જમીન-વિકાસ બૅંક : ખેતીવાડી તથા ગ્રામવિકાસ સાથે સંકળાયેલી બિનખેતીની પ્રવૃત્તિઓને લાંબા ગાળાનું ધિરાણ આપતી બૅંક. ભારતની વસ્તીનો 80 % ભાગ ગામડાંમાં રહેતા ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ ઉપર આધાર રાખતા લોકોનો છે. ખેત-ઉત્પાદન વધારવા માટે ખેતીવાડીની વિવિધ ઉત્પાદનપ્રક્રિયાઓ જેવી કે જમીનની સુધારણા, ટ્રૅક્ટર, ટ્રૉલી અને થ્રેશરના ઉપયોગ દ્વારા યાંત્રિકીકરણ, સાધનસામગ્રી અને નિક્ષેપો(inputs)ની ખરીદી વગેરે માટે સામાન્ય વ્યાપારી બૅંકો લાંબા ગાળાનું અને મોટી રકમનું ધિરાણ આપતી નથી, કારણ કે ખેતીવાડી અનેક અનિશ્ચિત પરિબળો ઉપર આધાર રાખતો અસ્થિર ઉદ્યોગ છે. આ સંજોગોમાં શાહુકારો મોટા ભાગે પઠાણી વ્યાજ લઈને અને ગેરરીતિઓ અપનાવીને દેશના ખેડૂતોને ખેતી માટે કરજ આપતા હતા અને તેમની નિ:સહાયતા, અજ્ઞાનતા અને જરૂરિયાતોનો ગેરલાભ લઈને તેમનું શોષણ કરતા હતા. શાહુકારોની ચુંગાલમાંથી ખેડૂતોને મુક્ત કરાવવા માટે ભારતમાં સહકારી માળખા દ્વારા પ્રયત્નો શરૂ થયા. સૌપ્રથમ 1863માં તે સમયના ચાર્ટર મુજબ ઇંગ્લૅન્ડમાં રજિસ્ટ્રેશન કરાવીને ‘લૅન્ડ મૉર્ગેજ બૅંક’ની સ્થાપના થઈ; પરંતુ તેને સફળતા મળી નહિ. ત્યારપછી લાંબા ગાળાના કૃષિધિરાણ માટે સહકારી ક્ષેત્રે 1920માં પંજાબમાં અને ત્યારબાદ સમયાંતરે ચેન્નાઈ, મુંબઈ, અસમ, ઉત્તરપ્રદેશ, મૈસૂર વગેરે રાજ્યોમાં લૅન્ડ મૉર્ગેજ બૅંકોની સ્થાપના થઈ. ભારતમાં હાલમાં રાજ્યસ્તરની આવી 19 બૅંકો છે.

ગુજરાતમાં ‘સૌરાષ્ટ્ર રાજ્ય મધ્યસ્થ સહકારી લડ મૉર્ગેજ બૅંક લિમિટેડ’ની સ્થાપના 1951માં થઈ. તે વખતના સૌરાષ્ટ્ર રાજ્યમાં આવેલી જમીન ઉપરના માલિકી હક જમીનદારના ગણોતિયાઓને મળી શકે તે માટે રાજ્યની આ ટોચની બૅંકે લગભગ 56,000 ગણોતિયાઓને રૂ. 2.64 કરોડનું ધિરાણ કર્યું. બૅંકની કામગીરી તે સમયના સૌરાષ્ટ્ર રાજ્યના પાંચ જિલ્લાઓમાં મર્યાદિત હતી. 1957માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. બૃહદ મુંબઈ રાજ્યમાં બૅંકે પોતાની કામગીરી અલગ સંસ્થા તરીકે અગાઉની જેમ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં જ ચાલુ રાખી, દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી 1960માં ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થયા પછી 1961થી બૅંકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું અને તેમ કરવા માટે પોતાના નામમાં ‘ગુજરાત રાજ્ય સહકારી લૅન્ડ મૉર્ગેજ બૅંક લિમિટેડ’ એમ ફેરફાર કર્યો. ત્યારપછી ગીરો (mortgage) બૅંકિંગની કામગીરીના બદલે જમીન-વિકાસ માટે ધિરાણ આપવાનો અભિગમ અપનાવવામાં આવ્યો. તેથી 1965માં બૅંકના નામમાં ફેરફાર કરી ‘ગુજરાત રાજ્ય સહકારી જમીન-વિકાસ બૅંક લિમિટેડ’ નામાભિધાન કરવામાં આવ્યું. તાજેતરમાં બિનખેત જમીનક્ષેત્ર (non-farm sector) અને ગ્રામીણ વિકાસ(rural development)ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે હેતુલક્ષી ધિરાણ યોજનાનું કામકાજ બૅંકે શરૂ કર્યું છે. તેથી, કામગીરી સાથે સુસંગત તેવું નામાભિધાન ‘ધ ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ બૅંક લિમિટેડ’ કરવામાં આવ્યું છે.

આ બૅંક ગુજરાત રાજ્યના સહકારી ક્ષેત્રે ટોચની ધિરાણસંસ્થા છે. ખેતી વિકાસના કાર્યક્રમમાં રોકાણ કરવા માટે મૂડી પૂરી પાડે છે. એકતંત્રી (unitary) માળખું ધરાવતી આ બૅંક 17 જિલ્લા-કાર્યાલયો અને 3 વિભાગીય કાર્યાલયો દ્વારા 178 શાખાઓનું સંચાલન કરે છે. તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે તેમજ બીજું કાર્યાલય રાજકોટ ખાતે છે.

આ બૅંકની ધિરાણનીતિ 1954ના વર્ષથી જ ઉત્પાદનલક્ષી રહેલ છે અને તે ઉત્પાદકીય હેતુઓ માટે ધિરાણ આપે છે જેને કારણે ખેડૂતનું ખેત-ઉત્પાદન સતત વધતું રહ્યું છે. આંકડાકીય માહિતીને આધારે આ જોઈ શકાય છે. જમીન-સુધારણાના કામની આર્થિક ક્ષમતા, તાંત્રિક માપદંડો અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાનમાં લઈને ધિરાણ આપવામાં આવે છે. જમીનની જામીનગીરીના મહત્વને બદલે સુધારણા પછી ભવિષ્યમાં થનાર વધારાની ઊપજના સંદર્ભમાં અર્થક્ષમતા તપાસી હેતુનું મૂલ્યાંકન કરી પછીથી જ ધિરાણ આપવામાં આવે છે.

બૅંકનો ધિરાણ-અભિગમ યોજનાકીય છે તેમજ ધિરાણ કાર્યવહી પણ સરળ છે. ધિરાણ-મંજૂરીના અધિકારો જિલ્લા-મથક ઉપર આવેલ જિલ્લા ધિરાણ સમિતિને આપવામાં આવેલા છે. બૅંકની ધિરાણ કાર્યરીતિ આ રીતે વિકેન્દ્રિત થયેલી હોઈ ધિરાણ લેનાર ખેડૂતની ઋણ પરત – ભરપાઈ કરવાની ક્ષમતાને તપાસીને જ ધિરાણ-અરજી લગભગ 15થી 20 દિવસમાં મંજૂર કરવામાં આવે છે. સાથે સાથે વખતોવખત ધિરાણનીતિની સમીક્ષા કરી વ્યવહારુ નિર્ણયો લેવામાં આવે છે. આ બધું જ કાર્ય ‘નાબાર્ડ’(National Bank for Agriculture and Rural DevelopmentNABARD)ના નિયમાનુસાર કરવાનું રહે છે. ધિરાણ-મંજૂરી માટે હેક્ટરદીઠ ભવિષ્યમાં થનાર ખેત-ઉત્પાદનનો આર્થિક અંદાજ, અને માલિકી કબજા તથા ખેડ હેઠળની જમીન તથા ઋણ ભરભાઈ કરવાની અરજદાર ખેડૂતની ક્ષમતા સાથે સરખાવી વિવિધ ધોરણો નક્કી કરવામાં આવે છે. તેના આધારે અરજદારની ઋણ-અરજી વહેલી તકે મંજૂર કરવામાં સરળતા રહે છે. વળી એકસૂત્રીપણું કે સમાનતા જાળવી શકાય છે. ટ્યૂબવેલ, ટ્રૅક્ટર, ઉદવાહ-સિંચાઈ માટેની સાધનસામગ્રી કે મોંઘી વીજળી-મોટરો અને પંપસેટ અથવા તો બજારો બાંધવા જોઈતી મોટી રકમની ઋણ-અરજી મંજૂર કરતી વખતે સદર ધોરણોને ધ્યાનમાં લીધા વગર વ્યક્તિગત આર્થિક સધ્ધરતાને ધ્યાનમાં લઈ ધિરાણ-મંજૂરી આપવામાં આવે છે.

બૅંકે નક્કી કર્યા મુજબ લગભગ 30–31 જેટલા હેતુઓ માટે જેવા કે નવા કૂવાનાં બાંધકામ/દુરસ્તી, જૂના કૂવાને ઊંડે ઉતારવા માટે અને બાંધકામ માટે, ઑઇલ-એન્જિન, વીજળી-મોટર, સબમર્સિબલ પંપસેટ ખરીદવા-ગોઠવવા માટે, ઊંડા ટ્યૂબવેલોના બાંધકામ માટે, ઉદવાહ-સિંચાઈ હેતુ માટે, સિમેન્ટની કે પીવીસી પાઇપલાઇન નાખવા માટે, સિંચાઈ માટે, રૅંટ/માળખું ખરીદી સારુ, ટપક કે છંટકાવ-સિંચાઈનાં સાધનો માટે, કૂવાનું વીજળીકરણ કરવા માટે, દુધાળાં પ્રાણી (ગાય, ભેંસ, બકરી કે ઘેટાં) ખરીદવા માટે, દૂધમંડળી માટે, દૂધઘરના બાંધકામ માટે, દૂધ-સંયંત્ર, શીતાગારના બાંધકામ માટે, તથા વિસ્તરણ જેવી ડેરી-ઉદ્યોગની વિકાસપ્રવૃત્તિ માટે, પ્રાણીની ગમાણો  તબેલાના ગ્રામીણ વખારો અને ફાર્મ-હાઉસના બાંધકામ માટે, ઘાસ-જમીન-ખેતી માટેના વિકાસકાર્ય માટે, બાયૉ-ગૅસ/ગોબરગૅસ સંયંત્રના બાંધકામ માટે; નારિયેળી, ચીકુ, જામફળ, કેળની વાડીઓ અને આંબાવાડીઓ વિકસાવવા માટે; વૃક્ષઉછેર કરી અથવા પાક રોપણી કરી પડતર ભૂમિના વિકાસ માટે; ટ્રૅક્ટર, યાંત્રિક કૃષક, ટ્રેલર અને અન્ય ઓજારોની ખરીદી માટે; થ્રેશર કે ઓપનરની ખરીદી માટે, જમીનસંરક્ષણની યોજનાઓ જેવી કે પાળાની કામગીરી, માટીની પૂરણી, માટીનું ધોવાણ અટકાવવાની કામગીરી, કૃષિઉત્પન્ન બજાર(એગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ યાર્ડ)ના વિસ્તરણ તથા મકાન-બાંધકામ માટે, બટાકા અને અન્ય શાકભાજીનાં શીતગૃહોનાં બાંધકામ માટે, બળદ-ખરીદી, બળદ-ગાડી તથા ઊંટ-ગાડી ખરીદી, મરઘાં-ઉછેર કેન્દ્ર, મત્સ્યોદ્યોગ, ગૃહોદ્યોગ કે ગ્રામીણ ઉદ્યોગો તેમજ હાથસાળનાં વિકાસકામો માટે તેમજ ગ્રામીણ ગૃહયોજના માટે  એવા ઉપર્યુક્ત યાદીમાં જણાવેલ જુદા જુદા 30થી 31 જેટલા હેતુઓ માટે અને તેમને લગતી યોજના કે પ્રવૃત્તિ માટે બૅંક ધિરાણ આપે છે. બિનખેતીને લગતાં કાર્યો માટે/યોજના માટે (જેમ કે હસ્તકલા-ઉદ્યોગ) તેમજ ગ્રામીણ શ્રમજીવીઓ/કારીગરોને પણ બૅંક તરફથી ધિરાણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જમીન-વિકાસ બૅંકને ઉપક્રમે નાણાકીય વર્ષ 2008-09ના અંતે 6,77,547 સભાસદો, 181 શાખાઓ આશરે રૂ. 829 કરોડનું ભંડોળ. રૂ. 8.99 કરોડની સ્થાયી અસ્કામતોનો રૂ. 19.16 કરોડના રોકડ તથા બૅંકમાં પુરાંત રૂ. 100 કરોડનાં રોકાણો અને રૂ. 664.59 કરોડનાં ધિરાણો થયેલ હતાં.

બાલમુકુન્દ પંડિત