જયદેવ (જ. 3 ઑગસ્ટ 1918, નૈરોબી; અ. 6 જાન્યુઆરી 1987, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સ્વરનિયોજક. મૂળ લુધિયાણાના વતની. લાહોરમાં અભ્યાસ. માત્ર 15 વર્ષની વયે અભિનેતા બનવા મુંબઈ આવ્યા. પણ નસીબજોગે તે સંગીતક્ષેત્રે સફળ થયા. સંગીતકાર ઉસ્તાદ અલી અકબરખાનના સહાયક તરીકે તેમની સાથે જયદેવે ‘આંધિયાઁ’ અને ‘હમસફર’ ફિલ્મોમાં કામગીરી બજાવી. સંગીતકાર એસ. ડી. બર્મનના સહાયક સંગીતકાર તરીકે ‘ટૅક્સી ડ્રાઇવર’માં સંગીત આપ્યું. વર્ષોના સંઘર્ષ બાદ 1955માં ચેતન આનંદકૃત ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ દ્વારા જયદેવ સ્વતંત્ર સંગીતકાર તરીકે આગવી ઓળખ પામ્યા. 1961માં દેવ આનંદકૃત ફિલ્મ ‘હમ દોનોં’ દ્વારા
જયદેવ લોકપ્રિયતા મેળવી શક્યા. તેમણે ગીતોની તર્જ બાંધવામાં અવનવા પ્રયોગ કર્યા હતા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ધ્રુપદશૈલી અને ખયાલને તેમણે ફિલ્મી ગીતોમાં સ્થાન આપ્યું હતું. તેમણે છાયા ગાંગુલી, હીરા દેવી મિશ્રા, અનૂપ જલોટા, ભૂપેન્દ્ર, ભીમસેન જોશી, પિનાઝ મસાણી, સુરેશ વાડેકર જેવા ગાયકોને ફિલ્મી ગીતો ગાવાની તકો આપી હતી. ‘રેશમા ઔર શેરા’, ‘ગમન’ અને ‘અનકહી’ એમ કુલ 3 ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ સંગીત બદલ તેમને 3 વખત રાષ્ટ્રીય પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 1986માં મધ્યપ્રદેશ સરકારે તેમને ‘લતા મંગેશકર ઍવૉર્ડ’ આપીને તેમનું સન્માન કર્યું હતું. 32 વર્ષની સિને કારકિર્દી દરમિયાન તેમણે 34 હિંદી ફિલ્મો, ભોજપુરી અને નેપાળી ફિલ્મ તેમજ ‘દૂરદર્શન’ માટે 4 ધારાવાહી શ્રેણીમાં સંગીત આપ્યું હતું. તેમને 4 વખત સૂર શિંગાર શમસાદ ઍવૉર્ડ એનાયત થયા હતા. લતા મંગેશકરના સ્વરમાં સંગીતબદ્ધ કરેલું લોકપ્રિય ભજન ‘અલ્લા તેરો નામ ઈશ્વર તેરો નામ’ જયદેવની યાદને ચિરંજીવ રાખે છે.
દિનેશ દેસાઈ