જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર (1916–1983)ની ગ્રામજીવનની કીર્તિદા કૃતિ.
‘જનમટીપ’ શ્રમજીવી ઠાકરડા કોમનાં પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના ચિત્તના આંતરસંઘર્ષની કથા છે. એના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : સાંઢ નાથવાને કારણે ચંદા લોકમાનસમાં દ્વિવિધ સંચલનો જગવે છે. એની નામના વધે છે અને સગાઈ તૂટી જાય છે. ચંદાની વીરતા જેને સ્પર્શી ગઈ છે એ ભીમો ચંદાને પણ ગમે છે. પણ અહીં મુગ્ધ પ્રેમ નથી. સમજીને શરત પાળવાની તૈયારી સાથે જીવવાનું સાહસ કરવાનું છે. અલબત્ત, બંનેને એકમેકના કૌવતનું આકર્ષણ છે. ભીમાને માથે કૌટુંબિક વેરઝેરને કારણે મોત ભમે છે એ જાણવા છતાં ચંદા એને વરવા રાજી છે. કહે છે કે અભિમાન નહિ કરું પણ ટેક નહિ મૂકું. ભીમાએ એની લાજ રાખવાની, નિર્વ્યસની રહેવાનું. આ ભૂમિકા કથાવિકાસની દિશા નક્કી કરી આપે છે.
પૂંજો છેડતી કરે છતાં ભીમો તુરત બદલો ન લે, શાહુકારની પેઠે ગણતરી કરી લાગ શોધે એ ચંદાને સ્વીકાર્ય નથી.
ચંદા કોઈનું સાંભળ્યા વિના, ડર્યા વિના, વેર લેવામાં વિલંબ કરતા પતિનું ઘર છોડી વહેલી સવારે પિયર ચાલી જાય છે. પછી ભીમાને વિધવા અંબા સાથે અનિચ્છાએ પરણાવવાનો પ્રસંગ કથાવિકાસ કરતાં બે પાત્રો વચ્ચે અંતરાય ઊભો કરવામાં સહાયક થાય છે. ભીમો શાહુકારને ત્યાં પડતી ધાડ રોકતાં ઘાયલ થાય છે, દવાખાને દાખલ થાય છે ત્યાં ચંદા એની સારવાર માટે વગર તેડાવ્યે પહોંચી જાય છે. ભીમો સાજો થતાં સસરાના કહેવા છતાં ચંદા પિયર જાય છે. સેવા પછીની આત્મીયતા પણ પેલો વળ ઓછો કરી શકે તેમ નથી.
કથાનો અંતિમ ઘટક ચંદાના ચરિત્રને એક વધુ પરિમાણ બક્ષે છે. દેવો ભીમો મળીને પૂંજાનું ખૂન કરે અને એમને ‘જનમટીપ’ની સજા થતાં ચંદા સાસરે રહી, લોકવાયકા ખોટી પાડી, ઘરનો ભાર સંભાળી લે છે. એ ભાગ લેખકે ઝીણવટ અને માનવીય સહજતાથી આલેખ્યો છે. સાંઢ નાથવા કરતાં આ સમર્પણ અને સેવામાં કૌવતનો વધુ ચડિયાતો અર્થ સિદ્ધ થાય છે. વધુ આકરી ‘જનમટીપ’ તો ચંદાએ જાતે વહોરી છે. આ હઠ પાછળ સ્વમાન અને સ્વાવલંબનનું માનવમૂલ્ય છે. મહિમા શરીરબળ કે હિંસાનો નથી, નિષ્ઠાનો છે. તેથી દિયર-નણંદને પ્રેમથી ઉછેરતી ચંદા, સખત થાકી ગઈ હોવા છતાં વાર્તા કહી ઊંઘાડે છે એ ચિત્ર દ્વારા લેખક શાંત રસના ઉંબરા સુધી કથાને લઈ જાય છે. કથામાં તળપદું વાતાવરણ અને બળૂકું જીવન એ રીતે વણાતું ગયું છે કે પાત્રોના વર્તનને તે પ્રતીતિજનક ઠરાવે છે. ‘જનમટીપ’ છ દાયકા પછી પણ લેખકની સૌથી વધુ વંચાતી કૃતિ છે.
રઘુવીર ચૌધરી