જયકર, મુકુંદ રામરાવ (જ. 13 નવેમ્બર 1873, મુંબઈ; અ. 10 માર્ચ 1959 મુંબઈ) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી મુત્સદ્દી, પ્રભાવશાળી વક્તા અને સમાજસેવક. જન્મ પઠારે પ્રભુ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. પિતાનું નામ હતું રામરાવ તથા માતાનું નામ સોનબાઈ હતું. પિતાનું મૃત્યુ થવાથી બાળક મુકુંદને દાદા વાસુદેવે ઉછેર્યા હતા. દાદા વિદ્વાન, તત્વજ્ઞાની અને વકીલ હતા. મુકુંદે મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો. એમ.એ., એલએલ.બી. થયા. બાદ 1903માં ઇંગ્લૅન્ડ જઈ, બૅરિસ્ટર થઈને 1905માં સ્વદેશ પાછા ફરી તેમણે મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. 1907માં બૉમ્બે લૉ સ્કૂલમાં પ્રાધ્યાપક તરીકે જોડાઈને પાંચ વર્ષ સેવા આપી હતી. 1937માં ભારતના સમવાયી ન્યાયાલયમાં ન્યાયમૂર્તિ નિમાયા. તે પછી લંડનમાં પ્રિવી કાઉન્સિલની જ્યુડિશિયલ કમિટીના સભ્યપદે નિમાયા. 1942માં તે પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું.

મુકુંદ રામરાવ જયકર

નાશિકમાં 1917માં ભરાયેલ સામાજિક પરિષદના તેઓ પ્રમુખ હતા. 1918માં પૂના જિલ્લા પરિષદના પ્રમુખ તરીકેના તેમના પ્રવચનની લોકમાન્ય ટિળક સહિતના આગેવાનોએ પ્રશંસા કરી હતી. 1917માં કૉલકાતા તથા 1918માં મુંબઈ મુકામે ભરાયેલ કાગ્રેસનાં અધિવેશનોમાં અસરકારક વ્યાખ્યાનો કર્યાં. 1925માં કૉંગ્રેસના કાનપુર ખાતેના અધિવેશનમાં ‘પ્રતિયોગી સહકાર’ તથા ‘બંગાળી રાજકીય નેતાઓનો જેલવાસ’ વિશે પ્રવચનો કર્યાં હતાં.

મુંબઈની વિધાન પરિષદમાં 1923–26 દરમિયાન સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે તથા 1926–30 દરમિયાન કેન્દ્રની ધારાસભામાં રાષ્ટ્રીય પક્ષના ઉપનેતા તરીકે તેમણે સેવાઓ આપી. તે સમયે તેમનાં વિચારપ્રેરક, માહિતીપ્રદ તથા આંકડા પર આધારિત પ્રવચનો સાંભળવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા અને તેમની સર્વત્ર પ્રશંસા થતી. બ્રિટિશ સરકાર અને ભારતીય નેતાઓ વચ્ચે લવાદ તરીકેના કામથી ડૉ. જયકર મુત્સદ્દી તરીકે નામાંકિત થયા. તેજબહાદુર સપ્રુ તથા જયકરના પ્રયાસોના પરિણામે ગાંધી-અર્વિન કરાર થયા. ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયેલા પૂના કરારમાં પણ તેમનો ફાળો મહત્વનો હતો. લંડનમાં મળેલ ગોળમેજી પરિષદમાં તેમણે ત્રણ વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં બ્રિટિશ સરકાર અને ભારતના નેતાઓ વચ્ચેની મંત્રણાઓમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.

શિક્ષણના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન ગણનાપાત્ર રહ્યું. બૉમ્બે યુનિવર્સિટી રિફૉર્મ્સ કમિટીના 1924-25માં તેઓ સભ્ય હતા. મહારાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપવાની વિચારણા માટેની સમિતિના 1941માં તેઓ અધ્યક્ષ નિમાયા અને 1948માં પૂના યુનિવર્સિટી સ્થપાઈ. કેળવણીકાર તરીકે તેમણે અન્નામલાઈ, લખનૌ, નાગપુર અને પટણા યુનિવર્સિટીઓના પદવીદાન સમારંભોમાં પ્રવચનો આપ્યાં હતાં.

સંગીત તથા કલાના મહાન ચાહક જયકરે શાસ્ત્રીય સંગીત અને લલિતકલાઓનો અભ્યાસ કર્યો હતો. ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા આયોજિત પરિષદના પ્રમુખપદેથી તેમણે આપેલ પ્રવચન આધુનિક સંગીતના ક્ષેત્રે નોંધપાત્ર અને મૌલિક પ્રદાન ગણાય છે. નાટ્ય પરિષદના પ્રમુખ તરીકે 1918માં તેઓ ચૂંટાયા હતા. મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનની સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે 1937–38માં સેવાઓ આપી હતી.

ડૉ. જયકરને સાંસ્કૃતિક તથા સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ હોવાથી, શરૂઆતનાં વરસોમાં આર્યન એજ્યુકેશન સોસાયટી સ્થાપી તેની હાયર સેક્ધડરી સ્કૂલના આચાર્ય તરીકે કામ કર્યું. તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા અને હિન્દુ લૉ ઉપરનું તેમનું પ્રદાન પ્રશંસનીય રહ્યું. તેમના દાદા વાસુદેવ કીર્તિકરે લખેલ ‘સ્ટડીઝ ઇન વેદાન્ત’ ગ્રંથનું તેમણે સંપાદન કર્યું. હિન્દુ તથા અન્ય ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરીને તે વિશેના પોતાના વિચારો ‘મરાઠા મંદિર’માં પ્રગટ કર્યા. ‘મહાભારત’ની વિવેચન સહિતની આવૃત્તિના પ્રકાશનાર્થે ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પોતે ફાળો આપીને વધુ રકમ એકઠી કરી આપી. સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓને રૂ. 2 લાખની ઉદાર સખાવતો કરી. ટિળક સ્વરાજ્ય ફંડમાં રૂ. 25 હજારનું દાન આપ્યું.

તેઓ સચ્ચાઈને અનુસરતા. બધા પક્ષો અને ધર્મના લોકોને તેમનામાં વિશ્વાસ હતો. સ્વાતંત્ર્યસંગ્રામના નેતાઓ ઉપર તેઓ વગ વાપરી શકતા. સિદ્ધાંતની બાબતમાં તેઓ સ્પષ્ટવક્તા હતા. બ્રિટિશ સરકારના ખિતાબો અને ઊંચા પગારના હોદ્દા સ્વીકારવાનો તેમણે ઇન્કાર કર્યો. પૂના યુનિવર્સિટીની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેના પ્રથમ કુલપતિ તરીકે તેમણે 1948–56ના સમયગાળામાં સેવાઓ આપી હતી.

જયકુમાર ર. શુક્લ