જયશિખરી : (ઈ. સ.ની 8મી સદી) ઉત્તર ગુજરાતમાં પંચાસરનો શૂરવીર રાજવી તથા વનરાજ ચાવડાનો પિતા. કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં રચેલ ‘રત્નમાળ’(સત્તરમી-અઢારમી સદી)માં વનરાજનો પિતા જયશિખરી એના સોળ સામંતો સાથે પંચાસરમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે.
આનુશ્રુતિક વૃત્તાંત અનુસાર જયશિખરીએ કનોજના રાજા ભુવડનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. ભુવડે તેની સામે સેના મોકલી; પરંતુ જયશિખરીના શૂરવીર સાળા શૂરપાલે તેની સેનાને પરાસ્ત કરી. પછી ભુવડે પોતે આગેવાની લઈ પંચાસર પર આક્રમણ કર્યું. બંને સૈન્યો વચ્ચે જબરદસ્ત સંગ્રામ ખેલાયો. જયશિખરીના સંખ્યાબંધ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા ને એણે પોતાની ગર્ભવતી રાણી રૂપસુંદરીને શૂરપાલ દ્વારા કોઈ સુરક્ષિત સ્થળે પહોંચાડી. યુદ્ધમાં વીરતા બતાવી જયશિખરી વીરગતિ (પ્રાય: 796) પામ્યો. ભુવડની સેનાએ પંચાસર કબજે કર્યું. ભુવડે જયશિખરીનો અગ્નિસંસ્કાર કરાવ્યો ને ત્યાં ગુર્જરેશ્વર નામે શિવમંદિર બંધાવ્યું. જયશિખરીનો મરણોત્તર પુત્ર વનરાજ જન્મ્યો.
જયશિખરીનો યુદ્ધમાં વધ કરી પંચાસરનો પ્રદેશ કબજે કરનાર કનોજ દેશનો રાજા ભુવડ એ કનોજના પ્રતીહાર વંશનો રાજા નાગભટ્ટ 2 જો હોવા સંભવે છે. જયશિખરી(લગભગ 770થી 796)ને કાંતિમાન, કાવ્યજ્ઞ, ટેકીલો, હેતાળ અને એકવચની કહ્યો છે.
ભારતી શેલત