જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ આરંગેત્રમ્ રજૂ કરેલું. તેમણે શાલેય શિક્ષણ બેંગાલુરુમાં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈમાં મેળવ્યું. અભ્યાસની તેમની કારકિર્દી તેજસ્વી હતી. તેથી ઉચ્ચઅભ્યાસની શિષ્યવૃત્તિ માટે તેમની પસંદગી થયેલી; પરંતુ કૌટુંબિક જવાબદારીઓને કારણે અભ્યાસ અધૂરો છોડી અનિચ્છાએ ફિલ્મક્ષેત્રમાં પ્રવેશ્યાં.

જયલલિતા જયરામ

એમ. જી. રામચંદ્રને પ્રથમ મુલાકાતે તેમને ફિલ્મોમાં જોડાવા આમંત્રિત કર્યાં હતાં. ‘બેનિરાડાઈ’ ફિલ્મ દ્વારા તેમણે આ ક્ષેત્રે પ્રવેશ કર્યો. તમિળ, તેલુગુ, મલયાળમ ઉપરાંત હિંદી અને અંગ્રેજી મળી 125થી વધુ ફિલ્મોમાં વિવિધ પ્રશસ્ય ભૂમિકાઓમાં તેમણે પોતાનો અભિનય આપ્યો. તદુપરાંત 100થી વધુ કાર્યક્રમો આપી દેશભરમાં નૃત્યાંગના અને ગાયિકા તરીકે સિદ્ધિ મેળવી. કથકલી, કુચિપુડી, મણિપુરી અને કથક નૃત્યનાં તેઓ અચ્છાં જાણકાર હતા.

1982માં ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષનાં સભ્ય બની તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1983માં પક્ષનાં પ્રચાર-મંત્રી તરીકે તેમણે સફળ કામગીરી બજાવી. એમ. જી. રામચંદ્રનના આગ્રહથી પ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તિરુચેન્દુર મત-વિસ્તારની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો. 1984માં ભારતની રાજ્યસભાનાં સભ્ય ચૂંટાયાં. પક્ષને કાબેલ નેતૃત્વ પૂરું પાડવાથી તેમની પ્રતિભા ઝળકી ઊઠી. 1987માં આ પક્ષનું વિભાજન થતાં તેમના જૂથે અલગ પક્ષ તરીકે ઓળખાવાનું પસંદ કર્યું અને પક્ષને અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું. તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. જી. રામચંદ્રનને તેઓ રાજકીય ગુરુ માનતાં તેમજ પ્રલોભનવશ પોતાને તેમના એકમાત્ર રાજકીય વારસદાર તરીકે ઓળખાવતાં. 1989માં તેમના પક્ષનું કૉંગ્રેસ (આઇ) સાથે ચૂંટણી જોડાણ થતાં તેમના પક્ષે તામિલનાડુમાં જંગી સફળતા મેળવી. 1991માં તેઓ તામિલનાડુ રાજ્યનાં મુખ્યપ્રધાન બન્યાં.

રાજકારણમાંથી વારંવાર નિવૃત્તિની ઘોષણા કરવા છતાં તેઓ ટકી રહ્યાં હતા. અતિમહત્વાકાંક્ષી હોવાને કારણે સમોવડિયા નેતાઓ સાથેના મતભેદો તેમને સતત લોકચર્ચામાં રાખતા હતા. તેમના અનુગામી મુખ્યપ્રધાન કરુણાનિધિ દ્વારા તેમના પર ભારે ભ્રષ્ટાચારના અને બેસુમાર નાણાં એકઠાં કર્યાના આક્ષેપો થયા હતા. તેમના દત્તક પુત્રના લગ્નમાં કરવામાં આવેલા અઢળક ખર્ચના કારણે પણ તેઓ વિવાદમાં રહ્યાં હતા. 1998માં ભાજપની મોરચા સરકારમાં તેમનો પક્ષ સહભાગી હતો; પરંતુ એ સરકારમાં તેમનું વર્તન વિવાદાસ્પદ હતું. તેમના પર ભ્રષ્ટાચારનો એક મુખ્ય આક્ષેપ તાન્સી જમીન કૌભાંડનો હતો. આ કિસ્સામાં અદાલતે તેમને તકસીરવાર ઠેરવી સજા રૂપે બે વર્ષ માટે ચૂંટણી લડવાની મનાઈ ફરમાવી હતી; પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષને ભારે બહુમતી મળતાં પક્ષના ધારાસભ્યોએ તેમને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટ્યાં અને 14 મે 2001ના રોજ રાજ્યપાલ ફાતિમા બીબીના આમંત્રણથી તેમણે મુખ્યપ્રધાન તરીકે હોદ્દો ગ્રહણ કર્યો. આ નિમણૂકને સર્વોચ્ચ અદાલત સમક્ષ પડકારવામાં આવ્યો અને સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બર 2001માં સ્પષ્ટ ચુકાદો આપ્યો કે મુખ્યમંત્રી તરીકેની તેમની નિમણૂક ગેરબંધારણીય છે. આમ રાજકીય જીવનમાં તેઓ વ્યાપક વિવાદોથી ઘેરાયેલાં રહ્યાં હતા.

મે, 2011માં તામિલનાડુ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જયલલિતા ભારે બહુમતીથી વિજયી નીવડ્યાં. તેમના ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષને ઉપર્યુક્ત ચૂંટણીમાં 150 બેઠકો મળી તેમજ તેમના પક્ષ સાથે જોડાણ ધરાવતા પક્ષસમૂહને 202 બેઠકો પ્રાપ્ત થતાં તેઓ ભારે બહુમતી મેળવવામાં સફળ રહ્યાં. તામિલનાડુ વિધાનસભા કુલ 234 બેઠકોની બનેલી છે. આમ ફરી તેમને તામિલનાડુ રાજ્યના મુખ્યમંત્રીનું પદ હાંસલ થયું હતું અને 2011 પછીનાં પાંચ વર્ષ માટે રાજકીય નેતૃત્વ સાંપડ્યું હતું.

વૈભવી જીવનનો શોખ ધરાવવા સાથે તેઓ વાચનનો શોખ ધરાવતા હતા. તેમનું પોતાનું વિશાળ ગ્રંથાલય પણ હતું. તેમણે પોતે પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.

રક્ષા મ. વ્યાસ