જગન, ચેડ્ડી

January, 2012

જગન, ચેડ્ડી (જ. 22 માર્ચ 1918, જ્યૉર્જટાઉન, ગુયાના; અ. 6 માર્ચ 1997, વૉશિંગ્ટન ડી. સી., યુનાઇટેડ સ્ટેટ્સ) : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારે આવેલા ગુએના(બ્રિટિશ ગિયાના)ના 1992માં ચૂંટાઈ આવેલા પ્રમુખ અને રાષ્ટ્રવાદી નેતા. ચેડ્ડી જગન મૂળ હિન્દી કુળના છે. તેમણે યુ.એસ.એ.ની હાર્વર્ડ અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. ડાબેરી વલણોવાળી પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટીના આ લડાયક સ્થાપક જવાહરલાલ નહેરુનાં લખાણોથી પ્રભાવિત થયા. વતન આઝાદ થયું તે પહેલાં સાંસ્થાનિક બંધારણ હેઠળ 1957–61 દરમિયાન તેમણે વ્યાપાર-ઉદ્યોગખાતાના મંત્રી તરીકે કામ કર્યું, અને 1961–64 દરમિયાન વડાપ્રધાન પદ પર રહ્યા. જોકે તેમની ડાબેરી વિચારસરણીને લીધે તેમનો વિરોધ પણ થયો. 1964માં હજી ગુએના સંસ્થાન હતું ત્યારે, નવી જોગવાઈ પ્રમાણે પ્રમાણસર પ્રતિનિધિત્વને ધોરણે યોજાયેલી ચૂંટણીમાં તેમના પક્ષની હાર થઈ. કૉમનવેલ્થના સભ્ય તરીકે ગુએનાની પૂર્ણ સ્વરાજ માટેની બંધારણીય પરિષદ રચાઈ; પરંતુ જગને એનો બહિષ્કાર કર્યો. જોકે તેઓ અને તેમનો પક્ષ જાહેર જીવનમાં, રાજકારણમાં અને આમજનતાનાં આંદોલનોમાં સતત સક્રિય ને સંઘર્ષશીલ રહ્યા હોઈ ક્રમે ક્રમે એમની લોકબુનિયાદ વિસ્તરતી રહી.

તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ફરબિડન ફ્રીડમ’ 1954; ‘ધ વેસ્ટ ઑન ટ્રાયલ’ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રકાશ ન. શાહ