જમનોત્રી : જમના નદીના ઊગમસ્થાને આવેલું તીર્થક્ષેત્ર. જૂના વખતમાં તે ગઢવાલ રાજ્યનો ભાગ હતો; પરંતુ હવે તે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો ભાગ ગણાય છે. તે સમુદ્રની સપાટીથી આશરે 6316 મીટર ઊંચાઈ પર, હિમાલય પર્વતશ્રેણીના બંદરપૂંછ શિખરની પશ્ચિમે 10 કિમી. અંતરે આવેલું છે. બંદરપૂંછ શિખર બારે માસ હિમાચ્છાદિત હોય છે અને આ હિમનદીમાંથી જમના નદીનો પ્રવાહ શરૂ થાય છે. રામાયણ પૂરું થયા પછી રામભક્ત હનુમાન તપ કરવા માટે આ

જમનોત્રી
શિખર પર આવ્યા હતા અને તેથી તેનું નામ બંદરપૂંછ પડ્યું એવી લોકવાયકા છે. જમનોત્રીની નજીકમાં જમનાનું નાનું મંદિર છે જે લાકડાનું બનેલું છે. મંદિરમાં કૃષ્ણ પાષાણની બનેલી જમનાની મૂર્તિ તથા આરસપહાણની બનેલી ગંગાની મૂર્તિ છે. વૈશાખ સુદ ત્રીજ – અક્ષયતૃતીયાથી અશ્વિન પૂર્ણિમા સુધી અહીં તેમની પૂજા થાય છે. ત્યાર બાદ આ સમગ્ર પર્વતશ્રેણી બરફથી ઢંકાઈ જતી હોવાથી આ બંને મૂર્તિઓ દર વર્ષે તળેટીના ખરસાળી ગામમાં નીચે લઈ જવામાં આવે છે, જ્યાં તેમની પૂજાઅર્ચના થાય છે. જમનોત્રીનું તીર્થક્ષેત્ર છે ત્યાં ગરમ પાણીના 5 કુંડ છે જેમાંથી બે કુંડનું પાણી અત્યંત ઊંચા તાપમાન પર સતત ઊકળતું હોય છે. આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના તથા હાડકાંના રોગો દૂર થાય છે એવી માન્યતા છે. શ્રદ્ધાળુઓ આ કુંડમાં ચોખાની પોટલી ડુબાડીને તેનાથી 15 મિનિટમાં તૈયાર થતો ભાત પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. નજીકમાં એક નાની ધર્મશાળા પણ છે જેમાં 25થી 30 યાત્રાળુઓનો સમાવેશ થઈ શકે છે.
જમનાના ઊગમસ્થાનનો મુખ્ય પહાડ અનેક નાનામોટા પહાડોની પર્વતશ્રેણીમાં વહેંચાયેલો છે જેમાંથી આ નદીના અસંખ્ય નાનામોટા પ્રવાહ નીચે પડતા હોય છે. તેમાંથી જે મુખ્ય ધોધ બને છે તે મહાકાય રૂપ ધારણ કરે છે.
જમનોત્રીની યાત્રા અત્યંત કઠિન અને કષ્ટપ્રદ છે અને તેથી મોટા ભાગના પગપાળા યાત્રાળુઓ હનુમાનચટ્ટી અને જાનકીચટ્ટી એમ બે તબક્કામાં યાત્રા કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે