જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર.

મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને ઓહાઇઓ ને વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન તથા સમાજવિજ્ઞાનનો અભ્યાસ આગળ ચલાવ્યો. આ અમેરિકાવાસ એમને માર્ક્સવાદની દીક્ષા આપનારો પણ બની રહ્યો.

જયપ્રકાશ નારાયણ

ઓહાઇઓમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ 1929માં વતન પાછા ફર્યા ત્યારે દેશ આઝાદીના સંકલ્પ ભણી લઈ જતી નવી લડતને માટે તૈયાર થવામાં હતો, જ્યારે ભારતનો સામ્યવાદી પક્ષ રાષ્ટ્રીય ચળવળ સાથે સંકળાવા બાબતે આનાકાનીમાં હતો. આ સંજોગોમાં જયપ્રકાશે કૉંગ્રેસ સાથે જ ફેર જોડાવું પસંદ કર્યું અને 1930માં તે વખતના કૉંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુના નિમંત્રણથી મજૂરવિભાગની જવાબદારી સંભાળી. 1932ની લડત વખતે થોડા મહિના એમણે કૉંગ્રેસના કાર્યકારી મહામંત્રી તરીકે ભૂગર્ભ મોરચો સાચવ્યો.

1932-33માં નાસિક જેલમાં જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા વગેરે સાથે હતા ત્યારે દેશમાં રાષ્ટ્રવાદ ને સમાજવાદ બેઉ પુષ્ટ થાય તે ર્દષ્ટિએ કૉંગ્રેસને અંતર્ગત સમાજવાદી પક્ષ રચવાનો ખ્યાલ જન્મ્યો. તેના પરિણામે 1934ના મે મહિનામાં પટણા ખાતે આચાર્ય નરેન્દ્ર દેવની અધ્યક્ષતામાં એ માટેની બેઠક મળી અને એને પગલે એ જ વરસના ઑક્ટોબર માસમાં મુંબઈ ખાતે બાબુ સંપૂર્ણાનંદના પ્રમુખપદે એ જૂથનું વિધિસર સ્થાપના માટેનું અધિવેશન યોજાયું. સ્થાપક-મહામંત્રી તરીકે જયપ્રકાશની કામગીરી ચાવીરૂપ બની રહી. આ જવાબદારી અંગે લાંબા પ્રવાસો વચ્ચે એમનું ‘વાય સોશલિઝમ’ લખાયું, પ્રસિદ્ધ થયું અને માર્ક્સવાદના પ્રથમ પ્રભાવક પરિચયનું પુસ્તક બની રહ્યું.

દરમિયાન ‘હિન્દ છોડો’ના માહોલ વચ્ચે કારાગારમાં પુરાઈ રહેવાને બદલે 1942ના નવેમ્બરની આઠમી તારીખે હજારીબાગ સેન્ટ્રલ જેલની 5.2 મી. ઊંચી દીવાલ ઠેકીને એ નાઠા અને રાષ્ટ્રીય સ્તરે ભૂગર્ભ પ્રવૃત્તિઓના સંકલનથી, નેપાળમાં રામ મનોહર લોહિયા વગેરે સાથે મળીને આઝાદ દસ્તાનું ગઠન કરવાની કોશિશથી તથા ક્રાંતિકારી સાથીઓને ‘માસ વર્ક’નો મહિમા સમજાવતી પત્રમાળાથી દંતકથારૂપ વ્યક્તિત્વ બની રહ્યા.

સ્વરાજ પછી, આગવા બંધારણવાળું બીજું કોઈ જૂથ કૉંગ્રેસમાં ન રહી શકે એવો નિયમ થતાં, કૉંગ્રેસ-સમાજવાદીઓએ સ્વતંત્ર થવાનો નિર્ણય કર્યો અને અલગ સમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો. પાછળથી, આચાર્ય કૃપાલાનીનો કિસાન મજદૂર પ્રજા પક્ષ અને તે જોડાઈ જતાં પ્રજા-સમાજવાદી પક્ષ રચાયો. માર્ક્સનું ક્રાંતિકારી નીતિશાસ્ત્ર છોડી સાધનશુદ્ધિના ગાંધીવિચારનો આ ગાળામાં સ્વીકાર કરી ચૂકેલા જયપ્રકાશ આ બધી રચનાઓમાં શીર્ષસ્થાનોએ હતા,  આઝાદી બાદ આ દંપતીએ કોઈ પણ રાજકીય હોદ્દો ન સ્વીકારવાના નિર્ણય સાથે રાષ્ટ્રને જીવન સમર્પિત કર્યું હતું. પણ ચાલુ રાજનીતિમાં આમૂલ પરિવર્તન સારુ રાજકીય પક્ષોની ગુંજાશ બાબત એમને પતીજ પડતી નહોતી. આ દિશામાં સમાધાનના સંકેતો એમને વિનોબાના ભૂદાન-ગ્રામદાન આંદોલનમાં કંઈક વરતાવા લાગ્યા હતા. વળી 1952માં આત્મશુદ્ધિ અર્થે અનશન કરવાનું બન્યું ત્યારે ભલાઈ ને સારપની પ્રેરણા પરત્વે ચિંતન કરવાનું થતાં દ્વંદ્વાત્મક ભૌતિકવાદ પણ છૂટવા લાગ્યો હતો. એપ્રિલ 1954માં બોધગયાના સર્વોદય આંદોલનમાં એમણે જીવનદાન જાહેર કર્યું. વળતે મહિને એમણે બિહારના ગયા જિલ્લામાં સોખોદેવરા આશ્રમની સ્થાપના કરી.

આ પૂર્વે 1953માં જવાહરલાલ નહેરુની સરકાર સાથે સત્તા-ભાગીદારીની દરખાસ્ત સાભિપ્રાય નકારી ચૂકેલા પણ લાંબા વખત લગી એમના સંભવિત અનુગામી લેખાતા રહેલા જયપ્રકાશે હવે ભૂદાન-આંદોલનમાં પૂરી શક્તિ રેડવા સાથે લોકશિક્ષણલક્ષી પ્રગટ સહચિંતનની નવી જ પરિપાટી ઊભી કરી. આ વર્ષોમાં એમણે લોકોની સીધી હિસ્સેદારીવાળી શાસનવ્યવસ્થા અને પક્ષમુક્ત લોકશાહીના ખયાલો વિકસાવ્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક મહત્વની સમસ્યાઓમાં ગેરસરકારી રાહે સાર્થક પહેલનું એમનું વલણ પણ સતત ચાલુ જ હતું. તિબેટની સ્વાયત્તતા માટે આંતરરાષ્ટ્રીય પરિષદ (1959), પાકિસ્તાન સાથે સારા સંબંધો બાંધવાના હેતુથી સ્થાપેલું ‘પાકિસ્તાન રિકન્સિલિયેશન ગ્રૂપ’ (1962), નાગાલૅન્ડ પીસ મિશન (1964), જેને માટે તેમને મૅગ્સાઇસા ઍવૉર્ડ (1965) મળેલો, બિહારના મુજફ્ફરપુર જિલ્લાનો પ્રવાસ કરી ત્યાંના નકસલવાદીઓનાં હૃદયપરિવર્તન માટે પ્રયાસ કર્યો (1970). બાંગ્લાદેશની આઝાદી માટે વિશ્વમતની જાગૃતિ (1971) આદિ તેનાં થોડાંક જ ઉદાહરણ છે. મધ્યપ્રદેશના ચંબલખીણના વિસ્તારના ડાકુઓનું આત્મસમર્પણ (1972).

1973ના અંતે તેમણે ‘યૂથ ફૉર ડેમૉક્રસી’ની જાહેર અપીલ કરી લોકશાહીની શુદ્ધિ અને પૃષ્ટિના સંઘર્ષો માટે યુવજનો આગળ આવે એ મતલબની હાકલ કરી. 1974ના માર્ચમાં બિહારના છાત્રોએ એમનું નેતૃત્વ માગ્યું અને એમણે સ્વીકાર્યું તે સાથે ભારતીય રાજનીતિ એક નવા જ મોડ ઉપર પહોંચી ગઈ; કેમ કે ઊભરતા લોકઆંદોલન અને જયપ્રકાશના નેતૃત્વના સંધાન થકી, 1967ના સંવિદ (સંયુક્ત વિધાયક દળ) પ્રયોગને મુકાબલે કંઈક મૂળગામી ધોરણે, બિનકૉંગ્રેસવાદનો પ્રભાવક પ્રવેશ ને પ્રતિષ્ઠા શક્ય બન્યાં. રાષ્ટ્રીય વિકલ્પ પરત્વે રાજકીય બળોના નવગઠનની તથા તેને વાસ્તે લોકસ્વીકૃતિની ભૂમિકા રચાઈ. બિહાર આંદોલન હવે વિધાનસભા-વિસર્જનની માગમાં સીમિત ન રહ્યું અને એણે સંપૂર્ણ ક્રાંતિ-આંદોલનનું સ્વરૂપ પકડવા માંડ્યું.

ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી ચૂંટણીચુકાદો આવ્યો અને અલાહાબાદ હાઈકોર્ટે વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરીતિ સબબ કસૂરવાર ઠરાવ્યાં : જૂન 1975માં એકસાથે બનેલી આ ઘટનાઓએ અને જામતા આવતા આંદોલને ઊભા કરેલા પડકાર સામે ઇંદિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી તેમજ જયપ્રકાશ નારાયણ ને મોરારજી દેસાઈ સહિત અનેકોને જેલભેગા કર્યા; પરંતુ 1977માં કટોકટી હળવી થતાં લોકોએ અભૂતપૂર્વ ચૂંટણીચુકાદો આપી જયપ્રકાશની પ્રેરણાથી રચાયેલા જનતા પક્ષને મોરારજી દેસાઈના નેતૃત્વ સાથે સત્તારૂઢ કર્યો. આંતરિક સત્તાસંઘર્ષથી અંતે આ સરકાર પડી અને પક્ષ તૂટ્યો.

સફળતા-નિષ્ફળતાની દુનિયાદારી વ્યાખ્યાઓથી હઠીને જોતાં, જીવનના નાનાવિધ તબક્કા દરમિયાન જયપ્રકાશનું વૈચારિક વ્યક્તિત્વ ઊઘડતું આવે છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યમાં આર્થિક-સામાજિક અર્થ સંભરવાની એમની કોશિશ ને ખ્વાહિશ, ઔદ્યોગિક ધોરણે પ્રગત એવા પશ્ચિમથી વિપરીત ભારતીય-એશિયાઈ પરિસ્થિતિમાં ક્રાંતિના વાહક લેખે કામદારને મુકાબલે ખેડૂત ને ખેતમજૂરની વિશેષ ભૂમિકાનો નિર્દેશ, રાજ્ય કરમાઈ જવાને બદલે નાગરિકને પોતાની નાગચૂડમાં લઈ રહ્યું હોય ત્યારે માર્ક્સવાદના સ્થાપિત સ્વરૂપના સંબંધિત અંશોવિષયક પુનર્વિચારણાની સ્પષ્ટ ભૂમિકા, સાધનશુદ્ધિના ગાંધીવિવેકની ક્રાંતિકારી પ્રસ્તુતતા જેવી બાબતો એમને રાષ્ટ્રવાદ ને સમાજવાદ અંગેની ચાલુ સમજના દાયરાથી ઊફરા તારવી આપે છે.

કેવળ એકદેશીય એથી કરીને ખોડંગાતું દૂષિત – ઊણુંઅલૂણું પરિવર્તન નહિ પણ સર્વાંગી કે સર્વદેશીય પરિવર્તન; આ પરિવર્તનમાં રાજ્ય સહયોગી હોય તો ઠીક – અગર અવરોધક હોય તો તેનો પ્રતિકાર હોય; અને પહેલ તો વ્યક્તિ ને સમાજની હોય; ન્યાય, સ્વાતંત્ર્ય, સમતાનાં મૂલ્યોને અનુલક્ષીને જાતે સુધરવાની ને જમાત ને જગતને સુધારવાની પ્રક્રિયા અનિરુદ્ધ ચાલુ હોય એવો સંપૂર્ણ ક્રાંતિ-અભિગમ એમના અંતિમ પર્વની સ્મરણીય ભેટ લેખાશે. જનતા પક્ષને જે તબક્કે પોતાના અભિન્ન અંગ રૂપે જોતા હતા ત્યારે પણ એમણે છાત્રયુવા સંઘર્ષવાહિની અને લોકસમિતિ સરખાં બિનપક્ષીય સંગઠનો સ્થાપ્યાં ને વિકસાવ્યાં તે આ હેતુસર જ.

જયપ્રકાશ નારાયણનું મન સમય જતાં સ્વતંત્ર રાજકીય પક્ષની રચના બાબત ખુલ્લું થતું આવતું હતું. ચાલુ રાજકીય પક્ષો અને એમની જોડતોડની રાજનીતિને બદલે સંપૂર્ણ ક્રાંતિનાં મૂલ્યોને વરેલો રાજકીય પક્ષ જ પરિવર્તનનું સક્ષમ ઓજાર બની શકે એવી માન્યતા ઢ થતી આવતી હતી. આ જ વર્ષોમાં તે વર્ગસંઘર્ષ પરત્વે પણ સાનુકૂળપણે વિચારતા થયા હતા. એમનું કહેવું એમ હતું કે શાસકીય ને સામાજિક અગ્રવર્ગો પોતાની મેળે અવકાશ કરી આપશે એ આશાએ અનિશ્ચિત સમય લગી બેસી ન રહેતાં દબાયેલા વર્ગો કે પછાત જાતિઓ સંગઠિત ને ઉદ્યુક્ત થવાની પહેલ કરે તે ઇષ્ટ છે. અલબત્ત, સંઘર્ષના એમના અભિગમમાંથી હિંસા ને ધિક્કાર બાદ હતાં. વળી, આ વર્ગસંઘર્ષને તે કોઈ એક વર્ગની બીજા પરની સરસાઈ રૂપે નહિ પણ ન્યાયી સમન્વયની પ્રક્રિયા રૂપે જોતા હતા તે પણ પરંપરાગત કરતાં જુદો કહી શકાય એવો ખ્યાલ હતો. 1920માં જયપ્રકાશ નારાયણનાં લગ્ન પ્રભાવતી દેવી સાથે થયાં હતાં. બંનેએ આડંબર વગરનું સાદગીપૂર્ણ જીવન સ્વીકાર્યું હતું. પ્રભાવતી દેવીએ ગાંધી આદર્શો સ્વીકારીને જીવનભર બ્રહ્મચર્યવ્રત પાળવાનો નિર્ણય જયપ્રકાશજીને જાણ કર્યા વિના લીધો હતો. વિદેશથી પાછા ફરેલા જયપ્રકાશે પત્નીના આ નિર્ણયને સ્વીકારી અસાધારણ ઔદાર્ય દાખવેલું.

‘વાય સોશલિઝમ’ (1936), ‘ફ્રૉમ સોશલિઝમ ટુ સર્વોદય’ (1957), ‘અ પ્લી ફૉર રિકન્સ્ટ્રક્શન ઑવ્ ધ ઇન્ડિયન પૉલિટી’ (1959), ‘સ્વરાજ ફૉર ધ પીપલ’ (1961), ‘ફેસ ટુ ફેસ’ (1970) જેવા ગ્રંથોમાં એમની વિચારસૃષ્ટિનો પરિચય મળી રહે છે. બ્રહ્માનંદસંપાદિત ‘ટૉઅર્ડ્ઝ ટોટલ રેવલ્યૂશન’ એ 4 ખંડો ઉપરાંત ખાસ તો નારાયણ દેસાઈ ને કાન્તિ શાહ દ્વારા સંપાદિત ‘જયપ્રકાશ’ (1981) એ જયપ્રકાશ નારાયણને પામવાની ર્દષ્ટિએ આકર ગ્રંથની ગરજ સારી શકે તેમ છે.

1942ના વીરનાયક અને 1974થી 77ના લોકનાયક તરીકે ભારતના જાહેર જીવનમાં વિશિષ્ટ મુદ્રા અંકિત કરી જનાર જયપ્રકાશ નારાયણ સમાજવાદથી સર્વોદય લગીની એમની વિચારયાત્રા અને એની પરાકાષ્ઠારૂપ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના સંદર્ભમાં લાંબો વખત સંભારાશે.

પ્રકાશ ન. શાહ