જયસિંહા, એમ. એલ. (જ. 3 માર્ચ 1939, હૈદરાબાદ) : ભારતના પ્રારંભિક તથા મધ્યમ ક્રમના છટાદાર બૅટધર તથા મધ્યમ ઝડપી ગોલંદાજ. હૈદરાબાદ તરફથી 1954–55માં આંધ્ર સામે જયસિંહાએ રણજી ટ્રૉફી મૅચથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ મૅચમાં 90 રન નોંધાવ્યા અને 56 રનમાં 3 વિકેટો ઝડપી. 1963 –64થી હૈદરાબાદની રણજી ટ્રૉફી ટીમનું નેતૃત્વ સંભાળ્યું. ઉપરાંત દુલીપ ટ્રૉફી ક્રિકેટમાં 1963–64થી 1969–70 સુધી દક્ષિણ વિભાગનું નેતૃત્વ સંભાળ્યું. 1954થી 1977 સુધીમાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 30 સદી સાથે કુલ 12,612 રન નોંધાવ્યા અને 396 વિકેટો ઝડપી. રણજી સ્પર્ધામાં 17 સદી સાથે (સર્વોચ્ચ 259) કુલ 5226 રન નોંધાવ્યા. દુલીપ ટ્રૉફીમાં 4 સદી (સર્વોચ્ચ 175) સાથે કુલ 1456 રન નોંધાવ્યા. રણજી ટ્રૉફીમાં કુલ 235 અને દુલીપ ટ્રૉફીમાં 31 વિકેટો ઝડપી.

1959માં ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન લૉર્ડ્ઝના મેદાન પર ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટથી ટેસ્ટ-પ્રવેશ મેળવ્યો. છેલ્લે 1970–71માં વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો. 39 ટેસ્ટમાં 3 સદી સાથે કુલ 2056 રન નોંધાવ્યા, 9 વિકેટો ઝડપી અને 17 કૅચ કર્યા. 1959માં ઇંગ્લૅન્ડનો તથા 1961–62 અને 1970–71માં વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો. 1967–68માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાંની ભારતીય ટીમ સાથે જોડાવા ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા. બ્રિસ્બેન ખાતે ત્રીજી ટેસ્ટમાં છઠ્ઠા સ્થાને આવી એ ટેસ્ટમાં પ્રથમ દાવમાં 74 અને બીજા દાવમાં શાનદાર સદી સાથે 101 રન નોંધાવ્યા.

એમ. એલ. જયસિંહા

ઘરઆંગણે 1959–60માં અને 1964–65માં ઑસ્ટ્રેલિયા સામે, 1960–61માં પાકિસ્તાન સામે, 1961–62 અને 1963–64માં ઇંગ્લૅન્ડ સામે, 1964–65 અને 1969–70માં ન્યૂઝીલૅન્ડ સામે તથા 1966–67માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યા. ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ બાદ પસંદગીકાર અને મૅનેજર તરીકે તેમજ કૉમેન્ટેટર તરીકે અવારનવાર સેવા આપે છે.

જગદીશ બિનીવાલે