જગદીશ ફિલ્મ કંપની (1928) : મૂક ચલચિત્રોના ગાળામાં ગુજરાતીઓએ સ્થાપેલી મુંબઈ ચલચિત્ર ઉદ્યોગની એક મહત્વની નિર્માણ કંપની. તેના સ્થાપકો અને સંચાલકો હતા માધવદાસ પાસ્તા અને ચંદુલાલ શાહ.
પટકથાલેખન અને દિગ્દર્શનક્ષેત્રે સ્વતંત્ર પ્રતિભા ધરાવતા ચંદુલાલ શાહને ભાગીદાર બનાવી રૂ બજારના વેપારી માધવદાસ પાસ્તાએ આ ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. મિસ ગોહર નામની અભિનેત્રી પણ આ કંપનીમાં જોડાઈ હતી.
દિગ્દર્શક-અભિનેત્રીની આ જોડીએ સામાજિક ફિલ્મો સર્જવા સાથે ફિલ્મોનું ઝડપભેર નિર્માણ કરવાની કાર્યક્ષમતા પણ બતાવી હતી. તેમાં (1) ‘રાજલક્ષ્મી’, (2) ‘વિશ્વમોહિની’, (3) ‘ગૃહલક્ષ્મી’ અને (4) ‘ચંદ્રમુખી’ ઉલ્લેખનીય છે.
‘રાજલક્ષ્મી’, ‘વિશ્વમોહિની’ તથા ‘ગૃહલક્ષ્મી’ આ ત્રણેય ફિલ્મોનું પટકથાલેખન અને દિગ્દર્શન ચંદુલાલ શાહે કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ કંપનીની જાણીતી ફિલ્મોમાં ‘રઝળતી રાજકુમારી’, ‘ભાઈ કે કસાઈ’, ‘સમશેર પ્રતિજ્ઞા’, ‘સ્નેહજ્યોતિ’, ‘પ્રેમયાત્રા’, ‘કુમુદકુમારી’ અને ‘વીરપૂજન’ તથા ‘શ્રી દ્વારકેશ’ જેવી કુલ 12 ફિલ્મો છે.
ઉપરની ફિલ્મોના કથાનકમાં સમકાલીન સામાજિક વિષયવસ્તુ પ્રસ્તુત કરાયું છે અને તે સઘળી મહદ્અંશે નાયિકાપ્રધાન ફિલ્મો જણાય છે.
1931માં ‘આલમઆરા’ નામની સર્વપ્રથમ ભારતીય સવાક ફિલ્મ બની અને 1932માં ‘નરસિંહ મહેતા’ સર્વપ્રથમ સવાક ગુજરાતી ફિલ્મ બની. આમ ભારત ખાતે સવાક ફિલ્મોના યુગનો આરંભ થયા પછી જગદીશ ફિલ્મ કંપનીની નિર્માણપ્રવૃત્તિ મંદ પડી જણાય છે.
ઉષાકાન્ત મહેતા