જબલપુર : ભારતના મધ્યભાગમાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિકસ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 23 10´ ઉ. અ. અને 79 56´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જે સમુદ્રની સપાટીથી સરેરાશ 412 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને કટની, પૂર્વે ઉમરિયા અને ડિડોંરી, અગ્નિએ માંડલ, દક્ષિણે સીઓની, નૈર્ઋત્યે નરસિંહપુર, પશ્ચિમે અને વાયવ્યે દમોહ જિલ્લા સીમા રૂપે આવેલા છે.
અહીં આરસપહાણ, ચૂનાના પથ્થર, રેતી પથ્થર અને શેઈલ ખડકો આવેલા છે. આ જિલ્લાની મુખ્ય નદી નર્મદા છે. અન્ય નદીઓમાં હિરણ અને સોન છે. આ જિલ્લામાંથી વહેતી નર્મદા અને સોન કે જ્યાં અહીંના ખડકો જળવિભાજકનું કાર્ય કરે છે. નર્મદા નદીએ આરસપહાણના ખડકોને પોતાની તાકાત દ્વારા કોતરી નાખ્યા હોવાથી અહીં વિશાળ કોતરો નિર્માણ પામ્યા છે. અહીં નિર્માણ પામેલો ધુંઆધરનો ધોધ જેની ઊંચાઈ 10 મીટર જેટલી છે. આ નદી ઈશાનથી અગ્નિ દિશાએ વહે છે કે જ્યાં સાંકડી ખીણ નિર્માણ પામી છે.
આબોહવા–વનસ્પતિ : મધ્ય ભારતમાં એપ્રિલ, મે અને જૂનના ઉનાળાના સમયગાળામાં ગરમીનું પ્રમાણ અધિક અનુભવાય છે. મધ્યપ્રદેશના લગભગ મધ્યભાગમાં આવેલ જબલપુર જિલ્લો ભૂમિબંદિસ્ત છે. પરિણામે અહીં મહત્તમ તાપમાન 41 સે. જ્યારે શિયાળામાં નવેમ્બર-ડિસેમ્બરમાં લઘુતમ તાપમાન 12 સે. જેટલું રહે છે. વર્ષાઋતુ એટલે કે જૂન-જુલાઈ-ઑગસ્ટ માસ દરમિયાન વરસાદ અનુભવાય છે. અહીં સરેરાશ વરસાદ 400 મિલી. જેટલો પડે છે.
આ જિલ્લામાં આવેલા જંગલો શુષ્ક પાનખર જંગલો કહેવાય છે. જેમાં સાગ, સાદડ, મહુડો, પલાસ, ખેર, રોઝવુડ, ટીમરુ, હરડે, ચારોળી વગેરે વૃક્ષોનું પ્રમાણ અધિક છે. કેટલાંક વૃક્ષોનું લાકડું ઇમારતી ગણાય છે. આ જંગલોમાં મોટા ભાગના વન્યજીવો વનસ્પતિ ઉપર નભનારા છે. જેમાં હરણ, સાબર, વાનર, જંગલી ભૂંડ મુખ્ય છે. જ્યારે હિંસક પ્રાણીઓમાં વાઘ, દીપડો, રીંછ વગેરે છે.
અર્થતંત્ર–પરિવહન–પ્રવાસન : આ જિલ્લામાં સોન અને નર્મદાના થાળાનો પ્રદેશ આવેલો હોવાથી ખેતી મુખ્ય છે. ખેતીમાં ઘઉં, ડાંગર, જુવાર, ચણા, સોયાબિન અને તેલીબિયાંની ખેતી મુખ્ય છે. જંગલમાં વસનારા લોકો પ્રાથમિક કક્ષાની ખેતી કરે છે. અને જંગલપેદાશો દ્વારા રોજીરોટી મેળવે છે. આરસપહાણમાં વિવિધ કલાકૃતિઓ બનાવવાનો કુટિરઉદ્યોગ પણ ખીલ્યો છે.
પરિવહનના સંદર્ભમાં અહીં બ્રૉડગેજ રેલમાર્ગોની સુવિધા છે. જબલપુર તે મુખ્ય રેલવે જંકશન છે. મદન મહેલ રેલવેસ્ટેશન જે જબલપુરના હૃદય સમાન છે. પશ્ચિમ સેન્ટ્રલ રેલવે વિભાગની ટ્રેનો આ જિલ્લામાંથી પસાર થાય છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 45, 34, 30 પસાર થાય છે. રાજ્ય અને તાલુકા માર્ગોની સુવિધા છે. મધ્યપ્રદેશ રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો અને જીપનો ઉપયોગ અધિક થાય છે.
આ જિલ્લામાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. જે ખંડેર સ્વરૂપે જોવા મળે છે. ધુંઆધરનો ધોધ, ચોસઠ જોગણીમાતાનું મંદિર જોવાલાયક છે. મદન મહલ, ડુમા રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 5,198 ચો. કિમી. જ્યારે વસ્તી 24,63,289 (2011 મુજબ) છે. સાક્ષરતાનું પ્રમાણ 82% જ્યારે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 925 છે. આ જિલ્લાની ભાષા હિન્દી 94%, ઉર્દૂ 1.93% અને વહીવટી કાર્યમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. શહેરી વસ્તી 58% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 14.13% અને 15.23% છે. આ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી અને શીખ ધર્મીઓ પણ વસે છે. હિન્દુઓનું પ્રમાણ 87% છે. વહીવટી સુગમતા માટે આ જિલ્લાને સાત તાલુકાઓમાં વિભાજિત કરેલ છે.
જબલપુર શહેર : આ શહેર નર્મદા નદીને કિનારે આવેલું છે. જે 23 10´ ઉ. અ. અને 79 56´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 263.49 ચો. કિમી. છે. જે સમુદ્રની સપાટીથી 412 ઊંચાઈએ સ્થિત છે.
આ શહેરનું ઉનાળામાં તાપમાન 29 સે. જ્યારે શિયાળામાં તાપમાન 18 સે.થી 22 સે. રહે છે. વાર્ષિક વરસાદ 1,386 મિમી. પડે છે. આ શહેર ખડકાળ ભૂપૃષ્ઠ ધરાવે છે. જેની આજુબાજુ અનેક નાની ટેકરીઓ આવેલી છે. આ શહેરની દક્ષિણે 10 કિમી. દૂર નર્મદા નદી આરસપહાણના ખડકાળ ભાગોમાંથી વહે છે. આ નદીનો માર્ગ ફાટખીણ રૂપે આવેલો હોવાથી તે પૂર્વમાંથી નીકળી પશ્ચિમે આવેલ અરબી સમુદ્રને મળે છે.
અર્થતંત્ર : નર્મદા નદીને વિંધ્યાચળ પર્વતીય હારમાળાના મીઠા પાણી પુરવઠાને કારણે તેમજ ફળદ્રૂપ જમીનને લીધે જબલપુર જિલ્લો ખેતીકીય દૃષ્ટિએ સમૃદ્ધ બન્યો છે. પરિણામે અહીં જુવાર, બાજરી, ઘઉં, ડાંગરની ખેતી જબલપુર શહેરની ચોતરફ વિકસેલી છે. તેમાં પણ વ્યાપારી ધોરણે લેવાતી ખેતીમાં કઠોળ, તેલીબિયાં, કપાસ, શેરડી વગેરે ગણાવી શકાય. વર્તમાન સંજોગોમાં ખેડૂતો સોયાબીન ખેતીમાં વધુ રસ લેતા થયા છે. ઘઉં, ચણા, જુવાર, તેલીબિયાં વગેરે પાકનું મુખ્ય વ્યાપારિક કેન્દ્ર છે. જબલપુરમાં ખેતી સિવાય વિવિધ પ્રકારના ખનીજો ઉપલબ્ધ થતાં હોવાથી અનેક ઔદ્યોગિક એકમો સ્થપાયેલા છે. આ શહેરની આજુબાજુના પ્રદેશમાંથી લોખંડ, ચૂનો, બૉક્સાઇટ, માટી, ચાઇના ક્લે, ફાયર ક્લે, ફ્લોરસ્પાર અને મૅંગેનીઝ જેવી ખનીજો પ્રાપ્ત થાય છે.
ખેતી અને ખનીજો પર આધારિત સિમેન્ટ બનાવવાના, કાચ બનાવવાના, સુતરાઉ અને રેશમી કાપડ બનાવવાના, રાસાયણિક અને એન્જિનિયરિંગનાં સાધનો બનાવવાના, ટેલિફોનના સ્પેરપાર્ટ્સ બનાવવાના અનેક એકમો કાર્યરત છે.
ભારતનું મહત્ત્વનું લશ્કરી મથક છે. લશ્કરની સાથે સંકળાયેલા એકમોમાં વ્હીકલ ફૅક્ટરી, બંદૂક બનાવવાના, દારૂગોળા બનાવવાના અનેક એકમો સ્થપાયેલા છે. દારૂગોળાનો વિશાળ જથ્થો જબલપુરની આજુબાજુ વિસ્તારમાં રહેલો છે.
પરિવહન – પ્રવાસન : જબલપુર શહેર મહત્વના રાષ્ટ્રીય ધોરી માર્ગોનું જંકશન છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ ન. 45, 34, 30નો લાભ મળ્યો છે. રાજ્ય ધોરી માર્ગો સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલ છે. જબલપુર શહેરને ફરતો 114 કિમી. લાંબો ‘સરક્યુલર રુટ’ તૈયાર થઈ રહ્યો છે. રેલવેનાં ત્રણ ડિવિઝનોનું જબલપુર હેડક્વાર્ટર્સ છે. આ શહેરના મધ્યમાં મદન મહાન રેલવેસ્ટેશન આવેલું છે. જે પડોશી જિલ્લાઓના રેલમાર્ગ સાથે સંકળાયેલ છે. અહીં બ્રૉડગેજ રેલવે કાર્યરત છે. જબલપુર શહેરથી 20 કિમી. દૂર આવેલુ હવાઈ મથક જે ડુમના હવાઈ મથક છે. આ હવાઈ મથક રાજ્યના જિલ્લાઓ તેમજ ભારતનાં મોટાં શહેરના હવાઈ મથક સાથે સંકળાયેલ છે.
જબલપુર મધ્યપ્રદેશનું મહત્વનું પ્રવાસનમથક છે. અહીં હનુમનતાલ બડા (Bada) જૈન મંદિર, મદન મહાલ, ધુંઆધરનો ધોધ, ચોસઠ યોગિની, ગૌરી ઘાટ, ભેડાઘાટમાં આવેલા આરસપહાણના ખડકો, જે બૅલેન્સિંગ ખડક, કાન્હા નૅશનલ પાર્ક, ભાંડવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવોનું અભયારણ્ય નૌરાદેહી (Nauradehi) વન્યજીવ અભયારણ્ય, વીરાંગના દુર્ગાવતી વાઘ પાર્ક, લામહેના ઘાટ, ટીલવારા ઘાટ વગેરે જોવાલાયક છે. આ સિવાય પાટ બાબા મંદિર, ચોસઠ યોગિની મંદિર, ઓશો અમૃતધામ, નંદીશ્વરદીપ જૈન મંદિર વગેરે પણ જોવાલાયક છે.
વસ્તી : શહેરની વસ્તી 10,55,525 જ્યારે બૃહદ શહેરની વસ્તી 12,67,564 (2011 મુજબ). દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 929 છે. સાક્ષરતાનું પ્રમાણ 82% અને મુખ્ય ભાષા હિન્દી છે.
આ શહેરમાં અનેક શૈક્ષણિક સંકુલ આવેલાં છે. 19મી સદીથી અહીં ઉચ્ચશિક્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંની શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. 1868માં હિતકારીની સભાની સ્થાપના થઈ હતી. રોબેર્ટસન કૉલેજ જે આજે ગવર્નમેન્ટ સાયન્સ કૉલેજ તરીકે ઓળખાય છે. મહાકૌશલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ આવેલી છે. રાણી દુર્ગાવતી યુનિવર્સિટી, જવાહરલાલ કૃષિ યુનિવર્સિટી, ધર્મશાસ્ત્ર રાષ્ટ્રીય કાયદાની યુનિવર્સિટી, ટ્રોપીકલ ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કૉલેજ, મધ્યપ્રદેશ સ્ટેટ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ આવેલી છે.
ઇતિહાસ : જબલપુર શહેરથી 84 કિમી. દૂર રૂપનાથ પાસેથી ઈ. સ. 300 પહેલા અશોકના સમયના અવશેષો પ્રાપ્ત થયા છે. ઈ. સ. પૂર્વે 322થી 185ના ગાળાના મૌર્યકાળના અવશેષો પ્રાપ્ત થયા છે. તેઓની પડતી થતા સાતવાહનના વંશજો સત્તા સ્થાને આવ્યા હતા. અહીં ગુપ્ત સામ્રાજ્યનું પ્રભુત્વ સ્થપાયું. ઈ. સ. 875માં કલચુરીના વંશજો સત્તા પર આવ્યા. ત્યારબાદ જુદા જુદા રાજાઓએ સત્તા સંભાળી હતી. 1947 સુધી બેહોર રઘુવીરસિંહ જે જબલપુરના છેલ્લા જાગીરદાર હતા.
નીતિન કોઠારી