જયપુર : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે 259 કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 11,588 ચોકિમી., જિલ્લાની વસ્તી : 66,63,971 (2011). તેની સ્થાપના (1728માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. 1883માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે આ શહેરની મુલાકાત લીધી હતી. શહેરનાં તમામ મકાનો ગુલાબી રંગનાં હોવાને કારણે આ શહેર ‘ગુલાબીનગર’ તરીકે જાણીતું છે.

નગરની ચારે બાજુ લગભગ 6.03 મી. ઊંચો અને 1.828 મી. પહોળો કોટ આવેલ હતો, જે આજે ભગ્ન અવશેષ રૂપે જોવા મળે છે. આ પ્રાચીન નગરને 8 પ્રવેશદ્વાર છે, જેમાં અજમેરી ગેટ, સાંગાનેરી ગેટ, તેમજ ચાંદપોલ અને ઘાટ દરવાજો મુખ્ય છે. ચોરસ આકારના આ શહેરના કેટલાક રસ્તા 34 મીટર કરતાં વધુ પહોળા છે. બધા જ રસ્તા કાટખૂણે છેદતા અને સીધા છે. આ શહેરનાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ, ચંદ્રમહેલ, હવામહેલ, ગૈટોર, ગલતા વેધશાળા ઉપરાંત અગાઉની રાજધાનીનો આમેર (અંબર) કિલ્લો મુખ્ય છે.

હવામહેલ, જયપુર

શહેરના સાતમા ભાગના ક્ષેત્રફળમાં પથરાયેલ રાજમહેલમાં 7 પ્રવેશદ્વાર આવેલાં છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વારને ‘સિંહદ્વાર’ કહે છે. આ મહેલમાં દીવાને આમ, દીવાને ખાસ ઉપરાંત શસ્ત્રાગાર, વસ્ત્રાગાર અને પુસ્તકાલય જોવાલાયક છે. મધ્યયુગનાં રાજપૂતી શસ્ત્રો, કીમતી વસ્ત્રો તેમજ દુર્લભ પુસ્તકોનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. વિખ્યાત ઇતિહાસકાર અબુલફઝલે કરેલું ‘મહાભારત’નું ફારસી ભાષાંતર અહીં સંગ્રહાયેલું છે. ચંદ્રમહેલમાં સુંદર ચિત્રો તેમજ હસ્તકલાકૌશલના નમૂના ખાસ જોવાલાયક છે.

શહેરની વચ્ચોવચ આવેલ હવામહેલ શિલ્પસ્થાપત્યનું સુંદર સ્થળ છે. મહારાજા સવાઈ પ્રતાપસિંહજીએ બંધાવેલ 5 માળના આ ભવ્ય મહેલની રસ્તા પર પડતી અસંખ્ય અટારીઓ અર્ધઅષ્ટકોણ આકારની છે. જયપુરના દિવંગત રાજવીઓનાં સ્મારકો ગૈટોરમાં આવેલ છે. ગલતા પહાડીઓ વચ્ચે આવેલ સૂર્યમંદિર જોવાલાયક છે.

જયપુર શહેરથી 12 કિમી. દૂર આમેર કિલ્લો જૂની રાજધાનીનું સ્થળ છે. અહીં શીલામાતાનું મંદિર, શીશમહેલ, દીવાને આમ – દીવાને ખાસ તેમજ ભવ્ય મહેલ જોવાલાયક છે.

રાજા જયસિંહે ભારતનાં 5 શહેરોમાં વેધશાળાઓ બંધાવી હતી જેમાંની સૌથી મોટી વેધશાળા અહીં આવેલી છે. રાજસ્થાન યુનિવર્સિટીનું તે મુખ્ય મથક છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે.

મહેશ મ. ત્રિવેદી