જમદગ્નિ : ઉત્તર વૈદિક કાળના ઋષિ. ભૃગુ ઋષિના કુળમાં જન્મેલા ઋચીક અને ગાધિરાજાની પુત્રી સત્યવતીના પુત્ર. આ ઋષિના નામનો સીધો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં નથી મળતો; પરંતુ તૈત્તિરીય સંહિતા –કૃષ્ણ યજુર્વેદ(7-1-9-1)માં એના બે વંશજોનો નામોલ્લેખ કર્યા વિના પરોક્ષ નિર્દેશ થયેલો જોવા મળે છે. પંચવિંશ બ્રાહ્મણ(21-10-6)માં બતાવ્યા પ્રમાણે આ ‘ઔર્વ’ ભાઈઓ હતા. આ ઉપરથી એવું કહી શકાય કે ‘જમદગ્નિ’ ઋષિનું અસ્તિત્વ ઉત્તર વૈદિક કાલ (આજથી ઓછામાં ઓછા 8થી 10 સહસ્રાબ્દી) જેટલું પ્રાચીન છે. જમદગ્નિનું બીજું નામ આર્ચીક પણ હતું. એ ગાધિકુલના મહર્ષિ વિશ્વામિત્રના ભાણેજ હતા. સમયની ર્દષ્ટિએ વિશ્વામિત્રનો નામોલ્લેખ ઋગ્વેદ(3-33-5)માં રાજા સંભવત: કુશિકના પૌત્ર તરીકે ઉપરાંત ‘વિશ્વામિત્ર’ નામથી જ ઋગ્વેદ (3-53-7 અને 12)માં નિર્દેશ થયેલો છે. ઋગ્વેદનું આખું ત્રીજું મંડલ ‘વિશ્વામિત્ર’ અને એના વંશજોનું રચેલું છે. વિશ્વામિત્રના પિતાનું નામ ગાથી (વૈદિક) અને દાદાનું નામ કુશિક હતું. ઋગ્વેદનાં મંડલ 3થી 8 પ્રાચીનતમ હોઈ વિશ્વામિત્ર ઋગ્વેદકાલીન ગણાય. જમદગ્નિનો સમય બાલ ગંગાધર ટિળકે ‘ઓરાયન (મૃગશીર્ષ)’ નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે આજથી દસેક સહસ્રાબ્દી ઉપરનો હોઈ એનાં લગ્ન રાજા પ્રસેનજિત(વૈદિક સાહિત્યમાં અનુલ્લિખિત)ની પુત્રી રેણુકા સાથે થયાં હતાં. રેણુકાથી જમદગ્નિને રુમણ્વાન, સુષેણ, વસુમાન, વિશ્વાવસુ અને રામ – પરશુરામ પુત્રો થયા. આ પુત્રોનાં નામ પણ વૈદિક સાહિત્યમાં નથી.

પૌરાણિક આખ્યાયિકા પ્રમાણે આ ઋષિ ઘણા ક્રોધી હતા. એક વાર રેણુકા નદીએ નાહવા ગઈ ત્યારે માર્તિકાવતનો રાજા ચિત્રરથ જલક્રીડા કરવા અનેક સ્ત્રીઓ સાથે નદીએ આવેલો. એને જોવા રેણુકા થોડી રોકાઈ. ઘેર મોડી પહોંચતાં ઋષિએ ક્રોધમાં પુત્રોને એનું માથું કાપી નાખવા જણાવતાં બીજા પુત્રો તો ખંચાયા પણ રામે ભાઈઓનાં માથાં સહિત માતાનું માથું કાપી નાખ્યું. પિતાએ પ્રસન્ન થઈ વરદાન માગતાં રામે ભાઈઓ અને માતાને સજીવન કરવાનું માગ્યું. પિતાએ ક્રોધ ત્યજી સજીવન કર્યાં.

એક વાર હૈહય રાજા સહસ્રાર્જુન જમદગ્નિના આશ્રમમાં આવ્યા. ઋષિએ કામધેનુ ગાયના બળથી રાજાનો સારો સત્કાર કર્યો. આ જોઈને રાજાએ બળાત્કારે કામધેનુનું હરણ કર્યું. જમદગ્નિ ક્રોધજિત બન્યા હોવાથી કશું બોલ્યા નહિ; પરંતુ રામ રાજાની હત્યા કરી રાજા પાસેથી કામધેનુ છોડાવી લાવ્યા. આનો બદલો લેવા રાજાના પુત્રો આશ્રમમાં આવ્યા અને જમદગ્નિ ઋષિની હત્યા કરી. આથી છંછેડાઈ પરશુરામે પ્રતિજ્ઞા લઈ ભૂતલ ઉપર બધા ક્ષત્રિયોને મારી નાખ્યા.

કે. કા. શાસ્ત્રી