‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ : (જ. –; અ. 1901) : ગુજરાતી કવિ, વિવેચક. બ. ક. ઠાકોર પ્રમાણે તેમનું નામ જીવરામ, પછીથી જીવણરામ લખતા થયા. દવેને બદલે સહીમાં દ્વિવેદી પણ કોઈ વાર લખતા. વતન : મહુવા (સૌરાષ્ટ્ર).
મુખ્યત્વે તેઓ ભાવનગર અને મહુવાની શાળાઓમાં શિક્ષક અને મુખ્યશિક્ષક હતા. કલાપી(1874-1900)ના પરિચય પછી કલાપીના અંગત મંત્રી અને તેમના પુત્ર કુમાર પ્રતાપસિંહના શિક્ષક બન્યા. કલાપી સાથે તેમનો મેળાપ કરાવનાર ‘મસ્તકવિ’ ત્રિભુવન પ્રેમશંકર (1856-1923). કલાપીનું ‘મધુકર’ તખલ્લુસ બદલી ‘કલાપી’ કરવાનું સૂચન તેમનું હતું. ‘કલાપીનો કેકારવ’ પ્રસિદ્ધ કરવા એમણે કરેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ન્હાનાલાલે (1877-1946) તેમને કલાપી સાહિત્યદરબારના એક સિતારા ગણાવ્યા હતા.
‘જટિલ’ કવિ કરતાં વિવેચક તરીકે વિશેષ ખ્યાત હતા. હરિલાલ ધ્રુવ(1856-1896)ના અવસાન પછી કલાપીની આર્થિક સહાયથી ‘ચન્દ્ર’ માસિકના તંત્રી બન્યા હતા. ‘ચન્દ્ર’ અને ‘સુદર્શન’ માસિકમાં પ્રસિદ્ધ થતા ‘જટિલ’ના લેખોથી કલાપી પ્રભાવિત હતા. કલાપીના ‘હમીરજી ગોહિલ’ કાવ્યનું માળખું ‘જટિલે’ તૈયાર કરી આપ્યું હતું. બંને વચ્ચે ઘણો પત્રવ્યવહાર હતો. કલાપીના પત્રો પરથી લાગે છે કે કલાપી પાછળથી ‘જટિલ’ માટે હલકો અભિપ્રાય ધરાવતા હતા.
‘જટિલે’ ત્રિભુવન પ્રેમશંકરના કાવ્યસંગ્રહ ‘વિભાવરી સ્વપ્ન’(1894)ની પ્રસ્તાવના લખી હતી, અને ‘સ્વરૂપ પુષ્પાંજલિ’(1901)નું વિવરણ ‘રસાત્મા’ તખલ્લુસથી લખ્યું હતું. ઉપરાંત હરિલાલ ધ્રુવ અને કલાપીનાં કાવ્યોનાં વિવરણો લખ્યાં હતાં. કેશવલાલ ધ્રુવ(1859–1930)ના ‘અમરુશતક’ના ભાષાન્તર પર એમણે અવલોકન લખ્યું હતું.
જટિલની કાવ્યકૃતિઓ ‘જટિલ પ્રાણપદબંધ’(1894)માં ‘સ્પષ્ટીકરણ સહાય’ સાથે ગ્રંથસ્થ છે. તેમાં ગીત, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. એમનાં કાવ્યો પર ત્રિભુવન પ્રેમશંકર, મણિલાલ (1858-1898]- બાલાશંકર (1858-1898) અને કંઈક અંશે નરસિંહરાવ-(1859-1937)ની અસર છે પરંતુ કાવ્યોમાં કશી લાક્ષણિક ચમત્કૃતિ નથી, કલ્પનો અસ્પષ્ટ છે. એમનાં અન્ય લખાણો ‘ચન્દ્ર’ અને ‘સુદર્શન’માં ઉપલબ્ધ છે. તેમાં હરિલાલ ધ્રુવને વિષય કરી લખેલું 110 કડીનું ‘સુહૃદ મિત્રનો વિરહ અને તત્સંબંધિની કથા’ કાવ્ય નોંધપાત્ર છે. ‘જટિલે’ સંસ્કૃતમાંથી ‘ભામિનીવિલાસ’નું તેમજ કેટલાંક અંગ્રેજી કાવ્યોનાં ભાષાન્તર કર્યાં છે.
મનોજ દરુ