જનસંઘ (ભારતીય જનસંઘ) : ભારતના રાજકીય રંગપટ ઉપર જમણેરી ઝોક ધરાવતો, હિન્દુત્વલક્ષી રાષ્ટ્રવાદને વરેલો રાજકીય પક્ષ. ઑક્ટોબર 1951માં તેની સ્થાપના ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના અધ્યક્ષપદે કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણનું ધ્યેય ધરાવતા હિન્દુ મહાસભાના સભ્યોએ પક્ષની સ્થાપનામાં આગળ પડતો અને મહત્વનો ભાગ ભજવેલો.
‘ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા’ના આધાર પર સ્વતંત્ર ભારતનું ‘રાજકીય, સામાજિક અને આર્થિક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે નવનિર્માણ’ એ પક્ષનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું. ‘એક દેશ, એક રાષ્ટ્ર, એક સંસ્કૃતિ અને કાયદાનું શાસન’ એ ચાર મુદ્દાઓને પક્ષે પોતાનાં મૂળભૂત તત્વો તરીકે ઘોષિત કર્યા. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. મુખરજીએ જાહેર કર્યું કે ‘‘જ્ઞાતિ, કોમ કે માન્યતાના કોઈ પણ ભેદભાવ સિવાય ભારતના બધા નાગરિકો માટે જનસંઘનાં દ્વાર ખુલ્લાં છે.’’
માતૃભૂમિ અને દેશભક્તિ પર ભાર મૂકતા એના રાષ્ટ્રવાદમાં સમગ્ર ભારત પ્રત્યેની નાગરિકોની અખંડિત વફાદારીને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું. પક્ષ માનતો હતો કે ‘‘વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ લાક્ષણિકતા રહેલી છે, જેમાં અનેકવિધ પ્રાદેશિક, સ્થાનિક અને આદિવાસી પેટાસંસ્કૃતિઓનો સમન્વય થયેલો છે.’’
‘ભારતીય રાષ્ટ્રવાદ’ની જુસ્સાભેર અને આગ્રહી હિમાયતને કારણે દેશના લઘુમતી-સમૂહો, ખાસ તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ, એના પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યા. કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષો વગેરેએ ‘હિન્દુ કોમવાદી પક્ષ’ તરીકે એની ટીકા કરી, તો જનસંઘના નેતાઓ એ પક્ષોની ‘બિનસાંપ્રદાયિકતા’(‘સેક્યૂલરિઝમ)ની નીતિની ‘મુસ્લિમ તુષ્ટીકરણ’ તરીકે ટીકા કરતા. જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ 370નો જનસંઘે પહેલેથી જ વિરોધ કર્યો અને એની નાબૂદીની માગણી કરી. જમ્મુ-કાશ્મીર પ્રત્યેની કેન્દ્ર સરકારની નીતિનો આ પક્ષ શરૂઆતથી ટીકાકાર રહ્યો. પાકિસ્તાન પ્રત્યે કડક, જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવવાની એણે હિમાયત કરી. ગૌવધ બંધ થવો જોઈએ, એ એની માગણી રહી. બે મહાસત્તાઓ અમેરિકા અને તે વખતના સોવિયેટ સંઘ પૈકી અમેરિકા સાથે ગાઢ અને સારા સંબંધો રાખવાની હિમાયત કરી, તો સોવિયેટ યુનિયન પ્રત્યે કેન્દ્રની કૉંગ્રેસ સરકારોએ નમતા રહેવાની જે નીતિ અપનાવી હતી, એની એણે ટીકા કરી.
આર્થિક વિચારધારાની ર્દષ્ટિએ પક્ષે મૂડીવાદ કે સામ્યવાદ બેમાંથી એકેયની તરફેણ કરી નહિ. સિદ્ધાંતચુસ્ત આર્થિક નીતિઓને બદલે વ્યવહારુ આર્થિક નીતિઓ અપનાવવા તરફ તેનો ઝોક રહ્યો. સ્વદેશી ખાનગી સાહસને ઉત્તેજન અને વેપાર, ધંધા, ઉદ્યોગો પરનાં સરકારી નિયમનો ઓછાં કરવાની હિમાયત કરી. દેશની સૌથી મોટી આર્થિક સમસ્યા સૌને ‘અન્ન, વસ્ત્ર અને રહેઠાણ’ પૂરાં પાડવાની છે, એમ તેનું ર્દઢ મંતવ્ય હતું અને તેથી, રોજગારી અને ગરીબીનાબૂદી માટે કૃષિ અને ગ્રામીણ તેમજ નાના ઉદ્યોગોની વિશેષ તરફેણ કરી.
‘ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા’માં માનતા આ પક્ષે ભારતીય સમાજનાં પરંપરાગત મૂલ્યોમાં શ્રદ્ધા વ્યક્ત કરી. આથી આધુનિકતામાં માનતા કેટલાક પ્રગતિશીલ બૌદ્ધિકોએ ‘સામાજિક રીતે રૂઢિચુસ્ત અને પ્રત્યાઘાતી’ પક્ષ તરીકે તેની ટીકા કરી.
પક્ષના સામાજિક પાયામાં મુખ્યત્વે નાનામોટા વેપારીઓ, દુકાનદારો, ધંધાદારીઓ, બૅંક અને વીમા ઉદ્યોગ જેવા વ્યવસાયોના (‘વ્હાઇટ કૉલર’) કર્મચારીઓ, જમીનમાલિક, મોટા તેમજ મધ્યમ ખેડૂતો, શહેરી શિક્ષિત વર્ગો વગેરેનો સમાવેશ થયો. જ્ઞાતિની ર્દષ્ટિએ, ભારતીય સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ જેવી કે બ્રાહ્મણો, રાજપૂતો કાયસ્થો વગેરેમાં પક્ષનો બહોળો અનુયાયી વર્ગ ઊભો થયો. આર્થિક ર્દષ્ટિએ મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા વર્ગો સામાન્ય રીતે તેના ટેકેદારો રહ્યા. ભૌગોલિક ર્દષ્ટિએ, ઉત્તરનાં, વિશેષત: હિન્દીભાષી રાજ્યો, જેવાં કે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેને ગણનાપાત્ર ટેકો મળ્યો. પૂર્વ અને દક્ષિણ ભારતમાં પક્ષ પોતાનો પ્રભાવ ફેલાવી શક્યો નહિ.
જનસંઘની સ્થાપનાના બે મહિના પછી યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી(1951–52)માં પક્ષે ઝંપલાવ્યું. ત્યાર પછી યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પક્ષે જે દેખાવ કર્યો એ નીચે દર્શાવ્યું છે :
ચૂંટણીનું વર્ષ |
લોકસભા | રાજ્યોની
વિધાનસભાઓ |
|
મત ટકામાં |
મેળવેલી બેઠકો
(કુલ બેઠકો) |
મેળવેલી બેઠકો
(કુલ બેઠકો) |
|
1951–52 |
3.1 | 3 (489) | 31 (3258) |
1957 | 5.9 | 4 (494) |
46 (2906) |
1962 | 6.4 | 14 (494) |
116 (2842) |
1967 |
9.4 | 35 (520) | 302 (3542) |
1971–72 | 7.5 | 22 (514) |
107 (2691) |
1975–77 દરમિયાન દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી. 1977માં કટોકટી ઉઠાવી લેવામાં આવી અને સામાન્ય ચૂંટણી યોજવામાં આવી. સામાન્ય ચૂંટણીમાં શાસક કૉંગ્રેસનો સામનો કરવા કૉંગ્રેસ (સંસ્થા), ભારતીય લોકદળ, સમાજવાદી પક્ષ અને જનસંઘનું વિલીનીકરણ કરીને જનતા પક્ષ(પાર્ટી)ની રચના કરવામાં આવી. જનતા પક્ષ પાર્ટીનો વિજય થયો અને એના 298 સભ્યો લોકસભામાં ચૂંટાઈ આવ્યા. આ સભ્યોમાં વિલીન થયેલ જનસંઘના 89 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. જનતા પક્ષની સરકાર(1977–79)માં પક્ષના બે મુખ્ય નેતાઓ, અટલબિહારી વાજપેયીએ વિદેશ પ્રધાન તરીકે, અને લાલકૃષ્ણ અડવાણીએ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવી. ભારતીય જનસંઘના ભૂતપૂર્વ સભ્યો જનતા પક્ષના સભ્યો બન્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સભ્ય રહી શકે કે કેમ, મતલબ કે બેવડું સભ્યપદ ધરાવી શકે કે કેમ, એ મુદ્દે જનસંઘના નેતાઓ અને અન્ય પક્ષો વચ્ચે મતભેદો ઊભા થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યપદનો ત્યાગ કરવા કરતાં તેમણે જનતા પક્ષનો ત્યાગ કરવાનું વિશેષ પસંદ કર્યું. તે પછી, 1980ના એપ્રિલની છઠ્ઠી તારીખે, અટલબિહારી વાજપેયીના પ્રમુખપદે ભારતીય જનતા પક્ષની રચના કરવામાં આવી. તેમાં વિલીન થયેલા ભૂતપૂર્વ જનસંઘના સભ્યો જોડાયા. નવી વ્યવસ્થામાં અસંમત કેટલાક સભ્યોએ ભારતીય જનસંઘનું એક રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ચાલુ રાખ્યું. અત્યારે (1995) બલરાજ મધોક તેના અધ્યક્ષસ્થાને છે. આ પક્ષને લોકોનું ઝાઝું સમર્થન નથી.
કેન્દ્ર કક્ષાએ 1967થી 1977 સુધી જનસંઘે અસરકારક વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી, તો રાજ્ય કક્ષાએ કેટલાંક રાજ્યોમાં મિશ્ર સરકારોના ભાગ તરીકે શાસક પક્ષ તરીકેની અને અન્ય રાજ્યોમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવી.
દિલ્હી મહાનગર પરિષદ (મેટ્રોપૉલિટન કાઉન્સિલ) અને દિલ્હી મહાનગરપાલિકા(મ્યુનિસિપલ કૉર્પોરેશન)માં જનસંઘે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. બિહાર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં 1967ની ચૂંટણીઓ પછી રચાયેલી સંયુક્ત વિધાયક દળ અથવા સંયુક્ત મોરચા સરકારોમાં સામેલ થઈને શાસનતંત્રમાં તે હિસ્સેદાર પણ બન્યો હતો. ભારતીય જનતા પક્ષના વિકાસ સાથે ક્રમશ: જનસંઘ વિલીન થયેલો પક્ષ બની ગયો.
દિનેશ શુક્લ