જયવર્દને, જે. આર. (જ. 17 સપ્ટેમ્બર 1906, કોલંબો; અ. 1 નવેમ્બર 1996, કોલંબો, શ્રીલંકા) : શ્રીલંકાના પ્રમુખ (1978-79), સર્વોચ્ચ અદાલતના વકીલ અને રાજપુરુષ. પૂરું નામ જુનિયસ રિચર્ડ જયવર્દને. પિતા ઈ. ડબલ્યુ. જયવર્દને ન્યાયમૂર્તિ હતા; માતા એ. એચ. વિજેવર્દને. તેમણે કોલંબોની રૉયલ કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને કાયદાનો અભ્યાસ કર્યો. 1935માં એલિના બી. રૂપસિંગે સાથે લગ્ન કર્યાં.

જે. આર. જયવર્દને

તેમણે વકીલાત સાથે 1940માં સિલોન નૅશનલ કૉંગ્રેસના માનાર્હ સેક્રેટરી તરીકે જાહેર કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ પદ 1947 સુધી સંભાળ્યું. 1941માં કોલંબો મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય બન્યા. ઉત્તરોત્તર પ્રગતિ કરીને 1943માં શ્રીલંકા સ્ટેટ કાઉન્સિલના અને 1947માં શ્રીલંકાની પ્રતિનિધિસભાના સભ્ય થયા. 1947–48માં યુનાઇટેડ નૅશનલ પાર્ટીમાં જોડાઈને તેમણે તેના માનાર્હ ખજાનચી તરીકે એક વરસ સેવા આપી. 1947થી 1953 શ્રીલંકાના નાણામંત્રી રહ્યા. 1953માં તે યુનાઇટેડ નૅશનલ પાર્ટીના ઉપપ્રમુખ થયા. 1953થી 1956ના ગાળા દરમિયાન પ્રતિનિધિસભાના નેતા અને ખેતીવાડી ખાતાના પ્રધાન થયા. 1960ના માર્ચથી જુલાઈ 1960 દરમિયાન તેમણે નાણાખાતું, માહિતી ખાતું, પ્રસારણ, સ્થાનિક સ્વરાજ્ય અને ગૃહનિર્માણ ખાતાના મંત્રી તરીકે હવાલો સંભાળ્યો. સરકારી તંત્રથી મુક્ત થઈને જુલાઈ 1960થી 1965 સુધી વિરોધપક્ષના નેતા બન્યા. 1965માં તેમના પક્ષે બહુમતી મેળવતાં 1965થી 1970 દરમિયાન તે પ્રધાન બન્યા. સંરક્ષણ ખાતું, વિદેશ ખાતું અને આયોજન ખાતું સંભાળતા પ્રધાનના પાર્લમેન્ટરી સેક્રેટરી થયા. તેમનો પક્ષ ચૂંટણીમાં હારી જતાં 1970થી 1977 દરમિયાન વિરોધપક્ષના નેતા બન્યા. 1973 જૂનથી 1975 દરમિયાન યુનાઇટેડ નૅશનલ પાર્ટીના સેક્રેટરી અને નેતા થયા હતા. 1977માં તેમનો પક્ષ ચૂંટણીમાં વિજયી થયો અને તે વડાપ્રધાન થયા. આ પદે તે 1985 સુધી રહ્યા. શ્રીલંકામાં તેમણે તામિલ અલગતાવાદનો વિરોધ કર્યો. અને તેના ઉકેલ માટે એક તરફ તેમની સાથે મંત્રણાઓનો આરંભ કર્યો તો બીજી તરફ લશ્કરી તાકાતનો પણ ઉપયોગ કર્યો; પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ ત્યારે હાથ ધરાયો નહીં. આ પદ ઉપર રહીને તેમણે સંરક્ષણ, આયોજન, આર્થિક બાબતો અને યોજનાના અમલ અંગેનાં ખાતાં સંભાળ્યાં. શ્રીલંકાના પ્રજાસત્તાક સમાજવાદી રાજ્યનું 1989 સુધી તેમણે પ્રમુખપદ શોભાવ્યું.

દેશપરદેશમાં તેમણે વિવિધ પરિષદોમાં શ્રીલંકાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. 1989 પછીથી તે સક્રિય રાજકારણમાંથી દૂર થતા ગયા.

તેમણે ‘સર્મન ઑવ્ ધ બુદ્ધ’; ‘બુદ્ધિસ્ટિક એસેઝ’, ‘બુદ્ધિઝમ ઍન્ડ મર્કિસઝમ’ જેવાં પુસ્તકો લખ્યાં છે.

શિવપ્રસાદ રાજગોર