જમીલ મઝહરી મીર કાઝિમ અલી

January, 2012

જમીલ મઝહરી મીર કાઝિમ અલી (જ. 1905, બિહાર; અ. 1980) : ઉર્દૂ કવિ. તેમના પિતાનું નામ સૈયદ ખુરશીદ હુસેન હતું. તેમણે મોટીહારીમાં તેમનું પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1931માં ફારસીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે તેમની કારકિર્દી કૉલકાતા દૈનિકમાં પત્રકાર તરીકે શરૂ કરી; પરંતુ બ્રિટિશ શાસન વિરુદ્ધના વલણને કારણે તે સમાચારપત્ર જપ્ત કરવામાં આવ્યું.

બિહારમાં પ્રથમ વચગાળાની કાગ્રેસ સરકાર રચાતાં તેમને ઉર્દૂના પ્રચાર-અધિકારી નીમવામાં આવ્યા હતા. 1942માં ગાંધીજીની અસહકારની લડત જાહેર થતાં રાજીનામું આપી તેઓ ચળવળમાં જોડાયા અને થોડો વખત જેલવાસ પણ ભોગવ્યો. તે પછી થોડો વખત તેમણે મુંબઈ, કૉલકાતા અને લાહોરમાં ફિલ્મોમાં ઊર્મિ ગીતકાર તરીકે કામગીરી કરી.

1946માં સરકારી નોકરીમાં તેઓ જોડાયા અને પટણા કૉલેજમાં ઉર્દૂના અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. પછી 1974 સુધી તેમણે યુનિવર્સિટીનાં જુદાં જુદાં પદો શોભાવ્યાં. શરૂઆતમાં તેઓ પ્રસિદ્ધ શાયર ‘વશહત’ કલકત્તવીના સંપર્કમાં આવ્યા અને તેમણે તેમને ગુરુપદે સ્થાપ્યા. કવિતાના માધ્યમ દ્વારા જનજાગૃતિ માટે તેઓ પ્રયાસો કરતા રહ્યા.

તેમણે રુબાઈ, કાટા, મરસિયાં, ગીતનો ઉપયોગ કરીને નજમો તેમજ ગઝલોની રચના કરી. તેમાં તત્કાલીન રાજકીય અને સામાજિક સમસ્યાઓમાં ઊંડી સૂઝ પૂરી પાડવામાં આવી છે. તેમનાં કાવ્યોમાં દેશભક્તિ, માતૃભૂમિ માટે પ્રેમ, આઝાદીની ઝંખના, રાજાશાહીનાં શોષણ સામે વિરોધ અને ધાર્મિક સિદ્ધાંતવાદ જેવા વિષયો વણી લેવામાં આવ્યા છે. તેમનાં ‘મસ્નવી આબઓ-સરાબ’ જેવાં કાવ્યોમાં માનવી અને વિશ્વ, માનવી અને ઈશ્વર, જીવન અને મૃત્યુ જેવા પ્રશ્નો અંગે સંપૂર્ણ દાર્શનિક ચિંતન જોવા મળે છે. ઇકબાલ તેમના માર્ગદર્શક હતા. આ નિષ્ણાત કવિના સેંકડો શિષ્યો હતા. તેમની રચનાઓમાં ભાષાની શિષ્ટતા, સચોટતા અને લાગણીઓની વેધકતા એ નોંધપાત્ર લક્ષણો ગણાયાં છે. તેમની ગદ્યકૃતિઓ હજી છપાઈ નથી.

તેમની મુખ્ય કૃતિઓમાં ‘નકશ-એ-જમીલ’ (કાવ્યો, 1953), ‘ફિક-એ-જમીલ’ (કાવ્યો 1958), ‘મસ્નવી-ઓ-સરાબ’ (1970), ‘વિજૂદાન-એ-જમીલ’ (1979), ‘ઇરફાન-એ-જમીલ’ (1979), ‘ફાથ-એ-શિકસ્ત’  (નવલિકા, 1950)નો સમાવેશ થાય છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા