જગત : ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયામાંથી અવિરતપણે પસાર થતી ચેતનઅચેતન ભૌતિક સૃષ્ટિ. ભારતીય દર્શનો જે ત્રણ મૂળભૂત તત્વોનો વિચાર કરે છે તે જીવ, જગત અને ઈશ્વરમાંનું તે એક તત્વ છે. જગત એટલે पुन:पुन: — अतिशयेन वा गच्छति —  વારંવાર કે અવિરત ચાલ્યા કરે છે તે. ઉત્પત્તિ-વિનાશ પામ્યા કરે છે તે, અર્થાત્ જે અનિત્ય છે તે. તે સ્થાવર અને જંગમ પદાર્થોનું બનેલું છે. સ્થાવર એટલે સ્થિર સ્વભાવનું, જડ; અને જંગમ એટલે ચલ, ગતિશીલ સ્વભાવનું, ચૈતન્યાત્મક. જગત સ્થૂલ-સૂક્ષ્માત્મક છે. સ્થૂલ એ વિવિધ રૂપોવાળું મહત્પરિમાણનું છે અને સૂક્ષ્મ એ પરમાણુ પરિમાણવાળું, અર્દશ્ય છે. જગત એટલે વિશ્વ એ અર્થમાં તે અંતરિક્ષમાં રહેલા ગ્રહો અને નિહારિકાઓ તેમજ પૃથ્વી પરના સમુદ્રો, પર્વતો, વૃક્ષવનસ્પતિ અને જીવસૃષ્ટિ સહિતનું છે. જગત વિશે જુદા જુદા દેશકાળના સર્વ લોકોએ વિચાર કરેલો છે. તદનુસાર તે વિશેની અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

જગતના સ્વરૂપ વિશેના પ્રાચીનતમ ભારતીય ઉલ્લેખો વૈદિક સાહિત્યમાં છે. ઋગ્વેદના નાસદીય સૂક્ત(ઋ. 10-129)માં જગતના સર્જન પૂર્વેની પરિસ્થિતિ આમ વર્ણવાઈ છે :

ત્યારે (સર્જન પૂર્વે) સત્ (ભાવાત્મક) કે અસત્ (અભાવાત્મક) કંઈ ન હતું. સર્વ કંઈને ઢાંકનારું અંતરિક્ષ એટલે કે રજ ન હતું. સમગ્રને પેલે પાર જે કંઈ હોય તે પણ ન હતું (જાણવામાં આવેલું ન હતું). સુખદાયક એવું કંઈ પણ ન હતું. અગાધ ઊંડાણવાળું જળ ન હતું. મૃત્યુ ન હતું તેમ અમૃત (અમરપણું) પણ ન હતું, કે ન હતાં રાત્રિ અને દિવસ. પણ ત્યારેય એ નિર્વાત સ્થિતિમાં પોતાની સ્વધા (નિશ્ચિત અસ્તિત્વ) વડે શ્વસી રહેલું કોઈ એકાકી તત્વ હતું. તે સિવાયનું અન્ય કશુંય ન હતું. તે આભુ (સર્વવ્યાપી વિભુ) તત્વ તુચ્છ – નગણ્ય એવા અંધકારથી ઢંકાયેલું હતું. એ અંધકારમાં આરંભે સર્વત્ર સલિલ વ્યાપ્ત હતું.

એ એકાકી તત્વ પોતાના મહાન તપ વડે વ્યક્ત થયું. પછી તેમાંથી સૌ પહેલો ઉત્પન્ન થયો કામ (તે ‘તત્વને ઇચ્છા થઈ’ – ‘बहु स्यां प्रजायेय’ – હું અનેક થાઉં, પ્રજા ઉત્પન્ન કરું). અને પછી કવિઓએ મનના વીર્યરૂપ તે તત્વને અસત્(અવ્યક્ત)માંથી વ્યક્ત થતું જોયું. તે તત્વ તીરછું, ઊંચે, નીચે સર્વત્ર પ્રકાશિત થયું. આ સૃર્દષ્ટિ ક્યાંથી આવી (ઉત્પન્ન થઈ) એ અન્ય કોણ જાણે છે ? દેવો તો પછી થયા (સર્જન પૂર્વે તે ન હતા). જેમાંથી આ સૃર્દષ્ટિ જન્મી તે તત્વનું અસ્તિત્વ હતું કે નહિ એ કોણ જાણે છે ? પરમ વ્યોમમાં આ સૃષ્ટિનો જે અધ્યક્ષ છે તે કદાચ જાણતો હોય કે ન પણ જાણતો હોય.

આમ સૃષ્ટિનો નિર્માતા, સૃષ્ટિનું ઉપાદાન કારણ, તેનું વૈવિધ્યપૂર્ણ સર્જન, સર્જનપ્રક્રિયા વગેરે વિશેની કંઈ માહિતી આ સૂક્તના ઋષિને નથી. સંહિતાકારના નોંધવા પ્રમાણે આ સૂક્તના દ્રષ્ટા ઋષિ છે પરમેષ્ઠી પ્રજાપતિ. વસ્તુત: આવાં કેટલાંક સૂક્તોના મૂળ ઋષિઓનાં નામ સંહિતાકારથી પણ અજાણ્યાં હતાં. તેથી તેણે તે તે સૂક્તના વર્ણ્ય તત્વને જ ઋષિ તરીકે સ્વીકાર્યું. પુરુષસૂક્ત(ઋ. 1-90)ના ઋષિ, આ રીતે જ ‘નારાયણ’ કહેવાયા છે. વસ્તુત: આવાં સૂક્તોના દ્રષ્ટાઓ અને સૂક્તોના વિચારો એટલા જૂના છે કે સંહિતાકારના સમયમાં પણ તે અજ્ઞાતના ગર્ભમાં લુપ્ત થઈ ગયેલા.

અન્ય એક સૂક્ત(ઋ. 10-72)માં ઋષિ બૃહસ્પતિએ કહ્યું છે કે ‘‘આ સૃષ્ટિ અસત–કોઈ અજાણ્યા તત્વ–માંથી ઉદભવી. તેના કર્તા છે બ્રહ્મણસ્પતિ (સર્વસર્જક ઈશ્વર). લુહાર જેમ ધમણ વડે ધમીને ધાતુના વિવિધ આકારો ઘડે છે તેમ બ્રહ્મણસ્પતિએ દેવોને ઘડ્યા. પછી તેણે દિશાઓ ઉત્પન્ન કરી અને પછી ઘડી કાઢી અદિતિ (અવિભક્ત અવિકૃત પ્રકૃતિ). અદિતિ(પ્રકૃતિ)માંથી સર્જ્યા દક્ષ (પ્રથમ પ્રજાપતિ) અને પછી દેવમાતા અદિતિ અને તેમાંથી ઉત્પન્ન કર્યા દેવો. પછી સર્જ્યા સમુદ્રો અને રેણુ (પૃથ્વીના રજકણો).’’ અહીં આ સૂક્તમાં જગતના સ્રષ્ટાને બ્રહ્મણસ્પતિ કહ્યો અને અદિતિ(પ્રકૃતિ)માંથી સર્વ સર્જન થયું એમ કહ્યું. એ રીતે સર્જક અને સર્જન વિશેના વિચારો વધારે ચોક્કસ થયા.

અઘમર્ષણ ઋષિના સૂક્ત(ઋ. 10.190)માં આ વિશે થોડો વધારે વિચારવિકાસ મળે છે. પરમતત્વે તીવ્ર તપ કરી સર્વપ્રથમ ઋત અને સત્યને સર્જ્યાં. અને પછી રાત્રિ (કેવલ અંધકાર), પછી અમાપ જળવાળો સમુદ્ર, સંવત્સર, અહોરાત્ર વગેરે બધું સૃષ્ટિની ઉત્પત્તિ વખતે અનુક્રમે સર્જ્યું. અને પહેલાંની જેમ (આ પૂર્વે પ્રલયમાં નષ્ટ થયેલાં જગતોમાં હતું તેમ જ) સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી અને સ્વર્ગની રચના કરી. ‘यथापूर्वं’ એ શબ્દ દ્વારા જગતના પુન: પુન: થતા સર્જન-વિસર્જનનો સંકેત ઋષિએ કર્યો છે.

ઉપનિષદોમાં આ વિચાર વધારે ચોક્કસ થયો. છાન્દોગ્ય ઉપનિષદમાં ઋષિએ કહ્યું : ‘सदेव सौम्येदमग्र आसीत्’I — ‘હે સૌમ્ય, સૌ પહેલાં કેવલ સતનું જ અસ્તિત્વ હતું.’

મંત્ર બ્રાહ્મણમાંના આ વિચારો હજી અસ્પષ્ટ અને ક્રમ વિનાના છે. દર્શનોએ આ વિચારો વધારે સ્પષ્ટ કરી સર્જનની પ્રક્રિયા સમજાવી. ચાર્વાક દર્શન અનુસાર ભૂત એટલે કે સ્થૂલ જગતના સર્જન પૂર્વે પૃથ્વી, જલ, તેજ અને વાયુના ગતિરહિત પરમાણુઓનું અસ્તિત્વ હતું. આ પરમાણુઓમાં આકસ્મિક રીતે ગતિ આવી અને એકબીજાની સાથે સંઘટિત થઈ તેમાંથી વિવિધ પ્રકારના પદાર્થોનું સર્જન થયું. નૈયાયિકો અને વૈશેષિકો પણ આમ જ કહે છે. માત્ર એમણે પરમાણુઓની ગતિ ઈશ્વરેચ્છાથી થાય છે એટલું વિશેષ કહ્યું. અને બે અણુ મળી થતો દ્વયણુક અને આગળ ઉપર ત્ર્યણુક, ચતુરણુક આદિના સંઘટનથી મહત્ પરિમાણવાળા જગતનું સર્જન થાય છે એવી પ્રક્રિયા કહી. સાંખ્યમાં પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્વો છે તેમાં પ્રકૃતિમાંના સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો સમભાગે હોય ત્યારે પ્રકૃતિ અવ્યાકૃત રહે છે. પુરુષના અધિષ્ઠાનથી જડ પ્રકૃતિમાંના ગુણોના સમપ્રમાણનો ભંગ થતાં પ્રકૃતિમાંથી સર્જન શરૂ થાય છે અને પહેલું મહત્ પરિમાણ જન્મે છે. ત્યાર પછી અહંકાર, પાંચ તન્માત્રાઓ (પંચ મહાભૂતોના સૂક્ષ્મતમ અણુઓ), મનસહિતની ઇન્દ્રિયો, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો અને તેમાંથી વિવિધ પદાર્થો ક્રમે ક્રમે ઉત્પન્ન થાય છે. સાંખ્યમાં ઈશ્વરતત્વ નથી. યોગદર્શને ઈશ્વરતત્વનો સ્વીકાર કર્યો અને ઈશ્વરેચ્છાથી પ્રકૃતિમાં વિકાર થઈ સર્જન આરંભાય છે એમ કહ્યું.

મીમાંસા દર્શનના મતે સૃષ્ટિ અનાદ્યનંત છે. જૈન મતે પણ સૃષ્ટિ અનાદિ અને અનંત છે, અને પૃથ્વી જળને આધારે રહેલી છે; આકાશ અને પાતાળલોક પણ છે. બૌદ્ધો સૃષ્ટિને પંચભૂતાત્મક અને અનિત્ય તથા વિજ્ઞાનના પ્રવાહરૂપ માને છે. વેદાન્ત મતે ખાસ કરી કેવલાદ્વૈત મતે કેવલ બ્રહ્મ જ એકલું સત્ છે. બ્રહ્મ જ સૃષ્ટિનું ઉપાદાન કારણ છે. કરોળિયો જેમ પોતાનામાંથી જ તેને રહેવાનું જાળું બનાવે છે અને પોતે જ તેને ગ્રસી પણ લે છે, તેમ બ્રહ્મ પોતાનામાંથી જ જગતનું સર્જન કરી અંતે પોતાનામાં જ સમાવી લે છે. તેથી જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે એક આભાસમાત્ર છે અને તેના અસ્તિત્વને સિદ્ધ કે અસિદ્ધ કરી શકાતું નથી. તેમને મતે સૃષ્ટિ પંચભૂતાત્મક છે.

સૃષ્ટિનાં ઘટક તત્વો અને તેમનામાંથી થતા સર્જન વિશે ત્રિવૃત્કરણ અને પંચીકરણ એમ બે પ્રક્રિયાઓ કહી છે. ત્રિવૃત્કરણ અનુસાર પૃથ્વી, જળ અને તેજ એ ત્રણ ભૂતોના પરમાણુઓ મળવાથી વિવિધ પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય છે. તેમાં આ ભૂતોના પરમાણુઓમાં પ્રત્યેકમાં બે અર્ધ થાય. એક અર્ધ અખંડ રહે અને બીજા અર્ધના બે ભાગ થાય. પછી પૃથ્વીના અર્ધ પરમાણુ સાથે જળ અને તેજના એક એક ચતુર્થાંશ પરમાણુ મળે તો પાર્થિવ પદાર્થ ઉત્પન્ન થાય. એ જ રીતે જલ કે તેજના અર્ધ પરમાણુ સાથે અન્ય બે ભૂતોના ચતુર્થાંશો મળે ત્યારે જલીય કે તૈજસ પદાર્થ ઉત્પન્ન થાય. આમ સમગ્ર સૃષ્ટિ પાર્થિવ, જલીય અને તૈજસ પદાર્થોની બનેલી છે. પંચીકરણ અનુસાર પૃથ્વી, જલ અને તેજ ઉપરાંત વાયુ અને આકાશ એમ પાંચ ભૂતોના પરમાણુઓમાં ત્રિવૃત્કરણ જેવી જ પ્રક્રિયા થાય છે. પ્રત્યેક ભૂતના પરમાણુના બે અર્ધ ભાગ થાય. તેમાંના એક અર્ધના ચાર ભાગ થાય. પછી પૃથ્વીના અર્ધ પરમાણુ સાથે જલ આદિના અષ્ટમાંશો મળવાથી પાર્થિવ, જલીય, તૈજસ અને વાયવીય પદાર્થો બને. આકાશીય પદાર્થ બનતો નથી કેમ કે આકાશ વિભુ–સર્વવ્યાપી છે. તેના અણુઓ ન હોય. પાર્થિવ, જલીય, તૈજસ અને વાયવીય પદાર્થોમાં જ ખ એટલે કે રિક્ત ભાગ હોય છે. તે આકાશ છે.

કાલગણના અનુસાર અબજો વર્ષો પછી સૃષ્ટિનો પ્રલય થાય છે. બ્રહ્મા–સર્જકના એક અહોરાત્રનાં 8640 લાખ માનવવર્ષો ગણાયાં છે. તેમાંના અર્ધા ભાગનો દિવસ હોય છે. દિવસ દરમિયાન સૃષ્ટિ હોય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં તેનો વિલય થાય છે. અને ફરી દિવસ શરૂ થતાં જગતનું સર્જન આરંભાય છે. આ એક કલ્પ પર્યન્તનું જગતનું અસ્તિત્વ એ તેની સ્થિતિ કહેવાય. પદાર્થની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ, ક્ષીણતા સુધી જગત હોય અને અંતે તેનો વિનાશ થાય. જેમ સર્જનમાં અણુઓના દ્વયણુક, તેના ત્ર્યણુક એ ક્રમે પદાર્થો ઉત્પન્ન થતા હતા તેમ તે અણુઓમાં અણુ દ્વયણુક આદિ ક્રમથી વિભાગ જુદા પડવાની પ્રક્રિયા થાય ત્યારે અંતે તેમનો વિનાશ થાય. પુરાણો અનુસાર પ્રલયનો આરંભ દીર્ઘકાલીન અનાવૃર્દષ્ટિથી થાય છે. જળને અભાવે મોટા ભાગની સૃષ્ટિ નાશ પામે. પછી સૂર્યનો પ્રચંડ તાપ લાંબા સમય સુધી રહે. તેમાં રહ્યાસહ્યા જીવ-અજીવ પદાર્થો નષ્ટ થાય. અંતે મહાવૃર્દષ્ટિમાં સર્વ જગત ડૂબી જાય. ફરી પાછું જગત ઉત્પન્ન થાય એટલે કે પ્રલયમાં ડૂબેલા અણુ-પરમાણુઓ જળ સુકાયા પછી પુન: સૃષ્ટિ આરંભે છે.

નટવરલાલ યાજ્ઞિક