જગદાલપુર : ભારતના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું શહેર. 19° 04’ ઉત્તર અક્ષાંશ, 82° 02’ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે.

બસ્તરના મહારાજાએ આ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર ઇન્દ્રાવતી નદીની દક્ષિણે આવેલું છે. આ શહેર ચારે બાજુ ગીચ જંગલોથી ઘેરાયેલ છે. આ શહેરથી 104 કિમી. દૂર સિંગભૂમનાં લોહઅયસ્ક ક્ષેત્રો આવેલાં છે. આ શહેરથી પશ્ચિમે ‘ચિત્રકૂટ’ નામનું ધાર્મિક સ્થળ છે, ત્યાં 32 મીટર ઊંચો ધોધ આવેલ છે. શહેરનો વિસ્તાર 9.59 ચોકિમી. તથા તેની ભૂમિ મુખ્યત્વે ખડકાળ છે.

આ શહેરમાં ચોખાની મિલો અને ખાદ્ય સામગ્રી બનાવવાનાં અનેક કારખાનાં આવેલાં છે. લાકડાં વહેરવાની મિલો આવેલી છે. વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. અહીં ઉચ્ચતર માધ્યમિક શાળા અને એક કૉલેજ આવેલી છે. કૉલેજ રવિશંકર યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે. બૅંકો અને છબીઘરો આવેલાં છે. હૉસ્પિટલો પણ ઊભી કરવામાં આવી છે. બસ્તર જિલ્લાની તે સૌથી મોટી નગરપાલિકા છે. આ શહેરની વાયવ્યે દલપત સરોવર આવેલ છે.

આ શહેર બસ્તર જિલ્લાનું મુખ્ય વ્યાપારી મથક છે અને રસ્તા માર્ગે રાયપુર, કોરાપુટ, કોન્ટા અને જેપોર શહેરો સાથે સંકળાયેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 43 પર આ શહેર આવેલું છે. આદિવાસીઓની વસ્તી શહેરની આસપાસ વધુ હોવાથી ઉદ્યોગોના વિકાસ માટે સસ્તા મજૂરો ઉપલબ્ધ છે. તેઓના વિકાસ માટે છત્તીસગઢની સરકાર સક્રિય છે.

નીતિન કોઠારી