જગડૂશાહ (આશરે ઈ. સ. 1195થી 1265) : કચ્છનો અતિ શ્રીમંત જૈન વેપારી અને દાનવીર. તે ભદ્રેશ્વરમાં રહેતો હતો. તેનો જન્મ અને અવસાન કઈ સાલમાં થયાં એ જાણવા મળતું નથી. એ લવણપ્રસાદ વાઘેલા, વીરધવલ, વીસલદેવ અને જૈન મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલનો સમકાલીન હતો. તેના પૂર્વજો શ્રીમાળના વતની હતા અને કંથકોટમાં થોડો સમય રહીને ભદ્રેશ્વર (ભદ્રાવતી) આવ્યા હતા. ભદ્રેશ્વર એ સમયે મોટું બંદર હતું. જગડૂના પિતામહનું નામ વરણાગ, પિતાનું નામ સાલ્હ (સોલક) અને માતાનું નામ લક્ષ્મી હતું. જગડૂને રાજ અને પદ્મ નામના બે લઘુબંધુ હતા. જગડૂનાં લગ્ન યશોમતી નામની કન્યા સાથે થયાં હતાં. પિતાનું અવસાન થતાં વેપાર અને કુટુંબની સઘળી જવાબદારી યુવાન જગડૂ પર આવી. જગડૂએ દેશપરદેશમાં વેપાર વધાર્યો અને ખૂબ કમાયો. ઈરાનના હોરમઝ બંદરમાં એની પેઢી હતી. હોરમઝની તેની પેઢીના મુનીમે મુસલમાન વેપારી પાસેથી એક મોટો કીમતી પથ્થર ખરીદ્યો હતો. જગડૂશાહે પોતાની આબરૂ રાખવા બદલ મુનીમને શાબાશી આપી હતી. તે પથ્થરથી તેને ઘણું ધન મળ્યું હતું. એની એક પુત્રી નાની વયમાં વિધવા થઈ હતી. જગડૂની ઇચ્છા એનાં બીજાં લગ્ન કરવાની હતી; પરંતુ કુટુંબની બીજી 2 વિધવાઓએ વિરોધ કરતાં એણે એ વિચાર માંડી વાળ્યો હતો.

જગડૂએ લોકહિતનાં અનેક કામો કર્યાં. એણે આક્રમણકારીઓથી લોકોનું રક્ષણ કરવા ભદ્રેશ્વર શહેર ફરતો કોટ બંધાવ્યો હતો. પોરબંદર પાસેનું હરિસિદ્ધ માતાનું મંદિર એણે મોટો ખર્ચ કરી નવેસરથી બંધાવ્યું. એણે ભદ્રેશ્વરમાં ભવ્ય મંદિરો બંધાવ્યાં. ઉપરાંત, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એણે ઘણી ધર્મશાળાઓ, તળાવો, કૂવા અને મંદિરો બંધાવ્યાં. ભદ્રેશ્વરમાં મુસ્લિમો માટે ખીમલી મસ્જિદ બંધાવી એણે ધાર્મિક ઉદારતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. 1257થી 1259 દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન એણે સંઘરેલા અનાજના ભંડારો ખુલ્લા મૂકીને સમગ્ર પ્રજાને બચાવી લીધી. વિ. સં 1315માં આ ભયાનક દુષ્કાળ પડ્યો હોવાથી તે ‘પનરોતરા કાળ’ તરીકે ઓળખાય છે. પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રમાણે જગડૂશાહે પાટણ આવી રાજા વીસલદેવની વિનંતીને માન આપી પરદેશથી અનાજ મગાવી ગરીબોને મદદ કરી હતી. તેના આ ઉમદા કાર્ય માટે એ લોકસાહિત્યમાં અને લોકમાનસમાં અમર બની ગયો છે. એણે સંઘ કાઢી શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી. ગુજરાતના વાઘેલા રાજા અર્જુનદેવ(1262–1275)ના શાસન દરમિયાન તેનું અવસાન થયું હતું. સર્વાનંદસૂરિએ ‘જગડૂચરિત’ કાવ્યની રચના સં. 1375માં કરી હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી