જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop)

January, 2012

જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop) : અન્ય સજીવના શરીરમાંથી અલગ કરેલ જનીનને કૃષિપાક વનસ્પતિમાં દાખલ કરીને તેના બીજના વાવેતરથી ઉત્પન્ન થયેલ પાક. અમેરિકાની બીજ-ઉત્પાદક મૉન્સેંટો કંપની મબલખ પ્રમાણમાં ગુણવત્તાવાળો પાક મળી રહે તે ઉદ્દેશથી જાતજાતના વનસ્પતિ-પાકોનાં બીજ તૈયાર કરી કૃષિકારોને વેચે છે. ઈ.સ. 1998માં આ કંપનીએ કપાસનાં જીંડવાં પર આક્રમણ કરતી જીવાત(કીટક)થી પાકને બચાવવા B. T. (Bacillus thuringiensis) જીવાણુ- (bacteria)માંથી કીટરોધક પદાર્થના નિર્માણ સાથે સંકળાયેલ જનીનને અલગ કરી તેને કપાસનાં બીજમાં ઉમેર્યું. શરૂઆતનાં વર્ષોમાં જનીન દાખલ કરવાથી ઉદભવેલ અપાકર્ષકતાને લીધે જીવાતો જીંડવાથી દૂર ખસી જતાં પરિણામો સારાં આવ્યાં. ઈ. સ. 2002માં ભારત સરકારે મહારાષ્ટ્રના Mayco-Monsanto કંપનીના શાસકોને BT કપાસના બીજના વાવેતર માટે મર્યાદિત પ્રમાણમાં પરવાનગી આપી. આ કંપનીએ બીજનું વિતરણ ઉત્તર ગુજરાતમાં પણ કર્યું હતું. તેનાં પરિણામો ધાર્યાં કરતાં ઊતરતી કક્ષાનાં આવ્યાં. ઈ. સ. 2003નાં પરિણામો તો સાવ નિરાશાજનક હતાં.

દરમિયાન જુદા જુદા સંશોધકોએ બટાટા, મકાઈ, ટમેટાં જેવાના GM–પાકનું વાવેતર કર્યું. જીવાતોએ આ પાકને અડ્યા વગર બીજા સામાન્ય પાક પર આક્રમણ કર્યું. તેથી હાલ સંશોધકોમાં મબલખ પાકના ઉત્પાદન માટે આપરિવર્તિત જનીનીય (આમજ) પાક પર આધાર રાખવો એ કેટલું હિતાવહ છે તે અંગે વિવાદ છે.

બ્રિટનના શેફીલ્ડ યુનિવર્સિટીના સંશોધકોએ વનસ્પતિમાં આવેલ પીતદ્રવ્ય(xanthophyll)ના ઉત્પાદન માટે કારણરૂપ જનીનને વનસ્પતિના કોષમાંથી અલગ કરી તેની વધુ પ્રતિકૃતિ (copies) નિર્માણ કરીને તે જ પ્રજાતિના કોષમાં ઉમેરવાની સિદ્ધિ હાંસલ કરી. પીતદ્રવ્યને લીધે વનસ્પતિ પ્રતિકૂળ પર્યાવરણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપર્યુક્ત સંશોધકોના અભિપ્રાય મુજબ મબલખ ગુણવત્તાવાળો પાક આમજ પાક પર આધાર રાખ્યા વગર પણ મેળવી શકાય છે.

પાંચેક વર્ષો સુધી દીર્ઘ વિચારણા કરીને ભારત સરકારે છેવટે મર્યાદિત પ્રમાણમાં સરસવ (rape) આમજ પાકના વાવેતર માટે પરવાનગી આપી. જોકે તેની સામે થયેલા વિરોધના કારણે આ વાવેતર હાલ પૂરતું મુલતવી રાખવા જણાવ્યું છે. ભારતમાં સરસવ તેલનો ઉપાડ (ખાસ કરીને ભારતના ઉત્તર પ્રદેશના વિસ્તારો) મોટા પ્રમાણમાં કરે છે. આ પ્રદેશમાં આવેલાં કેટલાંક કૃષિ-વિશ્વવિદ્યાલયોના સંશોધકો સંકરણપ્રજોત્પત્તિ વડે વધુ તેલવાળું સરસવ બિયારણ નજીકના ભવિષ્યમાં ઉત્પાદન થઈ શકશે, તેવો આત્મવિશ્વાસ ધરાવે છે. દિલ્હીમાં આવેલા જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના જૈવ-તકનીકી (biotechnology) વિભાગના સંશોધકોએ પણ આ રીતે પાક પર આધાર રાખ્યા વિના સંકરણ-પ્રજોત્પાદન ક્રિયાવિધિ વડે મબલખ પાક આપવા વનસ્પતિ-પાકનું બીજ નિર્માણ કરવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

દુનિયાના વિવિધ પ્રદેશોમાંના અનેક લોકો આમજ પાકનું વાવેતર ઇચ્છતા નથી. તેમના મંતવ્ય મુજબ, આમજ પાકના ઉત્પાદન સાથે વિષમોર્જા (allergy) ઝેરી દ્રવ્યો(toxins)નું નિર્માણ તેમજ પ્રતિરક્ષાન્યૂનતા (deficiency in immunity) જેવી ક્ષતિઓ સંકળાયેલી છે. મે, 2002માં શ્રીલંકાની સરકારે આમજ પાકની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને GM–ઉત્પાદિત સોયા, ટમેટાં, બીટ-શર્કરા (Beat sugar) જેવી ખોરાકી ચીજો પર લેબલ લગાડવાનો આદેશ આપ્યો. જોકે લગભગ તુરત જ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને ઉત્તર અમેરિકાના દેશોના દબાણને લીધે શ્રીલંકાએ હંગામી ધોરણે આ યોજના પડતી મૂકી.

યુરોપના મોટા ભાગના દેશોમાં આમજ પાક પ્રત્યે તીવ્ર અણગમો વ્યક્ત કરાયો છે. બ્રિટનની પ્રજામાં પણ આમજ પાક દ્વારા મેળવેલ ખોરાક સામે વિરોધ ઊઠેલો છે. કેટલાકના અભિપ્રાય મુજબ આમજ પાકને લીધે પર્યાવરણ પર વિપરીત અસર થાય છે. 93  % લોકોના મંતવ્ય પ્રમાણે આમજ પાક જાહેર હિતમાં નથી અને તેનો ઉદ્દેશ માત્ર આર્થિક લાભ મેળવવા(profit making)નો છે.

ફ્રાન્સની પ્રજામાં પણ પોતાના દેશમાં આવેલ ખેતરોમાં GM–પાકનું વાવેતર થાય તેની સામે પ્રચંડ વિરોધ નોંધાયેલો છે અને ઘણાં સ્થળોએ આ દેશની પ્રજાએ ખેતરોમાં ઉગાડેલ GM–પાકને બાળી નાખવા ઉપરાંત અન્ય રીતે પણ તેનો નાશ કર્યો છે. આમાં મૉન્સેંટો કંપનીના આમજ કીટવિરોધી (BT) કપાસના પાકનો પણ સમાવેશ થયેલો છે.

ઈ. સ. 2002ના વર્ષમાં આફ્રિકાના ઘણા દેશોમાં એક યા બીજા કારણસર દુકાળ-પરિસ્થિતિના કારણે અછત-પરિસ્થિતિ ઉદભવતાં તે દેશોની પ્રજાને ભૂખમરાનો સામનો કરવાની ફરજ પડી. તેને ટાળવા અમેરિકા ખંડ સહિત ઘણા દેશોએ આ દેશોને અનાજ મોકલ્યું. તેમાં અમેરિકાના કેટલાક દેશોએ મોકલેલ આમજ પાક અનાજનો પણ સમાવેશ થયો હતો. જો આ પાકના બિયારણનો ઉછેર પાક ઉગાડવામાં આવે તો વિપરીત અસર ભવિષ્યના પાક પર સર્જાય તેની દહેશત બેઠી; પરંતુ ભૂખમરો ટાળવા મોઝામ્બિક-ઝિમ્બાબ્વે જેવા દેશોએ આમજ અનાજનો સ્વીકાર નાછૂટકે કર્યો; પરંતુ ઝાંબિયાની સરકારે આ અનાજ સ્વીકારવાની ના પાડી. તેમના અભિપ્રાય મુજબ GM –બિયારણના વાવેતરથી ઉદભવતાં વિપરીત પરિણામો ભૂખમરા કરતાં ભયંકર નીવડે તેવી દહેશત હતી. જોકે અન્ય દેશોએ આ દેશને કુદરતી રીતે મેળવેલ અનાજ મોકલવાથી ભૂખમરાનું સંકટ ટળ્યું.

કદાચ નજદીકના ભવિષ્યમાં આમજ પાક સાથે સંકળાયેલા સંશોધકો સ્વાસ્થ્યવર્ધક પાક ઉછેરવામાં સફળ થાય તો નવાઈ નહીં; પરંતુ સમય અને આર્થિક ર્દષ્ટિએ આ GM–પાક પોષાય તેવી શક્યતા નહિવત્ છે. તે ધ્યાનમાં લેતાં ભારત સહિત ઘણા દેશોએ કૃષિ-વિદ્યાલયના સંશોધકો સંકરણ-પ્રજોત્પાદન, ખોરાકની ફેરબદલી, સેંદ્રિય ખાતરનો વપરાશ, પર્યાવરણને અનુકૂળ એવા અન્ય પાકનો ઉછેર જેવાં વિવિધ પ્રયોજનો વડે મબલખ પાક અને ગુણવત્તાની ર્દષ્ટિએ ઉત્તમ એવો પાક મેળવવા સફળ નીવડ્યા છે અને નિષ્ણાતો કૃષિકારોને તેને અનુલક્ષીને વખતોવખત યોગ્ય સલાહ પણ આપતા હોય છે. ગુજરાતના કૃષિ-વિદ્યાલયના સંશોધકોએ આ દિશાએ ઘણી પ્રગતિ સાધી છે અને તેમની સલાહને આધીન ગુજરાતમાં દર વર્ષે એકરદીઠ કૃષિપાકના ઉત્પાદનનું પ્રમાણ વધી રહ્યું છે.

મ. શિ. દૂબળે