જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ) : ખાસ કરીને પ્રતિષ્ઠિત રાજાઓ દ્વારા વિજયની યાદમાં બંધાવવામાં આવતો ઊંચો મિનારો. 1450માં બંધાયેલ ચિતોડનો વિજયસ્તંભ આનો ઘણો જ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ જ કિલ્લામાં આશરે 1100માં કીર્તિસ્તંભ પણ બંધાયેલો છે. આ સ્તંભો ખાસ કરીને મંદિરો જોડે સંકળાયેલા રહેતા. ચિતોડમાં આ બંને સ્તંભો પાસેનાં મંદિરોના ભગ્નાવશેષ હયાત છે. જયસ્તંભની રચના 8 માળની એક ઇમારત રૂપે કરાયેલ અને સોલંકી સ્થાપત્યની છાપ તેની રચનામાં ઊપસી આવે છે. લગભગ 27 મી. ઊંચી ઇમારતમાં ભારતીય સ્થાપત્યની રાજપૂત શૈલી, સોલંકી સમયના મહેલોના સ્થાપત્યની ઝાંખી થાય છે, જે મંદિરોના સમૂહમાં પણ ઉત્કૃષ્ટ નાવીન્ય દર્શાવે છે. તત્કાલીન કારીગરોની આવડત અને નવીનતા માટેની ઝંખનાની પણ પ્રતીતિ થાય છે. એક સમચોરસ ઓટલા પરથી બંધાયેલ આ વિજયસ્તંભનો નીચલો ભાગ મંદિરોના પાયાને અનુરૂપ અનેક થરોનો બનેલો છે અને તેના ઉપર દરેક મજલા પર બહાર કઢાયેલ છાજલીઓ તથા ભરણાથી તે સુશોભિત કરાયેલ છે. તેનો સમચોરસ ઘેરાવો પણ દીવાલોના આકારને લઈને કલાત્મક નમૂનેદાર ખૂણા અને ઝરૂખાથી કંડારાયેલ છે, તેથી સ્તંભ તરીકે તે અત્યંત આકર્ષક લાગે છે. આ સ્તંભમાં નવમા માળે એક ઘુમ્મટાકાર છત્રી રચવામાં આવી છે, જ્યાં સ્તંભની અંદરની સીડી દ્વારા જઈ શકાય છે. ચિતોડના કિલ્લા પરનો આ સ્તંભ ઘણે દૂર સુધી અગત્યની ઇમારત તરીકે ર્દષ્ટિગોચર થાય છે.
રવીન્દ્ર વસાવડા