથુષ્ટ્રની પહેલાંના સમયની વિધિ છે. જરથુષ્ટ્રે વસિયતમાં પિતા પાસે ‘અએવાંઘહો’ (કુશ્તી – જનોઈ) માગી હતી. માઝદયશ્ની ધર્મની એ વિધિ છે. પ્રત્યેક પારસી બાળકની 7, 9  કે 11 વર્ષની વયે નવજોત કરવામાં આવે છે. નવજોત પછી બાળકમાં આત્માની જ્યોતિ જવાબદારીને સ્વીકારે છે એવું શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. આ કારણે આ નવી જ્યોતિને ‘નવજોત’ કહી છે. ફારસીમાં ‘નવઝાદ’ (નવો જન્મ) કહે છે. હિંદુઓ એને તેથી જ દ્વિજ કહે છે. આ પ્રસંગે ધર્મગુરુ નવજોતી બાળકને સુદરેહ અને કુશ્તીનો જરથોસ્તી ગણવેશ, ધાર્મિક વિધિ દ્વારા જાહેરમાં પ્રતિજ્ઞા લેવડાવીને અર્પણ કરે છે, જે આજીવન પહેરી રાખવાની તેની ફરજ બને છે.

સુદરેહ : સુદરેહ મલમલના સફેદ બનિયનના પ્રકારનું વસ્ત્ર છે. જેમાં 9 સાંધા હોવા જરૂરી છે; જે આગળ જણાવ્યા પ્રમાણેનાં 9 જરથોસ્તી ફરમાનો સૂચવે છે. સુદરેહનો અર્થ છે (સુદ = સાચો + રેહ = રસ્તો) સાચા માર્ગની યાદ. તે માટે તે શરીર સાથે સંપર્કમાં રહેવો જોઈએ. તેનો સફેદ રંગ પવિત્રતાનું સૂચન છે. સૂતરની બનાવટ સાદગીનું પ્રતીક છે; અને સુદરેહ કોઈ પણ બૂરી શક્તિ સામે રક્ષણ આપનાર કવચની જેમ રહે છે.

આકૃતિ 3 : સુદરેહ

કુશ્તી (જનોઈ) : ‘વિદએવો’ એટલે કે આસુરી શક્તિ સામેની લડત લડવા કમર ઉપર કુશ્તી બાંધીને એક જરથોસ્તી અહુરાનો સૈનિક બને છે. કુશ્તી ઘેટાંના ઊનમાંથી બનાવેલી હોય છે, જે નિર્દોષતાનું સૂચક છે. તેમાંના 72 તાર – હા-યજશનેનાં 72 પ્રકરણો (72 હા-) એટલે કે ધર્મ-આદેશની યાદ આપે છે. કુશ્તીનું વણાટ એક પોલી કસનળી જેવું હોવાથી ધર્મમંત્રોની અસરથી એક તાવીજનું કામ આપે છે. કુશ્તીને બંને છેડે 3 લર (ફૂમતાં) આવેલાં છે; જે પાયાના 3-3 નીતિસિદ્ધાંતના સૂચક છે. કુશ્તીને બાંધતી વેળા ડાબી તરફ પખોડવામાં (ઝાટકા મારવામાં) આવે છે. તેમાં ભૂંડી શક્તિઓ દૂર કરવા માટેનો સંકલ્પ કરવાનો છે.

નવજોતની પ્રતિજ્ઞા : નવજોત વખતે નવજોતી બાળક ધર્મગુરુ, ઉપસ્થિત મહેમાનો અને આતશની સમક્ષ 9 જરથોસ્તી સિદ્ધાંતોની પ્રતિજ્ઞા લે છે : (1) માઝદ યશ્નો અહમી = હું એકેશ્વરવાદ સ્વીકારું છું. (2) જરથોસ્તીશ = જરથુષ્ટ્રને મારા મહાગુરુ ગણું છું. (3) વિદએવો = હું હારેમન(ભૂંડી શક્તિ)ની સામે લડીશ. (4) અહુરતકએષો = અહુરા પર મને પૂર્ણ વિશ્વાસ છે.

આકૃતિ 4 : કુશ્તી

ત્યારબાદ પંચશીલ, દીનનાં 5 ફરમાન સ્વીકારે છે.

(1) ફ્રસ્પાયો = પરસ્પર ભ્રાતૃભાવ, (2) ખએધ્રામ = એકતા; (3) નિધાસ્નઈથીસીમ = જીવદયા; (4) ખએત્વદથામ = સ્વાર્પણ અને (5) અશાઓનીમ = પ્રામાણિક વ્યવહાર.

બધું મળીને કુલ (4 + 5) 9  સંહિતાના સ્વીકાર પછી જ ‘સુદરેહ- કુશ્તી’ આપવામાં આવે છે. આ 9 ફરમાનોની યાદ જરથુષ્ટ્રના હાથમાં રહેલા 9 ગાંઠવાળા દંડ — નવગર — દ્વારા પણ થતી હોય છે. નવજોતની વિધિ આશીર્વચનથી સમાપ્ત થાય છે. નવજોતી બાળકને આવકારીને સગાંસ્નેહી તથા ઉપસ્થિત મહેમાનો તરફથી તેને ભેટસોગાત આપવામાં આવે છે. નવજોતી, આભાર વ્યક્ત કરવા આતશકદેહમાં નમન કરવા જાય છે. માબાપની આર્થિક સ્થિતિને અનુરૂપ પ્રસંગની ઉજવણી થતી હોય છે.

લગ્નવિધિ : લગ્નપ્રસંગ પણ નવજોત જેમ જ જવાબદારીભર્યો પ્રસંગ છે, જેનો ખ્યાલ જરથોસ્તી ધર્મે, લગ્નપ્રસંગે ઉચ્ચારાતાં આશીર્વચનોમાં આપેલો છે. (1) લગ્ન એક પ્રકારનો યજ્ઞ છે જેમાં સ્વાર્થની આહુતિ આપી, જીવનસાથીના સુખનો જ ખ્યાલ રખાય. (2) લગ્નમાં બાળઉછેર મોટી જવાબદારી છે, જે નાગરિક ધર્મ છે. (3) આ ક્ષેત્ર ‘ખએત્વદથ’ એટલે સ્વાર્પણનું છે. મેળવવા કરતાં આપવાનું  – બાંધછોડ કરવાનું – વધુ રહે. (4) વિવાહ એ બે આત્માનું અખંડ જોડાણ છે. માત્ર શરીરવાસનાનું આકર્ષણ નથી. (5) અંત સુધી સંસારને નિભાવવા માટેનો કરાર થતો હોવાથી છૂટાછેડા લેવા એ ગુનો બને છે. માત્ર કોર્ટદરબારે થતા વિવાહના કરાર, જરથોસ્તી ધર્મની વિધિ વગર, પારસી કોમને સ્વીકાર્ય નથી. એક જ તોખમનાં જોડાંને જરથોસ્તી ધર્મની ક્રિયા ફરજિયાત છે.

લગ્નના રિવાજ : (1) લગ્ન પહેલાં બંને પક્ષે સાસરિયાંનો સત્કાર કરવા માટે ‘આદરણી’ની વિધિ થાય છે (આદર = સન્માન). (2) યઝદો (દેવદૂતો) તેમજ મૃત્યુ પામેલા સ્નેહીઓને પણ આમંત્રણ આપવામાં આવે છે. તે માટે ‘વરધપતર’(વરદ = શુભ અને પતર – પત્ર)ની બાજની ધાર્મિક ક્રિયા થાય છે. (3) લગ્નના 4 દિવસ અગાઉ ‘માંડવસરો’ની વિધિ થાય છે, જે લગ્નમંડપની પ્રથમ થાંભલીના

આકૃતિ 5 : નવગર

આરોપણ વખતે થતું ભૂમિપૂજન છે. આજે તો કમ્યૂનિટી હૉલમાં લગ્ન રખાતાં હોવાથી આ ક્રિયા ઘર આગળ કૂંડામાં નાના રોપાનું આરોપણ કરીને ટૂંકામાં પતાવવામાં આવે છે.

લગ્નક્રિયા : લગ્નક્રિયામાં કેટલાક ગૂઢ સંકેતોનું સૂચન છે. (1) વરરાજા અને વહુ નાહન (પવિત્ર સ્નાન) લઈને સફેદ વસ્ત્રમાં સજ્જ થાય છે. નાહન આપતી વખતે ધર્મગુરુ આબેઝર (ગૌમૂત્ર) શરીર પર ચોપડીને તેમજ થોડુંક પિવડાવીને મંત્રો ઉચ્ચારી મન તેમજ આત્માની પવિત્રતા ઊભી કરે છે. (2) મંચ ઉપર વરવહુ સામસામે બેઠક લે છે અને તેમની વચ્ચે કાપડનો ‘આડાઅંતર’ (પડદો) રાખવામાં આવે છે. (3) બંને પક્ષે અલગ અલગ ધર્મગુરુઓ હોય છે, જેઓ ‘યથા’ના ગુરુમંત્ર સાથે, પરણતા જોડાને, સૂતરના 7 ફેરાથી સાંકળી લઈને ‘ઈશ્વરયોજના’ સંભળાવે છે. (4) ચોરી-સારણાની મુખ્ય વિધિમાં વર તથા વહુ પરસ્પર ‘આબાદીની હરીફાઈ’ કરવા માટે એકબીજાને ચોખાથી વધાવે છે. (ચોખા આબાદીનું સૂચક ધાન્ય છે.) આ વિધિ આતશની હાજરીમાં થતી હોય છે. ચોખાથી વધાવવાની વરવહુ વચ્ચે થતી હરીફાઈમાં વહેલી વધામણીના વિજેતાને તાળીઓથી વધાવવામાં આવે છે. (5) બંને પક્ષે, નજીકના વડીલો, પરણનારની બાજુમાં સાક્ષી તરીકે ઊભા રહે છે અને કન્યાદાન કરે છે. (6) ‘આડાઅંતર’ દૂર થતાં વહુ સામેથી ઊઠીને વરની બાજુમાં જઈને બેસે છે. (7) કરારવિધિ શરૂ થતાં ધર્મગુરુઓ પરણતા જોડા પાસેથી ખાતરી મેળવે છે કે તેમણે એકબીજાની પસંદગી, ખુશીથી કરી છે. વર અને વહુ 3 વાર ‘પસંદે કરદમ’ એટલે ‘હું પસંદ કરું છું’ તેવો એકરાર કરે છે. (8) આ જ પ્રમાણે સાક્ષીઓ પણ લેણદેણનો બધો વ્યવહાર પાકો થયેલો હોવાની ખાતરી આપતાં ‘પદીરફતે બુદમ’ એટલે ‘હું કબૂલ કરું છું’ એમ જાહેર કરે છે. (9) ધર્મગુરુઓ ચોખા-કોપરું – દાડમના દાણાના છંટકાવ સાથે નવદંપતીને સુખી સંસાર માટેની કેટલીક શિખામણો સાથે, આશીર્વચન ઉચ્ચારે છે. પહેલાં અવસ્તા પાઝંદ ભાષામાં અને પછી સંસ્કૃત ભાષામાં પણ આશીર્વચન ઉચ્ચારવામાં આવે છે. (10) છાપેલા નિયત ફૉર્મ ઉપર પરણતા જોડા, વાલીઓ, સાક્ષીઓ તથા દસ્તૂરોના સહીસિક્કા સાથે લગ્નનો પાકો દસ્તાવેજ નોંધવામાં આવે છે. (11) લગ્નવિધિ બાદ પરણતા જોડાને સગાંસ્નેહીઓની સાથે અગિયારીમાં જઈ આતશને નમન પાઠવી આભાર વ્યક્ત કરવાનું ફરજિયાત છે.

મરણક્રિયા : મૃત્યુ પછી આત્માની ઉન્નતિના ખ્યાલને જરથોસ્તી ધર્મમાં મહત્વનો ગણવામાં આવેલો છે, તેથી શોકવિલાપની મનાઈ ફરમાવેલી છે. સ્નેહીઓની ફરજ મૃતકને શાંતિથી, પ્રેમથી, ગંભીરતાથી વિદાય આપવાની છે. જરથોસ્તી ધર્મમાં મરણોત્તર ક્રિયાઓનું પ્રમાણ વધુ હોવાથી આત્માની પ્રગતિ માટે ખાતરી રહે છે. મરણની વિધિ નીચે પ્રમાણે છે :

(1) શબને સ્નાન કરાવી, સુદરેહ ઉપર કુશ્તી બાંધી ચાદરમાં લપેટવામાં આવે છે. આ ‘સંજોગવાની’ વિધિ છે. આ વિધિ ડાઘુઓ (‘નસે સાલર’) કરે છે. શિર ઉપરના વાળ ન દેખાય તે રીતે માથું ઢાંકવામાં આવે છે.

(2) પછી શબને આરસપહાણની લાદી ઉપર રાખવામાં આવે છે. આસપાસ લોખંડના ખીલા વડે અહુનવરના મંત્ર સાથે આસપાસ લક્ષ્મણરેખા દોરવામાં આવે છે, જે ‘કસ’ કહેવાય છે. તેનાથી ખરાબ પ્રવાહોથી રક્ષણ મળે છે.

(3) શબની નજીક મોબેદ અથવા હમદીન ‘સરોશ’(આત્માના રખેવાળ)ની પ્રાર્થના કરે છે.

(4) લાદી ઉપરથી શબને લોખંડની નનામી (ગ્યાન) ઉપર રાખવામાં આવે ત્યારે ફરી કસની વિધિ કરવામાં આવે છે.

(5) પાયદસ્ત (સ્મશાનયાત્રા) પહેલાં 2 મોબેદની જોડ એકબીજી સાથે સંકળાઈને (‘પયવન્દ’ કરી) ગેહસારણાની ક્રિયા કરે છે, (આ ક્રિયામાં ગાથા અહુનવઈતીના સરોદ ઉચ્ચારે છે).

(6) વચમાં કૂતરાની નજર (સગદીદ) બતાવી બૂરી શક્તિને દૂર કરવામાં આવે છે.

(7) ગેહસારણાની ક્રિયા પછી સગાંસ્નેહી તેમજ ઉપસ્થિત જરથોસ્તીઓ મૃતદેહને ‘સેઝદો’ (નમન) કરે છે.

(8) ‘સેઝદા’ની વિધિ પત્યા બાદ નસે સાલરો ગ્યાનને સફેદ ચાદરથી ઢાંકી દઈ, મૃતદેહને ‘શાંતિમિનાર’ (Tower of Silence) – ‘દોખમા’ – પ્રતિ લઈ જાય છે, જ્યાં સૂર્યની ગરમીથી તેમજ ગીધ જેવાં પક્ષીઓના ભક્ષથી, માઝદયશ્ની પ્રથા મુજબ તેનો નિકાલ થાય છે.

મૃતદેહની દોખ્મેનશીની બાદ મૃતકના આત્મા માટે નીચે મુજબ ધાર્મિક વિધિ કરવામાં આવે છે :

(i) દોખ્મેનશીનીથી તે 3 દિવસ સુધીના ગાળામાં, સૂર્યાસ્ત પછી ‘સરોશ’ની આરાધનાની ક્રિયા, જે ‘સરોશના પાત્રા’ તરીકે ઓળખાય છે.

(ii) ત્રીજા દિવસનું સાંજનું ઉઠમણું : આ ક્રિયા સાંજના 3.45 વાગ્યાથી શરૂ થઈ આશરે 45 મિનિટ સુધીની હોય છે. પારસી કોમ તેમજ પરકોમના સ્નેહીજન-મિત્રો વગેરે ઉઠમણામાં સામેલ થઈ મૃતાત્માને નમન પાઠવે છે. સ્વજનોને દિલાસો પાઠવે છે.

(iii) પાછલી રાતનું ઉઠમણું : ચોથા દિવસનું પ્રભાત ઊગે તે પહેલાં રાત્રિના સમયે આ વિધિ કરવામાં આવે છે, જેમાં મોબેદ સાહેબો મંત્રોચ્ચાર કરે છે. ધાર્મિક ર્દષ્ટિએ આ ઉઠમણું ફરજિયાત છે.

(iv) ચાહરૂમ : ચોથા દિવસને ચાહરૂમ કહે છે. આ વહેલી સવારે આત્માની સફર થાય છે એવો ઉલ્લેખ છે. પ્રથમ 3 દિવસ સુધી મૃતકના ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. તે દિવસો દરમિયાન ખાવાનો પ્રબંધ સગાંસંબંધી દ્વારા થતો હોય છે.

(v) દસમું : મૃત્યુના દસમા દિવસની વિધિ છે. દાન કરવાની મુખ્ય ભાવના છે. મૃતકની યાદમાં વસ્ત્ર (શિયાવ), ફળ, ભોજન (મ્યજદ) તથા વાસણ અર્પણ કરવામાં આવે છે.

(vi) દીસી તથા માસીસો : મૃત્યુતિથિથી પ્રથમ માસ તે માસીસો અને તેમની આગળનો એક દિવસ તે ‘દીસી’. બંને દિવસ વિધિ કરવામાં આવે છે તથા દાન કરવામાં આવે છે.

મુક્તાદ (શ્રાદ્ધ) : નવા વર્ષની અગાઉના પાંચ દિવસો મળીને મુક્તાદના દિવસો હોય છે. ધાર્મિક વિધિથી મરી ગયેલાના ફરોહરોને આવકાર અપાય છે. (મુક્તાદ = મુક્ત આત્મા). મુક્તાદમાં સર્વે ફ્રરોહરો(મૃતાત્માઓ)નું આગમન થતું હોય છે એવો ધર્મમાં ઉલ્લેખ છે. મુક્તાદની ક્રિયામાં મુખ્યત્વે ફ્રવશી(spirit)ને વિનંતી કરવામાં આવે છે કે આત્મા(soul)ની પ્રગતિ સાચવે. મુક્તાદમાં ધાર્મિક વાતાવરણ ઊભું કરવામાં આવે છે તેમજ દાનધર્મ કરવામાં આવે છે.

વરસી : મૃત્યુતિથિથી બરાબર એક વર્ષે વરસી હોય છે, જે બે દિવસની વિધિથી સચવાય છે. આ બંને દિવસોએ ઉપર મુજબની જ વિધિ કરી દાનધર્મ કરવામાં આવે છે.

શાંતિમિનાર(દોખ્મા)નું પર્વ : પારસી કૅલેન્ડરના પ્રથમ ફ્રવર્દીન માસ અને ઓગણીસમા રોજ ફ્રવર્દીનના દિવસે આ પર્વ આવે છે. ફ્રરોહરોની સમૂહ આરાધના માટેનું આ પર્વ છે. સર્વ ફ્રવશી સન્માન(All Souls’ Honour)નો આ પ્રસંગ છે.

મુખ્ય ક્રિયાઓ : (ક) પૂર્વજોની માનભરી યાદ માટે તેમના વખાણની સ્તુતિ જેને ‘આફ્રીનગાન’ કહે છે. (ખ) બાજ (પિતૃતર્પણ) : દરૂન (મેંદાની બનાવટની વિશિષ્ટ પ્રકારની એક નાની રોટલી) ઉપર ધાર્મિક ક્રિયા કરવામાં આવે છે. ક્રિયા બાદ વસ્ત્ર-વાસણનું દાન કરવામાં આવે છે. (ગ) સતૂમ : આ ક્રિયામાં મૃતકની યાદમાં બપોર તથા સાંજનું ભોજન (મ્યજદ) અર્પણ કરવામાં આવે છે. આ ભોજન શાકાહારી રાખવાનું ફરમાન છે કારણ કે આતશને પવિત્ર માનેલો હોવાથી તેની સમક્ષ માંસ (નસો) રાખવાનો બાધ છે. (ઘ) ફરોક્ષી : ફ્રવશીને વિનંતી રૂપે કરવામાં આવતું પઠન છે.

પારસી મૃતદેહના અંતિમ સંસ્કાર : પારસીઓ મૃતદેહને કૂવામાં નાખે છે એ ખ્યાલ ખોટો છે. ખાસ ગોળ આકારના ઉપરથી ખુલ્લા બાંધકામનો હેતુ અહુરાના મૂળ સ્વરૂપ – સૂર્યને આત્મસમર્પણનો છે. ધર્મમાં સૂર્યને ‘કહેર્પેમ દાદાર’ અર્થાત્ પરમાત્માનું શરીર માનવામાં આવેલું છે. ધર્મપુસ્તકોમાં સૂર્યનું સંબોધન ‘ખુરશીદ’ નામથી કરવામાં આવેલું છે. તેથી આવું અર્પણ ‘ખુરશીદ નગરશ્ની’ (નગરશ્ની = અર્પણ) ગણાય છે. વળી અંત સમયે સમગ્ર શરીરનું દાન કરવાનો વધારાનો હેતુ પણરહેલો છે. તેથી ગીધ શરીરનો ત્વરિત ભક્ષ સૂચવે છે. ધર્મમાં ઉલ્લેખ છે કે જેટલું શરીર વહેલું નાશ પામે તેટલી આત્માની પ્રગતિ વહેલી થતી હોય છે. આ તેટલું જ જરૂરી પણ છે.

મૃતદેહોના નિકાલ માટે શહેરથી ખાસ્સાં દૂર અને ઊંચાણમાં આવેલાં સ્થળોએ દોખ્મા (શાંતિમિનાર) બાંધવામાં આવેલાં છે એમાં મુકાય છે. ગીધ (Nature’s scavangers) દ્વારા મૃતદેહનો નિકાલ વધુ ઝડપી બને છે. ગીધના ઉછેર માટે મોટા પ્રમાણમાં ગીચ ઝાડીઓની આવશ્યકતા રહેલી છે. તેથી શાંતિમિનારના ચોગાનમાં ઊંચાઈએ મોટાં ઝાડની વાડી બનાવવામાં આવે છે. તેના કારણે ‘શાંતિમિનાર’ના વિસ્તારને ‘ડુંગરવાડી’ પણ કહે છે.

મૂળ હેતુ સૂર્ય ઊર્જા વડે મૃતદેહના નિકાલનો છે, જે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે; જ્યારે મૃતદેહ-નિકાલની અન્ય રીતોમાં જલાઉ લાકડાં, ફાજલ જમીન તથા વીજળીની તંગીનો ભય રહેતો હોય છે.

સૂર્યસંસ્કાર(સૂર્યદાહ)ની વિશિષ્ટતા : વિશ્વના ઘણા વિજ્ઞાનીઓએ દોખ્માની રચના શ્રેષ્ઠ અને સંપૂર્ણ નીરોગી હોવાનું સ્વીકારેલું છે. સૂર્ય- ઊર્જા અંગે પુષ્કળ માહિતી ઉપલબ્ધ છે. બૉઇલર, મિલ, ટર્બાઇન વગેરે સૂર્યઊર્જા વડે કાર્ય કરી શકે છે. રસોઈક્ષેત્રે પણ ‘સૂર્યકૂકર’ દ્વારા તેની બહોળી વપરાશ થવા લાગી છે. સૂર્યદાહ દેવાની જરથોસ્તી પ્રથા ખૂબ પ્રાચીન છે; પરંતુ આજે તે એક આધુનિક શ્રેષ્ઠ પ્રથા બની છે. કારણ : (1) તે સંપૂર્ણ નીરોગી છે. (2) તેના દ્વારા 5 કુદરતી તત્ત્વો : પાણી, અગ્નિ, હવા, આકાશ અને જમીનનું પ્રદૂષણ થતું નથી. કુદરતનું સન્માન જાળવી, નીરોગી વાતાવરણ બક્ષે છે. (3) આ પ્રથા કરકસરયુક્ત છે. (4) રંક તેમજ રાય બંને માટે સમાજવાદી સમાન ધોરણે શબનો નિકાલ થાય છે. (5) મરણની ગંભીરતાને ખ્યાલમાં રાખીને કબર, તકતી કે કોઈ સ્મારકની આવશ્યકતા રહેતી નથી.

દોખ્માની રચના : ખુલ્લા આકાશ નીચે, દોખ્માની રચના વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે.

(1) ટાવર જેવી તેની વર્તુળાકાર રચના અંતવિહીન કાળ(endless time)નું સૂચન કરે છે. દોખ્માની દીવાલ 2.74 મી. ઊંચી ગોળાકારમાં આવેલી હોય છે. પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ ઊઘડતું હોય છે. (2) પ્રવેશદ્વારની નજીક સહેજ ઊંચાઈએ એક ગોખલો હોય છે. દોખ્માથી આશરે 61 મી. જેટલા અંતરે બાંધેલા દાદગાહ(અગ્નિમંદિર)માં સતત બળતા દીવાના પ્રકાશનું કિરણ આ ગોખ દ્વારા દોખ્મામાં પ્રવેશતું હોય છે. તે પ્રકાશપુંજ આસુરી શક્તિઓના હુમલાને ખાળી રાખે છે, તેવી માન્યતા છે. (3) દોખ્માની અંદરના ભાગે ગોળ ફરતો ચોતરો હોય છે. જેની ફરતે સૂર્યકિરણોના આકાર પ્રમાણે 3 હરોળમાં પુરુષ, સ્ત્રી અને બાળકો માટે આરસની લાદી (પાવી) હોય છે. (4) પ્રત્યેક ‘પાવી’ની બાજુમાં શરીરના પ્રવાહીઓ અને વરસાદનું પાણી વહી જવા માટેની નીક હોય છે. ‘પાવી’ની આસપાસ ફરી શકાય તેવી પગથી હોય છે. (5) દોખ્માની વચ્ચોવચ 2.74 મી. ઊંડો ‘ભંડાર’ આવેલો છે. (તેમાં પાણી હોતું નથી અને તેથી તે કૂવો નથી) તેનું તળિયું પથ્થરનું અને વચ્ચેથી ઊંચું ચારે તરફ ઢળતું હોય છે. આ પ્રમાણેની રચનાથી વરસાદનું પાણી તેમજ શરીરનું અન્ય પ્રવાહી આસપાસની ગટરોમાં વહે છે. (6) દોખ્માની બહારની તરફ 4 દિશામાં પાતાળકૂવાઓ હોય છે. (7) ભંડાર તથા પાતાળકૂવાને સાંકળતી વૈજ્ઞાનિક ઢબે બાંધેલી ગટરો હોય છે. ચારે દિશામાં આ વૈજ્ઞાનિક ગટરમાં લોખંડની ઝીણી જાળીઓ અને કોલસો, ચૂનાના પથ્થર, રેતી અને ‘કાર્બન-સ્લૅબ’ના સ્તર હોય છે. આ પ્રમાણેની ગોઠવણથી વરસાદનું પાણી ગળાઈને ચોખ્ખું બની પાતાળકૂવામાં વહે છે. (8) અસ્થિને પાછળથી ભંડારમાં હડસેલી દેવામાં આવે છે, જ્યાં સૂર્યદાહથી તેનું ચૂનામાં રૂપાંતર થાય છે. આ ચૂનો પાણીના શુદ્ધીકરણ માટે ઉપયોગી નીવડે છે. આ ભંડારિયાને ‘અસ્તોદાન’ (અસ્થિપાત્ર) કહે છે.

આકૃતિ 6 : શાંતિમિનાર, દોખ્મુ (રચના)
A.પ્રવેશદ્વાર, B. ગોખ (દીવાના કિરણના પ્રવેશ માટે); C. વૈજ્ઞાનિક ગટરો; D. જમીન નીચે પાતાળકૂવા; E. મૃતદેહને મૂકવા માટે આરસની લાદીની ત્રણ હરોળ (આસપાસ નીક), ચોતરો; F. દાખલ થવાની પરસાળ; G. ભંડાર (વચમાંથી ઊંચી ફરસ-ચારે તરફ ઢળતી); H. ઝીણી જાળી (ગાળણ માટે); I. કોલસો, ચૂનો, પથ્થર અને રેતીના થર (ગાળણ માટે); J. ગોળ ફરતી દીવાલ.

તાણાની ક્રિયા–વિશિષ્ટ ભૂમિપૂજન : આ ખર્ચાળ પાયાની ક્રિયા છે. જેને તાણો પૂરવાની વિધિ કહેવામાં આવે છે. દિવસો સુધી સરોશની પૂજા તથા મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન થાય છે. સૂતરના તાર ‘તાણાવાણા’ની પ્રાચીન રૂઢિમાં (1) ખીંટીઓ (ખીલા) ગોળાકારે ગોઠવાય છે. વર્તુળના કેન્દ્રમાં પંચધાતુનો વજનદાર ખીલો રાખવામાં આવે છે. ખીલા ઉપર સૂતરના તારનું વણતર થાય છે. (2) આની ઉપર જ પાયો નાખવામાં આવે છે. પાયાની આવી પૂજાથી કોઈ પણ આસુરી શક્તિનો હુમલો થતો નથી અને પ્રેતાત્મા ભટકતા રહેતા નથી એવો ઉલ્લેખ ધર્મમાં છે (જુઓ દોખ્માની આકૃતિ 6).

ફરોહર : જરથોસ્તી ધર્મમાં મૃતકનું આત્મસ્વરૂપ પાંખવાળા પંખીનું દર્શાવેલું છે; તેને ‘ફરોહર’ કહે છે, એ પણ ધર્મનું એક પ્રતીક છે. ફ્રવર્દીન યઝદ(આત્માના રક્ષક દેવદૂત)નું એ સૂક્ષ્મ સ્વરૂપ છે. સરોશની મદદ દ્વારા, આ અમર પરમાત્માનો અંશ, આત્માને સ્વર્ગીય પંથે દોરી લઈ જાય છે.

આ પ્રતીક ‘ફરરોખી’(આબાદી)નું સૂચક છે. અવસ્તામાં ફરવરદીન યઝદને ‘અર્દાફ્રવશ’ કહી છે. (ફ્રવશી = પરમાત્માનો અંશ, જે આત્માનું રક્ષણ કરે છે.)

(1) ફરોહરની આકૃતિની વચ્ચે એક ચક્ર છે જે અનંત કાળ તથા ચૈતન્યની ગતિ સૂચવે છે. (2) બંને તરફ વિસ્તરેલી પાંખો સ્વર્ગીય ઉડ્ડયનનું સૂચક છે. પ્રત્યેક પાંખમાં 4 એમ કુલ 8 વિભાગ છે. જે નીચે દર્શાવ્યા પ્રમાણે 3 જડ શરીર તથા 5 સૂક્ષ્મ અમર શરીરનાં સૂચન કરે છે.

આ આઠ શરીરો : (i) તનુ (હાડપિંજર), (ii) ગએથા (આંતરિક અંગો), (iii) અઝદા (તંતુઓ), (iv) છાયા શરીર કે પ્રાણ (કહેર્યેમ), (v) વાસનાશરીર (તેવીષી); (vi) ઉમંગ-ચેતના (ઉશ્તાના); (vii) ડહાપણ (બૌધાંગ) અને (viii) આત્મા (ઉર્વન) સૂક્ષ્મ શરીરો છે.

મધ્ય ચક્રમાં, આ બધાં શરીરોને રક્ષણ આપતી ‘ફ્રવશી’ (ઈશ્વરી અંશ) એ નવમું શરીર છે. ફરોહરની પૂંછડીના 3 વિભાગ, આત્માની પ્રગતિ માટેના 3 પાયાના સિદ્ધાંત – મનશ્ની, ગવશ્ની અને કુનશ્ની સૂચવે છે. (4) ફરોહરની આકૃતિના 2 પગમાંનો ડાબો પગ ‘ભૂંડી તાકાત’ (અંગ્રહ) અને જમણો પગ ‘ભલી તાકાત’ (સ્પેન્તા)નું સૂચન કરે છે (જુઓ ફરોહરની આકૃતિ).

જરથુષ્ટ્રનું વસિયત : જરથુષ્ટ્રે જાહેર કરેલી અંતિમ ઇચ્છા(will)નો યશ્નમાં મળતો ભાવાર્થ નીચે પ્રમાણે છે :

જરથુષ્ટ્ર આખર ઇચ્છા રાખે છે કે ‘અહુરમઝ્દ તરફથી મોકલાવેલો આ ધર્મસંદેશ હું તમારા માટે લાવ્યો છું. તેને તમે ધ્યાનથી સાંભળો, શ્રદ્ધાપૂર્વક મનન કરો અને યોગ્ય જણાય તો તેનો સ્વીકાર કરો.’ (અહીં બળજબરી નહિ પણ ‘ફ્રવરાને’(free will)નો ઉલ્લેખ છે)….

‘ગામના, શહેરના, પ્રાંતના, દેશના અને ધર્મના આગેવાનો, તમે સૌ મારી પાછળ આવો અને તમારી પ્રજાને દોરવો. દાદારના સંદેશનું અનુકરણ કરો; એમ કરી સુખી થાઓ. અને ઈશ્વરના આશિષ મેળવો’ (અહીં આગેવાનોને ફરજ સોંપ્યાનો ઉલ્લેખ છે.)…. ‘આફતની વેળા અહુરાના ઇન્સાફ માટે શંકા ઉપજાવશો નહિ. શ્રદ્ધા રાખજો કે અહુરાના પુત્ર આતશનો પ્રકાશ તમને પ્રેરણા આપીને દોરવશે. બંદગીના બળથી સરોશની પનાહ (છત્ર) મળશે.’ (અહીં ધાર્મિક શ્રદ્ધા ઉપર ભાર મૂકવામાં આવેલો છે.)…. ‘તમારામાં રહેલી ‘ફ્રવશી’ એ અહુરાની જ હાજરી છે. એનો ડર રાખી બૂરાઈ સામે સાવધ રહેજો. સેવાનું ફળ દાદારને ચરણે ધરી દેજો. જેમ મને મળી છે તેમ અહુરમઝદની મહેર તમારી ઉપર પણ વરસતી રહો.’ (જરથુષ્ટ્ર)

નોશીર ખુરશેદ દાબુ