જયકાન્તન્ દંડપાણિ (જ. 1934) : તમિળ ભાષાના પ્રસિદ્ધ નવલિકા-લેખક, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, ફિલ્મ-સર્જક. દક્ષિણ તામિલનાડુના કુહલોર ગામમાં કૃષિકાર કુટુંબમાં જન્મ. ત્રીજા ધોરણ સુધી શિક્ષણ લઈ શાળા છોડી દીધેલી. દાદા અને મા સાથે સંવાદ ધરાવતા, પણ કંઈક વિવાદાસ્પદ સ્વભાવવાળા જયકાન્તનને પિતા સાથે મેળ નહોતો. 12 વર્ષની ઉંમરે ઘર છોડી ચાલી નીકળેલા. વિલ્લુપુરમમાં કાકાને ત્યાં રહેતાં કિશોરાવસ્થાથી જ કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા અને ત્યાં સુબ્રહ્મણ્યમ્ ભારતીની રચનાઓના પરિચયમાં આવ્યા. શાળામાંથી નીકળી ગયેલા આ સંતાનને કારણે વ્યથિત માતાએ એક પરિવારના મિત્રને તેને સમજાવવા જણાવ્યું અને ચેન્નાઈ પાછા લાવ્યા. વ્યવસ્થિત શિક્ષણ લીધું નહોતું, છતાં અહીં સીપીઆઈની પાર્ટીની ઑફિસમાં આવતા બૌદ્ધિકોની, જેવા કે જીવ જીવનાનંદમ્ અને બાલદંડાયુધમ્, તેમની વાતો એકાગ્રતાથી સાંભળતા, જુદી જુદી ઘટનાઓ અને અનુભવોને આત્મસાત્ કરતા સ્વ-શિક્ષણ પામતા ગયા. પાર્ટીની ઑફિસે જાણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ત્યાંના સભ્યો નજીકના સ્વજનો જેવા બન્યા. આ બાબતે તેમના જીવનના અભિગમ અને સાહિત્યિક કૃતિઓને પ્રભાવિત કરી. પણ તમિળ લેખનમાં તેમની ભૂલો જોઈ શ્રી જીવે એક પંડિત પાસે તેમને તમિળનું યોગ્ય શિક્ષણ અપાવ્યું. ગુજરાન માટે તરુણાવસ્થાથી જ જાતજાતનાં કામો કરવાં પડેલાં, છેવટે લેખક તરીકે સ્થિર થયા. પાર્ટીના પ્રિન્ટિંગ પ્રેસમાં અને સાંજે ‘જનશક્તિ’ સામયિક વહેંચવાના કામમાં શેરીઓમાં જતા. 1949માં પાર્ટી પર ઘણી મર્યાદાઓ આવતાં તાંજોરમાં તેમને એક જોડાંની દુકાનમાં પણ કામ કરવું પડ્યું. પછી ચેન્નાઈ આવી ગયેલા. આ સમયગાળામાં જયકાન્તન્ જેમને ‘ફાસિસ્ટ’ કહેતા તેવી DMK અને DK નામની પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. પાર્ટીમાં પણ અંદરોઅંદરના ઝઘડા, મતભેદોને કારણે તે ધીમે ધીમે સીપીઆઈમાંથી અલગ થતા ગયા, અને પછી તો રાજકારણમાંથી પણ. એમની વાર્તા ‘કારુંગલી’માં સીપીઆઈ પ્રત્યેની તેમની હતાશા પ્રકટ થયેલી જોવા મળે છે. ઈ. વી. રામસ્વામી અને તેમના બ્રાહ્મણવાદનો પણ જયકાન્તને સખત વિરોધ કર્યો. તેમનાં ભાષણ ખૂબ અસરકારક રહ્યાં. અન્ય પાર્ટીઓનાં ચિંતનની ચકાસણી કરતાં, તે કૉંગ્રેસ પાર્ટીના નેતા – મુખ્યમંત્રી  કામરાજથી મુગ્ધ બન્યા હતા. કૉંગ્રેસ પાર્ટી તરફનો ભાવ ચૂંટણી દરમિયાન વ્યક્ત થતો ગયો; સાથે કૉંગ્રેસ તરફી ઝોક રાખતા ‘નવશક્તિ’ છાપાના સંપાદક તરીકે પણ કામ કર્યું.

આરંભમાં સાથી કાર્યકર વિદ્વાન તમિલોલિએ જયકાન્તનને પુસ્તકો આપ્યાં; કળા પ્રત્યેનું પહેલું ડગલું ગામડાનાં શેરીનાટકોના પ્રેક્ષક તરીકેનું રહ્યું. અંગ્રેજી પુસ્તકોથી તેમની માનસિકતા પશ્ચિમના ચિંતકોથી ઘડાતી ગઈ. તેમની રચનાઓમાં માનવભાવોનું વિશ્લેષણ અને રચનારીતિ પણ આનાથી જ પ્રભાવિત છે. યુવાનીમાં નાટકકાર અને ફિલ્મની પટકથાના લેખનમાં નિષ્ફળતા તેમજ કટુતા સાંપડ્યાં. વળી વિદ્વાન જેવો અભિગમ પોતા પાસે નહીં હોવાથી તે આરંભમાં ટૂંકી વાર્તાઓ તરફ વળ્યા, પછીથી નવલકથા-લેખન. તેમણે એક વાર લખેલું કે તેમના બધા સાચા મિત્રો સોવિયેટ રશિયામાં રહેતા હતા. અલબત્ત રશિયા જવા માટે તેમને નિમંત્રણ મળ્યું હતું અને રાજ્યના મહેમાન બનેલા. તેમને ‘નહેરુ લિટરરી ઍવૉર્ડ’ પણ એનાયત કર્યો હતો.

12 સંગ્રહોમાં પ્રકટ થયેલી તેમની 200થી વધુ ટૂંકી વાર્તાઓ નિમ્ન મધ્યમવર્ગની માનવતા અને સાહસિકતાભરી હિંમતનું નિરૂપણ કરે છે; જીવન અને જગતની વાસ્તવિકતાનું તેમાં કલાત્મક રૂપ જોવા મળે છે. પાત્રોનું વૈવિધ્ય અને આલેખન કુશળતાથી થયું છે. તમિળ ભાષામાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનું નામ મોખરાનું છે. ‘લલેબી’ અને ‘ત્રિશંકુ સ્વર્ગમ્’ જેવી વાર્તાઓમાં જીવનમાં સાચો વિદ્રોહ કરી પોતાની અસ્મિતા પ્રકટાવતી નારીઓનાં ચરિત્રો છે. જોકે સર્જક તરીકે જયકાન્તન્ તેમની નવલકથાઓમાં ઉત્તમોત્તમ રૂપે પ્રકટે છે, જેમાં મથામણોના આલેખનને ખૂબ મોટો વ્યાપ મળે છે. ‘પૅરિસિક્કુપ’(પૅરિસ જાઓ – 1966)માં પ્રગતિશીલ યુવાન અને રૂઢિચુસ્ત પિતા વચ્ચેનો સંઘર્ષ તીવ્રતાથી નિરૂપાયો છે. તેમની યશોદાયી કૃતિ ‘શીલ નેરાંગિલ શીલ મણિતરકલ’(કેટલીક પળો અને કેટલાક લોકો – 1970)ને 1972નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એનાયત થયો હતો. તેમાં સમાજનાં અસંસ્કારી તત્વોનો ભોગ બનેલી ગંગાનું સમભાવપૂર્ણ ચિત્રણ છે; સમગ્ર ઘટના પ્રત્યેનો માનવતાભર્યો અભિગમ છે. વાર્તાકથનની શૈલીમાં પણ વૈવિધ્ય છે : ચેતનાપ્રવાહ, પાત્રોના બદલાતા ર્દષ્ટિકોણ અને ક્યારેક અસ્તિત્વવાદી વલણનો વિનિયોગ કરવામાં આવ્યો છે. તેમની બીજી મહત્વની રચનાઓમાં ‘યુગસંધિ’- (1963, નવલકથા), ‘જયકાન્તન્ ચિરુક્કથઈગલ’ (1973, ટૂંકી વાર્તા), ‘ઓરુ ઇલિક્કિયવાદિયિન કલઈઉલગ અનુભવાંગલ’ (1980, આત્મકથા) છે. તેમની રચનાઓના અનેક યુરોપીય ભાષાઓમાં અનુવાદ થયા છે. તંજાવુરની તમિળ યુનિવર્સિટીએ ‘રાજરાજ/ચોલા ઍવૉર્ડ’ (રૂ. 1,00,001) નવલકથા ક્ષેત્રે તેમણે કરેલા ઉત્તમ પ્રદાન બદલ એનાયત કર્યો છે.

1953થી – ‘સરસ્વતી’, ‘થમરાઈ’, ‘અનંત’, ‘વિકટાન’ જેવાં સામયિકોમાં લખવાનું શરૂ કરનાર જયકાન્તન્ પોતાને ‘લેખન દ્વારા ગુજરાન મેળવતા પહેલા તમિળ લેખક’ કહેતા. 20મી સદીના સક્ષમ અને વિપુલ પ્રમાણમાં સર્જન કરનાર તમિળ લેખક તરીકે ઊપસી આવ્યા. તેમણે ફિલ્મ બનાવવાના પણ પ્રયત્ન કરેલા. ‘ઉન્નૈપ્યોલ ઑરુવન’ નામની પોતાની નવલકથા પરથી એક ફિલ્મ બનાવેલી, જેને રાષ્ટ્રીય કક્ષાનો ફિલ્મ ઍવૉર્ડ મળેલો. દરમિયાન એક અભિનેત્રી, સાથેના થયેલા તેમના સંબંધને ‘ઑરુ નદિગાઈ નાદગમ્ પારક્કિરલ’ નામની નવલમાં આલેખ્યો હતો. તેમનાં છેલ્લાં લખાણોમાં ચિંતનાત્મકતા અને દર્શન જોવા મળે છે.

તેમને 1972માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક, 1996માં સાહિત્ય અકાદમીની મહત્તર સદસ્યતા, 2002માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ એનાયત થયાં હતાં. 2009માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નવલકથાઓમાં ‘શીલ નેરાંગિલ શીલ મણિતરકલ’ (1970), ‘સુંદરકાંડમ્’ (1982), ‘ઓ, અમેરિકા’ (1983), ‘અર્પુથમ’ (2008) વગેરે છે. તેમણે ઘણી નવલકથાઓ લખી છે. વાર્તાસંગ્રહોમાં ‘ઑરુ પિડિ સૉરુ સેપ’ (1958) ‘ગુરુપીડમ્’ (1971), ‘પુ ઉથિરમ’ (2000), ‘કુરૈપ પિરવી’ (2001) વગેરેનો સમાવેશ થાય છે.

અનિલા દલાલ