જમીનમહેસૂલ : જમીન પર આકારવામાં આવતું રાજસ્વ. રાજાશાહીના અસ્તિત્વ પહેલાંના પ્રાગૈતિહાસિક કાળમાં જંગલની જમીન જે ખેડે તે તેનો માલિક ગણાતો; પરંતુ ત્યારબાદ રાજાઓએ જે જે પ્રદેશો જીત્યા, તેમની માલિકી તેમણે પોતાની ગણી અને ભૂમિના પ્રત્યક્ષ કબજેદારો પાસેથી તેમના રક્ષણના બહાને તેમણે જમીનની ઊપજનો અમુક ભાગ રાજસ્વ કે રાજભાગ તરીકે લેવા માંડ્યો. તેનો ઉલ્લેખ પુરાણગ્રંથોમાં છે. જમીનમહેસૂલની વર્તમાન પ્રથાની શરૂઆત તેમાંથી થઈ. ચક્રવર્તી રાજાઓ તેમના ખંડિયા રાજાઓ કે જમીનદારો પાસેથી રાજભાગ ઉઘરાવતા અને ખંડિયા રાજાઓ કે જમીનદારો રૈયત પાસેથી મન ફાવે તેમ તે વસૂલ કરી લેતા. ‘મહેસૂલ’ શબ્દ મુઘલકાળમાં પ્રચલિત થયો. આજે પણ તમામ ભૂમિ રાજ્યની માલિકીની ગણાય છે અને વ્યક્તિના આધિપત્ય તળેની ભૂમિ પણ જાહેર હિત માટે વળતર આપીને રાજ્ય હસ્તગત કરી શકે છે.

જમીનોની માપણી કરીને મહેસૂલ નક્કી કરવાનું પદ્ધતિસર કાર્ય શેરશાહ સૂરીના વખતમાં રાજા ટોડરમલે શરૂ કરાવ્યું. 1865માં દિલ્હીના શહેનશાહ શાહઆલમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દીવાની સોંપીને બંગાળ, બિહાર અને ઓરિસામાં તેમને મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો આપ્યો. ધાર્મિક કે બીજા હેતુઓ માટે ભેટ આપેલી જમીનનું મહેસૂલ માફ કરાતું. અંગ્રેજ અમલ દરમિયાન પ્રાંતવાર મહેસૂલના અલગ અલગ નિયમો ઘડાયા. મુંબઈ પ્રાંત માટે 1827નો રેગ્યુલેશન 17 રાજ્યના અને વ્યક્તિઓના હકોની જાળવણી તેમજ આકારણી તથા વસૂલાત માટે ઘડાયો; તે અન્વયે મહેસૂલ ભરવાની પ્રાથમિક જવાબદારી ખાતેદાર (holder) ઉપર નંખાઈ. આ પદ્ધતિ રૈયતવારી પદ્ધતિ કહેવાઈ. આ નિયમમાં વખતોવખત સુધારા થયા બાદ મુંબઈનો 1879નો જમીન-મહેસૂલ અધિનિયમ અમલી બન્યો. આ કાયદામાં મહેસૂલી અધિકારીઓના અધિકારો, કામકાજના નિયમો, સરકાર તથા ખાતેદારોના હકો, મહેસૂલ-વસૂલાતની પદ્ધતિ, જમીન આકારણીના નિયમો તથા અપીલ અને ફેરતપાસ (revision) વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

1901 પહેલાં સામાન્ય રીતે બધી જમીનો ‘જૂની શરત’ની ગણાતી, તેમાં ખાતેદારના લગભગ અબાધિત હકો હતા; પરંતુ ત્યારબાદ સરકાર અમુક શરતોને અધીન અથવા કાયદામાં સુધારો કરી કોઈને જમીન આપે ત્યારે તે ‘નવી શરત’ની ગણાતી અને સરકારની પરવાનગી વગર તે તબદીલ કરી શકાતી નહિ. વળી કબજેદાર ખેતીની જમીનનો બિનખેતીની જમીન તરીકે ઉપયોગ કરવા ઇચ્છે ત્યારે કલેક્ટરની પરવાનગી જોઈએ; પરંતુ પંચાયતી રાજ્યની સ્થાપના પછી બિનખેતીની પરવાનગી આપવાના અધિકારો જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યા. પોતાના હુકમની નકલ તેમણે કલેક્ટરને મોકલવી પડે છે. તે જ રીતે ગામનો મહેસૂલી અધિકારી તલાટી/મંત્રી છે, જે મહેસૂલના કામ માટે તલાટી અને પંચાયતના કામ માટે મંત્રી કહેવાય છે. આ કાયદા મુજબ નીચેની કક્ષાના અધિકારીએ કરેલા હુકમ પર તેના નજીકના ઉપરી-અધિકારીને અપીલ થઈ શકે. કલેક્ટરના હુકમ પર ફેરતપાસ માત્ર સરકારના ખાસ સચિવ સમક્ષ થઈ શકે. ગુજરાતમાં કોઈ પણ મહેસૂલી અધિકારીના હુકમ પર ફેરવિચારણા(reviews)નો પ્રબંધ નથી. આ કાયદાની અમુક જોગવાઈઓ અનુસાર અપીલ કે ફેરતપાસ ગુજરાત મહેસૂલ પંચ (રચના, 1939) સમક્ષ થઈ શકે છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી