જય સોમનાથ : ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી(1887–1971)ની ઐતિહાસિક નવલકથા. મહમદ ગઝની 1026માં સોમનાથ ઉપર આક્રમણ કરે છે. આંતરિક કલહમાં સબડતા ગુજરાતના રાજપૂત રાજાઓ તેને ખાળી શકતા નથી. અણહિલવાડ પાટણનો સોલંકી રાજા ભીમદેવ અને સૌરાષ્ટ્ર-કચ્છના ગણ્યાગાંઠ્યા રાજાઓ મળીને સોમનાથમાં જ મહમદ ગઝનીને ખાળવાનો પ્રયત્ન કરે છે. બાણાવળી ભીમદેવનો પ્રથમ વિજય થાય છે; પણ ધર્માંધતા, આંતરિક કલહ અને પ્રણયવૈફલ્યના ઈર્ષ્યાગ્નિથી પ્રેરાયેલી સોમનાથના ધર્માધ્યક્ષ, ગંગ સર્વજ્ઞના શિષ્ય શિવરાશિની ગદ્દારી અને વૈરવૃત્તિને લીધે સોમનાથનું પતન થાય છે.

આ કથા ઐતિહાસિક તથ્યાંશોને નિરૂપે છે. ભીમદેવને રુદ્રાવતાર માની ચૌલાદેવી તેને પ્રેમ કરે છે અને યુદ્ધભૂમિ ઉપર જ લગ્ન કરે છે. ઘોઘાગઢનો રાજવી ઘોઘાબાપા મહમદને ગુજરાતમાં પ્રવેશતો રોકવા જતાં સર્વનાશ અને કુલસંહાર વહોરી લે છે. સજ્જન અને પદમડી સાંઢણી રણ અને આંધી વચ્ચે અપૂર્વ પરાક્રમ કરી, મહમદને ગેરમાર્ગે દોરે છે, તેના એક તૃતીયાંશ લશ્કરનો નાશ કરી, રણસમાધિ લે છે. સામંત અને ઘોઘાબાપાનો રાજપુરોહિત ઘોઘાબાપાના ભૂત રૂપે સર્વત્ર લોકજાગૃતિનું મિશન લઈ, મહમદની પાછળ પડે છે; લશ્કરમાં પ્રવેશી તેના ઉપર કાતિલ હુમલો કરે છે. વીરતાના વરદાન રૂપે મહમદ એને મુક્ત કરે છે.

મહમદ ગઝની અને બાણાવળી ભીમ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ કથાની સમાન્તરે ભીમ-ચૌલાનો પ્રણય-પ્રસંગ વિકાસ પામે છે. છેલ્લે ભીમ ઘાયલ થઈ મૃતપ્રાય બને છે. બેભાન ભીમદેવને અને ચૌલાદેવીને કંથકોટ લઈ જવાય છે. ચૌલાદેવીને પુત્રપ્રાપ્તિ, સોમનાથનો પુનરુદ્ધાર, ચૌલાનું છેલ્લું નૃત્ય અને દેહસમર્પણ વગેરે પ્રસંગો આલેખાયા છે.

આમ, પ્રેમ-શૌર્યની કથા, પ્રેમ-ભક્તિની સમર્પણગાથા બને છે. અહીં લેખકે ચૌલા સાથે પ્રણયત્રિકોણ રચી યુદ્ધભૂમિને જાણે કે પ્રણયપટ બનાવી દીધી છે. ભીમનો માનવીય, સામંત શિવરાશિનો એકતરફી ને ચૌલાનો દૈવી પ્રેમ નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રણયવૈફલ્ય એ જ પતનનું કારણ બને છે. આ કથાના સર્જનમાં મુનશી ઍલેક્ઝાન્ડર ડૂમાની અસરમાંથી મુક્ત થાય છે.

રણ-આંધી, યુદ્ધનાં વર્ણનો, પદમડીનું ગતિશીલ ચિત્ર વગેરે મુનશીની વિશિષ્ટ ગદ્યશૈલીને લીધે ગદ્યકાવ્યની કક્ષાનાં બન્યાં છે. ભીમ, ચૌલા, મહમદ ગઝની જેવાં ઐતિહાસિક પાત્રો જીવંત અને ગતિશીલ બન્યાં છે.

ઇતિહાસની ખૂટતી કડીઓને કલ્પનાના સૂત્રમાં ગૂંફતી, શૌર્યકથા સ્વરૂપે તે આકર્ષક પણ અપ્રતીતિકર પ્રણયકથા બને છે. સામંતનું પાત્ર લોકચેતનાની ચિનગારી બની પ્રસરે છે ને રાષ્ટ્રગૌરવ ને આત્મગૌરવની અસ્મિતાને પ્રજ્વલિત કરી, ચિરંજીવ બને છે. મુનશી ગઝનીના આ આક્રમણને સમગ્ર રાષ્ટ્રના આત્મા ઉપરના કુઠારાઘાત તરીકે ઘટાવે છે. ખંડિત સોમનાથના પુનરુદ્ધારનું આ સ્વપ્ન ચરિતાર્થ પણ થયું. સર્જનાત્મક કલ્પનાસ્વીકાર દ્વારા જ ઐતિહાસિક તથ્યાંશોનું સામાજિકીકરણ પ્રતીતિકર બને.

બટુક દલીચા