જયવંતસૂરિ (સોળમી સદી)

January, 2012

જયવંતસૂરિ (સોળમી સદી) : અપરનામ ગુણસૌભાગ્યસૂરિ. જૈન સાધુ. વડતપગચ્છની રત્નાકર શાખામાં વિનયમંડન ઉપાધ્યાયના સૌથી નાના શિષ્ય. ‘કાવ્યપ્રકાશ’ની ટીકાની પ્રત લખાવડાવી જ્ઞાનભંડારમાં મુકાવવાનો રસ ધરાવનાર આ સાધુકવિ કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, સમસ્યાબંધો, સંગીતશાસ્ત્ર, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરા તથા લોકવ્યવહારની ઊંડી અભિજ્ઞતા દર્શાવે છે અને પોતાની ‘પંડિત’ એવી ઓળખ સાર્થક કરે છે તથા પોતાની કૃતિઓમાં સાધુત્વ કરતાં કવિતા વધુ નીખરી રહે એવી રસર્દષ્ટિ-કલાર્દષ્ટિ પ્રગટ કરે છે.

એમની બંને રાસકૃતિઓ – ‘શૃંગારમંજરી’ (1558) અને ‘ઋષિદત્તા રાસ’ (1587) – નાયિકાપ્રધાન છે. ચાતુર્યમૂલક કથાકૃતિ ‘શૃંગારમંજરી’નાં વિસ્તૃત વર્ણનો તથા ભાવનિરૂપણો, વિદગ્ધ અલંકાર-રચનાઓ અને સમસ્યાબંધો, ધોધબંધ આવતાં સુભાષિતો અને એમાંની વાગ્ભંગિઓ તથા છંદપ્રાસાદિનું કૌશલ – આ બધાંમાં કવિની ઊભરાતી સર્જકતાનાં દર્શન થાય છે, તો ઉત્કટ પ્રણયની કથા તરીકે ઉઠાવ પામેલ ‘ઋષિદત્તા રાસ’ કવિપ્રતિભાની શાંત સંયમપૂર્ણ અભિવ્યક્તિ અને વિવિધ ને સૂક્ષ્મ વ્યક્તિત્વચિત્રણો-મનોભાવાલેખનોથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય લઘુ કૃતિઓમાં એકમાત્ર ‘બાર ભાવના સજ્ઝાય’ મુખ્યત્વે સાંપ્રદાયિક ને તત્વબોધાત્મક કહેવાય એવી કૃતિ છે. બાકીની કૃતિઓ તો રસલક્ષી જ બનીને રહે છે. ને પોતાની કોઈ ને કોઈ વિશેષતા લઈને આવે છે; જેમ કે, સ્થૂલિભદ્ર-કોશાની કથા વર્ણવતા ‘સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ’માં સંયોગશૃંગારનું પ્રબળ આલેખન થયું છે. ‘નેમિનાથ રાજિમતી બારમાસ વેલ પ્રબંધ’માં બારમાસી-કાવ્ય ઉપરાંત ઋતુવર્ણનના કાવ્યનો ઘાટ નિપજાવવામાં આવ્યો છે ને એની સાથે દગ્ધ સ્ત્રીહૃદયના મર્મોદગારોનો ખંડ જોડવામાં આવ્યો છે. ‘સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ’ કેવળ વિરહોદગારો રૂપે રચાયેલ કૃતિ છે. ‘નેમિનાથ સ્તવન/ફાગ’ પરંપરાગત ફાગુકાવ્યનાં સઘળાં કૌશલો પ્રગટાવે છે. ‘સીમંધરસ્વામી લેખ’ તથા ‘સીમંધરસ્વામી ચંદ્રાઉલા’ પત્ર રૂપે સીમંધરસ્વામી પ્રત્યેની સ્નેહાસક્તિ વ્યક્ત કરે છે. ‘લોચનકાજલ સંવાદ’ ર્દષ્ટાંતાત્મક રીતે નિર્વ્યાજ સ્નેહનો મહિમા ગાય છે તેમજ 80 જેટલાં નાનકડાં ગીતોમાં ર્દષ્ટાંતકાવ્ય, રૂપકકાવ્ય, સ્તુતિકાવ્યના નમૂના આપે છે. આમ છતાં અધઝાઝેરાં તો સ્નેહોર્મિકાવ્યના વર્ગમાં જ આવે છે. કવિએ આ બધી રચનાઓમાં પ્રસંગોપાત્ત, રાજસ્થાની, હિંદી, ફારસીનો વિનિયોગ કરી જુદી જુદી છટા ઉપજાવી છે.

જયંત કોઠારી